બોલ, અજવાળું સમયનું માણવાથી શું મળ્યું?

બેટા, અહર્નિશ! હવે તું ઉંમરલાયક થયો.’ પિતાએ પોતાના જુવાન દીકરાને પાસે બેસાડીને વાત શરૂ કરી.‘તો?’ અહર્નિશ પામી ગયો કે વાતની દિશા કઇ તરફ વળવાની હતી.‘મને લાગે છે કે હવે તારા માટે છોકરીઓ જોવાનું શરૂ કરવું જોઇએ. જો ને આજે સવારે જ મુગટમામા આવ્યા હતા. સુમનરાયની દીકરી…’‘પપ્પા, સારું થયું કે તમે આજે આ વાત કાઢી. નહીંતર હું મર્યાદા તોડીને મારા મનની વાત કદાચ મહિનાઓ સુધી તમને જણાવી ન શક્યો હોત. તમે મારા માટે છોકરીઓ શોધવાની જહેમત ન ઉઠાવતા!’‘કેમ?’ પિતા લલ્લુભાઇ એક શબ્દથી આગળ ન વધી શક્યા. દીકરાનું આવું સ્વરૂપ એમના માટે સાવ અજાણ્યું હતું.

‘કેમ શું? મેં છોકરી શોધી લીધી છે!’‘પણ બેટા…’ લલ્લુભાઇ નવા જમાનાની ગંધ થોડીક-થોડીક પારખી ચૂકેલા હતા, એટલે સંયમની ગળણીમાંથી શબ્દોને ગાળી રહ્યા હતા, ગુસ્સાને ખાળી રહ્યા હતા, ‘છોકરીને તેં એકલાએ જોઇ લીધી હોય એ કેમ ચાલશે? મારે ને તારી માએ પણ એને…! કમસે કમ એક વાર તો…! બીજું કંઇ નહીં તો છેવટે જોવી તો પડે ને?’‘તે હું એને પરણીને ઘરમાં લઇ આવું ત્યારે જોઇ લેજો ને! અને સાચું પૂછું તો તમારે એને જોવાની જરૂર જ ક્યાં છે? પરણવાનું મારે છે કે તમારે?’ અહર્નિશ કારણ વગર આકરો બની ગયો. લલ્લુભાઇ ગમ ખાઇ ગયા. અહીં આગળ જ એમણે વાતને અટકાવી દીધી, ભલે પૂર્ણવિરામ નહીં, પણ અલ્પવિરામ તો મૂકી જ દીધું.

લલ્લુભાઇએ એની સાથે વાત થયા પછી રાત્રે પત્નીને જાણ કરી, ‘લાગે છે કે આપણો ભોળિયો દીકરો કો’ક વીસનહોરીની માયાજાળમાં સપડાઇ ગયો છે. પેલીએ કોણ જાણે એના દિમાગ ઉપર શું જાદું કરી દીધું છે કે અહર્નિશ માત્ર એને જ ભાળે છે. બીજી છોકરીઓને જોવાનીયે ના પાડે છે.’

‘શું નામ છે એનાવાળીનું?’ કાંતાબે’ને ધોઇને સૂકવેલાં કપડાંની ગડી વાળતાં પૂછ્યું.‘આરત.’‘આરત કે આરતી?’ કાંતાબે’ન નવું નામ સાંભળીને અટકી ગયાં. પછી બોલ્યાં, ‘નામમાં શું બળ્યું છે? છોકરી કેવી છે એ બોલોને! રંગે-રૂપે, બોલવે-ચાલવે, સ્વભાવમાં ને સંસ્કારમાં…?’‘એ બધું તો જોયા વગર કેમ ખબર પડે?’ લલ્લુભાઇએ મૂંઝવણ કહી નાખી. કાંતાબે’ન ચૂપ થઇ ગયાં. બે-ચાર દિવસ પછી જ્યારે લલ્લુભાઇને લાગ્યું કે દીકરાનો ‘મૂડ’ સારો છે ત્યારે એમણે ફરીથી વાત ઉખેળી, ‘અહર્નિશ, મને તમારા લોકોની આ વાત સમજાતી નથી. જાતે જ છોકરી પસંદ કરી લેવાની . અમારા જમાનામાં આવું ન હતું.’

‘આને જ જનરેશન ગેપ’ કહેવાય, પપ્પા! તમારા જમાનામાં આવું ન હતું, માટે તો આટલાં બધાં કજોડાં જોવા મળતાં હતાં! તમારી જ વાત કરોને! મારી મમ્મી આ ઉંમરેય કેટલી સુંદર દેખાય છે?! અને તમે તો જુવાનીમાંય કદરૂપા દેખાતા હતા. કાળા, જાડા ને ટાલિયા! મેં તમારા ને મમ્મીનાં લગ્નનું આલબમ જોયું છે. મમ્મી જો આજના જમાનામાં પરણવાલાયક છોકરી હોય તો તમને ક્યારેય પસંદ ન કરે. હું અને આરત તો ત્રણ વરસ સાથે ભણ્યાં છીએ. છેલ્લા વરસમાં અમારી વચ્ચે ગાઢ દોસ્તી થઇ.

આજે એ વાતનેય બીજાં ચાર-સાડા ચાર વરસ થઇ ગયાં. અમે નિયમિત રીતે રોજ સાંજે બે કલાક જેટલો સમય સાથે વિતાવીએ છીએ. તમે કલ્પના કરો, અમારી વચ્ચે કેવું અદ્ભુત ટ્યુનિંગ રચાઇ ગયું હશે!’ અહર્નિશ આટલું બોલતાંમાં તો જાણે આરતના સાંનિધ્યમાં પહોંચી ગયો! એના ચહેરા ઉપર એ અદ્ભુત ટ્યુનિંગ જાણે અત્યારે પણ ગુંજી રહ્યું!

એ રાતે લલ્લુભાઇએ પત્ની સમક્ષ વાત કાઢી, ‘એક દ્રષ્ટિએ દીકરાની વાત મને સાચી લાગે છે. આપણા જમાનાની વાત ભલે જુદી હતી, પણ અહર્નિશ અને આરત એકબીજાને આટલા લાંબા સમયથી આટલી સારી રીતે ઓળખી-સમજી ચૂક્યાં હોય તો આપણે શા માટે વિરોધ કરવો?! એના કરતાં એ બેઉંનાં લગ્ન કરાવી દેવામાં જ આપણી શોભા છે.’

કાંતાબે’ન લલ્લુભાઇના નિર્ણયમાં સંમત થઇ ગયાં. બીજા દિવસે લલ્લુભાઇએ અહર્નિશને આદેશ આપ્યો, ‘આ રવિવારે આરતનાં મમ્મી-પપ્પાને આપણા ઘરે ચા-પાણી માટેનું આમંત્રણ આપી દેજે. અમારે તારાં લગ્નની તારીખ નક્કી કરવી છે.’ બહુ ઝડપથી બધું ઉકેલાઇ ગયું. સગાઇ, લગ્ન અને ‘હનિમૂન’, પ્રસંગમાળાના ત્રણેય મણકા રાબેતા મુજબ પસાર થઇ ગયા. અને લગ્નના બરાબર એક મહિના પછી લલ્લુભાઇના પરિવારમાં દસ રિકટર સ્કેલનો ઘટનાકંપ સર્જાયો.

મધરાતના બાર વાગ્યા હતા. લલ્લુભાઇ અને કાંતાબે’ન શયનખંડમાં ઊંઘતાં હતાં. ડ્રોઇંગરૂમમાં ટેલિવિઝન ચાલુ હોવાથી ધીમો-ધીમો અવાજ સંભળાયો હતો. અચાનક લલ્લુભાઇને લાગ્યું કે આ ધીમા અવાજે ઘોંઘાટ અને ઘાંટાઘાંટનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લલ્લુભાઇ બહાર આવ્યા. દીકરા-વહુને શાંત પાડવાની કોશિશ કરી, પણ આરતે એમના મોં ઉપર ચોપડાવી દીધું, ‘યુ ઓલ્ડ મેન! ડોન્ટ ઇન્ટરફીઅર ઇન અવર પર્સનલ મેટર! કીપ યોર માઉથ શટ, ઓ.કે.?’

રાત અજંપામાં વીતી ને સવાર શંકાઓના ઘેરાવામાં ઊગી. સાત વાગતાંમાં તો આરત એની બેગમાં જરૂરી કપડાં ભરીને રવાના થઇ ગઇ. એક કલાક પછી વેવાઇનો ફોન આવી ગયો, ‘અમારી આરત હવે તમારા ઘરે નહીં આવે. ડિવોર્સની કાર્યવાહી અમે શરૂ કરી દીધી છે. કારણ પૂછવાનો તમને અધિકાર નથી, છતાં જણાવી દઇએ છીએ, તમારો દીકરો અને મારી દીકરી એક કલાક પણ સાથે રહી શકે તેમ નથી. બંનેના વિચારો મળતા નથી.’ લલ્લુભાઇ દિગ્મૂઢ થઇ ગયા.

એ રાતે એમણે કાંતાબે’નને પૂછ્યું, ‘મને એક-બે વાતો સમજાતી નથી. આપણા જમાનામાં સગાઇ પહેલાંની મુલાકાતો, ઇન્ટરવ્યૂ, વાતચીત અને એકબીજાને સમજવા જેવી વાતનું કોઇ અસ્તિત્વ જ ન હતું. અરે, મેં તો લગ્નની પહેલી રાતે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે ખબર પડી કે મારા ભાગ્યમાં ચાંદની લખાઇ છે કે અમાસ! અને તેમ છતાં ત્રીસ-ત્રીસ વર્ષનાં લગ્નજીવનમાં આપણે ક્યારેય ઝઘડ્યાં નથી.

મને એવું એક પણ વેણ યાદ નથી જે મેં ઉચ્ચાર્યું હોય અને તેં એને ઉથાપ્યું હોય. આ નવી પેઢીને થયું છે શું? પશ્ચિમના વાદે ચઢેલા આજનાં યુવાનો અને યુવતીઓ લગ્ન કરતાં પહેલાં પૂરી રીતે એકબીજાને સમજી લીધાનો દાવો કર્યા પછી લગ્ન કરે છે અને આંખનું મટકું મારવા કરતાંયે ઓછા સમયમાં છુટાં પડી જાય છે. એમને એટલું તો પૂછીએ કે ડેટિંગના સમયમાં તમે કરો છો શું?’

(શીર્ષક પંક્તિ : ‘ભીનાશ’)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 65 other followers