એક માણસ ભીડમાં ખોવાય છે કોણ જાણે એ પછી કયાં જાય છે?…

frozen-rose.jpg

આ ખેતરનો ધણી મૂર્ખ છે. આમાં શેરડી ન વવાય. આ જમીન મકાઇને લાયક છે.’ રાઘવજી રસ્તા પાસેના ખેતરને જોઇને ઉભો રહી ગયો. પછી એના મોઢામાંથી ઉપરોકત ટીકા અને આંખોમાંથી પેલા મૂર્ખ ખેડૂત પ્રત્યેની નફરત ઝરી પડી. હું પ્રભાવિત થઇને સાંભળી રહ્યો. હું એકલો જ શા માટે? મારી સાથેના ત્રણ અન્ય ડોકટરો પણ સાંભળી રહ્યા. દલીલ કે તર્કને કશો અવકાશ જ કયાં હતો? રાઘવજી ભલે ડોકટર હતો, પણ એ તો હમણાં તાજો-તાજો જ એમ.બી.બી.એસ. થઇને બહાર પડયો હતો, બાકી મૂળ તો એ ખેડૂત જ હતો ને! સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કોડિનાર પાસેના એક ગામડાનો પટેલપુત્ર. ગામ નાનું, પણ ખેતી મોટી. રાઘવજીના પિતાની ચારસો વીઘા જમીન. તે પણ સોરઠની લીલી નાધેર.

‘આ ખેતરમાં તમાકુ વાવેલું છે.’ ડો. રાઘવજીની કોમેન્ટ્રી ચાલુ જ હતી. હું ઉશ્કેરાયો. આ રાઘવાની પાસે સાચે જ ખેતી વિષેનું આટલું બધું જ્ઞાન હશે, કે પછી એ અમારા અજ્ઞાનનો ફાયદો ઉઠાવી રહ્યો છે?

મેં એને ‘ક્રોસ એકઝામિન’ કર્યો, ‘તું શેના આધારે કહી રહ્યો છે કે એ છોડ તમાકુના જ છે?’ ‘કારણ કે એ ખેતરની ફરતે વાડ નથી.’ પટેલ હસ્યો, ‘તમાકુના ખેતરને વાડની શી જરૂર? તમાકુ તો જાનાવરો પણ નથી ખાતાં!’

એના છેલ્લા વાકયમાં રહેલો ટોણો અમારી ટુકડીના ડો. જયદીપને દઝાડી ગયો. એને પાનમાં તમાકુ ખાવાની આદત હતી એટલે એનો પિત્તો છળ્યો. એણે ફટકાર્યું, હું પણ એ જ કહું છું ને! તમાકુ જાનાવરો જ નથી ખાતાં!’

જૂની ઘટના છે. વીસ-બાવીસ વર્ષ પહેલાંની. હું ખેડા જિલ્લાના એક પ્રખ્યાત ગામમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે દોઢ-બે વર્ષથી નોકરી કરતો હતો. મારા હાથ નીચે ચાર નવા ડોકટરો ‘ઇન્ટર્નીઝ’ તરીકે મુકાયા હતા. મને એમની સાથે ફાવી ગયું હતું. હોસ્પિટલમાં હોઉં ત્યાં સુધી હું એમનો સાહેબ, પણ જેવા ફરજ પરથી છૂટીએ કે તરત જ અમે મિત્રો બની જતા.

રોજ સાંજે ઓ.પી.ડી.ના દરદીઓ તપાસીને અમે પાંચ જણા ફરવા માટે નીકળી પડીએ. ચાલતાં-ચાલતાં ગામની બહાર. કસરત પણ મળે, ભૂખ પણ ઘડે અને અમદાવાદ જેવા શહેરમાં જેની કલ્પના પણ દુર્લભ હોય એવું પ્રાકòતિક સૌંદર્ય પણ જૉવા મળે. ધૂળિયા રસ્તા, ઝરણાં, મંદિરમાં વાગતી ઝાલર, ગાયોનું ધણ હાંકીને પાછો ફરતો ગોવાળ, ખેતરોમાં પરસેવો વાવીને ઘર તરફ જતા ખેડૂતો. આ સમયને ‘ગોધૂલીટાણું’ શા માટે કહે છે એ મને ત્યાં જ સમજાયું. ઉપરથી દુનિયાભરની વાતો.

એક વાત મારા દિમાગમાં ખાસ નોંધાઇ ગઇ. અમે ચાર જણા ભલે રમત-ગમતથી માંડીને રાજકારણ અને અમદાવાદથી લઇને અંતરીક્ષ સુધીના વિષયો પર વાતો કરતા હોઇએ, પણ ડો. રાઘવજી ગમે ત્યારે ગમે ત્યાંથી ખેતી, ખેતર અને ખેડૂતની વાતો શરૂ કરી દે. એની જાણકારી અદ્ભુત પણ ખરી અને અધિકòત પણ ખરી.

‘પટેલ, એક વાત પૂછું? તારા ફાધર આટલા મોટા ખેડૂત છે. તું એમનો એકનો એક દીકરો છે, તો પછી તેં ખેતી શા માટે ન સંભાળી? તારી પાસે એ વિષયનું આકર્ષણ પણ છે.’

‘આકર્ષણ નથી, પણ જાણકારી છે.’ એણે મારું વાકય સુધાર્યું, ‘ખેતી પ્રત્યે મને અણગમો છે. ખેડૂતની તે કંઇ જિંદગી છે? માટી સાથે માટી જેવા બની જવું પડે છે. પૈસો છે એમાં, એની ના નથી પણ બાકી બીજું કશું જ નથી. તમે સારાં કપડાં ન પહેરી શકો. શહેરની સુખભરી આધુનિક જિંદગી ન જીવી શકો. સંસ્કારી, ભણેલા-ગણેલા લોકો વરચે હળી-ભળી ન શકો. હોટલ, ફિલ્મો, ખાણી-પીણી, મહેફિલો, પિકનિક, કશું જ નથી ખેડૂતના જીવનમાં.’

મને લાગ્યું કે ડો. રાઘવજી પટેલની વાત સાવ સાચી હતી. ચારસો વીઘા જમીનમાંથી લાખો રૂપિયાનું મળતર હોય, તો પણ ગામડાંની ધૂળમાં મર્સિડિઝ થોડી ફેરવી શકાય છે! રાઘવજી ડોકટર બન્યો એ સારું કર્યું.

ત્રણ મહિના પછી અમે છૂટા પડયા. દુ:ખ તો બહુ થયું, કારણ કે આટલા ઓછા સમયમાં અમે ખૂબ નિકટ આવી ચૂકયા હતા પણ છૂટા પડયા વિના છૂટકોય નહોતો. સરકારી નિયમ હતો, તાલીમાર્થી ડોકટરોએ ત્રણ મહિના પછી બીજે ઠેકાણે ચાલ્યા જવું પડે.

એ રાજકોટની હોસ્પિટલમાં ગયો. તાલીમનું વર્ષ સમાપ્ત થયા પછી એ આગળનું ભણવા માટે ફરી પાછો માતૃસંસ્થા સાથે જૉડાઇ ગયો. એની ઇરછા ફિઝિશિયન બનવાની હતી. એ હોશિયાર હતો, એટલે એને એમ.ડી. (જનરલ મેડિસિન)માં પ્રવેશ મળી ગયો. શરૂ-શરૂમાં અમે સંપર્કમાં રહ્યા, પણ દોઢ-બે વર્ષ પછી અમારો તંતુ તૂટી ગયો.

હવાની લહેરખી કયારેક ડો. રાઘવજી પટેલ વિષેના સમાચાર મારા કાન સુધી ફેંકી જતી હતી. એણે ફિઝિશિયન બન્યા પછી સૌરાષ્ટ્રના એક મોટા, જાણીતા શહેરમાં પ્રાઇવેટ ટંકશાળ ખોલી નાખી હતી. એના પિતાના અવસાન બાદ એણે ગામડે જવાનું પણ સદંતર બંધ કરી દીધું હતું. ચારસો વીઘા જમીન પણ વેચી નાખી હતી. લાખો રૂપિયા (એ વખતે, અત્યારના ભાવે તો કરોડો રૂપિયા) આવ્યા એનું વ્યવસ્થિત રોકાણ કરી દીધું હતું.

હવે રાઘવજીની જિંદગીમાં સુખ જ સુખ હતું. બંગલો, ગાડી, પત્ની, બાળકો, હોટલ, થિયેટર, ખાણી-પીણી, કપડાં, પ્રવાસો અને સંસ્કારી મિત્રોનો સહવાસ. માણસને આનાથી વધારે શું જૉઇએ?

શ્રશ્રશ્ર

‘અરે, સર! તમે? પ્રશ્ન સાંભળીને હું ચોંકી ગયો. ખાસ તો એ કારણે કે હું એને ઓળખી ન શકયો. અજાણ્યા શહેરમાં ભાષણ કરવા માટે ગયો હોઉં ત્યાં અચાનક કોઇ આવો સવાલ પૂછે એટલે આશ્ચર્ય તો થાય જ ને! મને પણ થયું.

‘હંુ ડો. રવિ પટેલ. તમે એમ નહીં ઓળખો, રાઘવજી યાદ આવે છે?’ એણે કહ્યું અને મેં હાથમાં પકડેલો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. અમે બંને એકબીજાને વળગી પડયા.

‘અલ્યા, તું અહીં કયાંથી? આઇ મીન, તું આ શહેરમાં પ્રેકિટસ કરે છે એની મને માહિતી છે, પણ આ કાર્યક્રમમાં તું કયાંથી?’

‘તમે આવવાના છો એવું છાપામાં વાંરયું, એટલે ખાસ આવ્યો છું. તમને સાંભળવા માટે પણ, અને પછી તમને લઇ જવા માટે પણ.’ એના બોલવામાં શિયાળાના તાપણા જેવી ઉષ્મા હતી. હું ના ન પાડી શકયો.

એ રાતે અમે રાતભર જાગ્યા. હું તો છાપે ચડેલો માણસ એટલે મારા વિષે તો એ લગભગ બધું જ જાણતો હતો, પણ મેં એની પ્રગતિનો હિસાબ માગ્યો.

‘બસ, જલસા છે આપણે તો. વીસ વરસ લગી ધૂમ પ્રેકિટસ કરી. અસંખ્ય દરદીઓ તપાસ્યા. ખૂબ પૈસા બનાવ્યા. ગામડાંની જમીન વેચી નાખી એના પણ લાખો રૂપિયા મળ્યા. હવે પ્રેકિટસ બંધ કરી દીધી છે. જિંદગીને માણી રહ્યો છું.’

‘કેવી રીતે?’ મેં પૂછ્યું. મારા મનમાં સંગીત, વાંચન, પેઇન્ટિંગ જેવા અનેક શોખના વિષયો પસી આવ્યા.

‘સર, ખેડૂતનો દીકરો છું. બીજું શું કરું? શહેરથી પંદર કિ.મી. દૂર મોટું ફાર્મ ખરીદ્યું છે. રોજ બપોર પછી ત્યાં પહોંચી જઉં છું. જાતે ખોદકામ કરું છું, ઝાડ વાવું છું, ગાડું છું. બે બળદો રાખ્યા છે. થોડું-ઘણું અનાજ ઉગાડું છું. માટી સાથે માટી થઇ જઉં છું. મને જોઇને કોઇ કહી ન શકે કે હું ફિઝિશિયન હોઇશ.’

હું હસી પડયો. રાઘવજીએ છેવટે કયાં, કેવી ને કેટલી પ્રગતિ કરી? ગામડાંના ખેતરમાંથી શહેરના ખેતર સુધી આવી ગયો. ભણ્યો, ગણ્યો, કમાયો, અડધી જિંદગી ખેતીમાંથી છૂટવામાં કાઢી નાખી અને હવે બાકીની અડધી જિંદગી ખેતી તરફ પાછા ફરવામાં કાઢી રહ્યો છે.!

શીર્ષક પંકિત : બાલુ પટેલ

Advertisements

One Response

  1. sachi vat che kheti karva ma maja aave che

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: