ચિરાયુ જમવા માટે ખુરશીમાં ગોઠવાયો અને ચિનારે થાળીમાં એક પછી એક વાનગી પીરસવાનું શરૂ કર્યું. વલસાડી હાફૂસ કેરીનો રસ, બે પડવાળી ઘીમાં ઝબોળી રોટલી, બટાકાનું શાક, મેથીના ગોટા, ચટણી, પાપડ, આથેલા મરચાં અને કાકડી-ટમેટાનું કચુંબર. એને ખબર હતી કે પતિદેવને કારેલાનું શાક નથી ભાવતું એટલે તો એણે ખાસ ચિરાયુ માટે બટાકાનું શાક રાંઘ્યુ હતું. પણ તેમ છતાં પોતાના માટે બનાવેલ કારેલાના શાકમાંથી એક ચમચી જેટલું પતિની થાળીમાં પિરસતાં એ જાતને રોકી શકી નહીં.
ચિરાયુની પહેલી નજર કારેલાના શાક ઉપર જ પડી. એ સાથે જ એણે ત્રાડ પાડી, ‘મારા ઘરમાં આવ્યે તને કેટલાં વરસ થયાં?’ ‘બે.’ જવાબ આપતામાં જ ચિનાર ધ્રૂજી ગઇ. એને ખબર હતી કે ચિરાયુની આ શૈલી હતી, પહેલાં બે સવાલ ફટાકડાની જેમ પૂછવાના અને પછી ત્રીજા સવાલે અણુવિસ્ફોટ કરવાનો.
‘આ શેનું શાક છે?’ બીજો ફટાકડો ફૂટયો. ‘કારેલાનું.’
‘ગધેડી! તને ખબર નથી કે હું કારેલાને હાથ નથી લગાડતો? તારી મા પણ આવું જ કરતી હતી? તારા બાપને ભૂખે મારતી’તી?’ ચિરાયુની બદમિજાજી જોઇ-સાંભળીને ચિનાર ખળભળી ઉઠી. કોઇ પતિ પોતાની પત્નીનું આ રીતે અપમાન કરી શકે ખરો? એના પપ્પા પણ પુરુષ હતા, એ તો પોતાની દીકરીને કેટલું બધું ચાહતા હતા!
પણ ચિરાયુ કયાં ફકત પુરુષ હતો! એ તો પતિ હતો, નાથ હતો, એક ભારતીય અબળા નારીનો પરમેશ્વર હતો. અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી લેવા માત્રથી એને ચિનારનું અપમાન કરવાના, એનું શરીર ચૂંથવાના એને ખખડાવવાના, ધમકાવવાના અને તાડન કરવાના ‘મલ્ટીપલ વિઝા’ મળી જતા હતા!
કામ એક જ હતું, પત્નીનું અપમાન કરવાનું અને બહાનાં, નિમિત્તો અને પ્રસંગો અસંખ્ય હતા. એક બપોરે કોઇના લગ્નમાં જમવા માટે જવાનું હતું. ચિનારની કઝીન પરણી રહી હતી. ચિનારે બે કલાક તો બ્યૂટીપાર્લરમાં ખર્ચી નાખ્યા. ઘરે આવીને સાડી પહેરવામાં બીજો એક કલાક લીધો. પિયરમાંથી આપેલી મોંઘી સાડી એવી તો છટાદાર રીતે ધારણ કરી કે એને તૈયાર કરવા માટે આવેલી પડોશની સખીઓ પણ એના ઠસ્સાથી અંજાઇ ગઇ.
બપોરના બાર વાગ્યા. ચિરાયુ આવ્યો. રાજરાણી જેવી પત્નીને જોઇને હરખાવાને બદલે એ ક્રોધથી લાલપીળો થઇ ગયો, ‘આ શું પહેર્યું છે? સાડીમાં તો તું મોટી આન્ટી જેવી લાગે છે! અને આ અંબોડો વાળવાનું તને કોણે સૂઝાડયું?’
‘પણ ચિરાયુ, લગ્નમાં તો આમ ભારે- ભરખમ જ દેખાવાનું હોય.’ ચિનારે પતિને સમજાવવાની કોશિશ શરૂ કરી, પણ ભારતનો કયો પતિ એની પત્નીની વાત સાંભળે છે, તે ચિરાયુ સાંભળે! એણે તો દુ:શાસનની જેમ ચિનારની સાડી ખેંચી કાઢી. અંબોડો વિંખી નાખ્યો. હતપ્રભ બની ચૂકેલી ચિનાર રડી પડી. એનાં બેબસીભર્યા આંસુઓમાં એનો મેકઅપ ખરડાઇ ગયો. લિપસ્ટીક ચેરાઇ ગઇ. રડતી આંખે એણે પૂછી લીધું, ‘સાડી નહીં, તો હું બીજું શું પહેરું?’
‘આ તે કંઇ પૂછવા જેવો સવાલ છે? આપણે યંગ છીએ, એટલે કપડાં પણ આપણી યુવાનીને શોભે તેવાં જ હોવાં જોઇએ. જીન્સ અને ટી-શર્ટ પહેરી લે!’ ચિરાયુએ વટહુકમ જારી કર્યો. બિચારી ચિનાર! ચિરાયુએ ચિંધેલા જીન્સ-ટીશર્ટ ચડાવીને એ જયારે લગ્ન સમારંભમાં જઇ પહોંચી, ત્યારે એવી તો છોભીલી પડી ગઇ કે કોઇની સામે નજર પણ ન માંડી શકી. કીમતી સેલા, ચોલી ડ્રેસ, ઘરારા, શરારા, રેશમી બાંધણીઓ અને જરદૌસી વર્કવાળી મોંઘી સાડીઓમાં શોભતી સ્ત્રીઓની ભીડમાં એ એકલી હંસલીઓના ટોળામાં કાગડીની જેમ અલગ તરી આવતી હતી.
ધીમે-ધીમે એને ચિરાયુની પસંદ-નાપસંદ કાઠે પડતી ગઇ. એ હાથમાં મહેંદી મૂકાવે, તો ચિરાયુ ચિડાઇ જતો, ‘આ શું બૈરીવેડા કરે છે?’
‘પણ હું બૈરી તો છું!’
‘હા, બૈરા ખરી, પણ એકવીસમી સદીની. હવે જમાનો મેનિકયોર-પેડિકયોરનો ચાલે છે. આ મહેંદી-ફેંદી જામતાં નથી હવે!’
જો ચિનારને કો’ક દિવસ કાઠિયાવાડી ભોજન માણવાનું મન થાય, તો પણ એ માણી શકે નહીં. ચિરાયુ કાઠિયાવાડી બાપુની જેમ ધખી ઉઠે, ‘આ શું બનાવ્યું છે? રોટલા, ચટણી, રીંગણનો ઓળો ને છાશ! આ તે કંઇ ખાવાની ચીજો છે? ચાઇનિઝ બનાવ અને આ રોટલા કૂતરાને ખવડાવી દે!’
ચિનાર બદલાતી ગઇ. સ્વેરછાથી નહીં, પણ જોરજુલમથી ત્રાસીને. સવારના ચા-નાસ્તાથી માંડીને ભોજન સુધી, કપડાંની ફેશનથી લઇને ફરવાના સ્થળોની પસંદગી સુધી, ટી.વી. ચેનલના કાર્યક્રમોથી માંડીને કઇ ફિલ્મ જોવી અને કઇ ન જોવી એ બધું ચિરાયુ જ નક્કી કરી આપે. ચિનારે તો શિયાળામાં જેમ કોઇ સ્વેટર ધારણ કરી લે એવી જ સહજતાથી મન ઉપર ચિરાયુની મરજીને ચડાવી લેવાની! કદાચ આવા સમાધાનોનું જ બીજું નામ લગ્નજીવન હશે!
પૂરા પાંચ વર્ષ વીતી ગયાં. એક સાંજે ચિરાયુએ પ્રેમથી ચિનારને પોતાની પાસે બોલાવી. આજે એ સારા મૂડમાં જણાતો હતો. ઓસરીમાં બાંધેલા હિંચકા પર પત્નીને પોતાની બાજુમાં બેસાડીને એણે પ્રેમપૂર્વક પૂછ્યું, ‘હમણાં છ એક મહિનાથી તું તારા મમ્મી-પપ્પાને મળવા ગઇ નથી. પિયર યાદ નથી આવતું કે શું?’
‘યાદ તો ખૂબ આવે છે, પણ હું પિયર જાઉં એ તને ગમતું નથી ને!’
ચિરાયુ હસ્યો, ‘કેમ એમ બોલે છે? તું જો મારી બધી જ વાત માનતી હોય, તો હું પણ તારી ઇરછાને કેવી રીતે અવગણી શકું? આ શનિ-રવિએ જઇ આવ!’
‘તું મૂકવા આવીશ મને? મને જોઇને મમ્મી ખુશ થશે અને તને જોઇને પપ્પા.’
‘મને સમય નથી. આખું અઠવાડિયું કામ કરીને થાકી ગયો છું. ગાડી લઇને ડ્રાઇવર તને મૂકી જશે.’ ચિરાયુએ ઉદારતા દર્શાવી. ચિનારનું પિયર એ જ શહેરમાં હતું. પતિના ઘરથી દસ કિલોમીટર દૂર. શહેરના બીજા છેડે.
શનિવારે સવારના પહોરમાં જ એ રવાના થઇ ગઇ. મમ્મી એને જોઇને રાજી-રાજી થઇ ગઇ, ‘બેટા, ખુશ તો છે ને? ચિરાયુ કુમારનો સ્વભાવ હજુયે…?’
‘ના, મમ્મી! લાગે છે કે હવે એ ધીમે-ધીમે સુધરતા જાય છે. જો ને, આજે એમણે સામે ચાલીને મને અહીં રહેવા માટે મોકલી આપી. બીજો બધો ત્રાસ હજુ ચાલુ જ છે, પણ મને લાગે છે કે એ બધું પણ ઝડપથી ઠીક થઇ જશે.’
‘પણ એમના જમવાનું અને ચા-નાસ્તાનું શું થશે?’ ‘એ બધી ચિંતા છોડ, મમ્મી! મને ખબર છે કે તું તો જમાઇને માટે અહીંથી ટિફીન મોકલાવે તેવી છે. પણ ચિરાયુને કોફી બનાવતા આવડે છે. રસોઇ કરવા માટે બાઇ આવે જ છે અને નાસ્તાઓના ડબ્બાઓ પણ ભરેલા છે.’
બે દિવસ તો ચપટી વગાડતાંમાં નીકળી ગયા. સોમવારે સવારે ચિનારને ડ્રાઇવર એનાં ઘરે મૂકી ગયો. ચિરાયુ તો ઓફિસે ચાલ્યો ગયો હતો. ઘરની હાલત જોઇને ચિનાર હસી પડી. બધું જ અસ્ત-વ્યસ્ત હતું. રસોડામાં એંઠા વાસણોનો ઢગલો પડેલો હતો. વોશબેઝિનનો નળ ખુલ્લો હતો. ટાંકીમાં પાણી ખલાસ હતું. ફ્રિજ ચાલુ હોવા છતાં દૂધની તપેલી બહાર પડી હતી અને દૂધ ફાટી ગયું હતું. રસોડાની બારી ખુલ્લી રહી ગઇ હતી અને એક વાંદરો સળીયાની વરચેથી હાથ નાખીને શાકની ટોપલી ખેંચી રહ્યો હતો.
સૌથી પહેલું કામ ચિનારે એંઠા વાસણો સાફ કરવાનું શરૂ કર્યું. કામવાળી બાઇ કોણ જાણે કયારે આવે! જેવી એ કપ-રકાબીને અડવા ગઇ, એવી જ ચોંકી ગઇ. બે કપમાં ચાના અવશેષો હતા અને નાસ્તાની બે ડીશોમાં બટાકા-પૌંઆના વધેલા દાણા! ચિનાર સન્ન રહી ગઇ. ચિરાયુ જિંદગીમાં ચા કયારેક પીતો ન હતો અને બટાકાપૌંઆ જોઇને તો આગનો ભડકો બની જતો હતો! આનો મતલબ એ કે એણે આ બંને ચીજો ખાધી-પીધી છે, પ્રેમથી આરોગી છે અને કોઇની સાથે આરોગી છે. દેખીતું છે કે એ ‘કોઇ’ એને ગમતી વ્યકિત જ હોવી જોઇએ. ચિનાર આખા ઘરમાં ફરી વળી. બેડરૂમમાં પ્રસરેલી અજાણ્યા પરફયૂમની હજુ પણ આછી-આછી ફોરમ, ડાઘાવાળી ચાદર, ઓશિકા હેઠળ પડેલું અજાણ્યું હેયર-બેન્ડ, નાના-નાના મુદ્દાઓ ભેગા મળીને આખી વાર્તા રચી આપતા હતા.
ચિનાર પોક મૂકીને રડી પડી, ઓ મમ્મી રે! હવે મને સમજાયું કે ચિરાયુ શા માટે સામે ચાલીને મને પિયરમાં મોકલી રહ્યો હતો! મેં બધાં સમાધાનો સ્વીકારી લીધાં, પણ આ છેલ્લું સમાધાન હું નહીં સ્વીકારી શકું. મમ્મી, હું આવું છું… તારી પાસે… કાયમ માટે…!’
(શીર્ષક પંકિત : ધૂની માંડલિયા)
Filed under: ડો. શરદ ઠાકર