રોહિતભાઇ એમના ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગયા અને પડતાં વેંત મરી ગયા. ‘અમરજ્યોતિ ફ્લેટ્સ’ના તમામ રહીશોમાં અરેરાટી વ્યાપી ગઇ. હજુ તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પથ્થરની ફર્શ પર રોહિતભાઇની લોહી-તરબોળ લાશ પડી હતી, ત્યાં જ ગણગણાટ ચાલુ થઇ ગયો.‘બોસ, તમને શું લાગે છે?’ ત્રીજા માળે રહેતા બેન્ક કર્મચારી ત્રિવેદીએ મોઢામાં પાનનો ડૂચો ભર્યો હોય એવી હાલતમાં જે રીતે બોલી શકાય એ રીતે પૂછી નાખ્યું.
બીજા માળવાળો દેસાઇ બગડ્યો, ‘એમાં લાગવા જેવું શું છે બીજું? રોહિતભાઇ ઊકલી ગ્યા છે, બસ, ખેલ ખતમ પૈસા હજમ!’‘એ મરી ગયા છે એ તો સ્પષ્ટ વાત છે. હું એ વિશે નથી પૂછતો. હું તો એમ પૂછું છું કે તમને શું લાગે છે, આ અકસ્માત હશે કે આત્મહત્યા?’સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ આવી, ચીસો પાડતી પોલીસવેન પણ આવી પહોંચી. ત્યાં સુધીમાં આજુબાજુના કુલ મળીને બે હજાર માણસોની ભીડ જમા થઇ ગઇ હતી. જેટલી જીભ હતી, એટલી વાતો હતી. મૃત્યુ એક જ હતું, પણ એનાં કારણો અનેક હતાં. સત્ય એક, પણ અફવાઓ અનેક હતી.
આત્મહત્યાવાળી વાતમાં સૌને રસ પડ્યો. હવે સવાલ માત્ર એનું કારણ શોધવાનો જ બાકી રહેતો હતો. ‘મને લાગે છે કે મરનારને ડિપ્રેશન હતું. સંતાનમાં એક પણ દીકરો ન હતો, માત્ર ચાર દીકરીઓ જ હતી. એ ઘણી વાર કે’તા હતા કે આના કરતાં તો મોત સારું!’ પંડ્યા પાંચ સોસાયટી જેટલો દૂર રહેતો હતો અને જિંદગીમાં એક પણ વાર રોહિતભાઇની સાથે એણે વાત કરી ન હતી, પણ ક્યાંકથી આ ચાર દીકરીઓવાળી માહિતી એના કાને પડી ગઇ હશે એના જોર પર એણે પાક્કી બાતમી જાહેર કરી દીધી.
‘એવું નહોતું. હકીકત એ છે કે રોહિતભાઇને ક્રિકેટનો સટ્ટો રમવાની કુટેવ હતી. આ વર્લ્ડકપમાં વીસ લાખનું ફુલેકું ફરી ગયું. મહિને માંડ વીસ હજાર રૂપરડી કમાતો કલાર્ક વીસ લાખનું દેવું ભરે કેવી રીતે? એક જ છલાંગમાં બાપડો છુટી ગયો!’ આ જયંતીભાઇનો તર્ક હતો. કોઇ વળી રોહિતભાઇના લગ્નેતર લફરાની વાત લઇ આવ્યું, તો કોઇએ મરનારની પત્ની રમાબે’નના આડા સંબંધની થિયરી રજૂ કરી, પણ લાખ વાતની એક વાત એ હતી કે રોહિતભાઇ દામાણી હવે મૃત્યુ પામ્યા હતા અને સ્વર્ગસ્થ પોતાની પાછળ એક પત્ની અને ચાર-ચાર દીકરીઓને વિલાપ કરતાં છોડી ગયા હતા.
રોહિતભાઇને ચાર દીકરીઓ હતી અને ચારેય પ્રાણથી અધિક પ્યારી હતી. યોગાનુયોગ ચારેય કન્યાઓનાં નામ પણ કન્યા રાશિ પરથી જ પાડવામાં આવ્યાં હતાં. સૌથી મોટી પુણ્યા, પછી પવિત્રા, ત્રીજી પાવની અને ચોથી પંચમી. પુણ્યા એકવીસ વર્ષની હતી અને સૌથી નાની પંચમી પંદર વર્ષની.રમાબે’ન ખાસ ભણેલાં ન હતાં, એટલે રોહિતભાઇના અવસાન પછી જે દોડધામ કરવાની આવી એ પુણ્યાના ખભા પર આવી પડી.
શરૂઆત પોલીસખાતાથી થઇ. પી.આઇ. સોલંકીએ બાલ્કનીનો કબજો સંભાળી લીધો. ખૂણામાં એક ખાલી કાચની બોટલ પડેલી હતી. પોલીસખાતામાં પંદર વર્ષથી કામ કરતા હતા એટલે પંદર ફીટ દૂરથી જ તેઓ બોટલને ઓળખી ગયા.‘હંમ્…! તો આ ખાસ પ્રકારનો એક્સિડેન્ટ હતો! એમ કેમ નથી કહેતાં કે રોહિતભાઇ સાત-આઠ પેગ વ્હિસ્કી ચડાવીને પછી ‘આઉટ’ થઇ ગયા હતા! એટલે જ બેલેન્સ ગુમાવીને બાલ્કનીમાંથી નીચે પડી ગયા.’‘ના, સાહેબ! એ તો ક્યારેય દારૂને અડકતાયે નહોતા, આ બાટલી તો સાતમા માળે રહેતા ગફુરભાઇના ઘરેથી હું લઇ આવી’તી. ખાલી બાટલીમાં એસિડ ભરવા માટે!’ રમાબે’ન આટલું બોલતામાં તો રડમસ થઇ ગયાં.
‘એ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઇ જશે! હવાલદાર, વ્હિસ્કીની બોટલ જપ્ત કરો!’ સોલંકી સાહેબે એમની ફરજ પૂરી કરી.આમાં સૌથી મોટી તકલીફ એ ઊભી થઇ ગઇ કે રોહિતભાઇએ અકસ્માતનો વીમો ઉતરાવેલો હતો એની ચુકવણી ઘાંચમાં પડી ગઇ. ઇન્શ્યોરન્સ કંપનીએ લેખિતમાં જવાબ પાઠવી દીધો, ‘અમારા કલાયન્ટનું મૃત્યુ કેવી રીતે થયું છે તે સ્પષ્ટ થતું નથી. જો શરાબ ઢીંચીને એમણે શારીરિક સમતોલન ગુમાવ્યું હોય તો અમારી વીમા કંપની આ દુર્ઘટનાને અકસ્માત ગણવાનો ઇન્કાર કરે છે. અમે આને બેદરકારીથી નિપજેલું મૃત્યુ ગણીએ છીએ. માટે સ્વર્ગસ્થ એક પણ પૈસાનું વળતર મેળવવા માટે હક્કદાર બનતા નથી.’
*** *** ***
ઉપવન નાણાવટી જાણીતા વીમા દલાલ હતા. યુવાન હતા અને સોહામણા વ્યક્તિત્વના સ્વામી હતા. સામે બેઠેલી નવી નક્કોર કલાયન્ટને ઉદ્દેશીને એમણે પૂછ્યું, ‘બોલો, શા માટે મારી પાસે આવવું પડ્યું છે?’‘મારા પપ્પાનો વીમો પાકે છે, તેમ છતાં કલેઇમ પાસ થતો નથી.’ એકવીસ વર્ષની પુણ્યાએ ટુકડે-ટુકડે આખી વાત રજૂ કરી.અમદાવાદથી દોઢસો કિલોમીટર દૂર આવેલું શહેર હતું. ઉપવને રોહિતભાઇની આખી ફાઇલ તૈયાર કરી દીધી. એ અઠવાડિયે ત્રણેક વાર કલાયન્ટના ઘરની મુલાકાત લીધી.
ચાર વાર પુણ્યાને પોતાની ઓફિસમાં બોલાવી. એકાદ વાર એને લઇને પોલીસ સ્ટેશને પણ જઇ આવ્યો. પુણ્યા પાસે ફરી-ફરીને પૂછવા જેવો એક જ સવાલ હતો, ‘પપ્પાના એક્સિડન્ટનો કલેઇમ ક્યારે મંજૂર થશે?’ઉપવન એને વીમાની આંટી-ઘૂંટીઓ સમજાવતો, ‘બહેન, તમે એક વાત સમજી લો! આ આખી બાજી પેલા પી.આઇ. એ બગાડી નાખી. બાકી બધું સપાટ રસ્તા જેવું સરળ હતું. એક વાર વીમા કંપનીના મગજમાં શંકાનું બીજ રોપાઇ જાય, એ પછી કલેઇમ ક્યારેય મંજૂર ન થાય.’
‘પણ તમે કંઇક કરો ને!’ પુણ્યા રડમસ અવાજે વિનંતી કરી બેસતી. પપ્પાના અવસાનનો તાજો-તાજો શોક, બગલાની પાંખ જેવા સફેદ સલવાર-કમીઝ અને રડવાને કારણે લાલ બની ગયેલી આંખોને કારણે પુણ્યા વધારે આકર્ષક બની ગઇ હતી. ઉપવન એના ગયા પછી બબડી ઊઠતો, ‘પુણ્યા, તારા પપ્પાનો કલેઇમ તો પાસ થવાનો હશે ત્યારે થશે, પણ એ પહેલાં મારો તારી ઉપરનો કલેઇમ મંજૂર કરવાનો છે. એના માટે મારે જાત-જાતના દાવપેચ રમતા રહેવું પડશે.’
સૌથી પહેલું કામ ઉપવને પુણ્યાને ‘બહેન’ કહીને સંબોધતો હતો તે બંધ કરવાનું કર્યું. બીજા પગથિયે એ ‘તમે’ ને બદલે ‘તું’ ઉપર આવી ગયો. પછી એક દિવસ એણે પુણ્યાને કહી દીધું, ‘અમારી મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે. આવતા મંગળવારે મારે ત્યાં જવું પડશે. સાથે તારે પણ આવવું પડશે. તારી સહીની ગમે ત્યાં જરૂર પડે!’સહવાસ બહુ મહત્વની ચીજ છે. ગાઢ સહવાસ બે વિજાતીય વ્યક્તિઓને ધાર્યા કરતાં અલ્પ સમયમાં ધાર્યા કરતાં વધારે નિકટ લાવી મૂકે છે.
ઉપવન અને પુણ્યા પણ એકમેકની ખૂબ નજીક આવી ગયાં. ઉપવનની કારમાં અમદાવાદ જવું-પાછા આવવું, હાઇ-વે પરની હોટલમાં સાથે ભોજન કરવું, અજાણ્યા શહેરમાં ઉપવનના સહારે બધી ઓફિસોમાં ફરવું! આ બધાને કારણે પુણ્યાના મનમાં એવો ખ્યાલ બંધાતો ગયો કે જો આ પુરુષ એની પડખે ઊભો ન રહ્યો હોત તો આ બધું પાર ન પડી શક્યું હોત!ઉપવને ક્યાંક પૈસા વેર્યા, ક્યાંક પોતાના સંબંધોને વટાવ્યા, છેવટે છ મહિનાની દોડધામના અંતે પુણ્યાનું કામ કરી આપ્યું. છેલ્લી સફરમાં હાઇ-વે પરની હોટલના એક રૂમમાં ઉપવને ચાર-પાંચ કલાક આરામ કરવાના બહાને પુણ્યાને કાયમ માટે પોતાની બનાવી દીધી.
ઘરે આવીને ઉપવને રમાબહેનને સમાચાર આપ્યા, ‘વીમો પાકી ગયો છે!! કલેઇમ પાસ થઇ ગયો છે!’રમાબે’ન એ વખતે રાજી તો થયાં, પણ પછી જીવનભર રડતાં રહ્યાં. ઉપવનના બગીચામાં પહેલેથી જ પત્ની નામનું ફૂલ તો ખીલેલું જ હતું, પુણ્યા અત્યારે એના ઉપવસ્ત્ર તરીકે જિંદગી ગુજારી રહી છે.
Filed under: ડો. શરદ ઠાકર Tagged: | dcotor sharad thaker, doctor ni diary, gujarati navlika, ran ma khilyu gulab, sharad thaker