લાગણી હોવાના ગુન્હા સબબ, એક ભીના માણસને ફાંસી છે

દીકરીને પરણાવીને તાજા જ પરવારેલા પોલીસ જમાદાર મુગટરાય હજુ તો લગ્નનો થાક ઉતારે, ન ઉતારે ત્યાં તો ત્રીજે દિવસે દીકરીને લઇને જમાઇ આવી પહોંરયા.
‘આવો! આવો! જમાઇરાજ! પધારો.’ મુગટરાયે ભીતરમાં ઊઠેલી આશંકાને દાબી દઇને આવકાર આપ્યો.
‘હું ‘પધારવા’ માટે નથી આવ્યો. તમારી દીકરીને પાછી આપવા માટે આવ્યો છું. સંભાળો તમારી ત્રિવેણીને.’ ભણેલા-ગણેલા વીસ વર્ષના તથાગતે દિમાગમાં મચેલી ઊથલપાથલને શકય તેટલી શમાવી દઇને બને એટલા શાંત સ્વરમાં કહ્યું. તો પણ બોલવામાં સહેજ ગરમી તો ભળી જ ગઇ.
‘કેમ? શું થયું? મારી પારેવડીનો કંઇ વાંક-ગુનો?’
‘વડીલ, આમ અજાણ્યા શા માટે થાઓ છો? તમે તો બધું જ જાણો છો. તમારી ત્રિવેણી ગાંડી છે. આ વાત તમે અમારાથી જાણીજોઇને છુપાવી છે. મને તો ચોવીસ કલાકમાં જ એ વાતની ખાતરી થઇ ગઇ કે આ બાઇ સાથે સંસાર ન ચલાવી શકાય. એટલે એને તમારા ઘરે પાછી મૂકવા.’ ‘પાછી મૂકવા એટલે શું? હેં? આ દેશમાં તમારા બાપનું રાજ ચાલે છે, હેં? અરે, મોચી પણ વેંચેલાં જૂતાં પાછાં નથી રાખતો. એકવાર પગમાં પહેરીને દુકાનનું પગથિયું ઊતરી ગયા એટલે વાત ખતમ થઇ ગઇ, સમજયા! અને બે દી’ પહેલાં જાન જોડીને તમે પોતે મારા ઘરનો ઉબરો ટોચતાં આવ્યા હતા. હું સામે ચાલીને મારી દીકરી તમારા ગળે બઝાડવા નો’તો આવ્યો, સમજયા?’ મુગટરાય ઊકળી ઊઠયા. આમ પણ મુગટરાય પોલીસમેન હોવા છતાં મવાલી જેવા વધારે હતા. વાત-વાતમાં ઉશ્કેરાઇ જવું તે એમની આદત હતી અને એલફેલ બોલવું એ એમની નોકરીએ બક્ષેલા સંસ્કાર હતા.
‘એ બધું સાચું. હું પોતે જાન જોડીને, ઘોડે ચડીને, વાજાં વગાડતો તમારી રાજકુંવરીને વરવા માટે આવ્યો હતો. એ વાતની હું કયાં ના પાડું છું? પણ ત્યારે હું અંધારામાં હતો. તમારી દીકરી ગાંડી હશે એની મને ખબર…’
‘ગાંડી શેની, હેં? મારી દીકરી કપડાં નથી પહેરતી? એને રસોઇ રાંધતાં નથી આવડતું? એ તમને બચકાં ભરે છે? તમારાં કપડાં ફાડી નાખે છે? ગાંડી તમારી મા! ગાંડો તમારો બાપ!’ મુગટરાય બોલતાં-બોલતાં પોતે ગાંડા જેવા થઇ ગયા. માથાના વાળ ખેંચવા માંડયા. આંખોના ડોળા ચકળ-વકળ ફરવા માંડયા. તથાગત સમજી ગયો કે સસરાના આવા ધોધમાર આક્રમણ સામે ટકી શકવા જેટલી એનામાં તાકાત નથી. એ આવ્યો હતો એ જ ત્વરાથી પાછો વળી ગયો.
મામલો અદાલતમાં પહોંરયો. તથાગતે વકીલ રાખવાને બદલે જાતે જ દલીલો રજૂ કરી. એની પાસે છુપાવવા જેવું કશું જ ન હતું. એણે જજસાહેબ આગળ રજૂઆત કરી, ‘મારા મામાના દીકરાએ જાણીજોઇને મને કૂવામાં નાખી દીધો. એણે આ કન્યાનું માગું નાખ્યું, મારા બાપે ઝીલી લીધું. હું તો શહેરની કોલેજમાં ભણતો હતો. અમારી ન્યાતમાં છોકરો-છોકરી એકબીજાંને મળે, જુએ અને ઇન્ટરવ્યૂ લે એવો કોઇ રિવાજ નથી. વચેટિયાઓ કરે એ સાચું જ હોય! ત્રિવેણી પરણીને મારા ઘરમાં આવી એ પછી મને ખબર પડી કે એનું દિમાગ તો છટકેલું છે.
ગાંડી એટલે પહેલી નજરે દેખાઇ આવે એવી ગાંડી નહીં, પણ સારી ભાષામાં કહું તો એ વિક્ષિપ્ત મગજની સ્ત્રી છે. ઊઠવા-બેસવાનું ભાન ન મળે. એનાં મનમાં આવે તો ઘરકામ કરે નહીંતર હું માગું તોયે પાણીનો ગ્લાસ ન આપે. કમાન છટકે તો ચીસો પાડવા માંડે, ડોળા કાઢે, માથાના વાળ પીંખવા માંડે! આવી સ્ત્રી સાથે મારો ભવ કેવી રીતે નીકળે. હું ગીતા ઉપર હાથ મૂકીને કહું છું કે મેં એને હાથ સઘ્ધાં અડાડયો નથી. અમારો સંસાર શરૂ જ નથી થયો. એ રીતે ત્રિવેણી હજુ કુંવારી જ છે. મારે મારા જેવા નિર્દોષ યુવાન ઉપર રહેમ દાખવીને નામદાર કોર્ટ મને એકતરફી છૂટાછેડા આપવાનો ફેંસલો…’
પણ આવી ઉદારતા દાખવવાની સત્તા ન તો અદાલતને હતી, ન ન્યાયાધીશને. ચારિત્ર્યહીનતા જેવા અપવાદોને બાદ કરતાં કોઇ પણ પતિ-પત્ની માત્ર દ્વિપક્ષી સંમતિથી જ ડિવોર્સ લઇ શકે છે. છૂટાછેડાનો કેસ ઊડી ગયો એટલે મુગટરાય જમાદાર હવે મેદાનમાં આવી ગયા. એમણે વળતો ઘા ફટકાર્યો, ‘હું અરજ કરું છું કે નામદાર કોર્ટ મુજ રંકને ન્યાય અપાવે. કાં તો મારા જમાઇને ફરજ પાડે કે લગ્નના ભોગવટા માટે એ મારી દીકરીને તેડી જાય, કાં એનાં ભરણપોષણ માટે દર મહિને રૂપિયા આપે!’
તથાગત તૂટી ગયો. આર્થિક રીતે પણ અને શારીરિક રીતે પણ. એક તો વિના વાંકે જીવનભર ત્રિવેણીને ભરણપોષણની રકમ આપતાં રહેવાની સજા અને બીજું વકીલોનાં ચક્કર. ઉપરથી મુગટલાલની મવાલીગીરી તો ચાલુ જ હતી. તથાગત જયાં નવી-સવી નોકરીમાં જોડાયો હતો, તે ઓફિસમાં જઇને એ ઘાંટાઘાંટ કરે અને ધમાલ મચાવે, ‘હું તને શાંતિથી જીવવા નહીં દઉ, યાદ રાખજે. મારી દીકરી તો ગાંડી છે જ, હું તને પણ ગાંડો કરીને છોડીશ. તારી જુવાની સળગાવી મૂકીશ!’
અને ખરેખર જમ જેવા જમાદારે જમાઇનો શયનખંડ એનાં તમામ સપનાંઓ સાથે બાળી નાખ્યો. આશરે પચાસ વર્ષ પહેલાંની આ ઘટના. એ વખતના કાયદાઓ અને જૂનાં રૂઢિચુસ્ત રિવાજોએ એક સંસ્કારી, તેજસ્વી, સુશિક્ષિત યુવાનની જિંદગી રણ જેવી વેરાન બનાવી દીધી. ન એ ગાંડી પત્નીથી છૂટી શકયો, ન બીજી યોગ્ય સ્ત્રી સાથે જોડાઇ શકયો.
તથાગતની ઓફિસમાં એના જ હાથ નીચે સુલભા નોકરી કરતી હતી. ખૂબ સંસ્કારી યુવતી. બંનેનાં હૃદય એકમેકની દિશામાં ઢળી ગયાં, પણ ઢળવું અને મળવું એ બે વચ્ચે મુગટલાલ જમાદાર ખડા હતા.
‘ચાલો, આપણે પરણી જઇએ.’ સુલભાએ તૈયારી દર્શાવી, ‘હું તમારા વિશે બધું જાણી ચૂકી છું છતાં પણ લગ્ન માટે તૈયાર છું.’
‘હા, પણ ત્રિવેણીથી છુટ્ટો થઉ તો તારી સાથે પરણું ને! અત્યારે તો હું પૈસેટકે પણ ખેંચમાં રહું છું. ચારસો રૂપિયાના પગારમાંથી દોઢસો રૂપિયા મારે ત્રિવેણીને આપી દેવા પડે છે. એ ત્રિવેણીને જેને મેં હાથ સુઘ્ધાં લગાડયો નથી, એ સ્ત્રીને જેને આટલાં વર્ષોપછી હું કદાચ ઓળખી પણ ન શકું. બહુ આકરી પડે છે આ સજા મને, સુલભા, પૈસો સર્વસ્વ નથી, પણ પૈસો ઘણું બધું છે. દર મહિને પગારમાંથી ભરણપોષણની રકમનું મનીઓર્ડર કરતી વખતે મારી છાતી ચિરાઇ જાય છે. કયારેક તો એવો તિરસ્કાર થઇ આવે છે આ જિંદગી ઉપર કે સાધુ થઇ જવાનો વિચાર આવી જાય છે. હું જ જયાં કમાતો ન હોઉ, ત્યાં એ મુગટિયાની દીકરીને શું આપું? અને કયાંથી આપું?
…………
પૂરાં પચીસ વર્ષ નીકળી ગયાં. આમ ને આમ યાતનાસભર વીતી ગયાં. વીસ-એકવીસનો સોહામણો અને થનગનતો જુવાન પિસ્તાલીસ વર્ષના ઢોળાવ ઉપર પહોંચી ગયો. અચાનક એક દિવસ એના સસરાજી મુગટરાય એના ઘરના ઉબરે ઝબકયા. એમનો દેખાવ કહી આપતો હતો કે એક જમાનાનો રાની ખૂંખાર બિલાડો અત્યારે બકરી બની ગયો હતો. નજર ઝુકાવીને એણે વાત મૂકી, ‘વિનંતી કરવા આવ્યો છું. મારે ત્રિવેણીને તમારી સાથેના લગ્નબંધનમાંથી મુકત કરવી છે. છૂટાછેડાના કાગળ પર તમે સહી કરી આપો.’ તથા ગત હચમચી ગયો, ‘આટલાં વર્ષ પછી મારી દયા આવી?’
મુગટરાય રડી પડયા, ‘દયા મને તો ન આવી, પણ તમે દયા ખાવ અને મને આપઘાત કરવામાંથી ઉગારી લો! વાત એમ છે કે મારી ત્રિવેણી અત્યારે ગર્ભવતી છે. પાંચમો મહિનો જાય છે. જે મોરલો કળા કરી ગયો એને મેં ધમકાવ્યો, તો એ પરણવા માટે તૈયાર થઇ ગયો. પણ એ તો જ શકય બને જો તમે ત્રિવેણીને છુટ્ટી કરો. ભાઇ, ગઇ ગુજરી ભૂલી જાવ! તમે તો દેવતા જેવા માણસ છો.’
તથાગતના દિમાગમાં બદલો લેવાનો ઝનૂનભર્યો વિચાર આવી ગયો, પણ એક જ ક્ષણ પૂરતો. બીજી જ ક્ષણે એણે હા પાડી દીધી. કાનૂની વિધિ પૂરી થઇ એ પછીના બીજા જ દિવસે તથાગત સુલભા સાથે પરણી ગયો અને ત્રિવેણી એના નાનકડા શહેરની એક શેરીના નાકે ચાની કીટલી ચલાવતા કાન્તિ નામના એક ચલતાપૂર્જા આધેડ પુરુષની સાથે પરણી ગઇ.
‘વાહ રે કિસ્મત! જયારે કામનાઓ ઢળી ગઇ, ત્યારે છેક કામિની મળી!’ લગ્નની પ્રથમ રાત્રિએ સુલભાનો રૂપાળો ચહેરો હાથમાં લેતી વખતે તથાગત બબડી રહ્યો, ‘જયારે મારે છૂટાછેડા લેવા હતા, ત્યારે ન મળ્યા. હવે જયારે એટલી તડપ નથી ત્યારે સામેથી માગણી આવી. જો ત્રિવેણીનો પગ આડો-અવળો લપસવાનો જ હતો, તો આટલો મોડો શા માટે લપસ્યો? કમ-સે-કમ આટલા વર્ષોસુધી એને ભરણપોષણની રકમ આપીને તૂટી મર્યોએમાંથી તો બચી ગયો હોત!’
સારી એવી પરસેવાની કમાણી વગર અપરાધે ખર્ચાઇ ગયાની વેદના તથાગતને કોરી રહી હતી. પણ હવે એનો સમય ફર્યોહતો. એનો પૂરો પગાર હવે એની માલિકીનો હતો, ઉપરાંત સુલભાનો પગાર પણ એમાં ઉમેરાયો. જિંદગીની ગાડી હવે પાટા ઉપર દોડવા લાગી, અત્યાર સુધી નેરોગેજ લાઇન ઉપર હતી તે હવે બ્રોડગેજ લાઇન ઉપર ગોઠવાઇ ગઇ. દસ વર્ષમાં સુખ એની તમામ વ્યાખ્યાઓ લઇને સામે આવી ગયું. ઘરનું ઘર, ગાડી, દાગીના, ફર્નિચર, સારાં વસ્ત્રો. માત્ર એક જ ખોટ બાકી રહી. ઉમર વીતી જવાને કારણે બાળકનું સુખ હાથતાળી દઇને ગયું.
…………
આજે તથાગત પાંસઠ વર્ષનો છે. હમણાં જ એ પત્નીની સાથે પ્રવાસ ઉપર નીકળ્યો હતો. એની માલિકીની ગાડી હતી. રસ્તામાં એની જૂની સાસરીનું ગામ આવ્યું. તથાગતને ભૂખ લાગી હતી અને સુલભાને ચા પીવી હતી. એક શેરીના નાકે ભજિયાની લારી ઊભેલી હતી : ત્રિવેણી ભજિયા સેન્ટર. તથાગતે ગાડી ઊભી રાખી. એક લઘરવઘર જુવાન ભજિયાં તળતો હતો. બાજુમાં ઊભેલી એક તૂટેલી-ફૂટેલી બાઇ ચાનાં કપ-રકાબી વીંછળી રહી હતી.
તથાગત એને ઓળખી ગયો, ‘કોણ, ત્રિવેણી તો નહીં?’ ત્રિવેણી ચમકી ગઇ, પણ એની અર્ધપાગલ આંખોમાં પુરાણી ઓળખનો આછો એવો અણસાર પણ ન ઉપસ્યો. એણે સમજયા વગર માથું હલાવીને ‘હા’ પાડી દીધી.
તથાગતે પણ વધુ કંઇ ફોડ ન પાડયો, ખાલી પૂછી લીધું, ‘કેવો ચાલે છે ધંધો?’
ત્રિવેણી કંઇ ન બોલી. સમજણની દુનિયાથી એ ઘણી દૂર હતી. પણ એના દીકરાએ જવાબ આપ્યો, ‘રોટલાપાણીયે નથી નીકળતા, શેઠ! મૂડી હોય તો તેલ, લોટ ને શાક પણ સારા વાપરી શકાય ને? આવાં સડેલાં શાક અને ખોરા તેલમાંથી બનાવેલાં ભજિયા ખાવા કોણ આવે?’ ‘તારું સરનામું આપ, દીકરા! હું તને મદદ કરીશ. દર મહિને બે-ત્રણ હજાર રૂપિયા મોકલી આપું તો ચાલશે?’
તથાગતથી બોલી જવાયું. સુલભા હળવું, સમજણભર્યું સ્મિત ફરકાવી રહી. એનો પતિ એને આજે જ સમજાઇ રહ્યો હતો, કાયદાના ચાબુકથી ભરણપોષણ આપતો પતિ નહીં, પણ કરુણા અને માનવતાના મુલાયમ સ્પર્શથી એક સાવ પરાઇ સ્ત્રીને જીવાડવા માટે મદદ કરતો પુરુષ! આ એનો પતિ છે એ વાતથી સુલભા ગૌરવ અનુભવી રહી. (શીર્ષક પંકિત : વિજય આશર)

Source: દિવ્યભાસ્કર

Leave a Reply