કૈંક સારો ખરાબ લૈ આવો જાવ, એનો જવાબ લૈ આવો

girl.jpg 

આખી કોલેજમાં ખળભળાટ મચી ગયો. પંદરસો જેટલા વિધાર્થીઓમાં સૌથી વધારે શાંત ગણાતા પ્રસૂન પારેખે અઢારસો જેટલી વિધાર્થિનીઓમાંની સૌથી વધુ ખૂબસૂરત એવી પ્રશંસા કાપડિયાને બપોરની રિસેસમાં કેમિસ્ટ્રીની લેબ પાસે આંતરીને સરેઆમ કહી દીધું, ‘તું મને ગમે છે. હું આજે નિર્ણય કરું છું કે તને મારી પત્ની બનાવીશ. એમાં તારી ‘હા-ના’ ને કોઈ સ્થાન નથી. હું જે ધારું છું તે મેળવીને જ રહું છું. બાય!’પ્રશંસા આ લુખ્ખાગીરી જૉઈને સળગી ગઈ. એ જાણતી હતી કે એ ખૂબ સુંદર છે, એ જયાં પગ મૂકે છે ત્યાં જુવાન પુરુષો પોતાના હૃદયની બિછાત પાથરી દે છે. એને જૉઈને યુવાનો પાગલ થાય, ફિલ્મી ગીતો લલકારે, સીટી વગાડે, રોમેન્ટિક કોમેન્ટ કરે એ બધું તો એને કોઠે પડી ચૂકયું હતું પણ આજ પહેલાં આવી લફંગાગીરી, આવી હિંમત, આવી દૃષ્ટતા કોઈએ કરી ન હતી.

પ્રશંસા સીધી પ્રિન્સિપાલ પંડયાની ઓફિસમાં પહોંચી ગઈ. ફરિયાદ નોંધાવી. પંડયા સાહેબ પણ વાત સાંભળીને આગનો ગોળો બની ગયા. એમની કોલેજમાં છેડછાડ? અસંભવ! એમણે પટાવાળાને હુકમ કર્યો, ‘પ્રસૂન પારેખને પકડી લાવ! જીવતો કે મરેલો, એને મારી સામે હાજર કર!’

આમ જીવતો, પણ પ્રશંસાનાં સૌંદર્ય ઉપર મરી ફીટેલો પ્રસૂન થોડી જ વારમાં પ્રિન્સિપાલની સામે ભો હતો. બીજો કોઈ પણ કોલેજિયન હોત તો ‘ગેંગે ફેંફે’ થઈ ગયો હોત, પણ પ્રસૂન સહેજ પણ ગભરાયા વગર ટટ્ટાર સીના સાથે ભો રહ્યો.

‘મેં સાંભળ્યુ એ સાચું છે?’ પંડયા સાહેબના પ્રશ્નમાં આષાઢી વાદળોનો ગડગડાટ હતો.

‘તમે શું સાંભળ્યું છે?’

‘તમે મિસ પ્રશંસાની છેડતી કરી?’

‘મેં તો પ્રશંસાની પ્રશંસા માત્ર કરી છે. એમની ‘છેડતી’ શબ્દની વ્યાખ્યા અલગ હોઈ શકે છે.’

‘કોઈ સારા ઘરની છોકરી જૂઠું ન બોલે.’

‘એની પાસે મેં છેડતી કરી એ વાતના કોઈ પુરાવાઓ છે? મેં લખેલો અશ્લીલ પ્રેમપત્ર? એસ.એમ.એસ.? શારીરિક અડપલું કર્યું હોય એનો કોઈ ચશ્મદીદ ગવાહ?’

પ્રિન્સિપલ પંડયાએ ટાલ ખંજવાળી. પછી પ્રશંસાની સામે જૉયું. પ્રશંસા નીચું જૉઈ ગઈ. મુકદ્દમો પહેલી જ મુદતમાં પૂરો થયો. આરોપી પ્રસૂન પારેખને વિદ્વાન ન્યાયમૂર્તિ દ્વારા બાઈજજત બરી કરવામાં આવ્યો. પ્રસૂન પ્રશંસાની દિશામાં નજર સરખીયે ફેંકયા વિના સડસડાટ ઓફિસની બહાર નીકળી ગયો.

એ ઘડી ને આજનો દિવસ. પૂરાં ચાર વર્ષ એ બંને એક જ કોલેજમાં એક જ વર્ગમાં બેસીને ભણતા રહ્યાં, પણ પ્રસૂન પારેખના અંગત શબ્દકોષમાંથી ‘પ્રશંસા’ નામની પરમેનન્ટ બાદબાકી થઈ ચૂકી હતી.

પ્રસૂન અને પ્રશંસા બંને એક જ્ઞાતિનાં હતાં, પણ એમના પરિવારોની આર્થિક સ્થિતિ એકબીજાથી તદ્દન સામેના છેડાની હતી. પ્રશંસા રોજ ગાડીમાં બેસીને કોલેજ આવતી, જયારે પ્રસૂન કાયમનો પદયાત્રી હતો. આજે પ્રશંસા કેવા રંગનો અને કેવી ડિઝાઈનનો નવો ડ્રેસ પહેરશે એ વાત પર કોલેજિયનોમાં સટ્ટો ખેલાતો, જયારે પ્રસૂન પાસે કપડાંની ફકત બે જ જૉડ હતી.

એક વાર એક મિત્રે મશ્કરીમાં એને કહ્યું પણ ખરું, ‘આમ બે જ જોડી કપડાં પહેરીને તને કંટાળો નથી આવતો? અમે તો જોઈ જોઈને કંટાળ્યા!’

પ્રસૂનનો જવાબ હતો, ‘પુરુષની તાકાત એના પોષાકમાં નહીં, પણ એના પુરુષાર્થમાં રહેલી છે!’

પ્રશંસાના દેહ ઉપર સૌંદર્યની વસંત વધુ ને વધુ ખીલ્યે જતી હતી. દર વર્ષે યોજાતી સૌંદર્યસ્પર્ધામાં ‘મિસ કોલેજ’નો ખિતાબ એનાં ફાળે જ જતો હતો. ટૂંકી ચડ્ટી અને ચુસ્ત ટી-શર્ટ પહેરીને એ જયારે ટેબલ-ટેનિસ અને બેટમિન્ટન રમવા માટે કોર્ટ ઉપર તરતી ત્યારે યુવાનોનાં પૂર મટતાં હતાં. છોકરીઓ એની રમત માણતી હતી, છોકરાઓ એનું રૂપ! અને પ્રશંસાની નજર ચંદ્રકો પર હતી.

છેલ્લાં વર્ષમાં પ્રસૂને એક નવું કદમ ઉઠાવ્યું. બધા મિત્રોને ભેગા કરીને ફેંસલો સુણાવી દીધો, ‘આજથી કોઈ મારો દોસ્ત નથી. આ જગતમાં હું એકલો છું. મારા માટે પક્ષીની આંખ મારી કારકિર્દી છે અને હું અર્જુન છું. ગામગપાટા, ફિલ્મો, ચા-નાસ્તા કે ચવાઈ ગયેલી રમૂજોમાં મને રસ નથી. મારી એક-એક ક્ષણ મારા માટે કીમતી છે. તમને લાગશે કે પ્રસૂન સ્વાર્થી નીકળ્યો, તો મારો જવાબ છે : હા, હું સ્વાર્થી છું!’

એ દિવસથી પ્રસૂન પુસ્તકોમાં ખોવાઈ ગયો. અભ્યાસમાં તો દર વર્ષે એ પ્રથમ ક્રમાંકે આવતો જ હતો, પણ છેલ્લા વરસે તો એણે હદ કરી નાખી. એની અને બીજા ક્રમાંકની વરચે પૂરા દોઢસો ગુણનું અંતર પાડી દીધું. યુનિવર્સિટી એકઝામમાં એ પ્રથમ નંબરે પાસ જાહેર થયો. એને મળેલા સુવર્ણચંદ્રકની ચમક આગળ પ્રશંસાનાં પચાસ મેડલો ઝાંખા પડી ગયાં.

એને અભિનંદન આપનારાઓની ભીડમાં એક નામ પ્રશંસા કાપડિયાનું પણ હતું, ‘પ્રસૂન, હાર્ટી કોંગ્રેટ્સ!’ જવાબમાં પ્રસૂને ‘થેન્ક્સ’ પણ ન કહ્યું. એક ખુમારીભરી ગર્વિષ્ઠ નજર એની સામે ફેંકીને એ ચાલ્યો ગયો. આવા નાનાં-નાનાં વિજયોથી રાજી થવું એ એને પોસાય તેમ ન હતું. પરીક્ષાનો અંત આવ્યો હતો, પરિશ્રમ અને પરસેવાનો નહીં.

સૌંદર્યસામ્રજ્ઞી પ્રશંસા દેવી તો પાસ થઈને ઘરે બેસી ગયાં. એના પપ્પા કરોડપતિ વેપારી હતા, એટલે નોકરી કરવાનો તો સવાલ જ ન હતો. આગળ ભણવાનો પણ કશો અર્થ ન હતો, કારણ કે એમની જ્ઞાતિમાં વ્યાપારી અભિગમને પ્રાધાન્ય અપાતું હોવાને લીધે વધુ ભણેલા છોકરાઓની ભયંકર તંગી પ્રવર્તતી હતી. કાં તો કોઈ મૂર્ખ હોય તો વધારે ભણે, કાં કોઈ ગરીબ ઘરનો છોકરો હોય તે આવો વિચાર કરે.

પ્રસૂન પારેખ થોડો મૂર્ખ હતો અને વધુ ગરીબ ઘરનો કૂળદીપક હતો. એ ભણતો રહ્યો, ભણતો ગયો. સાયન્સ ગ્રેજયુએટ થયા પછી, યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા પછી એના કદમોમાં સારી-સારી નોકરીઓ લાલ જાજમની જેમ પથરાયેલી પડી હતી પણ પ્રસૂનને પગાર પણ ખપતો હતો અને ‘પાવર’ પણ. સત્તા વગરની સંપત્તિ એને બકરીના ગળામાં લટકતા આંચળ જેવી લાગતી હતી.

કપોળ જ્ઞાતિનો ‘જીવનસાથી પસંદગી મેળો’ યોજાયો હતો. આયોજનનો વિચાર અને ખર્ચ જ્ઞાતિના ધનકુબેર શેઠ નગીનદાસ કાપડિયાનો હતો. એમાં એમની થોડી-ઘણી સ્વાર્થવૃત્તિ રહેલી હતી અને ઘણી બધી મજબૂરી. ઘરમાં રંભા, ઉર્વશી અને મેનકાનાં ત્રિવેણી સંગમ જેવી દીકરી કુંવારી બેઠી હતી અને યોગ્ય મુરતિયો કયાંય ક્ષિતિજ સુધી નજરે ચડતો ન હતો. રૂપનો નાગ પિયરના કરંડિયામાં કયાં લગી સંઘરી રાખવો!

મેળામાં પ્રવેશપત્રો તો ત્રણસો- સાડી ત્રણસો જેટલા યુવકોને આપ્યાં, પણ એમાંના નેવું ટકા જેટલા તો બારમુ પાસ થઈને અટકી ગયેલા હતા. હોશિયાર હતા, બાપની દુકાન સંભાળતા થઈ ગયા હતા, પણ દેખાવ, બુદ્ધિમત્તા અને તેજસ્વિતામાં પ્રશંસાની સાથે અડોઅડ ભો રહે એવો એક પણ મુરતીયો દેખાતો ન હતો.

આખરે એક નામ ઝબકયું પ્રસૂન પારેખ. આઈ.એ.એસ. દક્ષિણ ગુજરાતના એક જાણીતા જિલ્લાનો ડેપ્યુટી કલેકટર. બહુ ટૂંકા સમયમાં કલેકટર થશે એવી સંપૂર્ણ શકયતા.

શેઠ નગીનદાસ ખુદ સામે ચાલીને એની પાસે પહોંચી ગયા, ‘મારી વિનંતી સ્વીકારશો? મારી પ્રશંસા જેવી પદમણી તમને આખી પૃથ્વી પર કયાંય નહીં મળે. એનો હાથ પકડશો? એક લાચાર બાપના માથે આટલો ઉપકાર..?’

‘કેમ નહીં? કેમ નહીં? પણ મારી બે શરતો છે : એક, તમારી દીકરીએ સામે ચાલીને મને ‘પ્રપોઝ’ કરવું પડશે. અહીં અને અત્યારે જ. આટલા બધાં માણસોની હાજરીમાં. કબૂલ છે?’

શેઠ શું બોલે? અચાનક ત્યાં આવી ચડેલી અપ્સરા જ બોલી ઠી, ‘કબૂલ છે!’

‘બીજી શરત, લગ્નની વિધિ કોઈ ગોર મહારાજ નહીં, પણ કોલેજના ભૂ.પૂ. પ્રિન્સિપાલ પંડયાસાહેબ કરાવશે!’

પંડયાસાહેબ હવે નિવૃત હતા અને બ્રાહ્મણ તો હતા જ! નગરશેઠની દીકરી સારે ઠેકાણે થાળે પડતી હોય તો પાંચ-પચાસ મંત્રો ગગડાવી જવામાં એમનું શું જતું હતું! પંડયા આવી ગયા અને ગાડું ગબડાવી ગયા.

લગ્ન પછી મધુરજની માણવા માટે કોડાઈકેનાલ ગયેલા પ્રસૂને જયારે રાત્રિના પ્રથમ પ્રહરે નવોઢાનો ઘૂંઘટ ઉઠાવીને ચાંદનો અનાવરણ વિધિ સંપન્ન કર્યો, ત્યારે પ્રશંસાના હોઠો પરથી લજજળું શબ્દ સરી પડયા, ‘બહુ જીદ્દી છો તમે! જે ધાર્યું હોય એ મેળવીને જ રહો છે!’

પ્રસૂન હસ્યો, ‘હા, સાચા મર્દનું એ જ તો લક્ષણ છે. તારે મન જે છેડતી હતી, એ મારે મન છેડાછેડી હતી. મેં પહેલાં મારી મંઝીલ નક્કી કરી હતી, પછી મહેનત આદરી હતા. પ્રેમિકા ચાહે તેટલી અલભ્ય ભલે ને હોય, જો પ્રેમીની પાસે લાયકાત હોય તો એને મેળવી જ શકાય છે!’

(સત્ય ઘટના) શીર્ષક પંકિત : બી.કે. રાઠોડ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: