‘બહેન, આજે બપોરે ચાર વાગ્યે તારું ઓપરેશન થશે. ડર તો નથી લાગતો ને?’ આ સવાલ મેં જયારે એન્જેલાને પૂછ્યો, ત્યારે બપોરના બાર-સાડા બાર વાગ્યા હશે.
‘ના, સર! ડર તો જરા પણ નથી લાગતો. હા, થોડીક નર્વસનેસ ફીલ કરી રહું છું.’ એન્જેલાએ માપસરનું સ્મિત કરીને સાચો જવાબ આપ્યો. સાચો જવાબ એટલે કહું છું કે જે દર્દીનું ત્રણ-ચાર કલાક પછી બેભાન કરીને પેટ ચીરીને અંદરથી ગાંઠ કાઢવાનું ઓપરેશન કરવાનું હોય, એ સાવ બેફિકર તો કેવી રીતે હોઇ શકે?! અને એને ડર તો જરા પણ નહોતો એ વાત પણ તદ્દન સાચી હતી.
એનું કારણ વળી તદ્દન જુદું. ઓપરેશનની આગલી સાંજે એનાં મમ્મી-પપ્પા મને મળવા માટે આવ્યાં. હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યાં ‘માત્ર બે જ મિનિટ લઇશું’ એમ કહીને જહોનભાઇ અને જેનીસબહેન મારા કન્સિલ્ટંગ રૂમમાં દાખલ થયાં.
‘હા, બોલો! શું કામ હતું?’
‘સર, અમારી દીકરીનું આવતી કાલે તમારા હાથે ઓપરેશન છે.’ જેનીસબહેને મૃદુ સ્વરે શરૂઆત કરી.
‘હા, છે ને! ઇટ ઇઝ એ મેજર ઓપરેશન, બટ એ રૂટીન વન ફોર અસ. તમારે ચિંતા કરવાની જરૂર નથી.’ મારા બોલવામાં વ્યાવસાયિક આશ્વાસન અને રોજિંદા શબ્દો હતા, જે કદાચ એક યુવાન દીકરીની માનાં હૈયાને હિંમત પૂરી પાડવા માટે અપૂરતા હશે.
જેનીસબહેનની આંખોમાં આછી એવી ભીનાશ તગતગી ઊઠી, ‘સર, મને બહુ ડર લાગે છે. મારી દીકરીને કંઇ થઇ તો નહીં જાય ને?’
મારાથી અવશ્યપણે બોલી જવાયું, ‘તમે જરા પણ ગભરાશો નહીં. હું વચન આપું છું કે તમારી એન્જેલાને કશું જ થવા નહીં દઉં. એન્જેલાને ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી કશું પણ ખરાબ થશે તો એ પહેલાં હું મરી જઇશ…’
‘બસ! બસ! સાહેબ, હવે એક પણ શબ્દ આગળ ન બોલશો. જીસસ તમને લાંબું આયુષ્ય બક્ષે!’ આટલું બોલીને પતિ-પત્ની ઊભાં થઇ ગયાં. જહોનભાઇ અને જેનીસબહેનની આંખો હવે કોરી હતી. એમનાં ચહેરા ઉપર વિશ્વાસ લીંપાયેલો હતો કે એન્જેલા માત્ર એમની દીકરી નહીં, પણ મારીયે પુત્રી હતી. મારા શરૂઆતી આશ્વાસનમાં જે કંઇ ખૂટતું હતું એ આ હતું. ‘સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં’ આ સનાતન પંકિતમાં જે સત્ય છુપાયેલું છે એ દર્દીનાં સગાંવહાલાંઓને આશ્વસ્ત કરી દેવા માટે હંમેશાં પૂરતું હોય છે. સ્વાભાવિક પણે જ મારા આ વાકયો મા-બાપે અંદર વોર્ડમાં જઇને દીકરીને જણાવ્યા હશે, એટલે જ બીજા દિવસે ઓપરેશનના ગણ્યા-ગાંઠયા કલાકો અગાઉ મારા પ્રશ્નના જવાબમાં એન્જેલા બોલી ગઇ, ‘ના, સર! ડર તો જરા પણ નથી લાગતો…’ એને વિશ્વાસ હતો કે દીકરી બાપના હાથમાં સલામત હતી.
‘બીજી એક વાતે પણ હું ખુશ છું, સર!’ એ જતાં-જતાં અટકી ગઇ, મેં એની આંખોમાં કોહિનૂરને ઝાંખો પાડી દે તેવી ચમક જોઇ, ‘આવતા રવિવારે મારી સગાઇ છે.’
‘એમ? વાહ! ત્યારે તો રવિવાર સુધીમાં મારે એન્જેલા નામની એન્જલને (પરીને) દોડતી કરી દેવી પડશે. શું કરે છે છોકરો?’
‘નોકરી કરે છે, ભણેલો-ગણેલો છે, સ્વભાવે સારો છે… અને સૌથી સારી વાત એ છે કે એ દારૂ નથી પીતો. મને શરાબ પ્રત્યે નફરત છે, સર!’
‘હોવી જ જોઇએ. એકલા શરાબ પ્રત્યે જ શા માટે? તારા જેવી સારી છોકરીએ તો ગુટકા, નોનવેજ અને સિગારેટ સામે પણ વિરોધ કરવો જોઇએ. તું ક્રિશ્ચિયન છો એટલે નોનવેજ તો કદાચ ખાતી હોઇશ, પણ વ્યસનની બાબતમાં બાંધછોડ કરે એ છોકરીને કાં તો મૂર્ખ માનું છું, કાં મજબૂર.’ મેં લાંબું વ્યસન વિરોધી વ્યાખ્યાન પીરસી દીધું, પછી પૂછ્યું, ‘તારું આજે ઓપરેશન છે એ વાતની તારા ભાવિ પતિને ખબર છે ને?’
‘હા, સર! અમે એને બધું જ જણાવી દીધું છે.’ આટલું બોલીને ઉત્સાહ છલકાવતી એન્જેલા એની પથારી તરફ ચાલી ગઇ. એન્જેલાનાં ગયા પછી હું વિચારતો રહ્યો, એનો કેસ સાવ સરળ હતો અને અટપટો પણ! એનાં પેટમાં ગાંઠ હતી. કેન્સર જેવું કશું જ ન હતું. ગર્ભાશયમાં પણ કશી ખામી ન હતી. પણ સોનોગ્રાફીની તપાસ એવું કહેતી હતી કે એનાં એક અંડાશયમાં પાણી ભરેલી ગાંઠ હતી. એ કાઢી નાખવી પડે એવી હતી, પણ એ પછી એન્જેલાને લગ્નસુખમાં કે સંતાન પ્રાપ્તિમાં કશીજ આંચ આવવાની શકયતા ન હતી. એટલે કહું છું કે એનો કેસ સરળ હતો. અને એનો કેસ અટપટો હતો એમ એટલા માટે કહ્યું કેમકે એ છોકરી કુંવારી હતી. સામાન્ય રીતે આપણા દેશના સરેરાશ લોકો કુંવારી છોકરીનાં ઓપરેશન (ખાસ તો પેડુના ઓપરેશન)ની વાત સાંભળીને જ ચોંકી જતા હોય છે. એની સાથે પરણતાં પહેલાં એક હજાર વાર વિચાર કરતા હોય છે.
એન્જેલા નસીબદાર છે કે એને પસંદ કરનાર મુરતિયો સમજદાર નીકળ્યો. કદાચ આ સમજદારી, આ પ્રેમ અને આ હૂંફની જ એ તાકાત હશે, જેના કારણે એન્જેલાની આંખોમાં કોહિનૂરને પણ ઝાંખો પાડી દે તેવી ચમક દેખાઇ રહી હતી. એ સાંજે ઓપરેશન સરસ રીતે પતી ગયું. એન્જેલાનાં પેટ ઉપર શકય તેટલો નાનો ચીરો મૂકીને એનાં પેડુમાંથી ગાંઠ કાઢી નાખવામાં આવી. એ વોર્ડમાં એની પથારીમાં અડધી જાગતી, અડધી ધેનમાં રાતભર વેદનાની મારી કણસતી રહી.
બીજા દિવસે સવારે જયારે હું રાઉન્ડ પર ગયો, ત્યારે ફરીથી એનો ચહેરો ચમકી રહ્યો હતો. એ હસી રહી હતી. મેં પૂછ્યું, ‘કેમ, આજે દુખાવો મટી ગયો?’‘ના, દુખાવો તો છે, પણ દુ:ખ નથી.’ ‘કેમ?’
‘આજે લોરેન્સ આવ્યો હતો, મારી ખબર પૂછવા, સાથે એના મમ્મી પણ હતાં. હમણાં જ ગયા.’
‘અરે! તો પછી તે એમને જવા શા માટે દીધાં? થોડી વાર બેસાડયા હોત, તો હું પણ એમને મળી લેત ને? તારી બીમારી, ગાંઠનું ઓપરેશન, ભવિષ્યમાં બાળક થવા વિશેની શકયતા- આ બધું હું એમને સમજાવી દેત ને!’
એન્જેલા હસી પડી, ‘એવી કશી જરૂર જ નથી, સર! એ લોકો બધું સમજે છે. હું ‘લક્કી’ છું કે મને આવું ઘર મળ્યું છે’ બોલતાં-બોલતાં એ શરમાઇ ગઇ.
મેં એની ‘પલ્સ’ માપી જોઇ, તદ્દન નોર્મલ હતી. સામાન્ય રીતે હું લેપ્રોટોમીના દર્દીને એક અઠવાડિયું મારા નર્સિંગ હોમમાં રાખતો જ હોઉં છું, પણ એન્જેલાની ‘રીકવરી’ ખૂબ સારી હતી. મેં ચોથા દિવસે એને રજા આપી દીધી, ‘બરાબર સાત દિવસ પૂરા થાય ત્યારે ટાંકા માટે આવી જજે… અને આરામ કરજે… થોડું હરજે-ફરજે પણ ખરી અને રવિવારે તો તને આરામ નહીં જ મળે એની મને ખાત્રી છે.’ મારો સંકેત એની સગાઇ-વિધિ તરફ હતો.
એ શરમાઇને ચાલી ગઇ. ‘આ જગતમાં આજે પણ કેટલાક માણસો કેટલા સારા અને સમજદાર હોય છે!’ હું વિચારી રહ્યો. મારી સ્મૃતિ કોશમાંથી આવા કેટલાય નામો નીકળી પડયાં.
આવો એક કિસ્સો તો વર્ષો પહેલાં હું ‘રણમાં ખીલ્યું ગુલાબ’માં વાર્તારૂપે લખી પણ ચૂકયો છું. એક યુવાન જાન સાથે પરગામ પરણવા માટે જતો હતો, ત્યાં રસ્તામાં અકસ્માત થયો. મુરતિયાને ઘવાયેલી હાલતમાં પાછો અમદાવાદ લાવવામાં આવ્યો. તાત્કાલિક શસ્ત્રક્રિયા કરવી પડી. જમણો પગ કાપી નાખવો પડયો. કન્યાપક્ષને ખબર પડી. છોકરીનાં મા-બાપ સંબંધ ફોક કરવા તૈયાર થઇ ગયા, પણ કન્યાએ એ જ મુરતિયા સાથે પરણવાની જીદ પકડી. છોકરીવાળા સામે ચાલીને અમદાવાદ આવ્યા. ઢળતી સાંજે તિથિ બદલાઇ જાય એ પહેલાં હોસ્પિટલના બિછાના ફરતે છોકરીએ ફેરા ફર્યા. સ્વર્ગમાં નક્કી થયેલા લગ્નની ધરતી ઉપર ઉજવણી કરી.
આ કિસ્સો આંખો સામે તાજો થઇ ગયો ભલે બહુ થોડા હોય, પણ આવા કિસ્સાઓ આ કળિયુગમાં હજુ પણ બને છે એ વાતે મને સંતોષ થયો. અઠવાડિયું તો પવનમાં ફંગોળાતાં પાંદડાંની ગતિથી પસાર થઇ ગયું. સોમવારે અગિયાર વાગે એન્જેલા એનાં મમ્મી જોડે ‘ફોલો-અપ’ તપાસ માટે આવી. મેં એને ટેબલ ઉપર લીધી. ડ્રેસિંગ દૂર કર્યું. ઓપરેશનનો ઘા પૂર્ણપણે રૂઝાઇ ગયો હતો. બધી જગ્યાએ બધું જ નોર્મલ હતું, સિવાય કે એની આંખો અને એનો ચહેરો.
‘દુખાવો થાય છે?’ મેં પૂછ્યું. ‘ના, દુખાવો નથી, પણ દુ:ખ બહુ છે.’ ‘મતલબ? ‘લોરેન્સે સગાઇ કરવાની ના પાડી દીધી. અમે તો બધી જ તૈયારી કરીને બેઠાં હતાં. રવિવારે એમનો સંદેશો લઇને એક માણસ આવ્યો, કહી ગયો-’ ભલે બધું બરાબર હોય, પણ લગ્ન પહેલાં ઓપરેશન કરાવવું પડયું એટલે હાથે કરીને કૂવામાં શા માટે પડવું? આ બાબતમાં અમારી સાથે હવે પછી કશી જ ચર્ચા ન કરશો. ‘સર, પુરુષો આવા પણ હોતા હશે?’ અને એન્જેલા રડી પડી. એનો ચહેરો પહેલી વાર આજે નિસ્તેજ હતો.
(સત્ય ઘટના, શીર્ષક પંકિત: ‘મરીઝ’)
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: Sharad Thakar, ranma khilhu gulab, doctornidiary