લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પી.જે. મંકોડીની અદાલતમાં ચકચારી ડબલ મર્ડર કેસની સુનવાણી સમાપ્ત થઈ. હવે ચુકાદો આપવાનો સમય પાસે આવી ગયો. ફરિયાદી તથા આરોપી એમ બંને પક્ષોના વકીલોએ પોતપોતાના અસીલોની તરફેણમાં જોરદાર દલીલો કરી દીધી.‘મિ. લોર્ડ!’ ફરિયાદીના વકીલ ઝુનઝુનવાલાએ જજ સાહેબનું બ્રેઈન વોશ થઈ જાય એવી સચોટ રજૂઆત કરી, ‘આરોેપી ભૂપત કાતિલ છે તે અદાલતમાં સાબિત થઈ ચૂકયું છે. બબ્બે નિર્દોષ જીવોની એણે ઠંડા કલેજે ક્રૂર હત્યા કરી નાખી છે. માત્ર એની પત્નીનાં ચારિત્ર્ય બાબતે શંકા હોવાના કારણે એણે પત્નીને તો મારી નાખી, પણ સાથે સાથે ભુવન નામના પ્રતિષ્ઠિત, નિર્દોષ નાગરિકનું પણ એણે ખૂન કર્યું છે. ગીતા ઉપર હાથ રાખીને ભૂપતે પોતે કરેલા ડબલ મર્ડરનો આરોપ કબૂલ પણ કરી લીધો છે. મારી અદાલતને માત્ર એટલી જ ગુજારીશ છે કે આરોપીને ફાંસીની સજા જાહેર કરવામાં આવે. ધેટ્સ ઓલ, યોર ઓનર!’

ઝુનઝુનવાલાની દલીલો અને વાણી અને છટા સાંભળીને જસ્ટિસ મંકોડી પણ ચકરાઈ ગયા. માત્ર આટલું જ ઘ્યાનમાં લેવામાં આવે તો આવતી કાલે સવારે જ ભૂપતને ફાંસીના માંચડે લટકાવી દેવો પડે. પણ આરોપીના વકીલ પાટડિયા પણ કોઈનાથી ગાંજયા જાય તેમ ન હતા.

‘યોર ઓનર! એ સત્ય છે કે મારા અસીલ ભૂપતે ભામિની તથા ભુવનની હત્યા કરી છે, પણ મારા બાહોશ મિત્ર ઝુનઝુનવાલાએ કહ્યું તે સરાસર જૂઠું છે. ભૂપતે આ હત્યાઓ ઠંડા કલેજે નથી કરી. એણે ઉશ્કેરાટના આવેગમાં આવીને આ અપરાધ આચરેલો છે. ઇન્ડિયન પીનલ કોડમાં એવી જૉગવાઈ છે કે જૉ હત્યા માટેની ઉશ્કેરણીનું વાજબી કારણ હોય તો કોઈ પણ માણસ ખૂન કરી બેસે છે. મિ.લોર્ડ, આપ જ જણાવો કે કયો પુરુષ એની પત્નીને પરપુરુષ સાથે એક જ પથારીમાં અભદ્ર હાલતમાં જૉઈને શાંત રહી શકે? અદાલતને મારી એક જ વિનંતી છે કે મારા અસીલને ગુનેગાર ઠરાવતાં પહેલાં એણે આચરેલા ગુના પાછળનું કારણ ઘ્યાનમાં લેવામાં આવે. ધેટ્સ ઓલ, યોર ઓનર!’

‘અપરાધ વિશેનો નિર્ણય અને સજા બાબતનો ચુકાદો આવતા સોમવારે લેવામાં આવશે. ઘી કોર્ટ ઇઝ એડજન્ર્ડ.’ કહીને જસ્ટિસ મંકોડી ભા થયા. અદાલત બરખાસ્ત થઈ ગઈ. ઝુનઝુનવાલા અને પાટડિયાએ અદાલતની અંદરની દુશ્મનાવટ ખતમ કરી અને એકબીજાનો હાથ પકડીને કોર્ટ પરિસરમાં આવેલી કેન્ટીન તરફ ચાલતા થયા. અદાલતની બહાર એ બંને ગાઢ મિત્રો હતા.

જસ્ટિસ મંકોડી સરકારી ગાડીમાં બેસીને એમના સરકારી બંગલામાં દાખલ થયા. આ ખૂન કેસે એમને બેચેન બનાવી મૂકયા હતા. ખૂની ભૂપત અપરાધી હતો એ વિશે કોઈ શંકા ન હતી. તમામ પુરાવાઓ એની વિરુદ્ધમાં પડેલા હતા. ખૂન કરવા માટે વપરાયેલો લોખંડનો દસ્તો, લોહીથી ખરડાયેલાં એનાં કપડાં, એના જ ઘરમાંથી મળેલી ભામિની અને ભુવનની લાશો, પડોશીઓની જુબાનીઓ અને એણે પોતે કરેલો એકરાર, આ બધું જ એને ફાંસીના ગાળિયે લટકાવી દેવા માટે પર્યાપ્ત હતું.

આ બધાંની સામે એક બાબત એને નિર્દોષ છોડી મૂકવા માટે પૂરતી હતી. એની પત્ની ભામિની પરપુરુષ સાથે રંગરેલિયા મનાવતી રંગે હાથ પકડાઈ ગઈ હતી. ભૂપત ઉશ્કેરાટના આવેગમાં ભાન ગુમાવીને ખૂન ન કરી બેસે તો શું કરે બીજું?

એ સાંજ જસ્ટિસ મંકોડીએ ડા મનનમાં ગુજારી નાખી. વરંડામાં આરામ ખુરશીમાં લાંબા થઈને પડયાં પડયાં એ કયાંય સુધી પાઈપમાં ભરેલી મીઠી તમાકુની ગરમ-ગરમ સુગંધને છાતીમાં ભરતા રહ્યા. પત્ની તો હતી નહીં. રસોઈ કરનારો મહારાજ બે વાર કહી ગયો, ‘સાહેબ, ગરમાગરમ પરોઠા ઉતારી રહ્યો છું, આવો છે ને જમવા?’

‘ના, હમણાં ભૂખ નથી. તું ટેબલ ઉપર થાળી ઢાંકીને જઈ શકે છે. મારા માટે એક કપ ચા બનાવીને આપતો જજે.’

રસોઈ બનાવનાર મહારાજ કામ પૂરું કરીને ગયો. જજ સાહેબ ચાની સૂચકીઓ ભરતાં બેસી રહ્યા. વચમાં બે-ત્રણ ફોન કોલ્સ આવી ગયા. દાણાબજારના શેઠ દીનદયાલની દીકરીનું આરંગેત્રમ્ હતું. શેઠની ઇરછા હતી કે જસ્ટિસ મંકોડી મુખ્ય મહેમાન તરીકેનું પદ શોભાવે. નારી સમાજના પ્રમુખ વનલીલા કોટેચાનો ફોન પણ આવા જ કામ અંગેનો હતો. એક જાણીતા ગાયકે જજ સાહેબને પોતાના કાર્યક્રમમાં પધારવાનો આગ્રહ રાખ્યો હતો.

મંકોડી સાહેબે દરેકને એક સરખો જવાબ આપીને વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું, ‘સોરી, ન્યાયની ખુરશીમાં બેઠેલા માટે સામાજિક ઘરોબો અનિરછનીય છે.’

આવાં નાના-નાના વિક્ષેપોને બાદ કરતાં જસ્ટિસ મંકોડીનું મનોમંથન ચાલુ જ હતું. શું કરવું જોઈએ, ભૂપતને છોડી મૂકવો કે ફાંસી અથવા જનમટીપની સજા ફટકારવી? રાત્રે કાયદાનાં પુસ્તકો ઉથલાવી જવાં પડશે. આ પ્રકારના જૂના ચુકાદાઓનો અભ્યાસ પણ કરી જવો પડશે. ત્યાં જ વોચમેને આવીને એમને ખલેલ પાડી, ‘સાહેબ, કોઈ બાઈ આપને મળવા માગે છે.’

‘ના પાડી દે એને, કહી દે કે સાહેબ કોઈને મળતા નથી.’

‘મેં કીધું, પણ બાઈ માનતી નથી. સારા ઘરની હોય એવું લાગે છે. સાહેબ, બે મિનિટ માટે મળી લો ને!’ વોચમેને ભલામણ કરી. સાહેબે માથું હલાવીને હા પાડી.

થોડી જ વારમાં રાતનો અંધાર ઓઢીને આવેલો એક આધેડ વયનો નારી દેહ જસ્ટિસ મંકોડીની સામે આવીને ભો રહ્યો. સાહેબે સામે પડેલી નેતરની ખુરશીમાં બેસવાનું કહ્યું, બાઈ બેઠી.

‘બોલો, શા માટે આવ્યાં છો?’ જસ્ટિસ મંકોડીનો ધેરો અવાજ શિયાળાની ઘટ્ટ હવામાં વધારે વજનદાર લાગતો હતો.

જવાબમાં બાઈએ માથા પરથી સાડલાનો છેડો પાછળ સરકાવી દીધો,’ મને ન ઓળખી, પ્રતીત? હું … હું પ્રાચી…’

મંકોડી સાહેબ આરામખુરશીમાં લાંબા થઈને પડયા હતા, તે એક આંચકા સાથે ટટ્ટાર બેઠા થઇ ગયા. હાથમાં રહેલી સળગતી પાઈપ જેમની તેમ ઠઠી રહી ગઈ. અપાર વિસ્મય સાથે એ પૂછી બેઠા, ‘કોણ? પ્રાચી? પ્રાચી વસાવડા? તું… તમે.?!’

અને પાઈપમાંથી ઉઠતાં સુંગધી તમાકુના ધુમાડાની સાથે સાથે વીતેલાં આયુષ્યનાં ત્રીસ વરસ પણ ડી ગયાં. જસ્ટિસ મંકોડી વનમાં ભટકી રહેલા એકાકી પ્રૌઢ પુરુષને બદલે ગઘ્ધાપચીસીમાં હણહણતા અશ્વ બની ગયા. આત્મકથાના આલબમની ઝાંખી પડેલી છબીઓ અચાનક એકસાથે આંખો સામે તરવરી ઉઠી. કોમર્સ કોલેજના એ સુખી દિવસો ફરીથી તાજા થઇ ગયા, જયારે પ્રાચીની ખૂબસૂરત પલકોની છત્રછાયામાં એમની જુવાની ધમપછાડા કરતી હતી. ‘પ્રતીત, આપણે લગ્ન તો કરી લઇએ, પણ પછી તું મને ખવડાવીશ શું?’

‘જે હું ખાઇશ, તે તને ખવડાવીશ. બી.કોમ. થયા પછી મારે કાં તો સી.એ. થવું છે, અથવા એલ.એલ.બી. કરવું છે. આપણો વર્તમાન ભલે ઝાંખો હોય, પણ ભવિષ્ય ઉજજવળ હશે.’

કોલેજની કેન્ટીનમાં, શહેરની બહાર આવેલા તળાવની પાળ ઉપર, બગીચાના એકાંત ખૂણામાં અને સિનેમાઘરોના અંધારામાં બોલાયેલા આ સંવાદો પ્રતીતને માટે પ્રોત્સાહક બળ સમાન હતા, જયારે પ્રાચીને માટે હતાશાનો અવતાર હતા.

પ્રાચી અતિશય મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. ગરીબ ઘરના પ્રતીત સાથે પરણીને િંજદગીનાં બહુમૂલ્ય વર્ષોસંઘર્ષમાં વેડફી નાખવાં કરતાં કોઇ ધનવાન છોકરાના ઐશ્વર્યનું સરનામું બની જવું એને વધારે બુદ્ધિમંદ લાગ્યું. એણે એક કરોડપતિ બાપનો ઓટીવાળ ટૂણિયાત શોધી લીધો.

કમનસીબી એ વાતની હતી કે પ્રાચીએ પોતાના પક્ષપલટા વિશે પ્રતીતને જાણ પણ ન કરી. એ તો હજુયે પોતાના સોનેરી ભવિષ્યના સપ્તરંગી ચિત્રમાં મેઘધનુષી રંગો ભરી રહ્યો હતો. પણ અચાનક એક સાંજે ફિલ્મના બીજા શોમાં પ્રાચીનો ભાંડો ફૂટી ગયો. મિત્રો સાથે ફિલ્મ જૉવા ગયેલો પ્રતીત એની આગળની હરોળમાં બેઠેલી પ્રાચીને ઓળખી ગયો.

પ્રાચી એના પ્રેમીની સાથે શારીરિક જોડાણો કરવામાં મગ્ન હતી. કોલેજમાં સૌથી વધારે નાલાયક ગણાતો બિભાસ પીઠાવાલા થિયેટરના અંધકારનો લાભ ઉઠાવીને પ્રાચીનાં સૌંદર્યસ્થાનોનો મહત્તમ આનંદ ઉઠાવી રહ્યો હતો.

પ્રતીત સળગી ઉઠયો. એના હાથ બિભાસ અને પ્રાચીનું ગળું દબાવી દેવા માટે તડપી ઠયા. માંડ-માંડ એણે એના મન ઉપર કાબૂ રાખ્યો. ઇન્ટરવલ પડે અને અજવાળું થાય એ પહેલાં જ એ મિત્રો પાસે પેટના દુખાવાનું બહાનું કાઢીને ઘરભેગો થઇ ગયો.

એ પછી આજે એ પ્રાચીને જૉતો હતો, ‘બોલ, શું કામ પડયું મારા જેવા મુફલીસનું?’ જસ્ટિસ મંકોડીએ કડવાશથી સામે બેઠેલી જૂની, મતલબી પ્રેમિકાને પૂછ્યું,

‘એવું ન બોલ, પ્રતીત. તું મુફલીસ નહીં, પણ બહુ મોટો માણસ છે, હું મારા દીકરા ભૂપતની િંજદગીની ભીખ માગવા માટે આવી છું. બિભાસ તો મરી ગયો. જતાં જતાં મને પૈસો અને એક પુત્ર આપતો ગયો. આજે પુત્ર પણ જવા બેઠો છે.’ પ્રાચી રડી પડી.

‘પણ મારે કાયદો જોવો પડે. મારા હાથ બંધાયેલા છે.’

‘કાયદો નહીં, પ્રતીત, તારે કારણ જોવું પડે. શા માટે મારા ભૂપતે બેય જણાંને મારી નાખ્યા? એની જગ્યાએ તું હોય તો શું કરે?’ પ્રાચીના અવાજમાં તીખાશ ભળી.

જસ્ટિસ મંકોડીએ ત્રીસ-ત્રીસ વર્ષથી દબાવી રાખેલું રહસ્ય જવાબમાં ધરી દીધું, ‘હું શું કરું, પ્રાચી? હું એ જ કરું જે આજથી ત્રીસ વર્ષ પહેલાં ‘રોનક’ થિયેટરના બીજા શોમાં ‘કભી કભી’ ફિલ્મમાં મારી આગળ બેઠેલા બિભાસને તારો દેહ મસળતા જોયા પછી કર્યું હતું! હું ઉભો થઇને ચાલ્યો ગયો હતો!’

(શીર્ષક પંકિત: વિજય આશર)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: