તારા પાલવમાં જરીના વેલબુટ્ટા થઈ જશે, તું જરા જો લૂછ મારી લાગણીનાં અશ્રુઓ

bride.jpg 

લગભગ બે વરસ થયાં હશે એ વાતને. એક સુસ્ત બપોરે જૂનો મિત્ર એની પંદરેક વરસની પુત્રીને લઈને મને મળવા માટે આવ્યો. સાથે એની પત્ની પણ હતી. ત્રણેયના ચહેરા ઉપર ઉદાસીની કાજળધેરી છાયા પ્રસરેલી હતી. જિંદગીનું મેઘધનુષ એના તમામ રંગો ગુમાવી બેઠું હતું અને મોતની કાળાશ પૃથ્વી ઉપર તરતી અમાસની જેમ છવાઈ ગઈ હતી.‘મામલો શું છે?’ મેં ઔપચારિકતા છોડીને મુદ્દાની વાત છેડી.

‘આ અમારી દીકરી છે ચાંદની. એનું લીવર ખલાસ થઈ ગયું છે. મૃત્યુ નિશ્ચિત છે. છેલ્લા માર્ગદર્શન માટે તમારી પાસે આવ્યા છીએ.’ આટલું કહીને એ બદનસીબ બાપે દીકરીનાં નિદાન અને પરીક્ષણોની ફાઈલ મારા હાથમાં મૂકી. એના મજબૂર મોંમાંથી સરેલાં વાકયો સાંભળીને હું હચમચી ગયો હતો, ફાઈલ વાંચીને લગભગ ધરાશયી થઈ ગયો. એ ફાઈલમાં કાગળો ન હતા, પણ એની લાડકવાઈના સુકાઈ ગયેલા લીવરની કાળોતરી હતી. નજીકના ભૂતકાળમાં થયેલાં ઉપરા-છાપરી મલેરિયાના કારણે ચાંદનીનું લીવર નેવું ટકા જેટલું ખતમ થઈ ચૂકયું હતું. લીવર સિરોસિસની સૌથી મોટી તકલીફ એ હોય છે કે એક વાર જે કોષો મૃત્યુ પામે છે એ ફરી પાછા ‘રી-જનરેટ’ નથી થતાં. લીવર મરે એટલે એના માલિકે પણ મરવું જ રહ્યું.

પણ ચાંદનીને જીવવું હતું. ખૂબ ભણવું હતું. ગરબા, નૃત્ય, અભિનય, પ્રેમ, લગ્ન, દામ્પત્ય, માતૃત્વ, અરમાનોની સીડીનાં અનગિનત પગથિયાં ચડવાં હતાં. જીવનનું નાટક હજુ તો જામી રહ્યું હતું ત્યાં લીવર નામનો દુષ્ટ ખલનાયક અચાનક પડદાની દોરી ખેંચી લે એ કેમ ચાલે? ચાંદનીની સમગ્ર જિજીવિષા એણે મને પૂછેલા આ એક માત્ર સવાલમાં ઠલવાતી હતી, ‘શરદ અંકલ, હું બહુ કમનસીબ છું, નહીં? હું નહીં બચી શકું ને?’

અને મારુ સંપૂર્ણ જુઠ્ઠાણું આ જવાબમાં સમાઈ જતું હતું, ‘ના, બેટા! તું બહુ નસીબદાર છે કેમ કે તું બચી જઈશ. આપણે તારું લીવર બદલાવી દઈશું. હવે તો વિજ્ઞાને કલ્પી ન શકાય એટલી પ્રગતિ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આપણા દેશમાં પણ હવે તો ઉપલબ્ધ છે.’

પછી એ ત્રણેયને લઈને હું કિડની ઈન્સ્ટિટયૂટમાં ગયો. ત્યાંના ડિરેકટર સ્વનામધન્ય ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબને મળ્યો. સાહેબે ફાઈલ વાંચી લીધી, પછી ચાંદનીનું ભવિષ્ય વાંરયું, ‘ઈટ ઈઝ નોટ ડન ઈન ગુજરાત. આ છોકરીનું લીવર બદલવું હોય તો દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં જવું પડે, અથવા તો હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલમાં. આપણે તો કિડનીના પ્રત્યારોપણનું જ કામ કરીએ છીએ.’

‘ત્યાં જઈએ તો ખર્ચ કેટલો આવે?’ ચાંદનીના પપ્પાએ પૂછયું.

‘લગભગ પાંત્રીસ લાખ રૂપિયા.’ ત્રિવેદી સાહેબે આંકડો કહ્યો એની સાથે જ ચાંદનીનાં મમ્મી-પપ્પા ભાં થઈ ગયાં. જે વાત શબ્દોમાં મૂકવી મુશ્કેલ હતી એ એમના વર્તને સહેલી કરી આપી. સમજી તો હું પણ ગયો, સમજી તો ત્રિવેદી સાહેબ પણ ગયા. અને સમજી ગઈ ચાંદની પણ. એની મમ્મી એને જન્મ આપી શકી હતી, એના પપ્પા એને વહાલ આપી શકતા હતા, પણ એ બંને મઘ્યમવર્ગીય મા-બાપ એમના જિગરના ટુકડાને જીવતર આપી શકતાં ન હતાં. ચાંદની એ પછી થોડાક દિવસોમાં જ મૃત્યુ પામી. મારી આટલી જિંદગીમાં કયારેય નથી નીકળ્યો એવો હતાશાનો ફળફળતો નિ:સાસો મૂકીને હું પણ જવા માટે ભો થયો. જતાં-જતાં અવશપણે એક સવાલ મારાથી પુછાઈ ગયો, ‘સાહેબ, વરસે-દહાડે અઢીસોથી ત્રણસો જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટનાં ઓપરેશનો આપણે ત્યાં થાય છે. તો એકાદ ઓપરેશન લીવર ટ્રાન્સપ્લાન્ટનુું કેમ ન થઈ શકે?’ એ સવાલમાં ફરિયાદ હતી, દુ:ખ હતું, આઘાત હતો અને આજીજીસભર ઈશારો હતો. ત્રિવેદી સાહેબે કશો જવાબ ન આપ્યો. મારી સામે જૉઈ રહ્યા. કદાચ જવાબ માટેના શબ્દો નહીં, પણ શકયતાઓ શોધી રહ્યા હતા.

પ્રો. કાર્લ ગ્રોથ અમદાવાદમાં અતિથિ બનીને પધાર્યા. નોબલ પ્રાઈઝ વિજેતા ડૉ. થોમસ સ્ટાર્ઝલ એમના ગુરુ થાય. અર્જુન દ્રોણાચાર્યથી પણ સવાયો સાબિત થયો. ગુરુએ નોબલ પ્રાઈઝ જીત્યું, તો ચેલો એમનાથી પણ આગળ નીકળી ગયો. નોબલ કમિટીનો ચેરમેન બન્યોે. દર વરસે વિશ્વભરમાંથી કોને-કોને નોબલ ઈનામ આપવા જેવું છે એનો નિર્ણય કરનારી સમિતિનો અઘ્યક્ષ બન્યો. આવી જાજરમાન હસ્તી કણાર્વતી મઘ્યે કિડની ઈન્સ્ટિટયૂટના આંગણે પધારી. પ્રસંગ શો હતો? ડૉ. ત્રિવેદીના હસ્તે અપાતો સુશ્રુત એવોર્ડ સ્વીકારવાનો.

ડૉ. ત્રિવેદી સાહેબે તક ઝડપી લાધી, ‘આવો, પ્રોફેસર! તમને અમારી સંસ્થા બતાવું. તમે તો સ્વિડનના સ્ટોકહોમમાં વસતા શ્રીકòષ્ણ છો, પણ અમારી સુદામાની ઝૂંપડીમાં એક ચક્કર તો મારો!’

પ્રો. કાર્લ ગ્રોથ અમદાવાદની કિડની ઈન્સ્ટિટયુટ જૉઈને દંગ રહી ગયા. હસ્યા, ‘લાગે છે કે તમારું મહાભારત નવેસરથી લખાવવું પડશે જેમાં સુદામો શ્રીકòષ્ણ કરતાં તવંગર હોય!’ એમની પ્રશંસા સાંભળીને આસપાસમાં ભેલા પચાસ-સાઠ મહાનુભાવો પણ હસી પડયા, અને પછી તરત જ એમની ગંભીર વાત સાંભળીને એ તમામની આંખો આંસુથી છલકાઈ ગઈ. કરુણતાના નહીં, પણ ગર્વનાં આસુથી.

પ્રો. કાર્લ ગ્રોથે કહ્યું, ‘ડૉ. ટ્રેવ! (આ ધોળિયાવને ત્રિવેદી બોલવામાં તકલીફ પડે!) હું આખી દુનિયામાં ઘૂમી વળ્યો છું , ફકત ત્રણ જ ડૉકટરોને મેં એવા દીઠા છે કે જે એમના દેશ માટે ખૂબ મોટી સેવાનું કામ કરતા હોય, તમે એ ત્રણમાંના એક છો અને સૌથી મોખરે છો!’ ડૉ. ત્રિવેદી સાહેબે આંગળીને બદલે પોંચો પકડી લીધો, ‘પ્રોફેસર, મારે તો હજુ આનાથી પણ વધારે સેવા મારા ગરીબ દેશની ગરીબ પ્રજાની કરવી છે, જૉ તમારો સહકાર મળે તો…’

‘સેવાનું નામ પાડો!’

‘લીવર ટ્રાન્સપ્લાન્ટનાં ઓપરેશનો મારે અમદાવાદમાં કરવાં છે.’

‘તમારા ડૉકટરોને મોકલી આપો. સ્ટોકહોમ ખાતે અમારી વિશ્વવિખ્યાત સંસ્થા કેરેલિન્સ્કા ઈન્સ્ટિટયૂટ આવેલી છે. તમે ચોવીસ કેરેટની લગડી મને સોંપી દો, હું દાગીનો ઘડીને તમને પરત આપીશ!’

પ્રો. કાર્લ ગ્રોથ આમંત્રણ આપીને ચાલ્યા ગયા. ત્રિવેદી સાહેબે એકને બદલે ત્રણ-ત્રણ લગડીઓ મોકલી આપી. એક વહીવટી મહિલા અધિકારી, એક એનેસ્થેટિસ્ટ ડૉ. ભોસલે અને ત્રીજા ડૉ. પ્રાંજલ મોદી જે પોતે સર્જન છે. ફેબ્રુઆરીમાં ગયેલી આ ત્રિપુટી જૂનના અંતમાં પાછી આવી. સામાન્ય રીતે વિદેશમાં શીખવા ગયેલા આપણા ડૉકટરોને ત્યાં માત્ર ઓપરેશનો જૉવાની જ છૂટ મળતી હોય છે. પણ પ્રો. કાર્લ ગ્રોથ ડૉ. પ્રાંજલને વીસ જેટલા લીવર પ્રત્યારોપણનાં ઓપરેશન્સ કરવા દેવાની છૂટ આપી. હાથ બરાબર સાફ કરી આપ્યો.

‘હવે શું?’ આખીએ હકીકત ત્રિવેદી સાહેબના મુખેથી જાણ્યા પછી મારો સવાલ અને બદલામાં સાહેબનો જવાબ, ‘બસ, ટૂંક સમયમાં જ આપણી સંસ્થામાં આપણા દરદીઓનું લીવર પ્રત્યારોપણ આપણા ડૉકટરો દ્વારા શરૂ કરીએ છીએ. હવે પછી એક પણ ચાંદનીની જિંદગીમાં અમાસનું અંધારું નહીં છવાય એ મારું વચન છે.’

‘અને સંપૂર્ણ સારવારનો ખર્ચ?’

‘વધુમાં વધુ પંદર લાખ, અમારી કોશિશ રહેશે કે એ આંકડો દસ લાખ સુધીમાં સમાઈ જાય. એટલાં નાણાં તો ખરચવાં પડે ને, ભાઈ! વહાલનો દરિયો છલકાતો રહે એ માટે દસ લાખ વધારે ન ગણાય!’ પછી ત્રિવેદી સાહેબે દિલની મૂંઝવણ વ્યકત કરી, ‘હું જાણું છું કે જતે દા’ડે આ કામ પણ વધવાનું છે. એને માટે એક આખો માળ નવો બંધાવવો પડશે. પાંચ નવાં ઓપરેશન થિયેટર્સ બનાવવાં પડશે. ટકાની તોલડી તેર વાનાં માગશે. દસ કરોડ રૂપિયા ભેગા કરવા પડશે. એ અમને કોણ આપશે?’

‘એ તો મુદ્દાની વાત કરી, સાહેબ! દસ કરોડ રૂપિયા? અને એ પણ આપણાં દીકરા-દીકરીઓનાં પ્રાણ બચાવવા માટે? કોણ આપે? હા, કોઈ મંદિર બાંધવું હોય તો આવાજ કરજૉ! દસને બદલે સો-બસો કરોડ રૂપિયા ભેગા થઈ જશે!’ મેં અવળવાણી રમતી મૂકી. ત્રિવેદી સાહેબ મંદ-મંદ હસતા રહ્યા. મારી સામે પંચોતેર વરસના સૂટ પહેરેલા સંત બેઠા હતા અને સપનું જૉઈ રહ્યા હતા કે કયારે ગુજરાતની ઉદાર પ્રજા મારી અવળવાણીને ખોટી પાડી બતાવે!

Leave a Reply