એ પાનખરનો ફાલ હતો આપ કયાં હતાં? જોવા સમો એ હાલ હતો આપ કયાં હતાં?

મર્મિતાએ ફ્લેટમાંથી નીચે ઉતારીને શાક ખરીધું. લારીવાળાને પૈસા ચૂકવવા માટે પર્સ ઉઘાડયું. અંદરથી પચાસ રૂપિયાની નોટ કાઢી. ત્યાં નોટની સાથે જ એક ગડી કરેલો ચોરસ કાગળ નીકળી પડયો. એણે કાગળ જમીન ઉપરથી ચકી લીધો. શાકવાળા પાસેથી બાકીના પૈસા લઈને પર્સમાં પાછા મૂકયા. કાગળ પણ પર્સમાં મૂકવા જતી હતી, પણ પછી વિચાર આવ્યો કે એ શેનો છે એ જરા જોઈ તો લઉં. એણે ગડી ઉકેલી, તો સંબોધન વાંચીને જ ડઘાઈ ગઈ. ‘મને પ્રાણથી પણ વધુ પ્રિય મર્મિતા…’ આટલું વાંચતામાં તો દેહમાં વીજળી દોડી ગઈ. ઝટપટ કાગળ વાળીને પાછો પર્સમાં મૂકી દીધો. જાણે કશું જ નથી બન્યું એવા હાવભાવ સાથે એ દાદરનાં પગથિયાં ચડી ગઈ.ફ્લેટમાં જઈને એણે મુખ્ય પ્રવેશદ્વાર વાસી દીધું. સદભાગ્યે પતિ મિનકેતુ ઓફિસે જવા નીકળી ગયો હતો. ઘરમાં એ એકલી જ હતી. એટલે કોઈ જૉઈ જાય એવો હવે ભય ન હતો. એણે પર્સમાંથી પાછો કાગળ બહાર કાઢયો.

મર્મિતા ઝડપથી આખો કાગળ વાંચી ગઈ. કોઈ પણ સ્ત્રી વાંચીને ધન્ય થઈ જાય એવું લખાણ હતું. પોચા રૂ જેવા શબ્દો હતા, ઘાટીલા મરોડદાર અક્ષરો હતા અને ભીની-ભીની લાગણીથી લથબથ-લથબથ ઇરછાઓ હતી. પણ પત્રના અંતમાં નીચે કોઈનું નામ ન હતું. ફકત ‘તને પામવા ઇરછતો એક અધૂરો પુરુષ’ એટલું જ લખેલું હતું.

મર્મિતા વિચારમાં પડી ગઈ. કોણે લખ્યો હશે આ પ્રેમપત્ર? અને એ એના પર્સમાં શી રીતે આવ્યો? પછી એને યાદ આવ્યું કે ગઈ કાલે રવિવાર હતો. મિનકેતુને ઓફિસમાં રજા હતી. આખો દિવસ ઘરમાં માણસોની અવરજવર ચાલુ જ હતી. સવારથી રાત સુધીમાં દસ-બાર મહેમાનો આવી ગયા હશે. પર્સ ગઈકાલે આખોય દિવસ ડ્રોઇંગરૂમમાં જ પડી રહ્યું હતું. આવનારે મિનકેતુની નજર ચુકાવીને આ કાગળ પર્સની અંદર સરકાવી દીધો હશે. કોણ હોઈ શકે એ? મર્મિતાના દિમાગમાં ગઈ કાલે ઘરે આવી ગયેલા તમામ મુલાકાતીઓ ઝબકી ગયા. શાંતિકાકા અને એમના પરિવારજનો આવ્યા હતા. પણ એમાં પ્રેમપત્ર લખવા જેટલી ઉંમરનું કોઈ ન હતું. મૃદુલાફોઈની બે જુવાન દીકરીઓ આવેલી. શકનો સવાલ જ નથી. મિનકેતુની ઓફિસનો લેડિઝ સ્ટાફ ઘણા બધા સમય બાદ ઘરે આવ્યો હતો. એ દિશામાં આગળ વિચારવું એ પણ મૂર્ખતા ગણાય. સેવા સંસ્થા માટે ફાળો ઉઘરાવવા આવેલા કાર્યકરો, નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લખાવવા આવેલો દીપિકામામીનો પડોશી, બાલ્કનીમાં પડેલો દડો માગવા આવેલાં સોસાયટીનાં બાળકો અને મિનકેતુની જ ઓફિસમાં નોકરી કરતો એનો જૂનો મિત્ર મનાલ.

બસ, એ જ હોવો જોઈએ. ચોક્કસ આ કામ મનાલનું જ છે. હવે મર્મિતાને ઘણું બધું સમજાઈ ગયું. છેલ્લા ઘણા દિવસથી મનાલની આંખોના ડોળા ચકળ-વકળ થતા હતા. એ કોઈ ને કોઈ બહાને એના ઘરે આંટા મારતો રહેતો હતો. એ પરણેલો હતો, પણ એની પત્ની કદરૂપી હોવાથી એને ગમતી ન હતી. છેલ્લા છ મહિનાથી મનાલે એને ઘરમાંથી તગેડી મૂકી હતી. આ પરાક્રમ એના સિવાય બીજા કોઈનું ન હોઈ શકે.

મનાલને શી રીતે સીધો દોર કરવોે એ નક્કી કરવા માટે મર્મિતાએ ફરીથી એક વાર એણે લખેલો કાગળ વાંચવા માંડયો. જેમ જેમ વાંચતી ગઈ, તેમ તેમ એ લખાણના પ્રવાહમાં ખેંચાતી ગઈ. પત્ર તો સુંદર હતો. શું ખરેખર મનાલ એને સાચો પ્રેમ કરતો હશે? પોતાનાં રૂપનું વર્ણન પણ એણે કેટલું ચોટદાર રીતે કર્યું છે!

મર્મિતાનાં હૈયામાં કયાંક એકાદ ખૂણે ઠંડક પ્રસરી ગઈ. મનને સારું લાગ્યું. એ સાથે જ એના ખુદના દાંપત્યજીવનમાં જે થોડી ઘણી અધૂરપ હતી, એ પગમાં થયેલી કપાસીની જેમ ભરી આવી. ઓફિસનાં કામમાં રરયો-પરયો રહેતો મિનકેતુ, પત્નીની સજાવટ તરફ દુર્લક્ષ સેવતો મિનકેતુ, એને પ્રેમ કરવા માટે ઓછો સમય ફાળવતો મિનકેતુ અને રાત્રે પથારીમાં ટાઢોબોળ થઈને નસકોરાં બોલાવતો મિનકેતુ.

મર્મિતાએ નિર્ણય લઈ લીધો. મનાલના પ્રેમનો સ્વીકાર કરવામાં વાંધો શો છે? એ એકવીસમી સદીની નારી છે. એક મ્યાનમાં બે તલવારો રાખવામાં તકલીફ શાની? સમાજમાં લગ્નેતર સંબંધો ઠેર-ઠેર છે અને છડેચોક વ્યાપેલા છે. એ અને મનાલ ગુપ્ત રીતે પ્રેમસંબંધ કેમ નિભાવી ન શકે?

એણે ડાયરી કાઢી. મનાલનો મોબાઇલ ફોન નંબર શોધી કાઢયો. અત્યારે એ ઓફિસમાં જ હોવો જોઇએ. મર્મિતાએ ધ્રૂજતા હાથે નંબર ડાયલ કર્યો. વાત કરવાની પહેલ માટે જે હિંમત જોઇએ, એ કયાંથી લાવવી? એક રિંગ વગાડીને એણે રિસીવર મૂકી દીધું. મર્મિતાએ મિસકોલ આપીને ભલે ફોન કાપી નાખ્યો, પરંતુ એક ગરમાગરમ, ઉત્તેજનાપૂર્ણ, તોફાની પ્રેમસંબંધ જોડાઈ ચૂકયો હતો.

૦૦૦

‘મર્મિતા, આવ, બેસ મારી સામે. મારે થોડીક વાત કરવી છે.’ દોઢેક વર્ષ બાદ અચાનક એક સાંજે મિનકેતુએ પત્નીને રસોડામાંથી બોલાવી. બંધ બારણે ડ્રોઇંગરૂમમાં બેસાડીને વાત કાઢી, ‘તું ગભરાઇ ન જઇશ, પણ મને તારા અને મનાલ વરચેના પ્રેમ વિશે તમામ જાણકારી મળી ગઈ છે. તને નવાઈ લાગી ને? મને પણ લાગી. મને આટલા મોડા આ વાતની ખબર કેમ પડી? છેલ્લાં દોઢ વર્ષમાં તમારી દોઢસો-બસો ખાનગી મુલાકાતો, ત્રણસો જેટલા પ્રેમપત્રો, ત્રીસ ફિલ્મોની ટિકિટોના અડધિયા અને લોકોમાં ચાલી રહેલી કાનાફૂસી. પણ ખેર! જવા દે એ બધું. હું તારી સાથે હવે એક દિવસ પણ રહી શકું એમ નથી. તે મારો દ્રોહ કર્યોછે. આ રહ્યા ડીવોર્સ પેપર્સ. તું સીધી રીતે સહી કરી આપે છે કે પછી મારે કોર્ટમાં જઈને આ બધા પુરાવાઓ રજૂ કરવાની ઝંઝટ કરવી પડશે?’

મર્મિતા ધ્રૂજી ઉઠી. ચટ્ટાન જેવો મજબૂત સંસાર ક્ષણવારમાં તૂટી પડયો. હવે કશીય બહાનાંબાજીનો અર્થ જ કયાં હતો? ખોટી બદનામી થાય એના કરતાં શાંતિથી છૂટા પડી જવું બહેતર હતું. એણે કાગળો ઉપર મિનકેતુએ જયાં કહ્યું ત્યાં સહી કરી આપી.

એ રાત્રે એ કપડાં ભરેલી બેગ લઈને મનાલના ઘરે જઈ પહોંચી. એના કાનમાં મનાલે લખેલા પ્રેમપત્રો ગુંજી રહ્યા હતા, ‘પ્રિયે, તું મારી પત્ની બની હોત, તો કેવું સારું થાત! કયારેક મનમાં એવો દુષ્ટ વિચાર આવી જાય છે કે તારો પતિ તને છૂટાછેડા આપી દે અને તું અચાનક આવીને મારા ઘરનાં ઉંબરે ઉભી રહે, તો…?’

ડોરબેલ વાગી. મનાલે બારણું ઉઘાડયું, ‘અરે, મર્મિતા! ડાર્લિંગ, તું? આમ… અત્યારે….. તારા હાથમાં. આ બેગ….?’

મર્મિતાએ એની છાતીમાં મોં છુપાવી દીધું, ‘તારું સપનું સાચું પડયું છે, મનાલ! મિનકેતુએ મને ડીર્વોસ આપી દીધા છે. હવે આપણે લગ્ન કરી શકીએ એમ છીએ.’

મનાલે એનું માથું ઝાટકો મારીને હડસેલી દીધું, ‘સોરી, ડાર્લિંગ! એ તો ફકત પ્રેમપ્રલાપ હતો. પુરુષની જિંદગીમાં એક રૂપાળી સ્ત્રીનાં સેકસનું મહત્ત્વ કેટલું? એક લિટર દૂધ માટે થઈને કોઈ પોતાના ફળિયામાં ભેંસ બાંધે ખરું? અને બીજી અગત્યની વાત. મને પણ મારી પત્નીથી છૂટાછેડા મળી જવાના છે. બીજીવાર પરણવા માટે મારી પાસે કાચીકુંવારી યુવતીઓની લાઇન લાગી છે. તારા જેવો સેકન્ડહેન્ડ એંઠવાડ પ્રેમિકા તરીકે ચાલે, પણ પત્ની તરીકે તો…’

મનાલે ધડામ્ દેતાંકને બારણું વાસી દીધું. એક મોટો ધબાકો થયો. બેગ અને મર્મિતા બંને સાથે જ ફસડાઈ પડયાં હતાં.

(શીર્ષક પંકિત : હરીન્દ્ર દવે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: