સતત બે મહિનાના મનોમંથન બાદ ટી.વાય.બી.એસસી.ના વિધાર્થી માનસર મહેતાએ કાગળ-પેન હાથમાં લીધા અને મહેફિલ મેવાવાલાને સંબોધીને ટૂંકો પ્રેમપત્ર લખી નાખ્યો : ‘શા માટે આટલું રિબાવે છે મને? છેલ્લાં બે વર્ષથી આપણે સાથે છીએ. એ પ્રત્યેક પળ મેં જ તડપી તડપીને પસાર કરી છે. મારી છાતીના પોલાણમાં મહોબ્બત નામનો એક ટાઇમબોમ્બ ‘ટીક-ટીક’ કરતો બેઠો છે અને મને ધમકી આપી રહ્યો છે કે કાં તો મારે તારી સમક્ષ મારા પ્રેમની કબૂલાત કરવી, કાં એ મને તોડી-ફોડી નાખશે. પણ હું શું કરું? તારી સામે હોઠ ખોલવાની હિંમત હોવી જોઇએ ને? એ નથી, એટલે આ કાગળનું શરણું શોઘ્યું છે. વધુ તો શું કહું? બસ, એટલું જ જણાવું છું કે, ‘ગીતના ધેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વરચેના ગાળામાં ચૂમી છે તને.’ -લિ. તારી ઉપર મરતો, છતાં તારાથી ડરતો એક અશબ્દ પ્રેમી.’
દસ વાકયોનો પ્રેમપત્ર, દસ વાર તો વાંચી ગયો. એક ચિંતા પૂરી થઇ, પણ હવે બીજી ચિંતા શરૂ થઇ. આ પત્ર મહેફિલના હાથ સુધી પહોંચાડવો શી રીતે? એના ઘરના સરનામે પોસ્ટ તો કરાય નહીં. કયાંક એની મા કે બાપના હાથમાં જઇ ચડે તો માનસરનું ઊઠમણું થઇ જાય. હાથોહાથ આપવાનો વિચાર તો એ સપનામાંયે ન કરી શકે. આખી કોલેજ જાણતી હતી કે મહેફિલ મેવાવાલા બહુ તેજ મિજાજની યુવતી હતી.
બહુ વિચાર કર્યા પછી માનસરે બપોરની રિસેસમાં જયારે તમામ છોકરાઓ અને છોકરીઓ કલાસરૂમની બહાર હતાં, ત્યારે કોઇનું ઘ્યાન ન પડે એવી રીતે જિંદગીનો પ્રથમ પ્રેમપત્ર મહેફિલની નોટબુકમાં ગોઠવી દીધો. એ પછી તરત જ એણે ચારે તરફ જોઇ લીધું. ખાતરી કરી લીધી કે ખુદ ભગવાનની આંખો પણ એટલો સમય બંધ થઇ ગઇ હતી. એ પછી જ એના શરીરમાંથી કંપારી ઓછી થઇ. જોકે મનની અંદરની થલપાથલ તો હજુયે ચાલુ જ હતી : ‘હવે શું થશે? એ પ્રેમપત્ર મહેફિલના વાંચવામાં કયારે આવશે? ઘરે જતાં રસ્તામાં પત્ર સરકીને નીચે તો પડી નહીં જાય ને? મહેફિલ કયાંક પોતાના હેન્ડરાઇટિંગ ઓળખી તો નહીં જાય ને?’
કલાસ ચાલુ થયો. કેમિસ્ટ્રીના પ્રોફેસર અખાણી સાહેબ વર્ગખંડમાં પ્રવેશ્યા. ભણાવવાનું શરૂ કર્યું. વિધાર્થીઓએ નોટ્સ ઉતારવી શરૂ કરી. માનસર આડી નજરે મહેફિલની ગતિવિધી નિહાળી રહ્યો હતો. જેવી મહેફિલે એની નોટબુક ઉઘાડી, એ સાથે જ પ્રેમપત્ર સરી પડયો. મહેફિલે ત્યારે ને ત્યારે ગડી ઉકેલીને કાગળમાંના લખાણ પર સરસરી નજર ફેરવી લીધી. પછી એક ઝટકા સાથે એણે ગરદન ઘુમાવીને પાછળ જોયું.
માનસર તો કયારનોય માથું નોટબુકમાં ખૂંપાવીને ભણવામાં ડૂબી ગયો હતો. છેક છેલ્લી બેન્ચ ઉપર બેઠેલો રૂપેશ ભણવામાં ઠોઠ હતો, એ પ્રોફેસર સામે જોવાને બદલે આમતેમ ડાફોળિયા મારી રહ્યો હતો. મહેફિલે આગઝરતી આંખે એની સામે જોયું. રૂપેશ ધન્ય થઇ ગયો. એ વિના કારણનું હસ્યો. મહેફિલે ડોળા કકડાવ્યા. રૂપેશનો જન્મારો સફળ થઇ ગયો. એણે જમણો હાથ ચો કરીને પ્રોફેસર ન જુએ તેમ મહેફિલની સામે આંગળીઓ ફરકાવી અને પછી હોઠ ફફડાવ્યા, ‘હાય..!’
પિસ્તાલીસ મિનિટનો પિરિયડ મહેફિલે કેમ કરીને કાઢયો છે એ એનું મન જાણે છે. પછી ઘંટ પડયો, પ્રો.અખાણી ગયા અને એ પછી બીજી મિનિટે રૂપેશના ગાલ ઉપર મહેફિલનો હાથ પડયો. તમાચાની રમઝટ બોલી. વોશિંગ પાઉડરની મદદ વગર મહેફિલે રૂપેશને એવો તો ધોઇ નાખ્યો કે ભવિષ્યમાં એ કોઇ મિત્રને પણ ‘હાય-હલ્લો’ કહેવાની હિંમત ન કરે!
સાંજ પડતાં સુધીમાં તો આખી કોલેજમાં વાત ફેલાઇ ગઇ. સન્નાટો છવાઇ ગયો. જે મજનૂઓ દૂરના ભવિષ્યમાં પણ મહેફિલને પ્રેમપત્ર લખવાની મનોકામના સેવતા હતા, એ તમામ ઠંડાગાર થઇ ગયા. આ બધામાં સૌથી ખરાબ હાલત માનસર મહેતાની હતી. એનો અફસોસ બમણો હતો. એક, તો પોતાનું તીર ખાલી ગયું હતું અને બીજું, નવાણિયો કુટાઇ ગયો હતો. બે દિવસ તો એને તાવ ચડી ગયો. એ કોલેજમાં પણ ગેરહાજર રહ્યો. પણ ત્રીજા દિવસે ભયનો તાવ તર્યો, ત્યાં પ્યારનો બુખાર ફરી પાછો ચડવો શરૂ થઇ ગયો. હિંમતના છૂટી ગયેલા પોટલાના ચારેય છેડા ભેગા કરીને ફરી પાછી એણે ગંસડી બાંધી. ફરીથી એક નવો પ્રેમપત્ર લખવાની શરૂઆત કરી. ‘મહેફિલ, એ પત્ર લખનાર રૂપેશ ન હતો, પણ હું હતો. હા, હું એટલે કે એક કમનસીબ, ડરપોક યુવાન જે તને ચાહે છે તો અનહદ, પણ તારી સામે ભો રહીને એ વાતનો સ્વીકાર કરવાની એનામાં રજમાત્ર હિંમત નથી. થાય છે કે તને ભૂલી જઉં, પણ આ છેલ્લી કોશિશ કરી લઉં છું. હવે તો એ જ મને બાગથી બચાવી શકે, જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે.’
બપોરના પ્રેકિટકલ વખતે લેબોરેટરીમાં પ્રયોગ ઉતારવા ગયેલી મહેફિલે જયાં પોતાનું ‘જર્નલ’ ઉઘાડયું, ત્યાં જ આ વિસ્ફોટક પદાર્થ સરી પડયો. આ વખતે મહેફિલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ લીધું. સાહેબને વિનંતી કરીને તમામ છોકરાઓના જર્નલ્સ ભેગા કરાવ્યા. આંખો સામે પ્રેમપત્ર ધરેલો રાખીને એક-એકના હસ્તાક્ષરો સાથે એની સરખામણી કરી નાખી. માનસરે જાણી જોઇને આ વખતે ગંદા અક્ષરો કાઢયા હતા. એમાં ફરી પાછો એક નિર્દોષ જીવ હડફેટે ચડી ગયો.
એ જગતાપ હતો. પૈસાદાર બાપનો વંઠેલો પુત્ર. છેલ્લાં અઢી વર્ષથી કોલેજની લગભગ બધી છોકરીઓની છેડતી કરી ચૂકયો હતો, પણ દોષી હોવા છતાં બચી ગયો હતો. આ વખતે સાવ નિર્દોષ હતો, તોયે ટિપાઇ ગયો. મહેફિલે સેન્ડલથી એને ત્યાં સુધી માર્યા કર્યો, જયાં સુધી જગતાપનું થોબડું સૂઝીને વાનરના મોં જેવું ન બની ગયું. આ વખતે તો જગતાપને પણ તાવ ચડી ગયો. માનસરને તો જયારથી મહેફિલે હસ્તાક્ષરો સરખાવવાનું શરૂ કર્યું હતું, ત્યારથી જ શરીર ગરમ થવા માંડયું હતું. ફરીથી બે દિવસની ગેરહાજરી. ફરી પાછું કોલેજમાં આવવાનું ચાલુ અને ફરી પાછા શેઠ મેવાલાલની સૂકામેવા જેવી દીકરી મહેફિલને જોઇને તરસવાનું, તડપવાનું અને તરફડવાનું શરૂ થયું.
આ વખતે તો માનસર મહેતાએ પ્રેમપત્રમાં તડ ને ફડ કરી નાખ્યું : ‘પ્રિય મહેફિલ, તું શા માટે અક્કલના દરવાજા બંધ કરીને સાવ નિર્દોષ છોકરાઓને ફટકારતી જાય છે? જૉ પ્રેમ કરવો એ પાપ ગણાતું હોય, તો સાચો પાપી હું છું. તારા હવાતિયા તું બંધ કર અને બુદ્ધિથી કામ લે. એમ બાહ્ય દેખાવથી કે હસ્તાક્ષરોથી ખરો ગુનેગાર કયારેય નહીં પકડાય. તું શાંતિથી વિચાર કે આપણા કલાસના પંચાવન છોકરાઓમાંથી ખરેખર તને ઉત્કટ પ્રેમ કરતો હોય એવો કોણ દેખાય છે? મારી ભીતર ડોકિયું કર, પ્રિયે! મારો ચહેરો ન વાંચ, પણ મારું હૃદય વાંચ. મારી ઝંખનાને વાંચ : કેસૂડાંને વાંસ ઝંખે છે, તને ફૂલ ભૂખ્યા ડાંસ ઝંખે છે તને, આમ અડતાં-વેંત શેકાઇ જવા, મારું કાચું માંસ ઝંખે છે તને. પત્ર આ વખતે મહેફિલના રેઢા પડેલા પર્સમાંથી મળી આવ્યો.
મહેફિલ ખુદ પત્ર વાંચીને વિચારમાં પડી ગઇ. નક્કી આ કોઇ રીઢા ગુનેગારનું જ કામ હોવું જોઇએ. આ માણસ અક્ષરો બદલે છે, ચહેરાઓ બદલે છે. વર્તન પણ એવું રાખે છે કે એ પોતે તો સજજન જ લાગે અને બીજાઓ ફસાઇ જાય છે. પણ આ વખતે મહેફિલે બુદ્ધિ વાપરી. એક વાત તો દીવા જેવી સ્પષ્ટ હતી કે એનો પ્રેમી કવિ હૃદયી હોવો જોઇએ. દરેક પ્રેમપત્રના અંતભાગે એ ઉત્તમ કક્ષાની કાવ્યપંકિતઓ લખતો રહે છે. ભલે આ પંકિતઓ એણે પોતે રચેલી ન હોય, પરંતુ બીજા કવિની શ્રેષ્ઠ રચનાને સમજવા જેટલી કક્ષા તો છે જ ને એની! કોણ હોઇ શકે..? કોણ હોઇ શકે..?..?
બે દિવસના ગહન મનોમંથનના અંતે કવિ અનાવૃત્ત આચાર્ય ‘ઝડપાઇ’ ગયો. એ બિચારો કાચો-પાકો કવિ હતો, જોડકણાં જેવું કૈંક લખતો હતો અને કોલેજના ‘વોલ મેગેઝિન’માં એની કવિતાઓ મૂકતો રહેતો હતો. મહેફિલે એને ભીંતપત્રની પાસે જ ભો રાખીને ઢીબી નાખ્યો. હવે માનસર મહેતાની રહી સહી હિંમતે પણ જવાબ દઇ દીધો. એણે હથેળીમાં જળ લઇને પ્રતિજ્ઞા લીધી : ‘હવે જિંદગીમાં કોઇને પ્રેમ પણ કરવો નથી અને પ્રેમપત્ર પણ લખવો નથી. મારા વાંકે બીજા કેટલાને માર ખવડાવવો? આવી જાડી ચામડીની પથ્થરદિલ છોકરીઓ માત્ર રૂપાળી જ હોય છે, એ કોઇની પ્રેમિકા બની શકવાની પાત્રતા જ ધરાવતી નથી હોતી! લેટ હર ગો ટુ હેલ!’
વાર્ષિક પરીક્ષા નજીક આવતી હતી. અંતિમ વર્ષ હતું અને અગત્યની પરીક્ષા હતી. આખું વર્ષ તો પ્રેમપત્રો ઘસડવામાં જ પસાર થઇ ગયું. હવે માનસરે અભ્યાસમાં મન પરોવી લીધું. અન્ય વિધાર્થીઓ પણ પુસ્તકોમાં ડૂબી ગયા. મહેફિલ પણ પરીક્ષાની તૈયારીમાં લાગી ગઇ. આખરી પરીક્ષા. પેપરો પૂરાં થયાં. છેલ્લો પ્રેકિટકલ પણ પતી ગયો. માનસર મહેતાએ સાધન-સરંજામ સમેટયો. પિપેટ-બીકર અને ફલાસ્ક ભેગાં કરીને પટાવાળાને સોંપ્યાં. પોતાનું પાઉચ ઉઘાડીને અંદર પેન મૂકવા ગયો, ત્યાં ચોંકી ગયો! આ શું છે? એણે એક કાગળ બહાર કાઢયો. ગડી ઉકેલી. અંદર અજાણ્યા અક્ષરો અને પાગલ કરી મૂકે એવું કશુંક કહી રહ્યા હતા : ‘પ્રિય માનસર, છેલ્લાં ત્રણ -ત્રણ વર્ષથી હું તારી પાછળ ગાંડી છું. દિવસ-રાત બહાવરી બનીને ફરું છું. પણ તને તો મારી તરફ નજર ફેંકવા જેટલીયે ફુરસદ નથી. આજ સુધીમાં મને કેટલા બધા પ્રેમપત્રો મળ્યા છે એ તું જાણે છે ને? પણ મને બીજા કોઇનામાં રસ નથી. આજે મને થયું કે લાવ, હિંમત કરી જ નાખું! નહીંતર કાયમ માટે છૂટા પડી જઇશું. હું તને પગે પડીને વીનવું છું, મારા માનસર : આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ, ઉન્માદ! ચાહવાથી વધારે કશુંક આપ… લિ. કોલેજના ઝાંપા આગળ તારી પ્રતીક્ષા કરતી તારી પ્રેમિકા.’
આવેગથી છળતા માનસરે ગિલોલમાંથી છૂટેલા પથ્થરની જેમ નજરને ફેંકી તો દૂર ઝાંપા પાસે ઊભેલી મહેફિલ દેખાણી.
(તમામ શે’ર પંકિતઓ : ડો.મુકુલ ચોકસી)
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: doctornidairy, Sharad Thakar