એક પળમાં આખો ભવસાગર તર્યો, મોતના દ્વારેથી હું પાછો ફર્યો

જાન્યુઆરી મહિનાની શરૂઆતના દિવસો હતા. સુરેન્દ્રનગરનું આસમાન રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું હતું. બરાબર સવારના અગિયાર વાગ્યાની આસપાસ બાજુના ગામડેથી અંગત કામસર આવેલો દેવાયત નામનો ત્રીસેક વર્ષનો જુવાન સાઇકલ પર બેસીને ઊભી બજારેથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં શું થયું એની કોઇને ખબર પડે એ પહેલાં તો એને ડોકમાં કંઇક બળતરા જેવું લાગ્યું પછી એને લાગ્યું કે એનું ખમીસ ભીનું થઇ ગયું છે. જમણો હાથ સાઇકલના હેન્ડલ પરથી ઊઠીને ડોક તરફ ગયો. હાથ ઊનાં-ઊનાં લોહીથી ખરડાઇ ગયો.

ઉત્તરાયણના દિવસોમાં આ એક સામાન્ય બાબત બની ગઇ છે, પણ પતંગની દોરીથી ગળુ કપાઇ જવું એના જેવો જીવલેણ અકસ્માત ભાગ્યે જ બીજો કોઇ હોઇ શકે. આશ્ચર્યની વાતો તો એ હતી કે ખુદ દેવાયતને ખબર ન પડીકે શું બન્યું હતું! કાચના ભૂકાનો દેશી માંજો પાયેલો દોર જે તીવ્ર ગતિથી એની ડોકને ઘસાઇને પસાર થઇ ગઇ એ ઝડપ જાપાનની સમુરાઇ તલવારની ગતિ કરતાંયે વધારે હતી.

જો આ દુઘર્ટના અમદવાદની કોઇ નુડલ્સ ઉપર ઉછરેલી વ્યકિત સાથે ઘટી હોત તો એ ત્યાં ને ત્યાં જ રામશરણ થઇ ગઇ હોત. પણ દેવાયત ગામડાંનો માણસ હતો, દેશી શુદ્ધ ઘી-દૂધ ખાઇને અલમસ્ત બનેલો મજબૂત આદમી હતો. એની શ્વાસનળી કપાઇ ગઇ હોવા છતાં એ જાતે ઊભો થઇને સાઇકલ પર સવાર થઇને સુરેન્દ્રનગરના ખ્યાતનામ સજર્યન ડૉ. ગાંધી સાહેબના નર્સિંગ હોમ સુધી પહોંચી ગયો.

ડૉ. ગાંધી એટલે સુરેન્દ્રનગરના વરિષ્ઠ અને હોંશિયાર ડૉકટર. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એમ.એસ. ઇન જનરલ સર્જરી પાસ કરીને લગભગ પચીસેક કરતાંયે વધારે વર્ષોથી તેઓ આ શહેરમાં પ્રેકિટસ કરી રહ્યા છે. ગાંધી સાહેબ એટલે સીધા, સાદા અને આમજનતાના માણસ. આવા ડૉકટરના દવાખાનામાં દરદીઓની ભીડ ન જામે તો જ આશ્ચર્ય.

દેવાયત આવીને ચૂપચાપ બાંકડા ઉપર બેસી ગયો. પંગતમાં એનો વારો કોણ જાણે કયારે આવત! પણ એન શ્વાસ લેવામાં ભયંકર તકલીફ પડી રહી હતી અને ડોકમાંથી લોહીનો નાયગ્રા વહી રહ્યો હતો એ જોઇને બીજા દરદીઓ ખળભળી ઊઠયા. ‘હો-હા’ કરી મૂકી. ડૉ. ગાંધી કન્સિલ્ટંગ રૂમમાંથી બહાર દોડી આવ્યા. ત્યાં સુધીમાં દેવાયતના ઘી-દૂધે જવાબ દઇ દીધો હતો. એ જમીન પર ઢળી પડયો હતો અને જગતને આખરી વાર ‘અલવિદા’ કરી રહ્યો હતો.

‘એને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઇ લો! સસ્ટિર, એની વેઇન પકડો! બ્લડ તો કયારે મળે? પણ ગ્લુકોઝ સેલાઇનની ડ્રીપ તો ચાલુ કરી દો! અને સાથે ઓકિસજન પણ…’

પહેલું કામ કયું કરવું? દેવાયતની ગળાની મુખ્ય રકતવાહિની કપાઇ ચૂકી હતી, જેમાંથી આખા શરીરનો લોહી-પુરવઠો બહાર ઠલાઇ રહ્યો હતો. એને બંધ કરવો? કે પછી શ્વાસનળી કપાઇ ગઇ હતી એનો ઉપાય પહેલાં કરવો? શ્વાસનળીવાળો મામલો પાછો ઇ.એન.ટી. સજર્યનનો ઇજારો કહેવાય.

આવા ઇમરજન્સી કેસમાં જેટલી આવડત કામમાં નથી આવતી, એટલો અનુભવ ખપમાં આવે છે. એમણે નર્સને સૂચના આપી, ‘સસ્ટિર, ગોઝપીસની જથ્થાબંધ થપ્પી લઇને પેશન્ટના ગળા ઉપર દબાવી દો! બ્લિડિંગ થોડી વાર પૂરતું કાબૂમાં આવશે,ત્યાં હું ડૉ. રૂપારેલને બોલાવી લઉ….’

આવી પરિસ્થિતિમાં એક ડૉકટર બીજા ડૉકટરને વધારે તો શું કહે? ડૉ. ગાંધીએ માત્ર આટલું જ કહ્યું, ‘ડૉ. રૂપારેલ, રશ ટુ માય ઓપરેશન થિયેટર અર્જન્ટલી. એ રિઅલ ઇમરજન્સી. જયાં હોય, જે હાલમાં હોવ, તાત્કાલિક આવી જાવ. વી મે લૂઝ એ લાઇફ!’

ફોન પરથી વાત પૂરી થાય એ પહેલાં ડૉ. રૂપારેલ ગાંધી સાહેબના થિયેટરમાં હાજર હતા. હવે દેવાયત હતો, યમદૂત હતા અને બે નિષ્ઠાવાન, ફરજપરસ્ત તબીબો હતા. ડૉ. રૂપારેલે સમય સૂંઘી લીધો, ‘ગાંધી સાહેબ, પેશન્ટની ટ્રેકિયોસ્ટોમી કરવી પડશે.

‘કરી નાખો!’ ડૉ. ગાંધીએ માથું હલાવ્યું. ટ્રેકિયોસ્ટોમી એટલે માણસના ગળામાં છિદ્ર પાડીને શ્વાસનળીમાં સીધી હવા દાખલ થઇ શકે એ માટેની શસ્ત્રક્રિયા અમિતાભ બચ્ચનના ગળામાં ટ્રેકિયોસ્ટોમી થઇ ચૂકી છે. આમ જુઓ તો આ બહુ ઝડપી, સહેલી દેખાતી, પણ સાવધાની રાખીને કરવી પડે એવી સર્જરી છે. દેવાયતની શ્વાસનળી થોડી-ઘણી તો પતંગની દોરીથી કપાઇ ચૂકી હતી. ડૉ. રૂપારેલે એ કાપાને વ્યવસ્થિત આકાર આપીને અંદર એક નાનકડું પોલી નળી જેવું સાધન ગોઠવી દીધું.

ડૉ. ગાંધીએ તૂટી ગયેલી રકતવાહિની બાંધી આપી. લોહીનો સ્રાવ બંધ થઇ ગયો. ત્યાં સુધીમાં દેવાયતના સગાંસંબંધીઓ પણ જમા થઇ ગયા. લોહીના બાટલાઓનો પ્રબંધ પણ થઇ ગયો. દેવાયત મૃત્યુના દ્વાર પર હાથ અડાડીને પાછો આવ્યો. ‘સાહેબ, અમારા દીકરાના ગળામાં આ કાણું પાડયું છે અને એમાં આ નળી ગોઠવી છે એ શા માટે? હવે આખી જિંદગી એણે આવી રીતે જ ફરવાનું છે?’ દેવાયતના ગ્રામીણ બાપે ગામડિયો પ્રશ્ન પૂછ્યો.

‘ના, કાકા! દેવાયતની શ્વાસનળી લોહી કે લીંટથી બંધ ન થઇ જાય અને હવાની આવ-જા માટે રસ્તો ખુલ્લો રહે એટલા ખાતર આ સાધન મૂકેલું છે. સમય આવ્યે એ સાધન પણ નીકળી જશે અને ટાંકા લઇને આ ગળામાં પાડેલું છિદ્ર પણ બંધ કરી દેવામાં આવશે. ટૂંકમાં, તમારો દીકરો ફરી પાછો નાક વડે શ્વાસ લેતો થઇ જશે.’

સગાંસંબંધીઓને ‘હાશ’ થઇ. ડૉ. રૂપારેલ ઘરે જવા માટે ઊભા થયા. ડૉ. ગાંધી સાહેબે એમના ખભે હાથ મૂકયો, ‘થેન્ક યુ, માય ફ્રેન્ડ! તમે બરાબર સમયસર પહોંચી ગયા. નહીંતર મારો પેશન્ટ અત્યારે જીવતો ન હોત.’ ‘તમારો એકલાનો નહીં, આપણો પેશન્ટ કહો, ગાંધી સાહેબ!’ ડૉ. રૂપારેલ એમની ગાડીમાં ગોઠવાયા.

ડૉ. ગાંધીએ ભલામણ કરી, ‘સાંજની ઓ.પી.ડી. પતાવીને જયારે ઘરે જવા નીકળો ત્યારે એક આંટો અહીં મારતાં જજો! દેવાયતને જોતા જજો…!’

દિવસ પૂરો થઇ ગયો. દેવાયતની સ્થિતિ તદ્દન સુધારા પર હતી. ડૉ. ગાંધી રાતના આઠ વાગ્યે ઘરે ગયા. જતાં પહેલાં દેવાયતનું શારીરિક ચેક અપ કરતાં ગયા. પલ્સ, બ્લડ પ્રેશર, શ્વાસોરછ્વાસની ગતિ વગેરે બધું જ નોર્મલ હતું.

ડૉ. રૂપારેલ પણ લગભગ એ જ સમયે કામથી પરવાર્યા. સવા આઠે ગાડીમાં બેસીને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં ગાંધી સાહેબનું નર્સિંગ હોમ આવ્યું. ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખી. વિચાર્યું, ‘આમ તો દેવાયતને જોવા જવાની કંઇ જરૂર નથી, પણ બપોરે છૂટા પડતી વખતે ગાંધી સાહેબે કહ્યું હતું એટલે…’

ડૉ. રૂપારેલ ગાડીમાંથી નીચે ઊતર્યા. વોર્ડબોયે કહ્યું પણ ખરું, ‘અમારા સાહેબ હમણાં જ દેવાયતને તપાસીને ગયા છે. સારું છે.’ ‘હું એ જોવા માટે જ આવ્યો છું.’ ડૉ. રૂપારેલ તદ્દન બેફિકરાઇથી ચાલતાં દેવાયતની પથારી પાસે ગયા. પણ ત્યાં જે જોવા મળ્યું એ થથરાવી મૂકે તેવું હતું! દેવાયતનો શ્વાસ બંધ હતો. શરીર ભૂરું પડી ગયું હતું. નાડી સાવ મંદ અને બ્લડ પ્રેશર માપી ન શકાય તેવું હતું.

‘સસ્ટિર…! વોર્ડ બોય…!’ ડૉ. રૂપારેલે રાડારાડ કરી મૂકી, ‘સકશન મશીન લાવો! ઓકિસજન લાવો! એનેસ્થેટિસ્ટને બોલાવો! ગાંધી સાહેબેને…’ જીભની સાથે એમના હાથ પણ ચાલુ જ હતા. છેલ્લા પ્રયત્ન રૂપે એમણે દેવાયતની છાતી પર બે હાથ મૂકીને કાર્ડિયાક મસાજ આપવા માંડયો. અચાનક દેવાયતને આ શું થઇ ગયું એ સમજવા જેટલો સમય ન હતો.

એ વાત તો પાછળથી સમજાણી કે ડૉ. ગાંધી ગયા અને ડૉ. રૂપારેલ આવ્યા એ બે ક્ષણોની વચ્ચે ખરેખર શું બન્યું હતું! દેવાયતની શ્વાસનળીમાં મૂકેલું સાધન સહેજ ખસી જવાને કારણે લોહીનો જામેલો ગઠ્ઠો શ્વાસનળીમાં દાખલ થઇ ગયો હતો. એ અવરોધને કારણે ફેફશામાં હવા પહોંચતી બંધ થઇ ગઇ હતી.

અને ડૉ. રૂપારેલના હાથે ચમત્કાર થયો એ કયો હતો? એમણે કાર્ડિયાક મસાજ માટે જે રીતે દર્દીનું શરીર હચમચાવી નાખ્યું એને કારણે પેલી નળી ફરી પાછી યોગ્ય રીતે ગોઠવાઇ ગઇ, અવરોધ રહી ગયો અને દેવાયતનું શરીર પ્રાણવાયુ મળવાને લીધે પાછું ગુલાબી રંગ ધારણ કરવા માડયું.

ડૉ. ગાંધીઐ પૂછ્યું, ‘આ નળી ખસી ગઇ એ એક અકસ્માત જ કહેવાય ને?’ ડૉ. રૂપારેલે જવાબ આપ્યો, ‘હા, અને હું એક ક્ષણ વહેલોય નહીં અને એક ક્ષણ મોડો પણ નહીં એવા સમયસર આવી ગયો એ વાત પણ અકસ્માત જ કહેવાય ને?’ (શીર્ષક પંકિત: બાબુ પટેલ)‘

Leave a Reply