રોનક ને રોશની જે જુઓ, ઘરની એ નથી, એનો થયો મુકામ તો ઝળહળ મકાન છે

કવિ અનમોલ હાથમાં કાળા રંગની બ્રિફકેસ સાથે ફલેટમાંથી બહાર નીકળ્યા. નીચે એમને લેવા માટે આવેલી લકઝુરીઅસ હુંડાઇ સિટી કાર એમની પ્રતીક્ષા કરી રહી હતી. કવિ સંમેલનના આયોજકોએ ખાસ કવિરાજને લઇ આવવા માટે ગાડીની સાથે સામાન્ય ડ્રાઇવરને બદલે સાહિલ નામના સોહામણા અને સ્માર્ટ યુવાનને મોકલ્યો હતો. સાહિલ સાહિત્ય પ્રેમી જીવડો હતો, એમાં પણ કવિ અનમોલની કવિતા પાછળ તો એ પાગલ હતો.

સાહિલની નજર એના પ્રિય કવિની પ્રત્યેક ગતિ-વિધિ ઉપર ચોંટેલી હતી. અનમોલ ફલેટમાંથી બહાર આવ્યા, એમની પાછળ એમની પત્ની નીકળી, એનાં હાથમાં પતિ માટે ઠંડા પાણીનો મિનરલ વોટરનો બાટલો હતો, બીજા હાથમાં પાનની પેટી અને સિગાર-બોકસ હતાં. બધો સાજસરંજામ ગાડીમાં મૂકયા પછી કવિને યાદ આવ્યું કે હાથરૂમાલ લેવાનું તો ભૂલાઇ જ ગયું, એમણે પત્નીનું ઘ્યાન દોર્યું. પત્ની પાછી ઘરમાં ગઇ અને હાથરૂમાલ આપી ગઇ.

‘બાય, ડાર્લિંગ! આજે રાત્રે તો મુશાયરો છે. કાલે સવારે નીકળીને લંચટાઇમ સુધીમાં ઘરે પાછો આવી જઇશ. ઓ.કે.?’ કવિએ સમયપત્રક જણાવી દીધું.

‘ઓ.કે.! ટેક કેર! રાત્રે પીવામાં જરાક ઘ્યાન રાખજો, તબિયત સાચવજો!’

પતિ-પત્ની વરચેના પ્રેમભર્યા અને દરકારભર્યા સંવાદો પૂરા થયા, કવિ ગાડીમાં ગોઠવાયા, એ પછી સાહિલે પૂછ્યું, ‘શૂડ આઇ સ્ટાર્ટ નાઉ, સર?’

‘યસ, બાય ઓલ મીન્સ!’ કવિએ સફાઇદાર અંગ્રેજીમાં આદેશ આપ્યો અને સફર શરૂ થઇ.

‘સર, એક વાત પૂછું? તમે દેખાવમાં કવિ જેવા જરા પણ નથી લાગતા. એકટર જેવા દેખાવ છો.’ સાહિલના વાકયોમાં અનમોલના વ્યકિતત્વ પ્રત્યેનો અહોભાવ છલકાતો હતો.

અનમોલ હસી પડયા, ‘કવિતા લખવા માટે કવિ હોવું જરૂરી છે, કવિ જેવા દેખાવું ફરજિયાત નથી. અને કવિ શા માટે વિખરાયેલા વાળ અને ચોળાયેલા ઝભ્ભા-લેંઘા સાથે પગમાં ચંપલ અને બગલથેલામાં કવિતા લઇને બાપડો-બિચારો બનીને ફર્યા કરે? મેં સમાજની સામે એકવીસમી સદીના તેજતરાર્ર શાયરની એક નવી મૂર્તિ ખડી કરી દીધી. હું જયારે બંધ ગળાનો જોધપુરી સૂટ અને પગમાં ત્રણ હજાર રૂપિયાના ચમકતા શૂઝ પહેરીને મંચ ઉપરથી મારી કવિતા રજૂ કરું છું, ત્યારે ખસી કરી નાખેલા બળદને બદલે હણહણતા તોખાર જેવો લાગું છું. હું દૃઢપણે માનું છું કે જે કવિ પોતે સ્ત્રૈણ છે એની કવિતા કયારેય ઓજસ્વી ન હોઇ શકે.’

ગાડી માંડ અમદાવાદની બહાર નીકળી હશે, ત્યાં અનમોલના સેલફોનની રિંગ વાગી. સલીલ વાતોને વિરામ આપીને ગાડી ચલાવતો રહ્યો અને સહજપણે કવિ અનમોલની વાતો સાંભળતો રહ્યો.

‘હાય, રચના! કેમ છો, ડાર્લિંગ? ના, ના, તેં યોગ્ય સમયે જ ફોન કર્યો છે. હું હાઇ-વે પર છું. ઘરેથી નીકળી ચૂકયો છું… યસ, યસ! આપણે નિરાંતે વાતો કરી શકીએ છીએ.’

સાહિલ સમજી ગયો કે ફોનના સામા છેડા પર કોઇ યુવતી હતી, જેનું નામ રચના હતું અને એ કવિ અનમોલની પત્ની ન હતી. સૌથી વધારે અગત્યની બાબત એ હતી કે પત્ની ન હોવા છતાં કવિએ યુવતીને ‘ડાર્લિંગ’ કહીને સંબોધી રહ્યા હતા. સાહિલે સાંભળ્યું તો હતું કે શાયરો રોમેન્ટિક મિજાજના હોય છે, અત્યારે એને આ વાતની ખાતરી થઇ ગઇ.

અનમોલ જે કંઇ બોલતા હતા એ સાહિલને સંભળાતું હતું, સામે રચના શું બોલતી હતી એ અનુમાનનો વિષય હતો, પણ સાહિલ એક વત્તા એક બરાબર બે કરીને બંને છેડા પરના સંવાદો ‘સાંભળી’ રહ્યો હતો.

કવિ પૂરબહારમાં ખીલી રહ્યા હતા : ‘રચના, આજે તો હું મુશાયરામાં ધમાકો બોલાવી દેવાનો છું. મારી તદ્દન નવી, ફડકતી, ગરમા-ગરમ ગઝલો સાંભળીને ઓડિયન્સ ઝૂમી ઊઠવાનું છે. મારા માટે ‘વન્સ મોર’ અને બીજા કવિઓ માટે હુરિયો એ આજના મુશાયરાનું ભવિષ્ય છે.’

‘એમ? આટલો બધો વિશ્વાસ કેમ છે પોતાની રચના ઉપર?’

‘વિશ્વાસ એટલા માટે છે કે આજની તમામ રચનાઓ મેં મારી જીવતી જાગતી રચના-રાણી માટે લખેલી છે. મારી શાયરીમાં તારા હોઠોનો રંગ હશે, તારી આંખોમાંથી ઢોળાતો શરાબ હશે, તારા દેહનું સૌંદર્ય હશે અને તારા પ્યારની ખુશ્બૂ હશે.’

‘તો મને લઇ જાવ ને તમારી સાથે?’

‘મેં કયારે ના પાડી? પણ તું થોડી આવી શકવાની હતી?’

‘એમ કહી દો ને કે તમારે મને લઇ નથી જવી!’

‘અરછા?! હું ગાડી પાછી વાળું છું, તું પંદર મિનિટમાં તૈયાર થઇને બહાર આવ. હું તારી વાટ જોઇને…’

સામો છેડો ખિલખિલાટ હસી પડયો, ‘હું તો મઝાક કરતી હતી. તમને પણ વાતની ખબર છે, એટલે તો પાછા વળવાની ડંફાશ મારતા હતા.’

‘એવું બોલીને મને પડકાર ન ફેંકીશ, ડાર્લિંગ! એક દિવસ અચાનક જાન જોડીને તારા આંગણે આવીને ઊભો રહી જઇશ, ત્યારે ખબર પડશે કે તારામાં કેટલી હિંમત છે! એ વખતે ડરીને ઘરમાં ભરાઇ ન રહેતી!’

‘હું તો તમારી પાછળ ચાલી નીકળીશ, પણ પછી તમારી પત્નીનું શું કરશો?’

‘એ જ તો સમસ્યા છે ને, રચના? કાશ, તું મારી જિંદગીમાં એ સમયે આવી હોત, જયારે હું કુંવારો હતો!’ કવિ અનમોલે વજનદાર નિ:સાસો નાખ્યો.

ગાડી દોડતી હતી. વાતો ચાલતી રહી. સાહિલે એક વાત અવશ્ય નોંધી કે કવિની વાતોમાં સાચો પ્રેમ સમાયેલો હતો, કયાંય કરીને અશ્લીલતા કે છીછરાપણું ન હતું. એમની કવિતાની જેમ જ એમના પ્યારનું સ્તર પણ ઘણું ઊચું હતું.

એક નાનકડું શહેર આવ્યું. સાહિલે ગાડી ધીમી પડી, અનમોલને પૂછ્યું, ‘સર, સામે હોટલ દેખાય છે તે આ રૂટ પરની સારામાં સારી હોટલ ગણાય છે. ચા માટે ગાડી ઊભી રાખું?’

અનમોલે માથું હલાવીને ‘હા’ પાડી. પછી ફોનમાં કહ્યું, ‘રચના, ડાર્લિંગ, આપણી વાતોમાં દસ મિનિટનો ‘બ્રેક’ લેવો પડશે. ચા પીને ફરી પાછો તને ‘કોલ’ કરું છું.’

પંદર મિનિટના વિરામ પછી ફરી પાછી સફર શરૂ થઇ અને ફરી વાર શરૂ થઇ ગયો ટેલિફોનિક પ્રેમાલાપ. અનમોલ કહી રહ્યો હતો, ‘રચના, આ જન્મે તો આપણે પતિ-પત્ની બની નથી શકતાં, પણ આવતા જન્મ માટે હું અત્યારથી જ ઈશ્વર પાસે તારું ‘એડવાન્સ બુકગિં’ કરી લઉ છું, માત્ર એક નહીં, પણ આવનારા ચોર્યાશી લાખ જન્મો માટે તું જ મારી પત્ની બને એવું હું ભગવાન પાસે માગી લેવાનો છું.’

સાહિલ વિચારી રહ્યો કે મુશાયરામાં રજૂ થતી કવિની ગઝલો વધારે રોમેન્ટિક હોય છે કે અત્યારે ખાનગીમાં ચાલતી રચના સાથેની આ વાતો વધારે રોમાંચક હશે? આખોયે પ્રવાસ રચના સાથેના અદૃશ્ય સંગાથમાં પૂરો થયો. એ રાત્રે મુશાયરામાં કવિ અનમોલ છવાઇ ગયા. બાકીના તમામ શાયરો ઝાંખા પડી ગયા.

મોડી રાત્રે લગભગ બે વાગે મહેફિલ પૂરી થઇ. એ પછી મોંઘી હોટલના બંધ કમરામાં કવિઓની અંગત મહેફિલ શરૂ થઇ. અંગૂરની બેટી કાચની સુરાહીમાંથી આઝાદી મેળવીને શાયરોની હોજરીમાં કેદ થવા માંડી. અહીં કોઇ સામાન્ય શ્રોતાઓ ન હતા, ગઝલો રજૂ થતી હતી કવિઓ દ્વારા અને કવિઓ માટે. અહીં પણ વરચે વરચે કવિ અનમોલ સેલફોન પર એમની ‘રરચુ ડાર્લિંગ’ સાથે અલપ-ઝલપ વાતો કરી લેતા હતા. સાહિલ તમામ કવિઓની ખાતિર-બર્દાશ્તમાં વ્યસ્ત હતો.

વહેલી સવારે પાંચ વાગે આ મહેફિલનો પણ અંત આવ્યો. શાયરો પોતાના ઉતારા પર ચાલ્યા ગયા. બાકી રહ્યા કવિ અનમોલ અને સાહિલ.

‘સર, જતાં પહેલા એક ખાનગી સવાલ પૂછી લઉ? આપનો ચાહક છું, એટલે જ પૂછવાની ધૃષ્ટતા કરું છું. તમારી ઇરછા ન હોય તો જવાબ ન આપશો.’

કવિ નશામાં હતા, ‘પૂછી નાખ, દોસ્ત! મારી તો આખી જિંદગી જ એક સવાલ બની ગઇ છે. તું શા માટે પૂછ્યા વગરનો રહી જાય?’

‘સર, આપ પરણેલા છો, આપનું સુખી લગ્નજીવન છે, તેમ છતાં..?’

‘તું રચના વિશે પૂછવા માગે છે ને? દોસ્ત, મારા જેવા સંવેદનશીલ પુરુષની અંગત વેદના તને કયારેય નહીં સમજાય. દુનિયા માને છે કે મારી પત્નીનો સ્વભાવ ખૂબ સારો છે. પણ હું માનું છું કે માત્ર ઘર સંભાળવું અને પતિના બાળકોને જન્મ આપવો એ જ સાચો પત્ની-ધર્મ નથી, તેં એક વાત નોંધી? આપણે જયારે ઘરેથી નીકળતા હતા, ત્યારે મેં હાથરૂમાલ માગ્યો હતો. મારી પત્ની રૂમાલ લઇ તો આવી, પણ એ સાવ ગંદો હતો. રૂમાલ લાવી એ એનું કર્તવ્યપાલન હતું, પણ એ ગંદો હતો એ એની મારા તરફની નિર્લેપતા હતી. આ તો એક નાનો દાખલો આપ્યો. મારો આખો સંસાર આમ જ ચાલી રહ્યો છે. રચનાએ મને શરીરસુખ નથી આપ્યું, પણ સાચી લાગણી આપી છે. મારી પત્ની એ મારા માટે પ્રેમ વગરનું સેકસ છે, મારી રચના એ મારા માટે સેકસ વગરનો પ્રેમ છે. આ બે વ્યાખ્યાની વરચેથી પસાર થતું કાયદાનું બંધન એટલે જ લગ્ન.’

કવિની આંખોમાં નશાનો ખુમાર હતો, સાહિલ સમજી ન શકયો કે એ રચનાનો પ્યાર હતો કે લાગણીહીન લગ્નજીવનનો ભાર હતો!

(શીર્ષક પંકિત : મનુભાઇ ‘ગાફિલ’)

Leave a Reply