શિખર, એક સવાલ પૂછું ? જવાબ આપશો ?’
‘સવાલ પૂછી શકે છે, જવાબ આપવો ન આપવો એનો આધાર તારા સવાલ ઉપર છે.’
‘તમે મારા પ્રેમમાં કેવી રીતે પડયા ? આઇ મીન, શું જોઇને પડયા ? તમને મારામાં એવું શું દેખાયું કે તમે મને પ્રેમિકા તરીકે સ્વીકારી ?’
ભીનું-ભીનું એકાંત હોય, રસીલી ક્ષણો હોય, જયાં મૌનનું સામ્રાજય પથરાયેલું હોય, માત્ર બે પ્રેમી હૈયાંની ધડકનોનો જ અવાજ ચાલી રહ્યો હોય, ત્યારે નમણી નાગરવેલ જેવી યુવાન પ્રેમિકા એના પુરુષની ડોકમાં ગોરી-ગોરી બાહુઓનો હાર પહેરાવીને આવા સવાલો પૂછવા બેસે, ત્યારે એ પુરુષની હાલત કેવી થાય ? બરાબર એવી જ હાલત શિખરની થઇ ગઇ.
‘શિખર, તમે જવાબ ન આપ્યો.’
‘શો જવાબ આપું, સિતાર ? ‘ઘાયલ’ સાહેબ લખી ગયા છે કે ‘પ્રણયના સવાલોના કશા ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સઘ્ધર નથી હોતા.’ આપણી બાબતમાં પણ એવું જ છે. હું જે પણ જવાબ આપીશ, એ સઘ્ધર નહીં હોય.’ ‘આમ કહીને તમે આખી વાતને અઘ્ધર કરી નાખો છો.’
‘તું શું બોલી ? અઘ્ધર ? કે અધર ?’ શિખરની નજર પ્રેમિકાના રેડ ચેરી જેવા હોઠો પર હતી. એ પહાડ ઉપર ઝૂકતા વાદળની જેમ નીચે ઢળ્યો, પછી અચાનક અટકયો, ‘તમારું સ્ત્રીઓનું આ મોટું દુ:ખ ! હોઠ ઉપર લિપસ્ટિકના દસ-બાર હાથ માર્યા વગર ઘરની બહાર પગ ન મૂકે. એમાંથી પચાસ ટકા જેટલી લિપસ્ટિક વિના વાંકે પુરુષોના પેટમાં પહોંચી જાય છે.’
‘વિના વાંકે શાની ?’ સિતારની આંખોમાં વીજળીનો ચમકારો હતો, ‘ગુનો કરો તો સજા તો ભોગવવી જ પડે. પણ એમ હોઠની વાત કરીને મારો સવાલ ઉડાવી દેશો એ નહીં ચાલે. જવાબ તો આપવો જ પડશે.’
‘કયો સવાલ ?’
‘તમને મારામાં એવું શું દેખાયું કે તમે મારા પ્રેમમાં પડયા ?’
અચાનક શિખરની આંખો ક્ષણિક ધેનમાં સરી પડી. એક ક્ષણમાં એક સામટાં વીસ વર્ષ વાવાઝોડામાં સૂકાં પાંદડાં ઉડી જાય એમ ઉડી ગયાં. રાજકોટની કોમર્સ કોલેજના પાછળના બગીચામાં વૃક્ષ નીચેના એકાંતમાં દટાઇ ચૂકેલો અતીત જીવંત થઇ ઉઠયો. આ જ સવાલ આ જ શબ્દોમાં કોઇ અન્ય યુવતી પૂછી રહી હતી. એ સુરખી હતી. સિતાર અને સુરખી વરચે સૂરજ અને ચાંદ જેટલો ફરક હતો. સુરખી શીતળ હતી, સિતાર આગના ભડકા જેવી હતી. બાકી દેખાવમાં બંને વરચે ઘણું બધું સામ્ય હતું.
મહોબ્બતના એ પ્રથમ પડાવ ઉપર, મુગ્ધતાના એ મહત્ત્વના મુકામ પર એક સૌંદર્યમઢી પ્રતિમા પૂછી રહી હતી, ‘શિખર, તને મારામાં એવું તે શું દેખાયું કે……?’
આ પણ એક તફાવત હતો સિતાર અને સુરખી વરચે. સિતાર શિખર કરતાં દસ વર્ષ નાની હતી, પ્રેમીને ‘તમે’ કહીને સંબોધતી હતી. સુરખી અને શિખર કોલેજમાં સાથે ભણતાં હતાં. હમઉમ્ર હતાં. એકબીજાને ‘તું’ કહીને વાત કરતાં હતાં.
અને સૌથી મહત્ત્વનો ફરક એ હતો કે વીસ વર્ષ પહેલાં શિખરે એની પ્રેમિકાએ પૂછેલા સવાલને ધુમાડાની જેમ ઉડાવી મૂકવાને બદલે એનો વિગતવાર જવાબ આપ્યો હતો. એ ઉંમરનો યુવાન પ્રેમી જેવો અલ્લડ અને રસિક ઉત્તર આપી શકે એવો ખુલાસો શિખરે રજૂ કર્યોહતો. સુરખીની આંખોમાં આંખો નાખીને, એના દેહના સૌંદર્યનું કલ્પનાપ્રચૂર વર્ણન કરીને, શબ્દોમાં સાહિત્ય રેડીને, અવાજમાં માર્દવ ઘૂંટીને સુરખી પાગલ થઇ ઠે એવો જવાબ આપ્યો હતો. એના પ્રેમમાં પડવા માટેના એક નહીં પણ અનેક કારણો જણાવ્યા હતાં, અને અંતમાં ‘ઘાયલ’નો જ શેર ફટકાર્યોહતો : ‘કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે, કારણ નહીં બતાવું, કારણ મને ગમે છે.’ અને સુરખી સાતમા આસમાનમાં પહોંચી ગઇ હતી.
અને એક દિવસ બધું જ વિખરાઇ ગયું. ફૂંકાતા પવનમાં રૂના પોલ ડી જાય એમ જ સુરખી અચાનક કયાંક ડી ગઇ. શું થયુ અને શા કારણે થયું એની કોઇને ખબર પડી નહીં. શિખરને પણ નહીં. પ્રેમમાં પડવાના જેમ અનેક કારણો હોય છે, એમ એના તૂટવાના પણ ઘણાં બધાં કારણો હોતાં હશે. બહુ મોડે-મોડે કયાંકથી શિખરને સમાચાર મળ્યા કે સુરખી તો દક્ષિણ આફ્રિકા ચાલી ગઇ છે. જોહાનિસબર્ગના કોઇક સોનાની ખાણના માલિકનો શયનખંડ અજવાળી રહી છે. કાચના વાસણ ઉપર હથોડો ઝીંકાય એવી મનોદશા સાથે શિખરે આ સમાચાર સાંભળી લીધા. પચાવી લીધા. કાચની કરચોની જેમ જ એ ચૂરચૂર થઇને જીવી ગયો. કયારેક સપનામાં બબડી લેતો : ‘લજજા થકી નમેલી પાંપણ મને ગમે છે, ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.’
અને શિખરે બીજાં વીસ વર્ષ ખેંચી કાઢયાં. સમયની કબરમાં દફન થઇ ગયેલી પ્રેમિકાની સ્મૃતિ ઉપર પ્રેમ, લાગણી, લગ્ન, સેકસ અને દામ્પત્ય જેવા કૈંક શબ્દોનું બલિદાન ચઢાવી દીધું. એ શહેર છોડી દીધું, એ હવા ત્યાગી દીધી, એ સ્થળો ભૂલી ગયો, જયાં એકવાર સુરખીની સાથે એણે રસભીનો સમય માણ્યો હતો.
અને ચાલીસમા વર્ષે એને સિતાર ભેટી ગઇ. એની માલિકીની ફેકટરીમાં એ રિસેપ્શનિસ્ટ તરીકેનો ઇન્ટરવ્યૂ આપવા આવી હતી. એને જોઇને પહેલી જ નજરે શિખર સ્તબ્ધ થઇ ગયો હતો.
‘સર, શું થયું ?’ સિતાર ધીમા-ધીમા સ્વરોમાં વાગતા તાર જેવું રણઝણી.
‘સિતાર, હું તને પસંદ કરું છું.’ શિખરથી અનાયાસ બોલી જવાયું, ‘આઇ મીન….હું તને પસંદ કરું છું. તું આવતીકાલથી ઓફિસમાં આવી શકે છે.’
સિતાર સ્માર્ટ હતી. એ સમજી ચૂકી હતી કે બોસ એને ઓફિસમાં નહીં, પણ એમના દિલમાં દાખલ થવાનું ઇજન આપી રહ્યા હતા. એને પણ શિખર ગમી ગયો. ઉંમરમાં ભલે એ દસ વર્ષ મોટો હતો, પણ લાગતો ન હતો. એ સોહામણો હતો, સુદૃઢ હતો અને સૌથી વધારે મહત્ત્વની વાત એ હતી કે એ સમૃદ્ધ હતો. શિખર સાથેના પ્રણયસંબંધમાં ભાવિ લગ્ન માટેની શરણાઇ વાગતી એ સાંભળી શકતી હતી. એણે આવા શ્રીમંત પુરુષના દિલની દાવત સ્વીકારી લીધી.
પણ શિખર હંમેશાં એના પ્રશ્નનો સાચો જવાબ ટાળતો રહ્યો. કયારેક શòંગારભરી છેડછાડથી, તો કયારેક વાતને આડે પાટે ચડાવી દઇને.
એણે એક પણ વાર સિતારને એમ ન કહ્યું, ‘સિતાર, તારે કારણ જાણવું છે ને ? તો જાણી લે, હું તારા પ્રેમમાં પડયો પહેલી જ નજરે. એટલા માટે કે તારો ચહેરો અદ્લ મારી જૂની પ્રેમિકા સુરખીના ચહેરા જેવો જ છે. બાકી તમામ રીતે તમે એકબીજાથી ભિન્ન છો. પણ દેખાવમાં એક જ મિલમાં બનેલા એકસરખા કાપડના બે તાકાઓ જેવી સરખી છો. તને જૉઉં છું અને મને સુરખી યાદ આવી જાય છે. મારી અંદરનો મૃત પ્રેમી જીવંત થઇ જાય છે. મારા કશા પણ વાંક વગર મેં ગુમાવી દીધેલી પ્રેમિકા જાણે મને પાછી મળી ગઇ હોય એવો આભાસ થઇ આવે છે. પણ આ સાચું કારણ હું તને એટલા માટે નથી જણાવતો કે જેથી તને માઠું ન લાગે. તને એમ ન થાય કે તું મારી પ્રેમિકા નથી, પણ એનું પ્રતિબિંબ છે,એક સ્ત્રીની પ્રતિછાયા છે. માટે જ હું જવાબ ઉડાવી દઉં છું. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે.’
પણ એક દિવસ સિતાર પણ એની જિંદગીમાંથી ચાલી ગઇ. કદાચ શિખરના તકદીરમાં તરસે મરવાનું જ લખાયું હશે. ઝાંઝવાનાં જળ પણ એની હસ્તરેખામાં નહીં હોય. સાવ ક્ષુલ્લક વાતમાં સિતાર એની સાથે ઝઘડી બેઠી. થોડાક છણકાં, થોડીક દલીલો અને પછી સિતારની બેહૂદી માગણી : ‘શિખર, એક મહેરબાની કરીશ ? મેં તને લખેલા પ્રેમપત્રો મને પાછા આપી દઇશ ?’
અસીમ આઘાતનું એક અભેધ આવરણ શિખરને ધેરી વળ્યું. એણે તમામ પત્રો લાવીને સિતારના હાથમાં મૂકી દીધા, સિતાર વરસ્યા વગરના વાદળની જેમ ચાલી ગઇ.
શિખર આજે પણ સશકત છે, સોહામણો છે, એની ઉપર તીતલીની જેમ મંડરાતી રૂપગર્વિતાઓની આજે પણ ખોટ નથી.પરંતુ એણે હવે પ્રેમ અને પ્રેમિકા જેવા વ્યર્થ શબ્દો તરફથી મનને વાળી લીધું છે. એ હવે સમજી ચૂકયો છે કે અલગ-અલગ સ્ત્રીઓની વરચે દેખાવનું સામ્ય હોય કે ન હોય, બાહ્ય વર્તણૂ કમાં ભિન્નતા હોય કે ન હોય, પણ વફાદારીની વાત આવે છે, ત્યારે બધી જ પ્રેમિકા એક પગથિયા ઉપર ભી છે. આજે પણ કયારેક સાંજની ઉદાસીમાં એને સુરખી યાદ આવી જાય છે, સિતાર યાદ આવી જાય છે, ત્યારે શિખર ‘ઘાયલ’ સાહેબનો શે’ર ગણગણી લે છે : ભેટયો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં, આ ખોળિયાની માફક ખાંપણ મને ગમે છે.
(શીર્ષક પંકિત ‘ઘાયલ’)
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: doctornidairy, Sharad Thakar
ભલે હોય નફરત તમારા હૈયામાં, ગુલાબની માફક એ કાંટાય મને ગમે છે
હોય રણ અમારા જીવનમાં, મીઠાશની સાથે સાથે એ ખારાશ પણ ગમે છે.