સૂર્યની તો સીધી ચોખવટ હોય છે, ચાંદનીમાં જરા બસ કપટ હોય છે

simply-gud.jpg 

ઓર્રાઇટ! હું તમને મેરેજ માટે સિલેકટ કરું છું પણ એક શરત છે મારી.’ એન.આર.આઈ. જૉન્ટીએ આટલું બોલ્યા પછી અમેરિકન સ્ટાઇલમાં પોરો ખાધો, પછી શરત સંભળાવી, ‘હું ભલે અમેરિકામાં ‘સેટલ’ થયો હોઉં, પણ યુ સી, વિચારોમાં હું હજુયે ભાદરણનો જેન્તી જ રહ્યો છું. મને સ્વરછંદી સ્ત્રીઓ પસંદ નથી. તમારું કોઇની સાથે લફરું…. આઈ મીન, અફેર હોય તો મને જણાવી દેજૉ. આપણે અત્યારે જ છૂટા પડીએ. પાછળથી મારા કાને એવી કોઈ વાત આવશે તો…’ જૉન્ટીને ‘ઓલરાઇટ’ના બદલે ‘ઓર્રાઇટ’ બોલવાની ટેવ હતી.‘તો?’ મોગરાના ફૂલોના અર્કમાંથી ઘડી કાઢી હોય એવી નઝમ નાણાવટીથી પુછાઈ ગયું. નઝમ કોઈ પણ ભોગે આ ધનવાન મુરતિયાને હાથમાંથી જવા દેવા માટે રાજી ન હતી. ‘તો બીજું શું? લગ્ન પછી આપણે છૂટાં પડવું પડશે. મને કોરી સ્ટેલ પર અક્ષરો પાડવામાં રસ છે, છેકભૂંસમાં મજા નથી.’ નઝમે આત્મવિશ્વાસથી કહી દીધું, ‘તો સાંભળી લો, હું કોરી પાટી છું. તમે જે પણ આંકડો પાડશો એ મારા હૈયા ઉપર લખાયેલો પ્રથમ અક્ષર હશે.’

‘ઓર્રાઇટ ધેન! મારી પાસે સમય ઓછો છે. આવતી કાલે આપણે મેરેજ એપ્લિકેશન ફાઇલ કરાવી દઇએ. પરમ દિવસે ‘હનિમૂન’ અને દસમા દિવસે તો મારે પાછું ઊડી જવું પડશે. ઓર્રાઇટ?’ નઝમ મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. એને તો જયારથી ગ્રીનકાર્ડની પાંખ ધરાવતો આ અમેરિકન કાગડો મળ્યો ત્યારથી બધું ‘ઓર્રાઇટ’ જ હતું. લોકો અમેરિકા જવા માટે કેટલું મોટું અસત્ય આચરતા હોય છે! બનાવટી પાસપોર્ટ, એજન્ટોને વીસ-પચીસ લાખ આપવાનું કૌભાંડ, કોઈ સંસદસભ્યની સાથે બનાવટી પત્ની બનીને વિમાનમાં બેસી જવાનું પાપ, કોઈ ભાંગડા ગાયકની ટોળીમાં ભળી જઇને કબૂતરબાજીનો ભોગ બનવાનું જુઠ્ઠાણું, આના કરતાં તો જૉન્ટી જેવા પૈસાદાર મુરતિયાની કાયદેસરની પત્ની બનીને ત્યાં પહોંચી જવામાં ખોટું શું હતું?

કંઇક તો ખોટું હતું જ. માણસ ગમે તેટલા આત્મવિશ્વાસથી જૂઠું બોલી નાખે, પણ એની અંદરથી ખટકો તો ઊઠે જ છે. નઝમના દિલમાંથી પણ એક નામ ખટકો બનીને ઊભરી આવ્યું : નિર્માણ શાહ. ફિલ્મી હીરો જેવો હેન્ડસમ પણ ભારતના મોટા ભાગના યુવાનોની જેમ મઘ્યમવર્ગીય. નઝમ એની સાથે ગળાડૂબ પ્રેમમાં હતી. લગ્નનું પણ મનોમન નક્કી જ હતું, પણ ત્યાં અચાનક વચમાં જૉન્ટી આવી ગયો.

‘આમ તો તારામાં બધું જ ઓર્ રાઇટ છે, પણ તારું નામ બરાબર નથી. નઝમ! વ્હોટ ધી હેલ ઇઝ ઇટ મીન! સૉરી ડાર્લિંગ, પણ અમેરિકામાં આવું નામ નહીં ચાલે. નતાશા! યસ, નતાશા ઇઝ એ બ્યુટિફુલ નેમ… એન્ડ મોડર્ન ટૂ! લગ્ન પછી આપણે તારું નામ નતાશા રાખીશું. ઓર્રાઇટ?’ જૉન્ટીએ ભાવિ પત્નીનાં રૂપાળા દેહ સામે ભૂખાળવી આંખો ઠેરવીને પૂછ્યું હતું.

નઝમ ગ્રીનકાર્ડના બદલામાં પોતે આખેઆખી વેચાવા તૈયાર હતી, ત્યારે નામ બદલવામાં શું હતું? વ્હોટ ઇઝ ધેર ઇન એ નેમ? આ વાકય શેકસપિયરે જૉ ન લખ્યું હોત તો નઝમે કહ્યું હોત! પણ દિમાગને જે સોદો મંજૂર હતો, તે દિલને ન હતો. નઝમના કાનમાં તો બીજૉ એક સંવાદ સચવાયેલો હતો. પહેલી મુલાકાત હતી. બેડમિન્ટનની ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ જીતીને નિર્માણ જયારે ર્ટકિશ નેપકિનથી એના શરીર પરનો પરસેવો લૂછી રહ્યો હતો, ત્યારે નઝમ એની પાસે દોડી ગઈ હતી, ‘કોંગ્રેટ્સ! યુ હેવ વન માય હાર્ટ.’

‘તમારું નામ જાણી શકું?’ હાથમાં રેકેટ રમાડતા નિર્માણે પૂછ્યું હતું. ‘નઝમ.’ એ નશીલું હસીને બોલી હતી, ‘નઝમ નાણાવટી.’ ‘વાહ, શું નામ છે! નઝમ એટલે તો કવિતા.’

‘મારા ડેડીએ પાડયું છે. એમને જયારે મારા જન્મના સમાચાર મળ્યા ત્યારે ડેડી ગુલઝાર સા’બની એક તાજી લખાયેલી નઝમ વાંચી રહ્યા હતા. બસ, એમને દીકરી મળી ગઈ અને નામ પણ.’ અને આ સામે બેઠેલો જૉન્ટી કહેતો હતો : ‘નામ બદલવું પડશે.’ અને આ ઘટના પહેલી હતી, છેલ્લી નહીં. જૉન્ટીને નઝમનાં સલવાર-કમીઝ સામે પણ વાંધો હતો, ‘આ ગામડિયણ જેવાં કપડાં ત્યાં નહીં ચાલે. ત્યાં તો શોર્ટ સ્કર્ટ્સ અથવા જિન્સ જ પહેરવાં પડશે.’

નઝમની સ્મૃતિમંજૂષામાંથી સંવાદ સંભળાયો. એને પીળા રંગના સલવાર-કમીઝમાં જૉઇને નિર્માણ રાજી-રાજી થઈ ઊઠયો હતો, ‘અરે, તું તો આમાં પણ ખૂબસૂરત દેખાય છે! નઝમ, સાચું કહું? વસ્ત્રો તારી શોભા નથી, પણ તું જ વસ્ત્રોની શાન છે. તું ચીંથરું પહેરી લે તો એ પણ ઘરચોળું લાગે!’

છતાં પણ નઝમે માનસરના હંસને પડતો મેલીને અમેરિકન કાગડો પસંદ કરી લીધો હતો કારણ કે નિર્માણના પ્રેમમાં ડોલરના પુષ્પની ધીમી-ધીમી, મીઠી ફોરમ સમાયેલી હતી પણ જૉન્ટીના પ્રસ્તાવમાં અમેરિકન ડોલરનો ખણકાટ સચવાયેલો હતો. જે સુખ, જે ઐશ્વર્ય, જે એશોઆરામ નિર્માણ સાથેની જિંદગીમાં ત્રીસ વર્ષના સંઘર્ષ બાદ મળવાના હતા એ જૉન્ટી સાથે ચાર ફેરા ફરતાંની સાથે જ મળી જવાના હતાં.

શરત માત્ર એટલી જ હતી કે નઝમની પાટી કોરી હતી એવું નાનકડું અસત્ય જૉન્ટીના દિમાગમાં ઠસાવી દેવાનું હતું. એમાં વાંધો પણ શો હતો? ધર્મરાજ યુધિષ્ઠિર પણ કયાં જૂઠું નહોતા બોલ્યા? છૂટા પડતી વખતે નઝમે નિર્માણ પાસેથી વચન માગી લીધું, ‘નિર્માણ, મને માફ કરી દેજે… અને પ્લીઝ, એક વાતનું ઘ્યાન રાખજે, આપણા પ્રેમની વાત મારા પતિના કાન સુધી ન પહોંચે…’ ‘કઈ વાત? કયો પ્રેમ? કઈ નઝમ?’ નિર્માણે આ ત્રણ પ્રશ્નો પૂછીને એક ઉત્તર આપી દીધો કે એ પોતે એ જ ક્ષણે નઝમ સાથેનો લાગણીભર્યોઅતીત ભૂલી ગયો છે. નઝમને શાંતિ થઈ ગઈ. બે દિવસ પછી નઝમ અને જૉન્ટી ‘હનિમૂન’ માણવા માટે મસૂરીની મનભાવન પહાડીઓમાં પહોંચી ગયાં.

મસૂરીની પસંદગી પણ નઝમે જ કરી હતી. ગુજરાતી યુગલો હનિમૂન માટે મોટા ભાગે સિમલા, ઊટી કે કોડાઇકેનાલ બાજુ જતાં હોય છે. મસૂરીમાં કોઈ ઓળખીતું ભટકાઈ જવાની શકયતા નહીંવત્ ગણાય અને હનિમૂન ઊજવીને પાછા ફર્યા બાદ બીજા દિવસે તો જૉન્ટી ઊડી જવાનો હતો એટલે કોરી પાટીની કહાણી કોરી જ રહેવાની હતી.

લગ્નની પહેલી રાત જૉન્ટીએ પાગલ થઇને માણી અને નઝમે જમા-ઉધારનાં લેખાં-જૉખાં સાથે માણી. જૉન્ટીના ચહેરા ઉપર તૃપ્તિનો ઓડકાર હતો. આવી માખણ જેવી કાયા એણે સપનામાંયે ભાળી ન હતી. અન્નકૂટ ઉપર કોઈ જનમભૂખ્યો તૂટી પડે એ રીતે જૉન્ટી નઝમના ‘તનકૂટ’ ઉપર તૂટી પડયો. દસ દિવસના આ ‘શરીરપાન’ પછી બંને પાછાં ફયાô. બીજે દિવસે જૉન્ટી અમેરિકા જવા માટે ઊપડી ગયો. જતાં-જતાં કહેતો ગયો, ‘ડોન્ટ બી અપસેટ, માય હની! હું જેમ બને તેમ જલદી તને બોલાવી લઇશ. ઓર્રાઇટ?’

નઝમે એની મોટી-મોટી કાળી-કજરારી આંખોની પાંપણો ઝપકાવીને હા પાડી. અમેરિકા ગયા પછી પંદરમા દિવસે જૉન્ટીનો પત્ર આવ્યો. લાંબો પત્ર હતો. જૉન્ટી લખતો હતો, ‘નઝમ, સૉરી! હું તને ‘ડાર્લિંગ’નું સંબોધન લખતો નથી પણ એની પાછળ એક ઘટના છે. તને યાદ છે? મસૂરીની હોટલમાં આપણે ‘મધુરજની’ માણીને બીજા દિવસે સાંજે જયારે બહાર ‘સાઇટ સીઇંગ’ માટે નીકળતાં હતાં ત્યારે એક સ્ટુઅર્ડ મને જૉઇને બોલી ગયો હતો : અરે! શાહસાહબ, આપ? લેકિન આપ ઇતના બદલ કૈસે ગયે? આપ જબ અમદાવાદમેં મિલતે થે તબ તો…?’ પછી તરત જ મેં એની ગેરસમજ દૂર કરતા કહ્યું હતું કે હું શાહસાહેબ નથી, પણ મિ. જૉન્ટી પટેલ છું, અને એ બિચારો ડઘાઈને મારી તરફ અને તારી તરફ જૉઈ રહ્યો હતો. એ તો પછી ‘સૉરી, સર!’ કહીને ચાલતો થયો હતો પણ મારા મનમાં શંકાનો કીડો સળવળતો મૂકતો ગયો હતો.

મને સતત એ સવાલ મૂંઝવતો રહેલો કે જૉ હું શાહસાહેબ કરતાં આટલો જુદો દેખાતો હોઉં તો પછી એણે મને શાહસાહેબ ધારી લેવાની ફરજ કેમ પડી? છેક ચોથા દિવસે મને જવાબ સૂઝ્યો : એ મને તારી સાથે જૉઇને ભૂલાવામાં પડયો હોવો જૉઇએ. નઝમ, પછી હું એને મળ્યો. ખાનગીમાં અને નિરાંતે. એ મસૂરીમાં આવતા પહેલાં આ જ ગ્રૂપની હોટલમાં હતો, પણ એની નોકરી અમદાવાદમાં હતી. એણે અમદાવાદમાં તને કોઈ શાહ સાથે અસંખ્ય વાર જૉયેલી હતી. લંચ માટે, ડિનર માટે, ગ્રૂપ પાર્ટીમાં, ડાન્સ પાર્ટીમાં… અને તારી ખૂબસૂરતી એને યાદ રહી ગઈ હતી. પેલો શાહ કાચો-પાકો યાદ રહ્યો હશે, જે મને જૉયા પછી તાજૉ થઈ ગયો.

નઝમ, તારો પૂરો ઇતિહાસ હું જાણી ચૂકયો છું. તેં મારી શરતનો ભંગ કર્યોછે, પણ હું નહીં કરું. ડિવોર્સ પેપર મોકલી આપું છું. સહી કરી આપજે. તારી અનાવૃત્ત કાયા કોઈ પણ પુરુષને પાગલ કરી મૂકવા માટે સક્ષમ છે. દસ દિવસનું ‘હનિમૂન’ હું મજા તરીકે યાદ રાખીશ. તું સજા માનીને યાદ રાખજે. એક સાથે બબ્બે પુરુષોને છેતરવાની સજા, ઓર્રાઇટ?’ શીર્ષક પંકિત : હેમેન શાહ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: