હર એકને અહીં આગવો મૂંઝારો મળ્યો છે, તમને એ તમારો ને મને મારો મળ્યો છે

Dr Sharad Thakar

કાંતિ હજી આવ્યો નહીં, કેમ? કેમ? કેમ?’ મેં અકળાઇને ઘડિયાળમાં જોયું. સાંજના સાડા પાંચ વાગવા આવ્યા હતા. બાકીનું બધું જ તૈયાર હતું. ઓપરેશન થિયેટર, ટેબલ, સાધનો ગોઠવેલી ટ્રોલી, ઓ.ટી. સ્ટાફ અને હંુ પણ. જેનું ઓપરેશન કરવાનું હતું એ આદિવાસી મહિલા રાજુડી પણ તૈયાર હતી. છેક સવારથી ભૂખ્યા પેટે. અનાજનો દાણો તો શું, પાણીનું ટીપુંયે પેટમાં નાખ્યા વગર બિચારી તૈયાર થઇને બેઠેલી હતી. એને કહેવામાં આવ્યું હતું કે એનું ઓપરેશન બપોરે સાડા બાર પછી ગમે ત્યારે થશે, પણ સાડા બારને બદલે સાડા પાંચ વાગવા આવ્યા. તોયે ઓપરેશનના કંઇ ઠેકાણાં નહોતાં!

હું પોતે બેચેન હતો. મેં ઓ.ટી. આસિસ્ટન્ટને પૂછ્યું, ‘શું કરીશું, રમણભાઇ? રાજુડીને કહી દઇએ કે એ જમી લે? આજે ઓપરેશન નહીં થાય.’ રમણભાઇ અંગૂઠા છાપ હતા, પણ આ પછાત વિસ્તારમાં બસો ગામડાં વરચે આવેલી એક માત્ર સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લાં બત્રીસ વર્ષથી ઓપરેશન આસિસ્ટન્ટની જવાબદારી નિભાવતા હતા અને હું સ્વાનુભવે કહું છું કે વી.એસ. કે સિવિલ હોસ્પિટલ જેવી વિશાળ, આધુનિક મુલ્કમશહૂર હોસ્પિટલોનાં અધતન ઓપરેશન થિયેટરોમાં સેવા બજાવતી તાલીમપ્રાપ્ત બી.પી.એન.એ થયેલી ઇનચાર્જ સિસ્ટર્સ કરતાં કૌશલ્યમાં અમારા રમણભાઇ ચડિયાતા હતા.

રાજુડીનું મૂળ નામ શું હશે? રાજશ્રી? હોઇ શકે. ‘શ્રી’ એટલે તો લક્ષ્મી. પણ રાજુડીના ઘરમાં લક્ષ્મી કયાંથી હોય? એ તો ગરીબના કૂબામાં પાંગરેલું વગડાઉ ફૂલ હતું. એનું ખરુ નામ રાજુ હોઇ શકે. આ બાજુના આદિવાસી વિસ્તારમાં સ્રીઓનાં નામ ‘રાજુ’ પાડવામાં આવે છે. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઇ’માં રાજુ નામ આવે છે. આ એ જ મલક હતો અને એ જ દરિદ્રતા હતી.

જયારે મેં એને હોસ્પિટલમાં ‘એડમિટ’ કરેલી ત્યારે કહ્યું હતું, ‘રાજુબહેન, તારા પેટનું ઓપરેશન કરવું પડશે. ગાંઠો છે તે કાઢવી પડશે.’ ‘સાયેબ, મારા પેટમાં ગાંઠ સે?’ ‘ગાંઠ નહીં, પણ ગાંઠો. એક નહીં, પણ સાત-આઠ!’ મેં એને ડરાવવા માટે નહીં, પણ એક મેજર ઓપરેશન માટે માનસિક રીતે તૈયાર કરવાના આશયથી સમજાવવા માંડી, ‘તારું આખું ગર્ભાશય નાની-મોટી સાત-આઠ ગાંઠોથી બાળકને રમવાના ઘૂઘરા જેવું થઇ ગયું છે. આખું ગર્ભાશય કાઢી નાખવું પડશે.

એ ડરી ગઇ. કશું બોલી પણ ન શકી. પણ એનો ધણી ચિંતામાં પડી ગયો, ‘તો પછે કાઢી નાખો, સાયેબ! પણ જૉજૉ, મારી રાજુડીને કંઇ થાય નંઇ!’ હંુ રાજુના વર શંકરની આંખોમાં પત્નીપ્રેમને વાંચી શકતો હતો. હિન્દુસ્તાનનાં ગામડાંઓમાં જીવતાં કરોડો ગરીબ, અભણ પતિઓ અને પત્નીઓ એકબીજાને ‘સ્વીટી…હની…કે આઇ લવ યુ ડાર્લિંગ…’ બોલ્યા વગર જ આજીવન ચાહતાં રહે છે. શંકર પણ આવો જ એક પતિ હતો, જેનો સંપૂર્ણ પ્રેમ ‘મારી રાજુડીને કંઇ થાય નંઇ!’ એવા એક માત્ર વાકયમાં અભિવ્યકત થઇ જતો હતો.

પણ રાજુની મુશ્કેલીઓ કરતાં મારી મુશ્કેલીઓ વધારે હતી. હું જયાં નોકરી કરતો હતો એ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ન હતા. દરદીને બેભાન કરવાનું ઇન્જેકશન મારે જાતે જ આપવાનું હતુું અને એની અસર ઊતરી જાય એ પહેલાં ઓપરેશન પૂરું કરી દેવું પડે તેમ હતું. ચાલુ ઓપરેશને દરદીને એનેસ્થેસિયા કોણ સૂંઘાડે? બીજી મોટી તકલીફ ‘બ્લડ’ની હતી. એ સ્થળે ‘બ્લડ બેન્ક’ તો કયાંથી હોય! પણ લોહીના નમૂનાનું ‘ક્રોસ મેચિંગ’ કરી શકે એવી લેબોરેટરી પણ ત્યાં ન હતી. મેં રાજુડીના વરને કહ્યું, ‘શંકર, તારી બૈરી માટે લોહીના બાટલા જૉઇશે.’

‘તો આલી દો! એમાં પૂછવાનું શું?’ ‘અલ્યા, ગાંડા! આ કંઇ ગ્લુકોઝના બાટલાની વાત નથી કે આલી દઉં! આ તો લોહીનો બાટલો ચડાવવાની વાત છે. એના માટે તારે બાજુના મોટા શહેરમાં જવું પડશે. હું રાજુનાં બ્લડનું સેમ્પલ તને આપું, એ લઇને તું સવારે વહેલો નીકળી જા. ત્યાં તને બ્લડ બેન્કવાળા રાજુને ભાણે ખપતું લોહી આપી દેશે. પણ બદલામાં તારે એક બાટલી ખૂન ત્યાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત આ બધી તકનીકી વિધિના સો-બસો રૂપિયા ચૂકવવા પણ પડશે. પણ તું ગમે તેમ કરીને બપોરના બાર પહેલાં પાછો આવી જા. એટલે સાડા બારે હું ઓપરેશન શરૂ કરી દઉં.’

બિચારો અભણ આદિવાસી ગભરાઇ ગયો. નજીકમાં નજીકનું શહેર સિત્તેર કિલોમીટર દૂર આવેલું હતું. ત્યાં જવું એ શંકરને મન અમેરિકા જવા જેવું અઘરું કામ હતું. એણે ખેતરના બે આંબાઓ વેચી નાખીને પાંચસો રૂપિયાનો જૉગ કર્યો. એ રૂપિયા એણે હોસ્પિટલમાં નોકરી કરતા એક ‘સ્માર્ટ’ વોર્ડબોય કાંતિના હાથમાં મૂકી દીધા, ‘કોન્તિભ’ઇ, મારા બદલે તમે જ જાવ ને, ભ’ઇ શા’બ! સો-દોઢસેં તંઇ લોહીવાળા લેશે. પરચી-પરચા બસભાડાના. બાકીના જે વધે ઇ તમે રાખજૉ.’

કાંતિ ‘સ્માર્ટ’ હતો એના કરતાં ‘ઓવર સ્માર્ટ’ હતો. એ આખો દિવસ આવા ભોળા, ગ્રામીણ બકરાઓ જ શોધતો રહેતો. એ પાંચસો રૂપિયા લઇને ઊપડી ગયો. બાર વાગે એણે બ્લડ બોટલ લઇને પાછા આવી જવાનું હતું પણ કાંતિ તો ગયો તે ગયો જ. સાંજના સાડા પાંચ સુધી એ દેખાયો નહીં.

છ વાગ્યા. શિયાળાની સાંજના છ. હું ઓપરેશન મુલતવી રાખવાનો વિચાર કરતો હતો, પણ ઓ.ટી. સહાયક રમણભાઇએ મને વાર્યો, ‘બાઇ બિચારી સવારથી ભૂખી છે. ચાલો, આપણે ભગવાનનું નામ લઇને ઓપરેશન શરૂ કરી દઇએ.’ ‘પણ બ્લડ…? કાંતિ…?’ ‘એ આવતો જ હશે. આપણને આટલું મોટું ઓપરેશન પતાવતાં એક-દોઢ કલાક તો લાગશે જ ને! ત્યાં સુધીમાં તો કાંતિ આવી જશે.’

અમે ભગવાનનું નામ લઇને રાજુડીને ટેબલ ઉપર લીધી. મેં એની કરોડરજજુના બે મણકા વરચે બેહોશ કરવાનું ઇન્જેકશન આપ્યું અને એ સાથે જ અમારા માટે જિંદગી અને મોતનું ‘કાઉન્ટ ડાઉન’ શરૂ થઇ ગયું. ઇન્જેકશનની અસર માંડ સવા કલાક જેટલી ચાલે તેમ હતી. એટલે હું જાણે પાછળ હડકાયું કૂતરું પડયું હોય અને નાસતો હોઉં એવી ઝડપે વાઢકાપ કરી રહ્યો. ત્યાં જ અચાનક બત્તી ગૂલ થઇ ગઇ. ઓપરેશન થિયેટરમાં અંધારુંઘોર. આ વિસ્તારમાં વીજળી ગૂલ થવાની ઘટના સામાન્ય હતી. તાબડતોબ એક વોર્ડબોય એક ટોર્ચ લઇ આવ્યો. એના પ્રકાશના સીમિત શેરડામાં શસ્રક્રિયા ચાલતી રહી. શિયાળો હોવા છતાં બંધ થિયેટરમાં અમને પસીનો છૂટતો હતો. એક વોર્ડબોય પૂંઠાનો વીંઝણો વીંઝીને મને પવન નાખવા માંડયો.

આવી અને આટલી અસુવિધાઓ વરચે મેં આજ સુધીમાં એક નાનું સરખુંયે ઓપરેશન કરેલું નથી, તો પછી કંઇ ઉત્તેજના કે કયા ઝનૂનથી હંુ એ દિવસે આટલું મોટું, આટલું જૉખમી ઓપરેશન કરી શકયો હોઇશ? વિચારું છું ત્યારે એક જ જવાબ મનમાંથી જડે છે: કારણ કે ઓપરેશન શરૂ થઇ ગયું હતું, બત્તી પછીથી ગૂલ થઇ હતી, પલાળેલું મુંડાવવું જ પડે તેમ હતું અને સૌથી મોટી વાત એ હતી રાજુડી ગરીબ આદિવાસી સ્રી હતી અને કદાચ એટલે જ એને સાજી કરવાના પાગલ ઝનૂન સાથે હું એનું ઓપરેશન કરી રહ્યો હોઇશ!

મારા જમા પક્ષે ભગવાન મારી સાથે હતો અને અલબત્ત, રમણભાઇ જેવો આસિસ્ટન્ટ મારી સહાયમાં હતો. માત્ર અનુભવ નામની ઓપન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલા એ અંગૂઠાછાપ આદમીએ એ શિયાળાની અંધારી સાંજે મારા દરેક ‘ઓેપરેટિવ સ્ટેપ’માં અદ્ભુત કૌશલ્ય સાથે સાથ આપ્યો. માત્ર પિસ્તાલિસ મિનિટમાં અમે ઓપરેશન પૂરું કર્યું.

કાંતિ ‘બ્લડ’ લઇને છેક સાડા સાત વાગે આવ્યો. મેં એને ઘઘલાવ્યો ત્યારે એ નફફટ કામચોરે જવાબ આપ્યો, ‘બારથી ત્રણ અને ત્રણથી છ, એમ ઉપરા-છાપરી બબ્બે શોમાં બે ફિલ્લમ જૉઇ આવ્યો. આવાં ઓપરેશનો તો થતાં રહેશે, પણ મને આમ દરદીના પૈસે શહેરમાં જવાનું કયારે મળશે?’

એક અઘ્યાય સુખાંત રીતે પૂરો થયો. આજે જયારે અમદાવાદમાં બેસીને રોશનીના ઝગમગાટમાં, કવોલિફાઇડ આસિસ્ટન્ટ સાથે, એનેસ્થેટિસ્ટની મદદથી’ એરકન્ડિશન્ડ થિયેટરમાં પૈસાદાર દરદીઓનાં ઓપરેશનો કરતો હોઉં છું, ત્યારે મનમાં અનાયાસ પેલી આદિવાસી રાજુડી અમાસની રાતે ચમકતા તારાની જેમ ઝબકી જાય છે. શીર્ષક પંકિત: રઇશ મણિઆર

Leave a Reply