રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠયું શું ખરું શું ગલત આદમથી શેખાદમ સુધી

taj-nd-old-lday.jpg

શિયાળાની ખુશનુમાં સાંજ હતી. સાત વાગ્યા હતા. પંચોતેર વર્ષની વય વટાવી ચૂકેલાં ડો. સ્નેહલતા બહેન એમનાં કન્સિલ્ટંગ રૂમમાં બેઠેલાં હતાં, ત્યાં અચાનક દસ-બાર જણાંના પગલાંની ધડબડાટી સંભળાણી. પાંચ-છ પુરુષો અને પાંચ-સાત સ્રીઓ એક બાઇને શબ્દશ: ટીંગાટોળી કરીને દવાખાનામાં લઇ આવ્યાં. એમની વાતચીતમાં રઘવાટ હતો અને આંખોમાં ચિંતા. બારણામાં જ આયાએ એમને અટકાવ્યા, ‘શું છે?’

‘સુવાવડનો કેસ છે… સવારથી ‘લેબર પેઇન્સ’… યુવતીનો પતિ હોય એવો દેખાતો યુવાન બોલવા ગયો, પણ આયાએ અડધા વાકયે અટકાવી દીધો. ‘બહાર પાટિયું માર્યું છે એ ન વાંરયું? ડોકટર સાહેબે સુવાવડના કેસ લેવાનું બંધ કરી દીધું છે. બાઇને બીજે કયાંક લઇ જાવ!’

‘બીજે કયાંય નથી જવું અમારે. અમને એટલું કહો કે બે’ન અત્યારે દવાખાનામાં હાજર છે કે નહીં!’ આ વખતે બોલનાર પુરુષ પેશન્ટનો પિતા હતો.

પણ ચા કરતાં કિટલી હંમેશાં વધુ ગરમ હોય છે. આયાએ તડને ફડ સંભળાવી દીધું, ‘ડોકટર બે’ન છે ખરાં, પણ તમારા માટે નથી!’

જરાક મોટેથી રચારાયેલું વાકય કન્સિલ્ટંગ રૂમના બંધ બારણાની તિરાડમાં થઇને અંદર બેઠેલાં લેડી ડોકટરનાં કાન સુધી પહોંચી ગયું. એમણે ઘંટડી વગાડી, પછી બારણું સહેજ ખૂલ્યું એટલે મોટેથી પૂછી લીધું, ‘કોણ આવ્યું છે, સવિતા?’ કેમ આમ ગમે તેવા જવાબો આપે છે?’

કિટલી ઠંડી પડી ગઇ,‘ બે’ન, એક ડિલીવરી કેસ છે. મેં ના પાડી, પણ આ લોકો સમજતા નથી.’ ‘તારાથી નહીં સમજે, એમને અંદર આવવા દે. હું સમજાવું છું.’ ડો.સ્નેહલતાબહેન મૃદુતાપૂર્વક કહ્યું. આ એમનું વર્તન નહોતું, પણ ખાસિયત હતી, ખાનદાની હતી, સ્વભાવ હતો. દર્દી કે દર્દીનાં સગાંની સાથે તેઓ કયારેય કઠોરતાપૂર્વક વાત કરી શકતાં જ નહોતા. એમના નિયમોના પાલનની બાબતમાંં તેઓ કડક હતાં, પરંતુ એ માટેના રચારણમાં એટલાં સખ્ત ન હતાં. ‘સવિતા, પેશન્ટને હમણાં અંદર આવવા ન દઇશ. અને ટોળાને પણ બહાર જ અટકાવજે. કોઇ પણ એક વ્યકિતને અંદર મારી સાથે વાત કરવા માટે મોકલી આપ!’

અને પ્રસૂતા સ્રીનો પતિ કન્સિલ્ટંગ રૂમમાં દાખલ થયો. બે હાથ જોડીને ‘નમસ્તે’ કર્યું. પછી ખુરશીમાં બેઠો, ‘બે’ન મારી પત્ની તન્મયાને લઇને આવ્યો છું. આજ સવારથી દરદ ઉપડયું છે. તમે ડિલીવરીના કેસ લેવાનું બંધ કરી દીધું છે એ વાતની મને જાણ છે એટલે મેં બીજા નવા નર્સિંગ હોમમાં તન્મયાનું નામ ‘બુક’ કરાવ્યું હતું. આજે સવારે એને ‘એડમિટ’ પણ કરી દીધી હતી, પણ અત્યારે અચાનક એ ડોકટરે હાથ ચા કરી દીધાં! કહી દીધું કે પેશન્ટનું બ્લડપ્રેશર બસોને વીસ થઇ ગયું છે એટલે મારાથી કામ નહીં બની શકે. એને બીજે કયાંક લઇ જાવ!’

‘જે થયું તે ખરાબ થયું, ભાઇ! પણ એ ડોકટરની વાત સાચી છે,જયારે દર્દીની સ્થિતિ કાબૂ બહાર ચાલી જાય અને ડોકટરને એમ લાગે કે એ દર્દીનો જીવ નહીં બચાવી શકે તો આપણે એની સલાહ માની લેવાની અને બીજે કયાંક વધુ સારી સગવડ ધરાવતા કે વધુ અનુભવી ગાયનેકોલોજિસ્ટને ત્યાં પેશન્ટને શિફ્ટ કરી દેવાની!’ ડો. સ્નેહલતાબહેને ખૂબ શાંતિથી તન્મયાના પતિને સમજાવ્યો.

‘એટલે તો હું તમારી પાસે લઇ આવ્યો છું, તમારાથી વધારે અનુભવ આ શહેરમાં બીજા કયાં ડોકટર પાસે છે?’ તન્મયાનાં પતિ અનુજે ડોકટરની વાતને મૂળમાંથી જ પકડી લીધી.

‘સોરી, ભાઇ! મેં તો લગભગ મારી પ્રેકિટસને એઇટી-ટ્વેન્ટી કરી નાખી છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી સતત કામ કર્યું, ખૂબ કામ કર્યું. જેમને બાળકો થતાં નહોતા એમને બાળકો આપ્યાં, જેમને ગર્ભ રહ્યાં એમની સુવાવડો કરાવી આપી, સિઝેરીઅન્સ કર્યા, ઓ.પી.ડી., ઇન્ડોર અને ઓપરેશન થિયેટર વરચે જિંદગીનો સુવર્ણકાળ ગુજારી નાખ્યો. હવે કામ નથી થતું. હાથ ધ્રૂજે છે, આંખો પણ નબળી પડી છે, પંદર મિનિટથી વધુ સમય માટે ભા પણ રહેવાતું નથી. માત્ર સવાર-સાંજ બબ્બે કલાક પૂરતું અહીં આવીને બેસું છું. બહારની સારવાર માટેના દર્દીઓ તપાસું છું. છાપાં-મેગેઝિનો વાંચું છું અને સમય પૂરો કરું છું. માટે મારી વાત માનો અને તમારી પત્નીને બીજા નર્સિંગ હોમમાં લઇ જાવ!’

અનુજ બહાર ગયો અને બે-ચાર મિનિટ પછી એક આધેડ ઉંમરનો પુરુષ અંદર આવ્યો. ડો. સ્નેહલતાબહેને એમને પણ સ્મિતપૂર્વક આવકાર્યા, ‘બોલો, હવે તમારે શું કહેવાનું છે?’ ‘હું તનુનો બાપ થાઉં છું. તમને હાથ જોડું છું, મારી દીકરીને બચાવી લો!’

‘પણ ભાઇ,મેં કામ કરવાનું બંધ કરી દીધું છે…તમે…’

‘તો પછી પહેલાં શા માટે સુવાવડનું કામ કરી આપતાં હતાં? ત્યારે ના પાડી દેવી હતી ને?’

‘કયારે?’

‘આજથી વીસ વરસ પહેલાં. જયારે એક કુંવારી યુવતી યુવાનીના ઉંબરે ભૂલ કરી બેઠી હતી…અને તમારી પાસે એનાં નિકાલ માટે આવી હતી. કંઇ યાદ આવે છે તમને? બાજુની પોળમાં રહેતી ગરીબ સલાટની દીકરી. જુવાન અને રૂપાળી ચાર માસનું પાપ અને ખોબો ભરાય એટલા આંસુ. પણ તમે ગર્ભપાતની ચોખ્ખી ના સંભળાવી દીધેલી. પૂરા મહિને આવજે, તારી સુવાવડ મફતમાં કરી આપીશ. તમે કહ્યું હતું. યાદ છે? અને પછી ધીમેકથી પેલી છોકરીનાં માથા પર હેતભર્યોહાથ ફેરવતાં-ફેરવતાં એ ‘પાપ’ માટે જવાબદાર એનાં ડરપોક પ્રેમીનું નામ-ઠામ જાણી લીધેલું…’

‘અરે, યાદ આવી ગયું! પેલા નાથીયા સલાટની મધુ તો નહીં?’

‘હા, મધુની જ વાત કરું છું. હું એનો ધણી. તમારી સમજાવટથી જ અમે પરણવાની હિંમત કરીં. લગ્ન પછી પાંચમા મહિને દીકરી અવતરી. અહીં, તમારા હાથે જ અને એ દીકરી એટલે જ આ તન્મયા. જો તમારે આજે એને જીવાડવાની ન હોય, તો પછી એ દિવસે જ શા માટે મારી ન નાખી?’ તન્મયાનો બાપ આનાથી આગળ કશું બોલી ન શકયો. ભો થઇને બહાર ચાલ્યો ગયો. ડો. સ્નેહલતાબહેને ઘંટડી વગાડી, ‘સવિતા, દીકરીને ટેબલ ઉપર સૂવડાવ! અને ઓપરેશનની તૈયારી શરૂ કર! હું ઐનેસ્થેટિસ્ટને ફોન કરું છું.’

Leave a comment