અશ્રુ નાં કેમ ન લાગે, હૈયામાં સળગે છે ચેહ

પરસાણા? એ… પરસાણા…!’ મેં બરાડા જેવી બૂમ પાડી. એના જવાબમાં ‘પરસાણા નિવાસના ઉપલા માળે આવેલા હારબંધ ઓરડાઓની સાતે-સાત બારીઓ એક સાથે ખૂલી ગઇ. પરસાણાનું મકાન આડે પટ્ટે હતું. એના તમામ ઓરડાઓની બારીઓ મુખ્ય રસ્તા ઉપર પડતી હતી. રાતના સાડા આઠ વાગ્યા હશે. મારા મિત્ર પરસાણાના મકાનની બાજુમાં આવેલા શિવાલયમાં સાંજની આરતીની ઝાલરનાં મીઠા સૂર અને નગારાંનો કાન ફાડી નાખે એવો અવાજ હજુ થોડીવાર પહેલાં જ શમ્યા હતા પણ ભકતજનોનો શોરબકોર હજુ ચાલુ જ હતો.

આસમાનની અટારીઓમાંથી ચૌદ-પંદર ચહેરાઓ નીચેની દિશામાં તાકી રહ્યા હતા. એમાંથી એકાદનો આકાશવાણી જેવો અવાજ મને સંભળાયો, ‘કોનું કામ છે?’

‘પરસાણાનું.’

‘અરે ભાઇ, આ ઘરમાં અમે ચાલીસ પરસાણાઓ રહીએ છીએ.’

‘મારે તો મારા મિત્રનું કામ છે, કોલેજમાં મારી સાથે ભણે છે એનું.’

ડોકા અંદર જતાં રહ્યાં. બાકી વઘ્યાં એ આઠે-આઠ કોલેજિયનો હતા.

‘હવે કોનું કામ છે?’ ફરીથી આકાશવાણી થઇ. શિયાળો હતો એટલે પૃથ્વી ઉપર અંધારાનો કાળો ધાબળો ઓઢાડાઇ ચૂકયો હતો. હું આકાર જૉઇ શકતો હતો, પણ ચહેરાઓને ઓળખી શકતો ન હતો. પાંત્રીસ વર્ષ પહેલાંની આ વાત છે, ત્યારે જૂનાગઢમાં સ્ટ્રીટ લાઇટ્સની પણ આજના જેવી સુવિધા ન હતી એટલે હું મૂંઝાયો. અમારે સૌરાષ્ટ્રની હાઇસ્કૂલો અને કોલેજૉમાં ગાઢમાં ગાઢ મિત્રોને પણ સરનેમથી બોલાવવાનો રિવાજ, અને પરસાણા સાથેની દોસ્તી તો માંડ એકાદ મહિના જેટલી જૂની એટલે એના નામની પણ મને ખબર નહીં.

‘એ મારી સાથે સાયન્સ કોલેજમાં ભણે છે.’ મેં વિગત આપી. ચમત્કાર થયો. ચાર માથાં અ¼શ્ય થઇ ગયાં. હજુ પણ ચાર કાળાં માથાંના માનવીઓ બારીની બહાર ડોકાઇ રહ્યા હતા, જે તમામ વિજ્ઞાનના વિધાર્થીઓ હતા.

‘કયાં વર્ષમાં?’ એક વિજ્ઞાનીએ પૂછ્યું.

‘પ્રિ. સાયન્સમાં.’ મારો જવાબ અને ચારેય માથાં ગાયબ. મતલબ કે મારાવાળો પરસાણા આમાંથી એક પણ ન હતો. વળતી ક્ષણે એક પરસાણાએ ડોકું બારીની બહાર કાઢીને માહિતી આપી, ‘એમ કહે ને કે તારે લવકુનું કામ છે! પ્રિ. સાયન્સમાં તો એકલો એ જ ભણે છે.’

મને યાદ આવ્યું કે મારા મિત્રનું ટૂંકુ નામ એલ. કે. પરસાણા હતું. મેં માથું હલાવ્યું, ‘હા, હા, એ જ લવકુ છે ઘરમાં?’

લવકુ ઘરમાં ન હતો. મારી આખીયે કસરત માથે પડી. પણ જયારે મેં ઘરે આવીને વાત કરી, ત્યારે મારા ઘરના સભ્યો ખૂબ હસ્યા. લાખ ટકાનો સવાલ એ હતો કે કોઇ એક ઘરમાં આટલા બધા માણસો હળી-મળીને એક સાથે રહી શકે ખરા? એ પણ કળિયુગમાં?

આ જ પ્રશ્ન બીજે દિવસે જયારે લવકુ મને કોલેજમાં મળ્યો ત્યારે મેં એને પૂછી લીધો. એ હસ્યો, ‘હજુ તો તેં બહારથી જ પતાવ્યું છે, એક વાર ઘરમાં આવ, પછી ઘણા બધા સવાલો સૂઝશે.’

એ સાંજે તો હું બાયોલોજીની જર્નલ લેવા પરસાણાના ઘરે ગયો હતો, પણ બીજી વાર ખાસ એના બહોળા પરિવારનું સમૂહજીવન જૉવા માટે ગયો. કુટંુબમાં લવકુના દાદા-દાદી, મા-બાપ, સાત કાકાઓ, સાત કાકીઓ, ચાર કુંવારી ફોઇઓ, લવકુના પોતાના છ ભાઇ-બહેન, ત્રણ ભાભીઓ, બાકીના કઝીન્સ અને ભત્રીજા-ભત્રીજીઓ. આટલાં માથાં એક રસોડે જમે. ખુલ્લી ચોકડીમાં નાહી લે. અગાસી ઉપર સૂઇ જાય. ઘરમાં દાદા-દાદીને બાદ કરતાં કોઇ એક જણનું વજન ન પડે. અંગત વ્યકિતત્વના વિકાસની તો વાત જ ન થાય. બપોરના ત્રણથી પાંચના સમયગાળાને બાદ કરતાં આખો દિવસ રસોડું ધમધમતું હોય. કોણ ભૂખ્યું છે અને કોણે જમી લીધું એનો ખ્યાલ જે તે વ્યકિતએ પોતે રાખવાનો. કપડાંની બાબતે પણ એવું જ. લવકુનું શર્ટ ધોવાઇને સુકાઇ રહે એટલે એનો કાકો પહેરીને ચાલતો થાય. ત્રણ કાકા તો લવકુથીયે ઉંમરમાં નાના.

લવકુનું સાચું નામ લવેન્દ્ર. દિવાળીનું વેકેશન પૂરું થયું. કોલેજ પાછી શરૂ થઇ, ત્યાં જ લવેન્દ્રને અકસ્માત થયો. પગનાં હાડકાંમાં તિરાડ. સવા મહિનાનું પ્લાસ્ટર. હું એની ખબર કાઢવા માટે એના ઘરે ગયો. જે દૃશ્ય જૉયું એનાથી ખુશ થઇ ગયો. લવેન્દ્ર કોઇ રજવાડાના રાજકુંવરની અદામાં પથારીમાં સૂતો હતો અને ઘરનો સ્ત્રી-વર્ગ એની સેવા-ચાકરીમાં ખડે પગે તહેનાત હતો.

‘કાકી, પાણી લાવ! ભાભી, ઠાકરને ચા પીવડાવ! અલી એ… ય ગોપુડી, મારો પ્લાસ્ટરવાળો પગ ઉંચો કરીને એની નીચે ઓશિકું મૂક. નિશાડી, મારા દોસ્તને મુખવાસ આપ!’ પાટવી કુંવર લવેન્દ્ર સિંહ એમની માલિકીના રાજયની રૈયતને દોડાવી રહ્યા હતા. પછી મારી સામે જૉઇને વદ્યા, ‘તે દિવસે તું મને સમૂહ-કુટંુબના ગેરફાયદા ગણાવતો હતો ને? તો આજે આ ફાયદો પણ જૉઇ લે.

વિશાળ પરિવારમાં જૉ એકાદ સભ્ય બીમાર પડે તો ભારે ન પડે. એની કાળજી લેનાર કોઇ ને કોઇ તો ઘરમાં હાજર હોય જ.

બીજૉ ફાયદો પણ ટૂંક સમયમાં જ ઉજાગર થઇ ગયો. લવેન્દ્રે જ મને એ વિશે જણાવ્યું, ‘જૉ આ પગની તિરાડે મારા અભ્યાસમાં પણ મોટી તિરાડ પાડી દીધી. મારી જગ્યાએ બીજું કોઇ હોત તો ચોક્કસ નાપાસ જ થાત, પણ મારા ત્રણ કાકાઓ અને એક મોટો ભાઇ સાયન્સમાં જ ભણે છે. એમણે મને સિલેબસ પૂરો કરાવી દીધો. મારી જર્નલ્સ લખી આપી. છે ને સમૂહ-કુટુંબનો ફાયદો?’

પછી તો અમે છૂટા પડી ગયા. હું સાયન્સ કોલેજમાંથી મેડિકલ કોલેજમાં પહોંચી ગયો. લવેન્દ્ર બી.એસસી. થયો. બિચારાને નોકરી ના મળી. ખાસ્સા બે વર્ષ લગી એ બેકાર બનીને બેસી રહ્યો. એક વાર વેકેશનમાં હું જૂનાગઢ ગયો ત્યારે ભૂતનાથના મંદિરમાં એ ભટકાઇ ગયો. બાવા જેવી દાઢીમાં મને તો પૂરો ઓળખાયો પણ નહીં. મારાથી પૂછાઇ ગયું, ‘આ શી દશા કરી નાખી, ભાઇ?’

‘ચિંતા ન કર. બધું ઠીક થઇ રે’શે. એક વાર નોકરી મળી જવા દે. જૉ કે મને અત્યારે કશી તકલીફ નથી. ચાલીસ માણસના કુટુંબમાં બેકાર માટે પણ થોડી ઘણી જગ્યા હોય છે. જૉ વિભકત કુટુંબ હોય તો, મારા ગાભા નીકળી જાય!’

પણ લવેન્દ્રના ગાભા ન નીકળ્યા. બીજા છ માસ પછી એને નોકરી મળી ગઇ. એ પછી ત્રીજા મહિને એને પત્ની મળી ગઇ. સમૂહ-કુટુંબના ફાયદાઓ તો ચાલુ જ હતા. ત્રણ વર્ષની અંદર લવેન્દ્ર બબ્બે બાળકોનો બાપ બની ગયો. પત્નીની સુવાવડો કયાં સચવાઇ ગઇ અને દીકરો-દીકરી કેવી રીતે ઉછરી ગયાં એની ખબર પણ ન પડી.

એ પછી એક મિત્ર મારફત લવેન્દ્રના સમાચાર મળ્યા: લવકુ હવે જુદો રહેવા ગયો છે. એની ઘરવાળીને આવડા મોટા કુટુંબમાં ન ફાવ્યું. મોટેરાની આમન્યા રાખવી પડતી, કયાંય ફરવા-સિનેમા જૉવા- હોટલમાં જમવા માટે ન જવાય, પોતાનો પતિ વધારે કમાય પણ એનો પગાર બધાં માટે ખર્ચાય, આવી ઝીણી-ઝીણી વાતોને લઇને એણે ઝઘડવા માંડયું. ચાલીસ જણા સામે એણે દુશ્મનાવટ વહોરી લીધી. લવેન્દ્ર હારી ગયો. ના છૂટકે સોસાયટીમાં મકાન ભાડે રાખીને…’

એ પછી લવેન્દ્રને મેં માત્ર એક જ વાર જૉયો. અઠયોતેરની સાલમાં જયારે હું જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતો હતો, ત્યારે મેં લવેન્દ્રને મેડિકલ વોર્ડના ખાટલામાં સૂતેલો જૉયો. મારાથી પૂછાઇ ગયું, ‘તું ?’

એ ફિક્કું હસ્યો, ‘હા, કેન્સર લઇને આવ્યો છું. થોડાક દિવસોનો મહેમાન છું પણ મને મારી ચિંંતા નથી. ચિંતા મારાં બાળકોની છે. શું ખાશે એ બિચારાં?’ પછી બાજુમાં ભેલી પત્ની તરફ ઇશારો કરીને એણે વાત પૂરી કરી, ‘મારા ગયા પછી પેન્શન પણ નહીં મળે. બચત પણ નથી કરી. અને… આને કારણે મારું કુટુંબ પણ દૂર થઇ ગયું છે.’ આજે પણ જયારે જૂનાગઢ જાઉં છું અને ‘પરસાણા નિવાસ પાસેથી પસાર થાઉં છું, ત્યારે અનાયાસ એ સાતેય બારીઓ તરફ જૉવાઇ જાય છે. હવે પૂછતો નથી, પરસાણા ઘરમાં છે?’ મને ખબર છે કે જવાબ કદાચ ઇશ્વરના ઘરેથી મળશે.

શીર્ષક પંકિત: અમૃત ઘાયલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: