મેડિકલના અભ્યાસમાં તાલીમાર્થીઓની હાલત મજૂર કરતાં પણ વધુ દયનીય હોય છે. કેટલાં ડૉકટરો હતાશાનો ભોગ બને છે અને કેટલાં ભણવાનું અધૂરું મૂકીને ચાલ્યા જાય છે તેનું સંશોધન કરવા જેવું છે.
‘બેટા, વિશાલ! તને ત્યાં ફાવે છે ને? કામ શિખવામાં અને કરવામાં કશી તકલીફ તો નથી પડતી ને?’ ઓર્થોપેડિક સજર્યન ડૉ.દેસાઇએ એમના દીકરાને ફોનમાં પૂછ્યું. દીકરો પણ ડૉકટર જ હતો. એમ.બી.બી.એસ.પાસ કરી ચૂકયો હતો અને ગુજરાત રાજયની એક મોટી, પ્રખ્યાત મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલમાં હાડકાંનાં વિભાગમાં આગળનો અભ્યાસ કરી રહ્યો હતો. વિશાલની ઇરછા એના પપ્પા કરતાંયે આગળ જવાની હતી. એણે સામાન્ય ઓર્થોપેડિક સજર્યન બની રહેવામાં સંતોષ ન હતો, એને તો સ્પાઇન સર્જરીમાં નિષ્ણાત બનવું હતું.
પણ ફોનમાં એણે જે જવાબ આપ્યો તે ચિંતાજનક હતો, ‘પપ્પા, મને અહીં જરા પણ ફાવતું નથી. હું જે વિભાગમાં કામ કરું છું તેના વડા બહુ વિચિત્ર સ્વભાવના છે. મને એટલો પરેશાન કરે છે કે મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે.’ અત્યાર સુધીનો સંવાદ વાંચીને સરેરાશ વાચકોના મનમાં એવું થશે કે મેડિકલ શાખા જેવી ઉચ્ચ વિધાશાખામાં વર્ષોનો અનુભવ પ્રાપ્ત કરી ચૂકેલા વિભાગીય અઘ્યક્ષ વિચિત્ર વર્તન કરી શકે ખરા! જવાબ છે, હા.
માત્ર ગુજરાતની જ નહીં, પણ દેશભરની શૈક્ષણિક આરોગ્ય સંસ્થાઓમાં આવી જ હાલત જોવા મળે છે. જેના મોટા નામ છે એવા ડૉકટર સાહેબોના કામ શરમજનક હોય છે. મેં પોતે મારા અભ્યાસકાળમાં આવી માનસકિ ક્રૂરતા ધરાવતા સાહેબો અને મેડમો જોયેલાં છે. એમની વાણીમાં નરી ગાળો અને વર્તનમાં માત્ર વિકતિ વિના બીજું કશું જ ઝલકતું નથી હોતું. મેડિકલના ઉચ્ચ અભ્યાસક્રમ દરમિયાન તાલીમાર્થી ડૉકટરોની હાલત મજૂર કરતાં પણ વધુ દયનીય હોય છે. કેટલાં ડૉકટરો હતાશાનો ભોગ બને છે અને કેટલાં ડૉકટરો ભણવાનું અધૂરું મૂકીને ચાલ્યા જાય છે તે બાબતે સંશોધન કરવા જેવું છે.
ડૉ.વિશાલની પણ આવી જ હાલત હતી. એના પિતાએ જયારે પૂછ્યું, ‘બેટા, તારા બોસ એવું તે શું કરે છે કે તને જીવવું પણ અકારું લાગે છે?’ ‘પપ્પા, અમારા યુનિટની અઠવાડિયે બે વાર ઇમરજન્સી ડયૂટી હોય છે. ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓ એટલી મોટી સંખ્યામાં આવે છે કે અમે ચોવીસ કલાકમાં એકવાર જમવા માટેનો સમય પણ કાઢી શકતા નથી. થાક, ભૂખ અને ઉજાગરાના ત્રિવિધ મારથી કયારેક તો ખરેખર અમે બેભાન થઇ જઇએ છીએ અને તેમ છતાં અમારા બોસને અમારા કામની કશી જ કદર નથી હોતી. જયારે ને ત્યારે એ ગાળો, ઠપકા અને અપમાનનો વરસાદ વરસાવતા રહે છે.
‘ગમાર, ડોબા, ડફોળ’ જેવા શબ્દો સાંભળીને હું લઘુતાગ્રંથિમાં સરી પડું છું. પપ્પા, બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં ચોરાણું ટકા માર્ક્સ લઇને પાસ થનાર વિધાર્થી ગમાર કે ડફોળ હોઇ શકે ખરો?’
‘સમજું છું, બેટા, સમજું છું. હું પણ આ બધામાંથી પસાર થયેલો છું. પણ આપણે કરી શું શકીએ? જેમ-તેમ કરીને સમય પસાર કરી નાખ. ડિગ્રી મેળવવા માટે તપ કરવું જ પડશે.’ ડૉ.દેસાઇએ દીકરાને હિંમત આપી.હિંમત આપવાથી વિશાલનું નૈતિક બળ ઊચું જતું હતું, પરંતુ એના ત્રાસવાદી સાહેબનું અનૈતિક બળ નીચું જાય એવી કોઇ જ શકયતા ન હતી. હવે તો એમણે સજજનતાની તમામ હદો વટાવી દીધી હતી. એ ડૉ.વિશાલને આદેશ આપતા, ‘જા, મારા માટે વ્હીસ્કીની બોટલ લઇ આવ!’
‘વ્હીસ્કી?! સર, મેં જિંદગીમાં કયારેય શરાબનું ટીપુંયે ચાખ્યું નથી. એ કયાંથી મળે એની પણ મને ખબર નથી. તમે… તમે મને… બીજું ગમે તે કામ સોંપો… પણ સર, પ્લીઝ…’ વિશાલ કરગરી પડયો.
પરિણામ એ આવ્યું કે છેવટે એણે બોસે ચીંધેલી ખૂંફિયા જગ્યા પરથી પોતાના ખર્ચે દારૂની બે બાટલીઓ લઇ આવવી જ પડી. એક વાર નેશનલ કોન્ફરન્સ વખતે બહારગામ બોસની સાથે જવાનું થયું ત્યારે બપોરે હોટલના કમરામાં એક મોંઘી કોલગર્લની સાથે પુરાયેલા બોસની સલામતી માટે કમરાની બહાર ચોકીદાર બનીને પણ બેસવું પડયું.
જયારે ત્રાસ સહનશીલતાની હદ વટાવી ગયો, ત્યારે ડૉ.વિશાલે બીજાં મિત્રોની સાથે મળીને બોસની લીલાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું. ઓડિયો-વિઝ્યુઅલ પુરાવાઓ એકઠા કર્યા. પછી તત્કાલિન આરોગ્ય મંત્રી પાસે રજૂઆત કરી. પછી શું થયું એ મુદ્દો અભ્યાસક્રમની બહારનો છે. પણ આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક સારી ઘટના એ બની કે એમાં ભાગ લેવા પધારેલા એક જર્મન ઓર્થોપેડિક સજર્યન સાથે વિશાલનો પરિચય થયો.
પરિચયમાં બીજું તો શું હોય? હજારો ડેલિગેટ્સની ભીડમાં બાપડા જર્મન ડૉકટરને ભાષાની તકલીફ પડી રહી હતી, એ ડૉ.વિશાલે દૂર કરી આપી. ભોજનની વાનગીઓ વિશે માહિતી આપવી, ટોઇલેટ કયાં છે એ બતાવવું, શહેરમાં જોવા જેવું શું છે એ કહેવું, આવી નાની-નાની સેવાઓ કરવાની વિશાલને તક મળી. જર્મન ડૉકટરોને અંગ્રેજી ભાષાની મુશ્કેલી નડતી હોય છે. વિશાલે ઇશારાની ભાષાનો સહારો લેવો પડયો.
આટલી અમથી મામૂલી સેવાના બદલાની તો વિશાલને અપેક્ષા જ શી હોય? જયાં દારૂ અને કોલગર્લ જેવી મોટી સેવાઓનો બદલો પણ ગાળોના રૂપમાં મળ્યો હોય ત્યાં આ સેવા તો નગણ્ય જ કહેવાય ને?
પણ નગણ્ય બાબતો જ કયારેક આપણી જિંદગીમાં જબરજસ્ત વળાંક જેવી સાબિત થતી હોય છે.
કોન્ફરન્સ પૂરી થઇ. વિશ્વભરમાંથી આવેલા તજજ્ઞો એક પછી એક વિદાય થવા માંડયા. ડૉ.વિશાલ પણ બોસનો સામાન બાંધવાની મજૂરીમાં લાગેલો હતો, ત્યાં અચાનક કોઇનો હાથ એના ખભા ઉપર પડયો. જર્મન ડૉકટર અડધું ઇશારામાં અને અડધું-પડધું ભાંગીતૂટી અંગ્રેજીમાં કહી રહ્યા હતા: ‘આ મારું વિઝિટિંગ કાર્ડ છે. કયારેક જર્મની આવવાનું થાય તો મને મળજે. હું મારા દેશનો સૌથી મોટો અને સૌથી જાણીતો સ્પાઇન સજર્યન છું. મારું નામ ડૉ.આલી છે.’
ડૉ.આલી તો એક આછું સ્મિત ફરકાવીને ચાલ્યા ગયા, પણ ડૉ.વિશાલ એમના વિઝિટિંગ કાર્ડને પંપાળતો બેસી રહ્યો. ઘરે આવીને વિશાલે એના પપ્પાને આ ઘટનાની જાણ કરી, ‘પપ્પા, આ ધોળીયાઓ ઉપર ભરોસો કરવા જેવો ખરો?’
‘કરી જો! બહુ-બહુ તો વિમાનભાડું માથે પડશે એ જ ને! અને આપણાં પોતાના દેશના ‘માણસ’નો અનુભવ પણ કયાં સારો રહ્યો છે?’ ડૉ.દેસાઇએ લીલી ઝંડી ફરકાવી. ડૉ.વિશાલ સ્પાઇન સર્જરી માટેની ફેલોશિપ લઇને જર્મની જવા માટે ઉપડી ગયો.
—-
જર્મનીની ધરતી ઉપર પગ મૂકયો ત્યાં જ વિશાલ આભો બની ગયો. ડૉ.આલી અને એમના પત્ની એને લેવા માટે એરપોર્ટ પર આવ્યાં હતાં. એક ઇન્ડિયન વિધાર્થીએ કરેલી નાનકડી મદદના બદલામાં જર્મનીનો નામાંકિત સ્પાઇન સજર્યન આટલી હદે વાટકી વહેવાર દાખવી શકે?!
સામાન ડિકીમાં ગોઠવાયો અને વિશાલ ગાડીમાં. ડૉ.આલી જાતે કાર ચલાવી રહ્યા હતા. વિશાલે પૂછ્યું, ‘સર, આપણે કયાં જઇ રહ્યા છીએ?’
‘બીજે કયાં? મારા ઘરે…’
‘સર, હું કોઇક હોટલમાં…’
ડૉ.આલી હસ્યા, ‘અહીંની હોટલોના ભાડા જાણે છે? અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની કમિંત તને ખબર છે? હું પોતે જર્મનીની બોર્ડર વટાવ્યા પછી શરૂ થતા પડોશી દેશમાં રહું છું. શાંતિથી બેસી રહે અને જે થાય તે જોયા કર!’
વિશાલે જોયા કર્યું. ડૉ.આલીના ઘરે એમના પત્નીએ ગરમાગરમ ગુજરાતી વાનગીઓ રાંધીને જમાડી એ પણ જોયા કર્યું, બંગલામાં પોતાને અલાયદો ખંડ ફાળવી દેવામાં આવ્યો એ પણ જોયા કર્યું, રોજ ડૉ.આલીની સાથે એમની કારમાં માલિકની જેમ બેસીને જર્મનીની શ્રેષ્ઠ હોસ્પિટલમાં શ્રેષ્ઠ કક્ષાની સ્પાઇન સર્જરી જોવા અને શીખવા મળી એ પણ જોયા કર્યું અને થોડા-થોડા દિવસોના અંતરે મિસસિ આલી સંકોચાતાં સંકોચાતાં એને પૂછી લેતાં હતાં એ વાકય તો એણે જોયા પણ કર્યું અને સાંભળ્યા પણ કર્યું, ‘માય ડિયર ચાઇલ્ડ! મારા હાથની રસોઇ તને ફાવે તો છે ને?’
‘યસ, મેમ! પણ મને એ નથી સમજાતું કે તમને ભારતીય વાનગીઓ બનાવતાં શી રીતે આવડયું?”આવડતું નહોતું, બેટા! પણ હું શીખી ગઇ છું. તું અહીં આવવાનો હતો ત્યારે અમે વિચાર્યું કે તું તો માંસાહારી ખોરાક નહીં ખાતો હોય. એટલે મારા હસબન્ડ દુકાનમાંથી શાકાહારી વાનગીઓની રેસપિી બુક ખરીદી લાવ્યા.’ ‘ઓહ્! તમે લોકો કેટલાં માયાળુ છો! અને પ્રેમાળ પણ! અને મારા જેવા સાવ અજાણ્યા પરદેશીની ઝીણી-ઝીણી વાતની દરકાર રાખનારા પણ! આ બધું ચોક્કસ તમે જર્મનીના કોઇ મહાપુરુષના જીવનમાંથી શીખ્યા હશો.’જવાબમાં શ્રીમતી આલી કશું જ બોલ્યા વગર એનાં બેડરૂમમાં ગયાં.
હાથમાં એક ચોપડી લઇને પાછાં આવ્યાં, ‘ના બેટા, આવા ઉમદા ગુણો અમને શીખવી શકે તેવો એક મહાન પુરુષ જર્મનીમાં પેદા થયો નથી. આ બધું તો અમે આ સંત પાસેથી શીખ્યાં છીએ.’ ડૉ.વિશાલ ભીની આંખે અને ટટ્ટાર છાતી સામે જોઇ રહ્યો, પુસ્તકનું નામ હતું : સત્યના પ્રયોગો! એના કવરપેજ ઉપર હિંદુસ્તાને પેદા કરેલો સૌથી મહાન જાદુગર એનું વિશ્વવિખ્યાત સ્મિત વેરી રહ્યો હતો.
(શીર્ષક પંકિત : રાજેશ મહેતા)
Source: દિવ્યભાસ્કર
Filed under: ડો. શરદ ઠાકર
એકામ વીચારવા જેવી વાત. અને આ યુરોપીયનોને આપણે ભૌતીકવાદી કહીએ છીએ.
આપણા સમાજના દંભની આવી તો કેટલીય દાસ્તાનો વણલખી છે.
એકદમ ..
એકદમ હ્રદયસ્પર્શી