ડો.લોકેશ એમના કિલનિકમાં બેસીને દર્દીઓ તપાસી રહ્યા હતા, ત્યાં એક ઓટોરિક્ષા એમના બારણાં પાસે આવીને ઊભી રહી. ડો. લોકેશે એક દર્દીની ‘પલ્સ’ માપતાં-માપતાં એ તરફ નજર ફેંકી લીધી, રિક્ષામાં માત્ર એક પુરુષ બેઠેલો હતો. બેઠેલો હતો એમ કહેવા કરતાં તરફડી રહ્યો હતો એમ કહેવું વ્યાકરણ, વ્યવહાર અને વર્તન એમ ત્રણેય દ્દષ્ટિએ વધારે સાચું કહેવાય.
ડો. લોકેશે હાથ ઉપરનો દર્દી પડતો મૂકયો. ઊભા થઇને દોડી ગયા રિક્ષા પાસે. રિક્ષાવાળાને પૂછ્યું, ‘ભાઇ, શું થયું છે આને?’
રિક્ષાવાળો પણ ગભરાયેલો હતો. મુસ્લિમ હતો એટલે એની આગવી જબાનમાં બોલ્યો, ‘મૈં કુછ નહીં જાનતા, સા’બ! મૈં રિક્ષા લેકર આ રહા થા, ઊતનેમેં યે આદમીને મેરી રિક્ષાકુ રોકા. ઐસે હાથ દિખાકે. ફિર બોલા કિ ભાઇ મુજે કિસી દાગતર કે પાસ લે ચલીયો. મૈંને ઉસકુ રિક્ષા કે અંદર જયું બિઠાયા કિ ઉતનેમેં હી ઉસકી તબિયત જયાદા બિગડ ગઇ. મૈં ઉસકુ નહીં પિછાણતા, સા’બ! યે તો લગતા હૈ કિ મર રીયેલા હૈ. તુમ ઉસકુ દવાખાનેમેં લે લો, તો મૈં ચલા જાઉ. વર્ના મેં ગરીબ માણસ ફોગટમેં મર જાઊગા…’
‘તુ તો પછી મરીશ, પણ તારી પહેલા આ માણસ મરી જશે એવું લાગે છે.’ ડો. લોકેશે ‘સ્પોટ ડાયગ્નોસિસ’ કરતાં કહ્યું, ‘એની હાલત જોઇને લાગે છે કે એને હાર્ટ એટેક આવ્યો છે.’ ત્યાં સુધીમાં એમણે પેલાની નાડી માપી લીધી. છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂકીને સાંભળવા જેવું હતું એ સાંભળી લીધું. પેલો ધીમા, અસ્પષ્ટ અવાજમાં બબડી ઊઠયો, ‘ત્યાં જ… બસ, ત્યાં જ દુખાવો થાય છે… જાણે કોઇએ છાતીમાં છરી ભોંકી દીધી હોય એવો દુખાવો…’ એના કપાળે પરસેવાનો વરસાદ વરસ્યો હોય એવું લાગતું હતું. એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ડો. લોકેશ ઝડપથી વિચારી રહ્યા, ‘મારે શું કરવું જોઇએ? નિદાન સ્પષ્ટ છે. દર્દીનું ભવિષ્ય પણ નક્કી છે. આવો માસીવ હાર્ટ એટેક ભાગ્યે જ કોઇ જીરવી શકે. આવા કેસને ખાનગી દવાખાનામાં તો લેવાય જ નહીં. અપયશ સિવાય બીજું કશું જ ન મળે. આના બચાવની એકાદ ટકા જેટલી આશા પણ જો બરકરાર રાખવી હોય તો મોટી જનરલ હોસ્પિટલમાં રવાના કરી દેવો જોઇએ.’
આ બધું લખતાં વાર લાગી, પણ વિચારતાં વાર ન લાગી. ડો. લોકેશે તાકીદ ભર્યા સ્વરે રિક્ષા ડ્રાઇવરને સૂચના આપી, ‘દોસ્ત, તુ આને જેમ બને તેમ જલદીથી નજીકની જનરલ હોસ્પિટલ ભેગો કર!’
‘સા’બ, રાસ્તેમેં ઉસકુ કુછ હોય ગયા તો? મૈં તો ખાલી-પીલી ફંસ જાઊગા.’
‘સારું, એક કામ કરીએ. હું તારી સાથે આવું છું, બસ? જે કંઇ થસે એની જવાબદારી મારી.’ આટલું કહીને ડો.લોકેશ રિક્ષામાં બેસવા ગયા. એક એવા દર્દી માટે જે એમના માટે તદ્દન અજાણ્યો માણસ હતો. એક એવા દર્દી માટે જે એમને એક પૈસો પણ આપવાનો ન હતો.
એક એવા દર્દી માટે જે નવ્વાણુ ટકા તો મરી જ જવાનો હતો અને એ પછી ઊભા થનારા સેંકડો સવાલોના જવાબો એમણે આપવા પડે તેમ હતા. અને આ બધું ડો. લોકેશે પોતાના ખાનગી કિલનિકમાં લાઇન લગાવીને બેઠેલા પંદર-વીસ દર્દીઓને પડતા મેલીને કરવાનું હતું. એક બાજુ માનવતાનો પોકાર હતો, તબીબી ધર્મની દુહાઇ હતી અને બીજી તરફ દયાહીન દુનિયાદારી હતી, રણકતો રૂપિયો હતો.
ત્યાં પેલો દર્દી ફરી પાછો કણસ્યો, ‘સાહેબ, મારા ઘરે ફોન તો કરો… મારા ભાઇનું નામ…’
‘નામ પછી બોલજે, પહેલા તારા ઘરનો ટેલિફોન નંબર લખાવી દે!’ ડોકટરે ઝડપથી સૂચના આપી. દર્દીએ નંબર લખાવ્યો. પછી તરત એણે ડોકું ઢાળી દીધું. ડો. લોકેશ હવે જીવ ઉપર આવી ગયા. એમને થયું કે, આ ગયો કે શું? રિક્ષાવાળાએ ટોર્ચનો પ્રકાશ પેલાના ચહેરા ઉપર ફેંકયો, ‘સા’બ, કયા હુવા? મર તો નહીં ગીયેલા…?’
‘ના, હજુ જીવે છે. ડોકટર બબડયા. દર્દીના મોંઢામાંથી ફીણના ગોટા નીકળી રહ્યા હતા. શ્વાસ લેવા માટે એને ભયંકર પરીશ્રમ પડી રહ્યો હતો. ડો. લોકેશે બૂમ પાડી ‘રાજુ! દોડજે તો!’ જવાબમાં કિલનિકમાંથી એમનો કમ્પાઉન્ડર દોડી આવ્યો. ડોકટરે સૂચના આપી, ‘જલદી કર, રાજુ! ફટાફટ બે ઇન્જેકશનો ભરી લાવ, ઇન્જેકશન ડેરીફાયલીન અને ઇન્જેકશન ડેકઝોના. આને બચાવવા માટેનો છેલ્લો ઉપાય બરયો છે. નહીંતર આ જનરલ હોસ્પિટલ સુધીય પહોંચી નહીં શકે.’
રાજુ બંને ઇન્જેકશનો સિરિંજમાં ભરીને લઇ આવ્યો. એવા ઝાંખા પ્રકાશમાં ડો. લોકેશે દર્દીના હાથની નસ પકડી. ધીમે-ધીમે સિરિંજમાંનું પ્રવાહી નસમાં દાખલ કરી દીધું. જીવનરક્ષક ઔષધો સીધા લોહીમાં ભળ્યા એનાથી ડૂબતા દર્દીને તણખલાનો સહારો મળ્યો. મોંમાંથી નીકળતા ફીણના ગોટા બંધ થયા, શ્વાસ લેવાની ક્રિયા સહેજ સરળ બની. પણ એનાથી હવે બેસી રહેવાનું શકય ન હતું. એ રિક્ષાની ‘સીટ’ પર આડો પડીને સૂઇ ગયો. ડો. લોકેશે જોયું કે પોતે રિક્ષામાં બેસી શકે એટલી જગ્યા બચી ન હતી, એમણે ડ્રાઇવરને કહ્યું, ‘તું ઉપડ! આને લઇને જનરલ હોસ્પિટલમાં પહોંચી જા. રસ્તામાં કંઇ પણ અઘટીત બની જાય તો ગભરાઇશ નહીં. તેં કે મેં કંઇ ખોટું નથી કર્યું. પોલીસ તને હેરાન કરે તો મને બોલાવી લેજે. જા, હવે એક સેકન્ડ પણ બગાડીશ નહીં.’ અને રિક્ષાવાળો ઉપડયો. ના, ઉપડયો નહીં, પણ જાણે કે ઉડયો!
………
રિક્ષાવાળો જે ગતીથી રિક્ષા ભગાવી ગયો હતો એ જોઇને ડો. લોકેશના મનને ધરપત વળી કે એ દર્દી ચોક્કસ બચી જશે. જીવવું-મરવું એ એના નસીબની વાત હતી, પણ પાંચ-સાત મિનિટ જેટલા નજીવા સમયમાં એને લઇને રવાના થયેલી રિક્ષા નજીકની, જાણીતી, મોટી જનરલ હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી પહોંચી જશે એટલું તો પાક્કું થઇ ગયું. ડો. લોકેશ આશ્વસ્ત બનીને અન્ય દર્દીઓમાં ખૂંપી ગયા.
અલબત્ત, આટલી વ્યસ્તતા વચ્ચે પણ એ એક અગત્યનું કામ કરવાનું ચૂકયા નહીં. પેલા દર્દીના ઘરે ફોન લગાડીને એમણે આટલી માહિતી તો આપી જ દીધી, ‘હું ડો. લોકેશ મહેતા છું. આ જગ્યાએ મારું દવાખાનું છે. હમણાં તમારા ભાઇ ગંભીર હાલતમાં આવ્યો હતો. રિક્ષામાં એકલો જ હતો. મેં એને જીવાડવા માટે જરૂરી બે ઇન્જેકશનો આપીને ફલાણી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. તમે જેમ બને તેમ જલદી ત્યાં પહોંચી જાવ!’
દર્દીના સગાં જનરલ હોસ્પિટલમાં પહોંરયા કે નહીં એ ભગવાન જાણે, પણ બે દિવસ પછી પોલીસની ગાડી ડો. લોકેશના દવાખાને પહોંચી ગઇ. ખાખી વર્દીનું ટોળુ જોઇને ડોકટર ગભરાઇ ગયા. જે સાંભળ્યું એનાથી વધારે ગભરાઇ ગયા, ‘ડોકટર, અમદાવાદથી દૂર હાઇ-વે પર એક માણસની લાશ મળી આવી છે. બે દિવસ થઇ ગયા એ વાતને. આજે એના સગાંઓ આવીને લાશની ઓળખ કરી ગયા. મૃતકના ભાઇએ માહિતી આપી કે છેલ્લે મરનાર તમારી પાસે સારવાર માટે…’
ડો. લોકેશે અથથી ઇતી જે બન્યું હતું એ પોલીસને જણાવી દીધું, પછી સ્ટેટમેન્ટ લખાવવાની નોબત આવી. પોલીસે ડોકટરે આપેલા નંબર પરથી રિક્ષાવાળાને પણ શોધી કાઢયો. એણે પણ સાફ શબ્દોમાં જણાવી દીધું, ‘દાગતર સા’બ બેકસૂર હૈ. ગલતી મેરી હૈ. મૈં વો પેશન્ટકુ લેકર ભાગા-ભાગા જા રહા થા, તભી વો આદમી બિચ રાસ્તેમેં હી મર ગયા. મૈં ઘબરા ગયા. મુજે કુછ સૂજા નહીં, તો મૈં લાશકો હાઇ-વે પર ફૈંક આયા. આબ મુજે ગરીબકુ બચા લઇયો…’
ડોકટરને એના પર દયા આવી ગઇ. પોલીસને પણ દયા આવી ગઇ. લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. રિપોર્ટ ‘હાર્ટએટેકથી મૃત્યુ’ એવો જ આવ્યો. એટલે પોલીસે સીધા-સાદા કાગળો તૈયાર કરી દીધા. વચ્ચેનો પૂરો ઘટનાક્રમ ઉડાડી મૂકયો. ‘હાઇ-વે પરથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અને કુદરતી મોત’નું સ્ટેટમેન્ટ ભરીને ફાઇલ બંધ કરી દીધી. મૃતકના કુટુંબીજનોએ પણ આ વાત ઉપર સંમતીની મહોર મારી દીધી.
આ ઘટનાને બે વર્ષ વીતી ગયા. ડો. લોકેશ આખીયે વાત ભૂલી જવા પર પહોંચી ગયા હતા, ત્યાં હમણાં થોડા સમય પહેલાં એમના સરનામે એક રજિસ્ર્ટડ ટપાલ આવી. અંદર વકીલની નોટિસ હતી: ‘અમારા અસીલ વિનોદચંદ્રનું માનવું છે કે એમના મોટા ભાઇ રમેશચંદ્ર, ઉમર વર્ષ ત્રીસ, જેઓ સાવ નિવ્યસની હતા અને સંપૂર્ણપણે નિરોગી હતા, તે સાવ મામૂલી બીમારી (શરદી જેવી ફરિયાદ) લઇને આજથી બે વર્ષ પહેલાં તમારા દવાખાને આવ્યા હતા.
તમે ખોટું નિદાન કરીને એમને તદ્દન નિબજરૂરી એવા બે ઇન્જેકશનો આપ્યા હતા, જેનાથી એમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો અને એ મરી ગયા. તમે પોલીસને જાણ કરવાને બદલે મરનારની લાશને તમારી ગાડીમાં નાખીને હાઇ-વે પર સૂમસામ જગ્યા પર ફેંકી આવ્યા. અમારા અસીલ વિનોદચંદ્રને આ ઘટનાથી જે મહા ભયંકર માનસકિ આઘાત પહોંરયો છે અને કાયદેસરના વળતર માટે તમને સાડા ઓગણીસ લાખ રૂપિયા ચૂકવી આપવાની અમો આ સાથે જાણ કરીએ છીએ.
જો તમે એમ કરવામાં નિષ્ફળ જશો, તો આ નોટિસ મળ્યાના એકવીસ દિવસની અંદર અમે તમને અદાલતમાં…’ કેસ ચાલુ છે. ડો. લોકેશે મોંઘો વકીલ રાખીને કેસ લડવો પડી રહ્યો છે. એમની ભલાઇ એમને અત્યાર સુધીમાં હજારો રૂપિયાના ખાડામાં ઊતારી ચૂકી છે. એ ખાડો ખરેખર ખાડો છે કે ખીણ એ નક્કી થવાનું હજુ બાકી છે.’
(શીર્ષક પંકિત: ભગવતીકુમાર શર્મા)
Source: દિવ્યભાસ્કર
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: doctor sharad thakar, doctorni diary, mm