આ મુલાકાતો અને આ નિકટનો નાતો સજનવા, વાતોની વાતો ને તે પણ રાતોની રાતો સજનવા

સ્કોટલેન્ડના એક નાના પણ રળિયામણા ગામમાં રહેતો લક્કી લાખાણી ‘જોબ’ પરથી ઘરે આવ્યો. બારણામાંથી બૂટ કાઢીને ફેંકયા, બેડરૂમમાં દાખલ થતાંવેંત પેન્ટ કાઢી નાખ્યું અને બાથરૂમમાં ગયો ત્યાં શર્ટ ત્યાગી દીધું. નાનકડી ચડ્ટીભેર થઈ ગયો. એમાં શરમાવા જેવું પણ કશું નહોતું. ઘરમાં એ એકલો જ રહેતો હતો અને બીજું કોઈ રહેતું હોય તો પણ શું છે? આખું ઇંગ્લેન્ડ ચડ્ટી ઉપર જીવે છે!ફ્રિજમાંથી સેન્ડવિચ કાઢી. માઇક્રોવેવમાં ગરમ કરી. અહીં કયાં મમ્મી કે બહેન હાજર હતાં, જે એના માટે ગરમગરમ ભાખરી, શાક ને ખીચડી રાંધી આપે? સેન્ડવિચના ડૂચાથી હોજરી ભરીને, ઉપર કોકનું કેન ગટગટાવીને લક્કીએ ટિશ્યુપેપરથી હાથ લૂછી નાખ્યા. પછી ઘડિયાળમાં જૉયું. નવ વાગ્યા હતા. સૂવા માટે બહુ વહેલું કહેવાય અને કયાંક બહાર જવા માટે મોડું. હાઉ ટુ કિલ ટાઇમ? સમયને મારવા માટેનું શસ્ત્ર સામે ટેબલ ઉપર જ પડેલું હતું. કમ્પ્યૂટર. લક્કીએ કમ્પ્યૂટર ચાલુ કર્યું.

‘યાહૂ મેસેન્જર’માં દાખલ થઇને એણે જોયું તો પડદા પર કોઇનો મેસેજ પડેલો હતો : ‘હાય! આઈ એમ સિમ્પલ શાહ ફ્રોમ લંડન. વૂડ લવ ટુ બી યોર ફ્રેન્ડ. ઇફ યુ વોન્ટ ધી સેમ, વી કેન ચેટ લાઇવ બિટવિન ટેન ઓ’કલોક ટુ ફાઇવ.’

સિમ્પલ સી બાત થી! કોઈ સિમ્પલ નામની વ્યકિત જે લંડન ખાતે રહેતી હતી એને લક્કી લાખાણી સાથે દોસ્તી બાંધવામાં રસ પડયો હતો. એણે નેટ ઉપર ગપ્પાં મારવાનું નોતરું પાઠવ્યું હતું. જો ઇરછા હોય તો દિવસે દસથી પાંચની વરચે ચેટિંગ થઈ શકે એવી માહિતી આપી હતી. લક્કીને શો વાંધો હોય! મમ્મી-પપ્પા, બે બહેનો અને બાવીસ ભાઇબંધોને મૂકીને છેલ્લાં અઢી વર્ષથી એ આ ધોળિયાના દેશમાં ધામા નાખીને પડેલો હતો. જૉ જીવી શકયો હતો તો માત્ર આ ઇન્ટરનેટના આશીર્વાદને કારણે. રોજ રાત્રે ઘરે આવીને, કૂતરાની પેઠે ‘લૂશ-લૂશ’ ખાઈ લઇને, પછી એ ઇન્ટરનેટ ઉપર ગોઠવાઈ જતો હતો. દેશવિદેશનાં સગાં, સ્વજનો, મિત્રો અને પરિચિતો સાથે દુનિયાભરની ગપ્પાબાજી કરતો રહેતો. પછી જયારે તન ઉપર થાક ને મન ઉપર ધેન સવાર થવા માંડે ત્યારે પથારીભેગો થઈ જતો હતો. આ ઇન્ટરનેટિયા મેળામાં એક માણસ વધારે! સિમ્પલ શાહ!

આ સિમ્પલ એટલે છોકરી હશે કે છોકરો? કેટલાંક નામો ભ્રામક હોય છે. રજની, કિરણ, શાંતિ, મધુ! સ્ત્રી-પુરુષ બંનેમાં ચાલે. નામની પાછળ ‘ભાઈ’ કે ‘બહેન’ લગાડો, પછી એની જાતિ (જેન્ડર) નક્કી થાય. આ સિમ્પલ શું હશે? ભાઈ કે બહેન? લક્કીએ બહુ વિચાર્યું, પણ મેળ ન બેઠો. સિમ્પલ શાહનું સ્ત્રીલિંગ-પુર્લિંગ નક્કી કરવા માટે એનો જિનેટિક ટેસ્ટ કરાવવો મોંઘો પડે. એના કરતાં સવારના દસ વાગતા સુધી રાહ જૉવાનું સસ્તું પડે.

લક્કી લાખાણી ભલે પાઉન્ડમાં કમાતો હતો, પણ મૂળે જીવ અમદાવાદનો. એટલે ‘સસ્તું એ સારું અને સારું એ મારું’ એ સૂત્રનું એકસો આઠ વાર રટણ કરીને પથારીભેગો થઈ ગયો. વહેલી પડે સવાર! ના, ના, વહેલા વાગે દસ!

દસની ઉપર દસ મિનિટ ચડવા દઇને લક્કીએ કમ્પ્યૂટરની ‘ટપાલપેટી’ ખોલી. સિમ્પલ શાહને સરનામે સંદેશો વહેતો મૂકયો, ‘હાય! આઇ એમ લક્કી લાખાણી ફ્રોમ સ્કોટલેન્ડ. ગુડ મોિર્નંગ.’ સામસામેથી ઝબકારાઓની આપ-લે શરૂ થઈ ગઈ. લક્કી નામથી તો લકી હતો જ, પણ કાનથીયે ‘લકી’ બની ગયો જયારે એણે જાણ્યું કે સામેના છેડેથી ચેટિંગ કરનાર સિમ્પલ શાહ એક કાચી, કુંવારી એકવીસ વર્ષની છોકરી હતી.

‘તું કયાંની છો?’ લક્કીએ કમ્પ્યૂટરના સ્ક્રીન ઉપર સવાલ ટાઇપ કર્યો.

‘ઇન્ડિયાની… ગુજરાતની… અમદાવાદની…’

‘હું પણ અમદાવાદનો છું. તું અહીં શા માટે આવી છો?’

‘મારી વિધવા મમ્મીના દુરાગ્રહથી ભણવા માટે લંડન આવી છું. પણ અહીં આવીને મેં જોયું કે અહીં તો બેકારી છે. ભણવાનું ધતિંગ છે. પાછી જઇને પણ શું કરું? મમ્મીએ ખર્ચેલાં નાણાં તો ઉભાં કરવાં પડશે ને? એટલે એક એશિયન ફૂડ આપતા રેસ્ટોરાંમાં નોકરી મેળવી લીધી છે. રેસ્ટોરાંનો માલિક પાકિસ્તાની છે. પૈસા આપવામાં ચિંગૂસ છે. પણ જોઉં છું. બીજે કયાંય સારી જોબ ન મળે ત્યાં સુધી…. પણ જવા દો એ વાત… ટેલ મી એબાઉટ યુ!’

ચાલી, વાતો ચાલી. એ દિવસે પણ… અને એ પછીના દિવસે પણ. રોજ નવરાં પડે એટલે બે અમદાવાદી આત્માઓ વિલાયતની ઠંડીમાં આત્મીયતાની હૂંફ મેળવી લે. ધીમે-ધીમે બેય જણાં ખૂબ નજીક આવી ગયાં. એકબીજા વિશે બધું જાણી લીધા પછી એક શુભ દિને, શુભ ચોઘડિયે સિમ્પલે લક્કીને એક સાવ સિમ્પલ સવાલ પૂછી લીધો, ‘તું પરણેલો નથી, પણ કયારેક તો પરણવાનો જ ને?’

‘હા, છોકરી મળે એટલે તરત જ.’

‘પૂછી શકું કે તને કેવી છોકરી ગમે?’

‘આપણને તો ઐશ્વર્યા રાય ગમતી હોય, પણ એનાથી શું થવાનું હતું? સાચું કહું તો હું એટલો બધો ‘હેન્ડસમ’ નથી એટલે મારી પસંદ-નાપસંદનો પ્રશ્ન જ ભો થતો નથી. બસ, જે છોકરી મને ચાહી શકે એની પ્રતીક્ષા છે.’

એકાદ-બે ક્ષણ પછી ‘સ્ક્રીન’ ઉપર વાકય ઝબૂકયું, ‘તારો ફોટોગ્રાફ મને મોકલીશ? મારા ફોટોગ્રાફસ હું તને મોકલું છું.’

બીજા દિવસે ‘નેટ ચેટ’ને બદલે બંને મોબાઇલ ફોન ઉપર વાતો કરી રહ્યાં, ‘આપણે એકબીજાનાં ફોટોગ્રાફસ જોયાં. હવે શું વિચારે છે?’ સિમ્પલનો સવાલ.

બદલામાં લક્કીનો નિખાલસ જવાબ, ‘વિચારું છું કે હું કેટલો કદરૂપો છું અને તું કેટલી ખૂબસૂરત છો!’

‘એવું ન વિચારીશ, લક્કી! ભલે બાહ્ય દેખાવમાં તું સાધારણ છે, પણ તને કદરૂપો તો કોઈ રીતે ન કહી શકાય… અને અંદરથી તું કેટલો સુંદર છે! તારી નિખાલસતાની અને પ્રામાણિકતાની ખૂબસૂરતી આગળ બીજા ચોકલેટી ચહેરાઓ તો પાણી ભરે! હું તને પસંદ કરું છું. જૉ તને હું ગમતી હોઉં તો… આપણે લગ્ન માટે વિચારી શકીએ.’

સિમ્પલ તરફથી આવેલો પ્રસ્તાવ હતો, બાહ્ય શારીરિક આકર્ષણમાંથી ઝરેલી મધલાળ ન હતી, પણ ડી સમજમાંથી નીતરેલો પુખ્ત નિર્ણય હતો. લક્કી પાસે પ્રસ્તાવ ઠુકરાવવાનું કોઈ જ કારણ ન હતું એટલે બે હાથે સુગંધથી મઘમઘતો સૌંદર્યનો બગીચો ઝીલી લીધો.

પછી તો લક્કી અને સિમ્પલની જિંદગી જ બદલાઈ ગઈ. જેવાં નોકરીમાંથી છૂટે કે તરત જ ‘ઇન્ટરનેટ’ ઉપર ગોઠવાઈ જાય. રાત્રે બબ્બે વગ્યા સુધી વાતો ચાલતી રહે. વાતો પણ કેવી? પ્રેમની, લગ્નની, મધુરજનીની ભવ્ય કલ્પનાઓની, ભવિષ્યનાં આયોજનોની, થનારાં બાળકોની અને અલબત્ત, શરીરનાં અકાટય આકર્ષણોની. કમ્પ્યૂટર યુગનો ચમત્કાર હતો. હજુ તો એકમેકને મળ્યાં પણ ન હતાં અને છતાંયે એકબીજાને કેટલું બધું ઓળખતાં થઈ ગયાં હતાં! ‘લક્કી, તું લંડન કયારે આવે છે? મેં અમદાવાદ ફોન કરીને મમ્મીને જાણ કરી દીધી છે. મમ્મી આપણા સંબંધ વિશે રાજી થઈ ગઈ છે. તું લંડન આવ એટલે બાકીની બધી ઔપચારિકતા આપણે નક્કી કરી નાખીએ.’ એક દિવસ સિમ્પલનો ફોન આવ્યો.

‘ભલે, આ વીકએન્ડમાં હું આવું છું.’ લક્કીએ વિચાર્યું કે શુભ કામ મેં દેરી કાહે કી? શનિવારે સવારે સાડા અગિયાર વાગ્યે લક્કી લંડનના યુસ્ટન રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી તર્યોત્યારે સિમ્પલ એને લેવા માટે તૈયાર ભી હતી. લક્કી રોમાંચપૂર્વક ભાવિ પત્નીને જૉઈ રહ્યો. સિમ્પલે પણ એને ધારી-ધારીને નીરખી લીધો. બહાર નીકળીને બંને એક કોફી શોપમાં ગયાં. વેફર્સ અને કોફીને ન્યાય આપતાં-આપતાં હૃદયમાં ર્મિઓને અભિવ્યકિતનાં વસ્ત્રો પહેરાવતાં રહ્યાં.

‘કેવી લાગી તને હું?’ સિમ્પલે પૂછ્યું.

‘સુંદર. ફોટામાં લાગી હતી એના કરતાં પણ વધારે સુંદર. અને હું?’

‘ખાસ ખરાબ નથી. હું મહારાણી જેવી હોઉં તો તું મારા અનુચર તરીકે ચાલી જઇશ. હું ચલાવી લઇશ!’ સિમ્પલ એવા નખરાળા અંદાઝમાં બોલી ગઈ કે લક્કી ઉતાવળો થઈ ગયો. કયારે લગ્ન થઈ જાય અને કયારે આ મગરૂબ મહારાણીની શારીરિક સેવા બજાવી લઉં! એ પૂરો દિવસ બંને પ્રેમીઓ લંડનની સડકો ઉપર ઘૂમતાં રહ્યાં. લંચ, ડિનર, શોપિંગ, વાતો, હાથમાં હાથ પકડીને સહજીવનના ગતા સૂરજના પ્રથમ કિરણના સપનાં નીરખતાં રહ્યાં. રાતની છેલ્લી ગાડી પકડીને લક્કી પાછો વળી ગયો. એ રાત એની જિંદગીની શ્રેષ્ઠ, સ્વપ્નિલ રાત હતી.

અને એ રાત પૂરી થયા પછીની સવાર? લક્કીની જિંદગીની ખરાબમાં ખરાબ સવાર સિમ્પલનો ફોન લઇને આવી, ‘સૉરી લક્કી! મને ભૂલી જજે! તું સ્વભાવથી તો બહુ સારો છે, પણ તારો દેખાવ મને ન ગમ્યો! તું એટલો ખરાબ પણ નથી… પણ… મને માફ કરી દેજે! મને મનાવવાની કોશિશ ન કરતો. આ મારો આખરી નિર્ણય છે.’

(સત્યઘટના. તાજેતરમાં લક્કી નામના વાચકનો સ્કોટલેન્ડથી ફોન હતો. મને પૂછતો હતો, ‘સર! સિમ્પલે આવું શા માટે કર્યું હશે? શું બધી છોકરીઓ આવી જ હોતી હશે?’ હું શું બોલું? છતાં પણ મેં એને કહ્યું તો ખરું જ, ‘દોસ્ત! સિમ્પલ સવાલોના જવાબો કયારેક બહુ અઘરા હોય છે!)

શીર્ષક પંકિત : મુકુલ ચોકસી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: