કો’ક ભીના કેશ લૂછે છે પણે, રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

બાવીસ વર્ષનો શેખર સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. સુદૃઢ, માંસલ પૌરુષી દેહ ઉપર માત્ર એક ધેરા ભૂરા રંગનો ટોવેલ જ વિંટાળેલો હતો. ભીના વાળમાં ‘બ્રશ’ ફેરવતો એ શયનખંડ વીંધીને ખૂલતી બાલ્કનીમાં આવ્યો, ત્યાં એની નજર સામેના ઘરની એવી જ બાલ્કનીમાં ઉભેલી શૈલી ઉપર પડી. એ પણ તાજી જ નાહીને આવેલી હતી. સધસ્નાતા, ચારુકેશી, ત્રણેય ભુવનને પોતાનાં રૂપથી ડોલાવે એવી સૌંદર્યમૂર્તિ. શિયાળુ તડકામાં ઉભા રહીને એના ખુલ્લા કેશને ટોવેલની મદદથી ઝાટકી રહેલી રૂપગર્વિષ્ઠા.શેખરનું દિલ એના કાબૂમાં ન રહ્યું. આમ તો વરસોથી એ શૈલીને જૉતો આવ્યો હતો. નાનપણમાં સાથે રમીને મોટાં થયાં હતાં. ભલે સમજણાં થયાં પછી એકબીજાં સાથે વાત કરવાનું ઓછું થઈ ગયું હતું, પણ તોયે હતાં તો એકમેકની આંખો સામે જ. પણ શૈલી જેવી આજે લાગી, એવી આ પહેલાં કદીયે લાગી નહોતી.

શેખર રૂમમાં ગયો. ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી ડાયરીમાંથી એક પાનું ફાડયું. એના ઉપર ઝટપટ બે-ચાર વાકયો ઘસડી માર્યા. પછી બાલ્કનીમાં આવીને એ કાગળનો ડૂચો વાળીને જૉરદાર ઘા કર્યો. શૈલીએ ડૂચો ઉકેલ્યો. અંદરનું લખાણ વાંરયું. આ છોકરાની હિંમત જૉઇને એ સ્તબ્ધ થઈ ગઈ. અંદર લખ્યું હતું : ‘વાહ, શૈલુડી! તું આટલી મોહક હોઇશ એની તો મને ખબર જ ન હતી. તું મને ગમી ગઈ છે. તારા પપ્પાને કહી દેજે કે મુરતિયો સામા બારણે જ છે, બીજે કયાંય ફાંફાં મારવાનો પ્રયત્ન ન કરે. મારા માટે તારું ‘એડવાન્સ બુકગિં’ કરાવી નાખું છું. આ ક્ષણથી તું મારી છે. ના પાડીશ તો હું બાલ્કનીમાંથી કૂદીને જાન આપી દઇશ, અને જૉ બીજા કોઈએ તારી સાથે લગ્ન કરવાની હિંમત કરી છે, તો…? હું ફાંસીને માંચડે ચડી જઈશ, એનું ખૂન કરીને!’

મોટી મોટી આંખોમાં કાળી કીકીઓ ઘુમાવતી અને એની ઉપર ગુલાબની પાંખડીઓ જેવી પાંપણો પટપટાવતી શૈલી પળવાર માટે જયાં ભી હતી ત્યાં જ થાંભલાની જેમ ખોડાઈ ગઈ. સામે દૃઢતાના અવતાર સમો શેખર વશીકરણ કરતું હાસ્ય રેલાવતો ઉભો હતો. સહેજ શરમાઈને, ગરદનને કમળદાંડલી જેવો એક નમણો ઝાટકો મારીને, ગતા સૂરજના તેજ જેવું હુંફાળું સ્મિત ફરકાવીને શૈલી ચાલતી થઈ.

શૈલીના પિતા શહેરની માઘ્યમિક શાળાના હેડમાસ્ટર હતા. બે ભાઇઓ અને ભાભીઓ સાથેના સંયુકત કુટુંબમાં રહેતા હતા. સંતાનમાં એક દીકરી જ હતી, પણ લાખોમાં એક હતી. આવી સુંદર, સુશીલ કન્યા માટે યોગ્ય વર કયાંથી ખોળવો એની ચિંતા માત્ર શૈલીના પપ્પાને જ નહીં, પણ આખા કુટુંબને સતાવી રહી હતી. સામેના મકાનમાં રહેતા જશવંતલાલને બે દીકરાઓ હતા. મોટો શૈલ અને નાનો શેખર. બંને છોકરાઓ શૈલી માટે લાયક હતા પણ જશવંતલાલ મામલતદાર હતા. પૈસે ટકે ચડિયાતા હતા. એ કંઈ એમ સહેલાઈથી શૈલી માટે માની જાય ખરા? જૉ માગું નાખ્યા પછી એ ના પાડે તો સોનાની જાળ પાણીમાં ફેંકવા જેવું થાય. વરસો જૂનો સંબંધ પણ બગડે.

એટલે એ ન્યાતમાં બીજાં ઠેકાણાં ફંફોસી રહ્યા હતા ત્યાં એમનાં ધર્મપત્નીએ એક દિવસ સાંજના વાળુ પછી એમના હાથમાં એક કાગળ મૂકયો.

‘શું છે? કરિયાણાનું બિલ છે?’

‘ના, કોઈ કુંવારાનું દિલ છે!’

‘કયાંથી જડયું?’

‘શૈલીના ટેબલનું ખાનું ફંફોસતી હતી, એમાંથી ટપકી પડયું. પાછા એમ ન કહેશો કે આવું ન કરાય. જુવાન દીકરીની મા છું. ઘરમાં સાપનો ભારો હોય, તો જનેતાએ કરંડિયો તપાસતાં રહેવું પડે!’

કાગળ વાંચીને શૈલીના પપ્પા ઉછળી પડયા : ‘વાહ! આ તો ભાવતું’તું ને વૈધે કહ્યું. હવે વાંધો નથી. સમય જૉઈને સોગઠી મારું છું. જશવંતલાલને મળીને વાત કરવી પડશે.’

આ બાજુ શેખરની સોગઠીઓ તો ચાલુ જ હતી. રોજ ઠીને નવી ચિઠ્ઠી. ‘તારા ઘરમાં વાત કરી કે નહીં? ન કરી હોય તો કરી નાખ. અને તને પણ ચેતવી રાખું છું. જૉ બીજા કોઈને માટે હા પાડી છે, તો સામેવાળાને તો પછી પકડીશ, પહેલાં તો તારો જ ચોટલો ઝાલીને બાલ્કનીમાંથી… અને એક આડ વાત. તું ચોટલામાં પણ સુંદર લાગે છે.’ તો વળી બીજી ચિઠ્ઠીમાં જરૂરી સૂચના : ‘રાંધતાં-બાંધતાં આવડે છે કે પછી રૂપનો ભારો બાંધીને ફરવા માટે જ આ ધરતી ઉપર પધાર્યા છો? હજુ થોડો સમય છે. ફરસાણનો શોખીન છું. શીખી જા, નહીંતર ફરસાણને બદલે તને જ ચાવી જઇશ…’

શૈલી પાકશાસ્ત્રનું પુસ્તક લઈ આવી. બીજા અઠવાડિયે સૌંદર્ય-પ્રસાધનોની માહિતીનું અને ત્રીજા અઠવાડિયે વસ્ત્રપરિધાનનું પુસ્તક. શેખરની સૂચનાઓ પ્રેમના આવરણ હેઠળ રાતભર વરસતી રહેતી ઝાકળની જેમ શૈલીની જિંદગી ઉપર વરસતી રહી.

છેલ્લી ચિઠ્ઠી : ‘આવતી કાલે પૂણે જઉં છું. ત્રણ મહિના માટે. એક ટ્રેનિંગ કોર્સ પતાવીને પાછો આવીશ. પછી અઠવાડિયાની અંદર તારા ઘરના બરે આવીને ભો રહીશ. હાથમાં શ્રીફળ લઈને અને માથા ઉપર સાફો બાંધીને. પાનેતર સારું પસંદ કરજે. તારા પપ્પાને કહેજે કે કંજુસાઈ ન કરે. અને જૉ અત્યારથી કહી રાખું છું, લગ્ન પછીના નવ મહિનામાં આપણે ‘રિઝલ્ટ’ જૉઇશે. બાળ-છેરને લગતી ચોપડી વસાવી રાખજે…’

ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને શેખર પૂણેથી પાછો ફર્યો. જશવંતલાલે એના હાથમાં કંકોતરી ધરી : ‘લે દીકરા! સારું, સમયસર આવી ગયો. સામેવાળા નરભેરામની દીકરીનું માગું હતું, તે આપણે હા પાડી દીધી. આવતા શુક્રવારે લગ્ન છે. બધી ખરીદી પતી ગઈ છે. એક તારા જ કપડાં બાકી છે. જા, તારી થનારી ભાભીને મળવું હોય તો મળી આવ.’

નરભેરામની દીકરી અને થનારી ભાભી! શેખરને લાગ્યું કે આ ચક્કર-ચક્કર ફરી રહી છે એ પૃથ્વી છે કે જિંદગી? ગરબડ કયાં થઈ હશે? શૈલીનાં મા-બાપ ચિઠ્ઠીઓનું લખાણ સમજવામાં થાપ ખાઈ ગયા હશે? કે પછી પોતાના પપ્પા ધુ સમજયા હશે? હવે એક જ ઉપાય બરયો છે: મોટા ભાઈ શૈલને મળીને વાતનો ફોડ પાડવાનો.

પણ એ શકય ન બન્યું. મોટા ભાઈને મળવાનું તો બન્યું, પણ ફોડ પાડવાની કયાંય રતીભાર પણ ગુંજાઇશ ન હતી. શૈલની આંખોમાં દુનિયાનો ખજાનો મેળવી લીધાનો સંતોષ ઝલકતો હતો. શૈલીને એ આટલો બધો મૂંગો પ્રેમ કરતા હશે એ શેખરને અત્યારે જ જાણવા મળ્યું.

એ સાંજે શેખર ઘરની બહાર નીકળ્યો, ત્યાં કોઈ બહાને બહાર આવેલી શૈલી સામે ભટકાઈ ગઈ. ડૂબી ગયેલા સૂરજ પાછળનું અંધારું બંનેને ધેરી વળ્યું. શેખરની આંખોમાં સળગી ગયેલી સામટી અસંખ્ય ચિઠ્ઠીઓની રાખ ડતી હતી. શૈલીની આંખોમાં ભીનાશ હતી.

‘શેખર, મને માફ કર. હું લાચાર હતી. તું હાજર ન હતો અને પપ્પા તારી ચિઠ્ઠી વાંચીને થાપ ખાઈ ગયા. ‘સામે બારણે મુરતિયો હાજર છે’ એનો મતલબ એમણે એવો કાઢયો કે તારા મોટા ભાઈ…!

મોટો દીકરો કુંવારો હોય, ત્યારે નાના દીકરાની વાત કોને સૂઝે?’

‘વાંધો નહીં, શૈલી. મોટા ભાઈ તને મારા કરતાં પણ વધુ ચાહે છે.’

‘પણ હું તને ચાહું છું એનું શું? મેં નિર્ણય કરી લીધો છે. શેખર, ચાલ, આપણે ઘર છોડીને નાસી જઇએ… લગ્ન કરી લઈએ….’

‘ના, શૈલી! એ નહીં બને. મોટા ભાઈને ખબર પડે, તો કેવો આઘાત લાગે?’

‘તો પછી સાંભળી લે, શેખર.’ શૈલીની આંખોમાંથી કામનાઓનાં તીર વછૂટયાં: ‘તું કહે છે તો હું તારા મોટા ભાઈની સાથે પરણી જઇશ પણ પ્રેમિકા તો માત્ર તારી જ રહીશ. તારા મોટા ભાઈને ખબર પણ નહીં પડે અને આઘાત પણ નહીં લાગે. એક જ ઘરમાં સાથે રહીને આપણે જીવનભર…’

શેખરનો સ્નાયુબદ્ધ જમણો હાથ હવામાં અઘ્ધર થયો, પણ પછી અટકી ગયો: ‘શૈલી, શું કરું? તું મારી ભાભી થવાની છું, એટલે જવા દઉં છું. બાકી એક જ હાથમાં આ દાડમના બત્રીસેય દાણા બહાર કાઢી નાખતે! પ્રેમ તો થઈ રે’શે. રૂપાળી છોકરીઓની આ જગતમાં કમી નથી પણ ભાભી તો માત્ર એક જ હશે. શૈલી, તું શુક્રવારથી નહીં, આજથી જ મારે મન ભાભી છે. માતુલ્ય ભાભી અને ભાભી જ રહીશ. સંબોધનમાં પણ અને સંબંધમાં પણ…’

અને એક પદમણીના પ્રસ્તાવને ઠુકરાવતો એક અસલી પુરુષ શેરીમાં વરસી રહેલા શિયાળુ અંધકારમાં ઓગળી ગયો.

(સાવ સાચી ઘટના)

Advertisements

One Response

  1. GHANIJ SUNDAR KAHANI CHH.HAVENA JAMANAMA AAVA CHHOKRA MALVA SHAKYA NATHI.SATYA GHATANA NE KALAM NO SHAHARO LAI NE LOKO SAMAKSH MUKAVA BADAL HU LEKHAK NE DHANYAVAD AAPU CHHU.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: