બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા, બાકી રહેવા દઇ…

સાયન્સ કોલેજના અંતિમ વર્ષમાં ભણતો સ્ફટિક આડતિયાં લેબોરેટરીની દિશામાં જઇ રહ્યો હતો, ત્યાં અટારી એને રસ્તામાં મળી ગઇ. અટારી આચાર્ય પ્રેકિટકલમાં એની ટેબલ પાર્ટનર હતી.

‘હાય, સ્ફટિક! અત્યારે લેબમાં ?! આજે તો પ્રેકિટકલ્સ બંધ છે.’ અટારીએ આશ્ચર્યપૂર્વક પૂછી લીધું. ‘હા, જાણું છું. પણ પ્રેકિટકસ ભલે બંધ હોય, લેબ ખુલ્લી છે.’ સ્ફટિકની આ ટેવ હતી. એના જવાબો હંમેશાં ટૂંકા રહેતા અને થોડા ઘણા તોછડા પણ.

અટારીનાં મોંનો તોબરો ચડી ગયો, ‘સારુ! સારુ! મોટા વૈજ્ઞાનિક થવાનો ભાર લઇને ફરે છે તે! આખી કોલેજને ખબર છે કે તું જિનિયસ છે, પણ એમાં આ રીતે કંઇ આઇન્સ્ટાઇન ભાગ બીજો બનીને જીવવાની જરૂર નથી.’ પણ અટારીનાં વાગ્બાણ સ્ફટિકને સ્પર્શી ન શકયા. એ જાડી ચામડીનો માણસ હતો. એને ભગવાને માત્ર વિજ્ઞાન માટે જ ઘડયો હતો. અને અટારી એના ધૂનીપણા પાછળ પાગલ હતી. કયારેક કયારેક એમાંથી જ બંને વચ્ચે ચકમક ઝરી જતી હતી.

એક દિવસ અટારી તદ્દન આધુનિક ફેશનનો નવો ડ્રેસ અને ઊચી પેન્સિલ હીલનાં સેન્ડલ પહેરીને આવી હતી. રિસેસમાં એણે પ્રયત્નપૂર્વક સ્ફટિકને ઝડપ્યો અને પૂછ્યું, ‘હાય! હું આજે કેવી લાગું છું?’ ‘ઓ.કે! આમ તો બધું બરાબર છે, પણ…’

એની નજર અટારીનાં દેહના સુંદર વળાંકો ઉપર પડવાને બદલે માત્ર વસ્ત્રો ઉપર જ હતી, ‘ આ ડ્રેસના રંગો સૂર્યપ્રકાશનું શોષણ કરીને તારી ત્વચાને શ્યામ બનાવી દે તેવા છે. અને તારાં પગ…’ એની આંખો માખણની બે સ્નિગ્ધ થાંભલીઓ તરફ સરકી, પણ અંતે તો અટારીએ પહેરેલા સેન્ડલ પર જઇને અટકી, ‘આ પેન્સિલ હીલને કારણે તારી કરોડરજજુ પર અકુદરતી દબાણ આવશે અને તને બેકેકની તકલીફ થઇ શકે છે. તારાં શરીરની મઘ્યરેખામાંથી પસાર થતું ગુરુત્વ બિંદુ…’ ‘શટ અપ! તને આ ડ્રેસ અને જૂતામાં માત્ર ફિઝિકસ જ દેખાય છે, મારું ફિઝિક (શરીર) નથી દેખાતું?’ અટારીએ ગાલ ફૂલાવ્યાં.

‘ના, હું જન્મ્યો છું જ વિજ્ઞાન માટે. મારે ફિઝિકસ વિષયનો ઊડો અભ્યાસ કરવો છે. નામ કાઢવું છે. અમેરિકા જવું છે. નાસામાં જોડાવું છે. રિસર્ચ કરવું છે મને. તમારી ફાલતુ વાતોમાં જરા પણ રસ નથી.’ એકધારા ટૂંકા અને તોછડા વાકયો બોલીને સ્ફટિક ચાલ્યો ગયો.

આજે પણ એવું જ બન્યું. અટારી રોમાન્સના મૂડમાં હતી. એનો વિચાર કોલેજની પાછળના ગાર્ડનમાં બેસીને સ્ફટિકની સાથે પ્રેમાલાપ કરવાનો હતો, પણ સ્ફટિકને ઉતાવળ હતી. સાવ ખાલીખમ લેબોરેટરીમાં જઇને ઇલેકટ્રોમેગ્નેટીક ફિલ્ડના કેટલાંક વણસમજાયેલા રહસ્યો પ્રયોગો દ્વારા સમજવાની એના દિમાગમાં તરસ હતી.

એની પીઠ ઉપર અટારીનો આજીજીભર્યોસ્વર અથડાયો, ‘હું કોલેજ-કેન્ટીનમાં બેઠી છું. બે ડિશ સમોસા અને બે ચાનો ઓર્ડર આપીને તારી વાટ જોઉ છું. તું જેમ બને તેમ જલદીથી પરવારીને…’ બાકીના શબ્દો માટે પનો ટૂંકો પડયો. સ્ફટિકની પીઠ અને કાન આગળ નીકળી ગયા હતા.

અડધો કલાક. એક કલાક. દોઢ કલાક. છેક પાંચ વાગ્યા ત્યારે લેબોરેટરી અને કેન્ટીન બંધ થવાના સમયે સ્ફટિક દેખાયો. એની આંખોમાં કામ પૂરું કર્યાનો થનગનાટ હતો અને અટારીનાં ચહેરા પર અપેક્ષાઓ ઊજડી ગઇ એ વાતનો કચવાટ. એની ફરિયાદ એની જીભ ઉપર આવી ગઇ. ‘કેટલી બધી રાહ જોવડાવી, સ્ફટિક? આજે તો તારે ચોખવટ કરવી જ પડશે. તું મને પ્રેમ કરે છે કે નહીં ?’

‘આ તે કંઇ પૂછવાની વાત છે? તું છે જ એવી ખૂબસૂરત કે આખી કોલેજ તને.’

‘કોલેજની વાત છોડ, તારી વાત કર!’

‘કરું છું ને… હું પણ તને પ્રેમ… આઇ મીન, તું મને પણ ગમે છે. બટ લેટ મી ટેલ યુ, અટારી. મારે મોટા સાયન્ટિસ્ટ બનવું છે, અમેરિકા જવું છે, નાસામાં રિસર્ચ વર્ક કરવું છે. ‘અને એ બધું કરવા માટે કોઇ પ્રેમ કરતી છોકરીને કેન્ટનિમાં દોઢ-દોઢ કલાક સુધી રાહ જોતી બેસાડી રાખવી છે!!’ અટારીનું મોં ફૂલી ગયું.

‘તમારી સ્ત્રી-જાતિની આ જ મોટી મુસીબત છે. નાની અમથી વાતમાં ફૂલનદેવી બની જવાનું! અરે, હું પ્રયોગો કરવામાં મશગૂલ બની ગયો એટલે કેન્ટીનમાં આવવાનું ભૂલાઇ ગયું. પણ તું શા માટે બેસી રહી? મારા સેલફોન પર એક રિંગ ન મારી દેવાય? હું તરત જ આવી જાત ને!’

અટારીને માની જવું હતું એટલે એ માની ગઇ. બાકી એ કયાં નહોતી જાણતી કે પ્રયોગ કરતી વખતે આ આઇન્સ્ટાઇન મહાશય એમનો સેલફોન બંધ કરી દેતા હતા!

સ્ફટિકની લગન રંગ લાવી ગઇ. પંદર દિવસ પછી રાજયકક્ષાનો સાયન્સ ફેયર યોજાયો, જેમાં સ્ફટિકના પ્રયોગોને કારણે કોલેજ પ્રથમ નંબર મેળવી ગઇ. એના નજીકના મિત્રો એને ધેરી વળ્યા, ‘કોંગ્રેટ્સ, સ્ફટિક! વી આર પ્રાઉડ ઓફ યુ. પાર્ટી કયારે આપે છે?’ સ્ફટિકે ઉજવણીની વાત હવામાં ઉડાડી મૂકી. પણ મિત્રોની વાત જુદી હતી અને અટારીની હઠ જુદી હતી. ‘મને તો પાટીર્ આપવી જ પડશે. કેન્ટીનમાં નહીં, કોઇ સારી રેસ્ટોરાંમાં, લંચ કે ડિનર આપ્યા વગર નહીં ચાલે. પૈસા ન હોય તો બિલ હું ચૂકવીશ.’ ‘ના, એટલા પૈસા તો છે મારી પાસે, સવાલ સમયનો છે. એ કોણ આપશે ?’

‘એ બધું હું ન જાણું. આ રવિવારે હોટલ રેઇન-બોનાં દસ નંબરના ટેબલ પાસે બપોરે બાર વાગ્યે હું તારી રાહ જોતી બેઠેલી હોઇશ. આ વખતે કોઇ બહાનું નહીં ચાલે.’ આટલું બોલીને અટારી રવિવારની બપોરની તૈયારીમાં પડી ગઇ. હોટલમાં રૂબરૂ જઇને એ ટેબલ બુક કરાવી આવી.

અગિયાર વાગ્યે સુંદર રીતે સજી-ધજીને તૈયાર થઇને સાડા અગિયાર વાગે તો એ પહોંચી પણ ગઇ. પણ સ્ફટિકના કશાં જ ઠેકાણા ન મળ્યા. છેક એક વાગ્યા સુધી બેસીને એ પાછી ફરી ગઇ. બીજા દિવસે કોલેજમાં અટારીએ સ્ફટિકની ધૂળ કાઢી નાખી, ‘તને કંઇ ભાન-બાન છે? રવિવારે રેઇન-બોમાં કેટલી ભીડ હોય છે એ તું જાણે છે ને? ત્યાં એકલી જુવાન છોકરી બબ્બે કલાક સુધી બેસી રહે તો એ કેટલી ભોંઠી પડે એનો અંદાજ છે તને? કેમ ન આવ્યો ?’

‘હું તો ભૂલી જ ગયેલો કે આપણે લંચ સાથે લેવાનું હતું. યુ નો? આવતા મહિને નેશનલ સાયન્ટિફિક કોન્ફરન્સમાં મારે ભાગ લેવા જવાનું છે. બેંગ્લોરમાં મારે રિસર્ચ પેપર રજૂ કરવાનું છે. કાલે આખો દિવસ હું એની તૈયારીમાં.’

‘તૈયારી? માય ફૂટ! બેંગ્લોરની તૈયારી કયાં અને તારી અટારી કયાં? તારી પાસે રિસર્ચ-પેપર માટે હજુ એક મહિનો પડયો છે, મારા માટે એક કલાક પણ નથી?’

‘પણ હું ભૂલી ગયો! સાચું કહું છું. જો યાદ હોત તો ચોક્કસ આવી જાત. પણ વાંક તારો જ છે, તેં એક મિસ કોલ કરી દીધો હોત.’ સ્ફટિક એની પોતાની ધૂનમાં બોલ્યે જતો હતો અને ગોરી ગોરી અટારી લાલઘૂમ આંખો સાથે રવાના થઇ ગઇ. એટલું કહેવા માટે પણ એ ન રોકાણી કે મિસ કોલ નહીં પણ આખેઆખા કોલ જ એણે કર્યા હતા, એક વાર નહીં, પણ સો વાર! પણ ફોન ચાલુ હોય તો કોઇ રિસવિ કરે ને?

આ જ સિલસિલો ચાલતો રહ્યો. ધૂની પ્રેમી અને અપેક્ષાઓથી છલકાતી પ્રેમિકા. નેશનલ કોન્ફરન્સમાં સ્ફટિકનાં સંશોધન-પત્રને પ્રથમ ઇનામ જાહેર થયું. એ પછી યુનિવર્સિટીની પરીક્ષામાં ફિઝિકસ વિષયમાં એને સુવર્ણચંદ્રક મળ્યો. એ પછી યુ.એસ.એ. જવા માટેની નિર્ણાયક કસોટીમાં પણ એનો ક્રમાંક અવ્વલ રહ્યો. ભવિષ્યના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનવા માટે સ્ફટિકના માર્ગમાં આવતા એક પછી એક દ્વારો ઊઘડતા ગયા. પણ અટારીનાં હાથમાં દર વખતે નિષ્ફળતા અને નિરાશા જ આવી.

આખરે એ દિવસ આવી ગયો જેની સ્ફટિકને વર્ષોથી પ્રતીક્ષા હતી. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસાર્થે જવાનું પ્રતિષ્ઠિત કોલેજનું આમંત્રણ અને સાથે સ્કોલરશિપ પણ.

જતાં પહેલાં અટારી સ્ફટિકને છેલ્લી વાર મળી, ત્યારે ખૂબ રડી પડી, ‘પાછો કયારે આવીશ?’

‘હમણાં બે-ત્રણ વર્ષ સુધી તો નહીં જ. એ પછી મારું નાસામાં જોડાવાનું નક્કી થશે. ત્યાં સુધી તો ફિઝિકસ એ જ મારી જિંદગી.’

સ્ફટિકની આંખોમાં પાગલપન ઝલકતું હતું. અટારીનાં ગાલ પર હળવી ટપલી મારીને એ ચાલ્યો ગયો. ત્યાં જઇને ગળાડૂબ અભ્યાસમાં ગરકાવ થઇ ગયો. અટારી રોજ એને ફોન કરવાની કોશિશો કરતી રહી, પણ એ ભાગ્યે જ ઝડપાતો. મોટા ભાગે તો એનો સેલફોન મૂંગો જ હોય. ત્રણ વર્ષ પસાર થઇ ગયા.

અચાનક એક દિવસ સ્ફટિકનો ફોન આવ્યો. અટારીને આશ્ચર્ય થયું. જિંદગીમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક મહોદયનો સામેથી ફોન આવ્યો હતો. અટારીની ખુશીનો પાર ન હતો, ‘બોલ, શું હતું, સ્ફટિક? મઝામાં?’

‘હા, એક સારા સમાચાર છે. નાસાનાં ફિઝિકસ ડિપાર્ટમેન્ટમાં જોડાવા માટેનો ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે. આવતી કાલે સવારે મારે જવાનું છે. મને વિશ્વાસ છે કે હું પસંદ થઇ જઇશ. પણ તું ચૂપ કેમ છે, અટારી? બોલતી કેમ નથી? આટલા સારા ન્યૂઝ સાંભળીને તું રાજી ન થઇ?’

‘કેવી રીતે રાજી થઉ, સ્ફટિક? ત્રણ -ત્રણ વર્ષથી તારો સંપર્ક નથી. મારા પપ્પા કંટાળીને હવે મારાં લગ્ન બીજા મુરતિયા સાથે ગોઠવી રહ્યા છે. બધું જ પાકું થઇ ગયું છે. આવતી કાલે છોકરાવાળા અમારા ઘરે આવવાના છે. હું લાખ વાર તને ફોન કરવાની કોશિશો કરી ચૂકી, પણ તારો તો સંપર્ક જ થતો નથી. હું તારા વગર નહીં જીવી શકું, સ્ફટિક, સાચું કહું છું, હું મરી જઇશ!’

‘અરે! આટલી નાની વાતમાં મરવા ઊભી થઇ ગઇ? હું આવું છું. નાસા જાય ભાડમાં, પ્રિયે! અંતરિક્ષયાનમાં બેસીને આભની અટારીએથી બ્રહ્માંડનું દર્શન કરવું એનાં કરતાં મારી અટારી સાથે જીવવું મને વધારે રોમાંચક લાગે છે. હું તને હંમેશાં કહેતો આવ્યો છું કે જયારે પણ તકલીફ પડે ત્યારે મને જાણ કરી દેવી. હું આવી રહ્યો છું. વેઇટ ફોર મી, અટારી!’ (શીર્ષક પંકિત : મુકુલ ચોકસી)

3 Responses

  1. supereb dear Dr Sharad Thakar
    Thnx’s a lot.

  2. chamtkar khali varta ma j thay k pa chhi hakikat ma pan thay chhe?

    hu aa prem thi evo kantadyo chhu k marvani iccha thai jay chhe. bhavan kyarey pan koine prem na ravade na chadave.

    mane bachavo pls.

    rudrachirag@gmail.com

  3. jindagi ma prem jevi kay nathi…e to ek attraction che kyare y joy tame koy kadrupi chokrina na prem ma padta koyne…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 65 other followers