‘ક…ક…ક…કલગી..!’
‘શું છે?’
‘ક…ક…ક…કલગી..!’
‘આગળ બોલ ને! શાહરુખની જેમ હકલાય છે શા માટે? જિંદગીમાં કયારેય છોકરીની સાથે વાત નથી કરી કે શું?’
‘છોકરીઓ સાથે તો બહુ વાતો કરી છે… પ…પણ તારી સાથે નથી કરી.’
કુશનો ગભરાટ જોઇને કલગી ખિલખિલાટ હસી પડી, ‘હું પણ છોકરી જ છું. બીજી બધી છોકરીઓના જેવી. ડરવાની જરૂર નથી. હિંમત રાખીને બોલી નાખ, શું કહેવું છે?’
કુશ કેવી રીતે એને સમજાવે કે પાછલા ચોર્યાશી લાખ જન્મોની સામટી હિંમત ભેગી કરી છે ત્યારે તો આમ ‘ક…ક…કલગી…’ જેટલું બોલી શકાયું છે. બાકી ગર્જના કરતી સિંહણ સામે અવાજ કરતાં મૃગલાને કોઇએ સાંભળ્યો છે?
આમાં કુશનો વાંક ન હતો. આટ્ર્સ કોલેજના પંદરસો છોકરાઓની હાલત કુશ કરતાંયે વધુ ખરાબ હતી. કલગીના વ્યકિતત્વમાં એવું ચુંબકીય ખેંચાણ હતું કે એના પ્રત્યે આકર્ષાયા વગર રહેવાતું ન હતું અને એના મિજાજમાં એવી આગ હતી કે એની પાસે જવાતું ન હતું. બ્રહ્માએ આ છોકરી બનાવતી વખતે સાવ અનોખી રેસિપી વાપરી હશે. ત્રણેય ભુવનમાં વ્યાપ્ત રૂપના કુલ જથ્થા ભેગા કરીને એમાં પૃથ્વી પરનાં તમામ વનો, ઉપવનો, બાગ અને બગીચાઓનાં બધાં જ ફૂલોનો અર્ક ભેળવ્યો હશે. પછી સૃષ્ટિનાં તમામ ગુલાબોની પાંદડીમાંથી શ્રેષ્ઠ ગુલાબી ‘શેડ’ ચૂંટીને એ રંગની ચામડી એ રૂપમહેલ ઉપર મઢી દીધી હશે. પછી એમાં પ્રાણ ફૂંકીને એ પૂતળીને પૃથ્વી પર રવાના કરતી વખતે ભગવાને કહ્યું હશે, ‘કિલ ધેમ ઓલ એન્ડ કમ બેક અલોન! ધરાતલ પર જા, તમામ પુરુષોની કતલ કરી નાખ અને મારી પાસે પાછી આવ!’
અઢાર વર્ષની થતાં-થતાંમાં તો કલગી કોટડિયાએ કત્લેઆમ શરૂ કરી દીધી. એ જયાંથી પસાર થાય ત્યાં પુરુષોની લાશો પડવા માંડી. એને જોઇને ઘાયલ ન થાય એ કાં તો પુરુષ ન હોય, કાં તો એ અંધ હોય! પણ એ જેટલી સુંદર હતી એટલી જ મગજની ફાટેલી હતી. કોલેજના આરંભના દિવસોમાં જે મજનૂઓએ એને છેડવાની હિંમત કરી એ બધાને આ જૉગમાયાનો પરચો મળી ગયો. છંછેડાયેલી કલગીએ એમને જાહેરમાં ફટકાર્યા. પછી તો એનાં નામની ધાક જામી ગઈ. કોલેજના યુવાનો ડાહ્યા-ડમરા, સંસ્કારી બાળકો બની ગયા, મીઠાઈની સામે જુએ ખરા, લલચાય પણ ખરા, પરંતુ ખાવા માટે મીઠાઈની દિશામાં હાથ ન લંબાવે.
આવી તેજમિજાજ કલગી પાસે એક ઘડતી સવારે કુશ જઇને ઉભો રહ્યો. હિંમતની પોટલી વારંવાર છૂટી જતી હતી તે ફરી-ફરીને બાંધી ત્યારે માંડ એટલું બોલી શકયો, ‘ક…ક…કલગી..!’ કલગીનો ‘મૂડ’ અત્યારે કંઈક સારો હોવો જૉઇએ એટલે એને ક્રોધ ચડવાને બદલે રમૂજ પડી, ‘બોલી નાખ, શું કહેવું છે?’
‘તું… તું… ત… તમે… મારી સાથે… મારી બાજુમાં ચાલીને કેન્ટિનમાં કોફી પીવા આવશો?’ આટલું બોલતામાં તો કુશ નિચોવાઈ ગયો. શરીરમાંથી પરસેવાનાં નવાણ ફૂટયાં.
હવે કલગીની આંખ રાતી થઈ, ‘કેમ? હું તારી શું સગી થાઉં છું કે જાહેરમાં બધાના દેખતા તારી સાથે કોફી પીવા આવું? અત્યારે તારી સાથે આટલી વાત કરું છું એ પણ શા માટે એ સમજાય છે તને? એટલા માટે કે આપણે બે એકલાં છીએ અને કોઈ આપણને જોતું નથી. બાકી તારા ગાલ ઉપર કયારનીયે મારા સેન્ડલની છાપ પડી ગઈ હોત! હું તારી પ્રેમિકા છું કે તારી સાથે કેન્ટિનમાં…?’
‘હા. તું મારી પ્રેમિકા છો.’ કુશને પણ સમજ ન પડી કે એનાથી શું, કયારે અને કેવી રીતે આ વાકય બોલાઈ ગયું.
‘શું?!!’ ભઠ્ઠીમાંથી અંગારા ખર્યા.
‘ના… ના… ના…, હું તમારી આગળ આવું નથી કહી રહ્યો… આ તો મારા મિત્રો આગળ… કહ્યું છે… ના, કહેવાઈ ગયું છે… મારાથી… એમાં વાંક મારો જ છે…. મારો… ના, મારતાં નહીં… પણ હું કબૂલ કરું છું…. ભૂલ મારી જ છે.’
કુશની હાલત જૉઇને કલગીને મજા આવી. ખરેખર શું બન્યું હશે એ જાણવામાં એને રસ પણ પડયો. એણે સળગતી ભઠ્ઠી સંકોરી લીધી, ‘મિત્રોની આગળ ડંફાસ મારી દીધી છે, ખરું ને?’
કુશનું મસ્તક ઝૂકી ગયું, ‘હા.’
‘કેમ એવું કર્યું?’
‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ! બીજું શું? મનોજ, કુણાલ, ઉમેશ, શૈલ, આ બધા મિત્રોને એમની આગવી એક-એક ગર્લફ્રેન્ડ છે. એકલા મારે જ કોઈ ગર્લફેન્ડ નથી. બધા મને ચીડવતા હતા એટલે મારાથી બફાઈ ગયું, ‘મારી પણ એક ગર્લફ્રેન્ડ છે. અને એ તમારી બધાની બહેનપણીઓ કરતાં કયાંય વધારે સુંદર છે.’ પછી મિત્રોએ નામ પૂછ્યું, તો મેં બકી નાખ્યું – કલગી કોટડિયા!’
‘તમે કહ્યું અને એમણે સાચું માની પણ લીધું?’
‘ના, સાચું કહું તો કોઇએ સાચું ન માન્યું. મારી પાસે પુરાવાઓ માગ્યા. મેં તમે મને આપેલી બનાવટી ભેટો એમને બતાવી. કી-ચેન, પેન, હાથરૂમાલ… પણ મારા બેટાઓ માને તો ને? કહે કે આ ભેટો કલગીએ આપી છે એની સાબિતી આપ! મેં તારા હાથે લખાયેલો બનાવટી પ્રેમપત્ર દેખાડયો, તો એ લોકો તારા હેન્ડરાઇટિંગ ચકાસવા બેઠા!’
‘પછી?’ કલગીને કુશની કથામાં ખરેખર રસ પડી રહ્યો હતો.
‘પછી શું? મારું મોત! મનોજે પડકાર ફેંકયો – ‘અમને આવા આડકતરા પુરાવાઓમાં રસ નથી. કલગી જો સાચે જ તારી પ્રેમિકા હોય તો આવતી કાલે રિસેસમાં તું એને લઇને કેન્ટિનમાં..!’
‘અને હું ન આવું તો?’
‘તો બે વાતો બનશે. એક, હું મિત્રો આગળ જુઠું બોલતો હતો એમ સાબિત થઈ જશે અને બીજું, હું એક હજાર રૂપિયા હારી જઇશ. મેં મિત્રોની સાથે હજાર-હજાર રૂપિયાની શરત મારી છે.’
‘બસ? માત્ર એક હજાર રૂપિયાની શરત? મારા જેવી કામણગારી કન્યા સાથે કોફી પીવાના ફકત એક હજાર જ? બહુ ઓછા કહેવાય!’
‘તમારા માટે ઓછા હોઈ શકે, કલગી, મારા માટે તો વધારે છે. ઘણા બધા વધારે. વિચારમાં પણ ન પરવડે એટલી મોટી રકમ છે આ. પિતા વગરના પુત્ર માટે આટલા રૂપિયા એટલે એની વિધવા માતાની આંગળીઓમાંથી ટપકતો વર્ષ આખાનો પરસેવો. મારી કોલેજ ફી જ્ઞાતિના ફંડમાંથી નીકળે છે. પુસ્તકો સિનિયર વિધાર્થીઓની દયામાંથી મળી રહે છે. કેન્ટિનનો ખર્ચ પ્રેમાળ મિત્રોની ઉદારતાને આભારી છે. મારા જેવા મુફલિસ વિધાર્થીને તો કલગી નામની પદમણીનાં સપનાં જૉવાનો પણ હક્ક નથી હોતો. આ તો કો’ક કાળ ચોઘડિયે મારાથી શરત મરાઈ ગઈ… પણ એવું ન બને કે હજાર રૂપિયા હારવાની બીકે મારે આપઘાત કરવો પડે.’
‘આપઘાત નહીં કરવો પડે, કુશ! આજે રિસેસમાં હું કોફી પીવા માટે આવીશ. તારી સાથે આવીશ. તારી અડોઅડ બેસીને હું કોફી માણીશ. અને એનું બિલ પણ હું ચૂકવીશ પણ એક શરત છે, મારી આ ઉદારતા પહેલી વારની અને છેલ્લી વારની હશે. ભવિષ્યમાં મારી સાથે સંબંધ વધારવાની ગુસ્તાખી ન કરતો અને કેન્ટિનમાં જયાં સુધી આપણે સાથે હોઇએ ત્યાં સુધી સંયમ અને સજજનતાપૂર્વક વર્તન કરજે. બિહેવ લાઇક એ પરફેકટ જેન્ટલમેન.’
અને એ દિવસની રિસેસ કોલેજિયનોના માથે કયામત બનીને તરી. આત્મવિશ્વાસના અવતાર જેવો કુશ અને એનું પગલે-પગલું દબાવીને ચાલી રહેલી કલગી એવાં શોભતાં હતાં જાણે ઇન્દ્ર-ઇન્દ્રાણીનું જોડલું!
ઁઁઁ
એક અઠવાડિયા પછી ઉધોગપતિ કાંતિલાલ કોટડિયાની વિશાળ ચેમ્બરમાં ભેલો કુશ અંદરથી અને બહારથી થરથરી રહ્યો હતો. શેઠજી એને પૂછતા હતા, ‘ગયા ગુરુવારે મારી દીકરી સાથે કેન્ટિનમાં તમે જ હતા?’
‘હા જી, સર! મ…મ… મારી ભૂલ થઈ ગઈ.’
‘ભૂલ તો થઈ છે જ અને ભારે મોટી થઈ છે. શહેરભરમાં વાત ફેલાઈ ગઈ છે કે શેઠ કાંતિલાલની કલગી કોઈ ગરીબ વિધવાના દીકરાની જૉડે પ્રેમમાં પડી છે. એમાં તમારે શું? પણ મારે તો ઘણું બધું વિચારવું પડે. આ વાત ભવિષ્યમાં કલગીના સંસારને સળગાવી મૂકે. એનો ભાવિ પતિ કેવો નીકળે એની કોને ખબર? તમે મારેલી શરતની વાત શીરો થોડો છે કે એના ગળે તરી જાય? અરે, મારા પોતાના જ ગળે નથી તરતી તો? હું મારી દીકરીને બરાબર ઓળખું છું. એના દિલમાં જૉ તમારા માટે પ્રેમ ન હોય તો એ કયારેય કેન્ટિનમાં કોફી પીવા તૈયાર જ ન થાય. તમે હારેલા હજાર રૂપિયા એ પોતે ચૂકવી દે! માટે જ મેં નિર્ણય કર્યો છે કે તમારી સાથે…’
‘અરે, પણ મારી પાસે તો જરૂર જેટલા પણ પૈસા નથી!’ કુશ દલીલ કરવા ગયો પણ શેઠે અટકાવ્યો, ‘ચિંતા ન કરો. મારી પાસે જરૂર કરતાં અનેક ગણાં વધુ રૂપિયા છે. હા, તમને જો કલગી ન ગમતી હોય તો તમે ના પાડી શકો છો!’
- શીર્ષક પંકિત : ધૂની માંડલિયા
Filed under: ડો. શરદ ઠાકર
