કાળો સીસમ જેવો વાન. કોલસો એની પાસે ઊજળો લાગે. દેહ પાતળો એટલે હાડપિંજર જેવો. આંખો ફિક્કી, દાંત પીળા, આવી ‘દેહસમૃદ્ધિ’ સાથે એ મુસ્લિમ સ્ત્રી એક સવારે મારા કન્સિલ્ટંગ રૂમમાં આવીને બેસી ગઇ, ‘સા’બ, ઔલાદ નહીં હૈ. શાદી કે સાઢે છેહ સાલ હો ગયે.’
એની વાત સાંભળીને મને થયું કે ઉપરવાળો માલિક ખરેખર અક્કલવાળો છે, એ જે કરે છે તે સમજી-વિચારીને કરે છે. આ બાઇની પાસે પોતાને ખાવા પૂરતું અનાજ હોય એમ લાગતું નથી, તો એનાં બાળકને શું ખવડાવશે? એવું વિચારીને જ કદાચ જગન્નિયંતાએ એની ગોદ ખાલી રાખી હશે.
‘નામ?’
‘બિલકિસ ઇલિયાસ અન્સારી.’
‘દરજીકામ?’ મને ‘અન્સારી’ અટકનો પૂરતો અનુભવ હતો.
‘હાં, સા’બ! મેરા ઘરવાલા શર્ટ કા કારીગર હૈ. કિસી કી દુકાનમેં કામ કરતા હૈ. રોજકા ચાલીસ રૂપિયા મિલતા હૈ.’
હું મનોમન ગણતરી માંડી રહ્યો હતો. રોજના ચાલીસ એટલે મહિનાના બાર સો. એમાં ચાર દિવસ રજાના કાપી લેવાના. બીમારીના પણ બાદ કરી નાખવાના. હજાર રૂપિયામાં શું ખાતા હશે આ લોકો? પાછા ગરીબના ઘરમાં માણસો પણ વધારે હોય. હતા જ. બિલકિસે આપેલી માહિતી, ‘સાસ હૈ. સસૂર હૈ. દો દેવર હૈ, એક નનંદ હૈ.’
તાળો મળી ગયો. હાડકાંના માળા જેવા શરીરનો તાળો મળી ગયો અને આંખોની ફિક્કાશનો પણ. શી વોઝ એ કેસ ઓફ સિવીઅર માલન્યૂટિ્રશન.
‘તમે કંઇ કામ કરો છો કે નહીં?’ મેં પૂછ્યું.
‘કરતી હૂં ના. ઘરકામ કરતી હું. સાત બંગલે કા ઝાડું-પોતાં, કપડે-બર્તન મૈં કરતી હૂં.’ બિલકિસ હસી. હું એનાં ગંદા, પીળા દાંત સામે જૉઇ રહ્યો. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનો વિચાર જન્મતાંવેંત મરી ગયો. એટલા પૈસા કયાંથી કાઢવા? આટલા બધા બંગલાઓમાં સવારથી સાંજ, પાંચ-પાંચ, સાત-સાત ઓરડાઓની સાફસૂફી કરીને શરીર હાડપિંજર ન બની જાય તો બીજું શું થાય! માનવદેહમાં ચરબીના કોષો હોઇ શકે છે એ હકીકત બિલકિસની બાબતમાં ખોટી ઠરતી હતી.હાડકાંની ઉપર સીધી જ ચામડી મઢી દીધી હોય એવી સ્થિતિ હતી.
‘મારી પાસે આવતાં પહેલાં બીજે કયાંય તપાસ, સારવાર કરાવેલી છે?’ મારો પ્રશ્ન. જવાબમાં એણે થીગડાંવાળી થેલીમાંથી એક ફાઇલ કાઢીને મારા હાથમાં મૂકી દીધી. હું ઘ્યાનપૂર્વક ફાઇલ થલાવી ગયો. સોનોગ્રાફી, ઓવ્યુલેશન સ્ટડી, લેપ્રોસ્કોપી, હોર્મોન્સના ટેસ્ટ્સ, ઘણું બધું થઇ ચૂકેલું હતું. પાંચ-સાત ગાયનેકોલોજિસ્ટ્સનો હાથ-બદલો થઇ ગયો હતો. દવાના કાગળો, પરીક્ષણો અને ફાઇલની જાડાઇ કહી આપતી હતી બિલકિસની પાંચેક વરસની મજૂરી આમાં ખરચાઇ ચૂકી હશે, અને તેમ છતાં આ દુખિયારી સ્ત્રીની ધ્રુવપંકિત હજુ પણ એની એ જ હતી: ‘હમેં ઔલાદ ચાહિયે.’
મેં ફાઇલનો છેલ્લો અને સૌથી જૂનો રિપોર્ટ વાંરયો. એના પતિનો સિમેન રિપોર્ટ હતો. હું ચોંકી ગયો, ઇલિયાસના રિપોર્ટમાં અલ્પશુક્રાણુતાની તકલીફ હતી. આનો મતલબ એ જ કે બિલકિસના શરીરમાં કશી જ ખામી ન હતી. એને સારવારની પણ કશી જરૂર ન હતી. સારવાર માત્ર એના ધણીને આપવાની હતી. અમારા તબીબીશાસ્ત્રમાં પણ અમને આ જ વાત શિખવવામાં આવે છે. કરુણતા એ વાતની હતી કે એક પણ ડોકટરે ઇલિયાસ માટે એક પણ ગોળી પ્રિસ્ક્રાઇબ કરેલી ન હતી, અને આ ઝૂંડમાં ત્રણ-ચાર નામો તો અમદાવાદના જ નહીં, પણ સમગ્ર ગુજરાતના મોટા, નામાંકિત, ઇન્ફર્ટિલિટી એકસપટ્ર્સ હતા!
મેં પહેલું કામ ઇલિયાસ માટે દવાઓ લખી આપવાનું કર્યું. પછી થોડી સમજણ, થોડું આશ્વાસન અને ઢેર સારી શુભેરછાઓ.
હું માનું છું કે દવાઓ કામ કરી ગઇ, બિલકિસ માને છે કે એ શુભેરછાઓની કમાલ હોવી જોઇએ. ચાર મહિના પછી એ પાછી મારી પાસે આવી ત્યારે ભરેલી-ભરેલી હતી.
‘બિલકિસ, આજ સે તેરા ઘરકામ કરના બંદ. ઔર આરામ શરૂ.’ મેં સલાહ આપી. આનો સીધો અર્થ એ થતો હતો કે એનાં ઘરની આવક બંધ અને જાવક શરૂ, પણ એણે હસીને માથું હલાવ્યું. પછી બોલી, ‘કિતને રૂપયે દેણે કે, સાબ?’
મેં એને મારી રૂટિન ફીની રકમ જણાવી, ‘મગર તુમ જૉ દેના હો, વો દે સકતી હો.’ એવું પણ કહ્યું. બિલકિસ એની ઓઢણીના છેડામાં બાંધેલી ગંદી, ચોળાયેલી કરન્સી નોટ કાઢીને મારા હાથમાં મૂકી ગઇ. એ રૂપિયા નહોતા, પણ એનો પરસેવો હતો. મને આશ્ચર્ય એ વાતનું થયું કે એણે મારી આપેલી છૂટછાટનો કોઇ ફાયદો શા માટે ન ઉઠાવ્યો!
અને પૂરા મહિને એક દિવસ મધરાતે સાડા બાર વાગ્યે હું ભારત અને ઓસ્ટ્રેલિયા વરચેની ટ્વેન્ટી-ટ્વેન્ટી વલ્ર્ડકપની મેચ જોતો બેઠો હતો, ત્યારે એ લેબર પેઇન્સ સાથે મારા નર્સિંગ હોમમાં દાખલ થઇ.
મેં એને અને ઇલિયાસને સમજાવ્યું, ‘આમ જુઓ તો બધું જ બરાબર છે. બિલકિસનું બ્લડપ્રેશર, બાળકના હૃદયના ધબકારા, પ્રસૂતિની પીડા આ બધું જ નોર્મલ છે, પણ તકલીફ એક જ છે, બિલકિસની ચાઇ માત્ર સવા ચાર ફીટ છે. આને કારણે પ્રસૂતિમાર્ગ સાંકડો હોવાને લીધે કુદરતી રીતે સુવાવડ શકય નથી. એનું સિઝેરીઅન કરવું પડશે. તમે એને એલ.જી.હોસ્પિટલમાં કે સિવિલમાં લઇ જાઓ. એક પણ પૈસાનું ખર્ચ નહીં થાય.’
‘નહીં સા’બ! આપ ખર્ચેકી ચિંતા ન કરો. અપના કામ શરૂ કર દો.’ આ વાકય ‘સોલો’ નહીં, પણ ડયુએટ હતું. મહિને દહાડે હજાર રૂપરડીમાં ગુજરાન ચલાવતાં ગરીબ, મુસ્લિમ પતિ-પત્નીએ ગાયેલું ડયુએટ.
આઘાત, આશ્ચર્ય અને ચિંતાના ત્રિવિધ ભાવો વરચે મેં ઓપરેશનની તૈયારી શરૂ કરી. લગભગ બેથી અઢી હજારની દવાઓ, પંદરસો રૂપિયા એનેસ્થેસિયાના, સિઝેરીઅનનો ચાર્જ અને હોસ્પિટલાઇઝેશન, બધું મળીને મામલો હજારો રૂપિયાનો થવા જતો હતો. કયાંથી લાવશે બિલકિસ આટલા બધા રૂપિયા. એને પાછળથી આંચકો ન લાગે એટલા માટે મેં સામે ચાલીને એને ખર્ચનો અંદાજ કહી આપ્યો.
જવાબમાં: ‘કોઇ બાત નહીં, સા’બ! દેખા જાયેગા!’ અને પછી પીળા દાંતોનું એ જ પરિચિત ફિક્કુ સ્મિત.
ઓપરેશન બહુ ઝડપથી અને બહુ સરસ રીતે પતી ગયું. સુંદર, નવજાત દીકરો મેં બિલકિસના ધણીના હાથમાં મૂકયો. પછી વણમાગી રાહત આપતાં કહ્યું, ‘આ એનેસ્થેટિસ્ટ ડોકટરસાહેબ પંદરસો રૂપિયા લે છે, પણ તમે એક હજાર આપશો તો ચાલશે.’
ઇલિયાસે અગિયારસો કાઢીને ડો. તુષાર શાહના હાથમાં મૂકી દીધા. દવાઓ મેં જેટલી લખી આપી એ બધી જ લઇ આવ્યો. ન કોઇ પૂછપરછ, ન દલીલબાજી. સાત દિવસ સપનાની માફક ડી ગયા. પેટના ટાંકા કાઢીને મેં બિલ એના ધણીને આપ્યું. ખરાખરીનો મામલો હવે જ હતો. નદીની આ તરફના અમારા વિસ્તારમાં સિઝેરીઅનનંા બિલો બહુ મોટાં નથી હોતાં, પણ એ એટલાં બધાં નાનાં પણ નથી હોતાં જેને જોઇને ગરીબ દરદી બેભાન ન થઇ જાય.
પણ ન બિલકિસ બેભાન બની, ન ઇલિયાસ. શાંતિથી કાગળમાં લખેલી રકમ વાંચીને બંને બહાર નીકળી ગયાં. એમની પીઠ ઉપર મારા શબ્દો અથડાયા, ‘આ તો માત્ર બનાવવા ખાતર જ બિલ બનાવ્યું છે, તમારે જેટલા આપવા હોય એટલા…’
સાંજે આવીને એ લોકો પૂરી રકમ ચૂકવી ગયાં. સાથે પેંડાનું બોકસ હતું. હું અજંપાગ્રસ્ત હતો. સારા-સારા પૈસાદાર માણસો બિલ ચૂકવતી વખતે કચકચ કરી જતા હોય છે. ગાડીઓ અને બંગલાવાળા માણસો બસો-પાંચસોની ખેંચતાણ કરતાં રડી પડતાં મેં જૉયેલા છે. ત્યારે હિન્દુસ્તાનના સૌથી દરિદ્ર ગણાય એવાં તળિયાનાં આ સ્ત્રી-પુરુષ કઇ તાકાત ઉપર મારું પૂરું બિલ ચૂકવીને જતાં હતાં? હું સામેથી કન્સેશન આપવા તૈયાર, બલકે તલપાપડ હતો, તો પણ…? કઇ તાકાત ઉપર? કઇ તાકાત ઉપર?
‘તાકાત પર નહીં, સા’બ, ખુશી પર! વર્ના હમારી ઔકાત હી કયા હૈ?’ બિલકિસ પહેલી વાર ફિક્કું હસવાને બદલે ધોધમાર રડી પડી, ‘સા’બ, હમેં બસ એક ઔલાદ ચાહિયે થી, જù આપને દે દી. પૈસા તો હાથ કા મેલ હૈ, સા’બ, પૂરી જિંદગી પસીના બહાતે રહેંગે, મેલ નિકલતા રહેગા.’ત્યારે મને પૃથ્વી પરનું શાશ્વત સત્ય સમજાયું, કોઇ પણ દંપતી માટે સૌથી મોટું ઐશ્વર્ય સંતાન હોય છે. જગતની સૌથી ધનવાન સ્ત્રી જયારે ઠીને જઇ રહી હતી, ત્યારે મેં એને રોકી, ‘ભી રહે, બે’ન! તું માગતી ભલે ન હો, પણ હું સામે ચાલીને આપું છું. આ રાહત નહીં, પણ મારો રાજીપો છે. લઇ લે, ના ન પાડીશ. તારા બરચા માટે કામ લાગશે.’
હું બિલની રકમમાંથી થોડીક નોટો જયારે બિલકિસના હાથમાં મૂકી રહ્યો હતો ત્યારે કશીયે સમજણ વગર પણ એનું નિર્દોષ બાળક હસી રહ્યું હતું. એવું હાસ્ય તો ધીરુભાઇ અંબાણીના દીકરાઓ દસ લાખ કરોડનો નફો થાય ત્યારે પણ નહીં ફરકાવતા હોય. મિલિયન ડોલર્સ સ્માઇલ શું આને જ કહેવાતું હશે?
શીર્ષક પંકિત : બાલુ પટેલ
Filed under: ડો. શરદ ઠાકર
reaLY NICE DOCTOR CHARACTOR.
WHO UNDERSTAND THE PATITION