હમને બના લિયા હૈ નયા ફિર સે આશિયાં, જાઓ યે બાત ફિર કિસી તુફાન સે કહો

દસ ફીટ પહોળા અને સાત ફીટ ઊંચા આયના સામે ઉભા રહીને તોરણ એના દેહની સજાવટ ઉપર મેકઅપનો હળવો અને અંતિમ હાથ મારી રહી હતી. સાંજના પાંચ વાગ્યા હતા. છ વાગ્યા સુધીમાં નવી ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચી જવાનું હતું.તોરણનાં રૂપનો નિખાર જોઈને એના પતિથી બોલ્યા વગર રહી ન શકાયું, ‘જરા ઓછી તૈયાર થજે. કયાંક એવું ન બને કે પડદા ઉપરની હિરોઇન કરતાં મારી હિરોઇન ચડી જાય!’

‘તો શું છે? ઓડિયન્સ ફિલ્મ જોવાને બદલે મારી સામે જોયા કરશે, એટલું જ ને? તમને જલન થાય છે કે શું?’ તોરણના શબ્દોમાં રૂપગર્વિતાને શોભે એવી અલ્લડતા સમાયેલી હતી.

‘એ…ય, મે’મસા’બ! વૈસે તો હમ ભી કિસીસે કમ નહીં હૈ, સમઝી આપ?’ છંછેડાયેલો ત્યાગ ફિલ્મી હીરોની અદાથી પત્નીની પાસે આવ્યો. ડાર્ક બ્લ્યૂ રંગના શર્ટ અને આછા ભૂરા પેન્ટમાં એ પણ અદ્ભુત સોહામણો દેખાઈ રહ્યો હતો. પાસે આવીને એ તોરણની સાવ અડોઅડ ઉભો રહ્યો:

‘હવે બોલ. તારાથી બે આંગળી ચડું એવો લાગું છું કે નહીં?’

‘વ્હોટ એ જોક?! આપણને બંનેને સાથે જૉઈને લોકો તો એમ જ સમજશે કે મિસ ઇન્ડિયા એના ડ્રાઇવરની સાથે ફિલ્મ જૉવા આવી છે. તોરણનાં વાકયોમાં હેન્ડસમ પતિ પ્રત્યેનો ઉપહાસ પણ હતો અને ભાગ્યે જ પકડી શકાય એવો શૃંગાર પણ હતો.

‘એમ? તારા રૂપનું આવડું મોટું અભિમાન? વરને બદલે મને ડ્રાઇવર કહે છે? તારા આ ‘ડ્રાઇવર’ની પાછળ તો હજી આખા શહેરની સૌંદર્ય-સામ્રાજ્ઞીઓ મરી ફીટવા તૈયાર છે, એની તને ખબર છે?’

‘બકવાસ!’ તોરણે ગુલાબની પાંખડી જેવા હોઠો ઉપર ધેરા મરૂન રંગની લિપસ્ટિક ફેરવતાં જવાબ આપ્યો.

‘જૉવું છે?’ ત્યાગ છંછેડાયો.

‘બાકાયદા.’ તોરણે હોઠ મરડયા.

‘પછી પસ્તાઇશ. રડવાનો વારો આવશે. કહી રાખું છું.’

‘તું મારી ચિંતા છોડી દે. મારા કરતાં વધારે રૂપાળી, વધુ જુવાન અને વધારે સ્માર્ટ છોકરીને પ્રેમમાં પાડી બતાવ. પછી મારવી હોય એટલી બડાશે મારજે મારી આગળ. ચાલ, હવે ગાડી ઝાંપાની બહાર કાઢ. હું ઘરને ‘લોક’ મારું છું. સમય થવા આવ્યો છે.’ કિલયોપેટ્રાને પણ ‘કિલ’ કરી નાખે એવું ઘાતક સૌંદર્ય ધરાવતી તોરણ પરફ્યુમનો ફુવારો પોતાના દેહ ઉપર છાંટતાં બોલી અને ત્યાગ દયામણા ચહેરે ઘરની બહાર નીકળ્યો.

‘સમય તો અવશ્ય થવા આવ્યો છે!’ ગાડીનું બારણું ખોલતાં એ બબડયો: ‘આને બતાવી આપવું પડશે કે બંદાની જુવાની હજી આથમી ગઈ નથી. આ તો ઠીક છે કે હજુ સુધી કોઈ તીતલીને કોઠું આપ્યું નથી, બાકી જૉ ધારું, તો…’ અને એના દિમાગમાં કંઇક નામો ભરી રહ્યાં. એ શકુનીની શૈલીમાં હસ્યો. લાગતું હતું કે મહોબ્બતનું મહાભારત મંડાઈ ચૂકયું હતું.

બીજા દિવસથી ત્યાગે એના પ્રયાસો આદરી દીધા. નવા, ફેશનેબલ, રેડીમેઇડ વસ્ત્રોથી વોર્ડરોબ છલકાવી દીધો.

‘આ શું છે, ત્યાગ? તમારી પાસે આટલાં બધાં કપડાં તો છે જ. તો પછી બીજાં નવાં ખરીદવાનો મતલબ…?’ તોરણ આગલા દિવસનો સંવાદ ભૂલી ચૂકી હતી.

‘એ તને નહીં સમજાય.’ ત્યાગ મૂછમાં હસ્યો: ‘આ બધું મૂડીરોકાણ છે.’

બીજે દિવસે એક ડઝન મોંઘાં જૂતાં, વિદેશી પર્ફમ્યુમ્સ, મોંઘીદાટ ભેટો. તોરણ આશ્ચર્યમાં સરી પડી: ‘ત્યાગ, આ જૂતાં અને પર્ફમ્યુસનું તો સમજયા, પણ આ બધી ગિફ્ટસ કોના માટે? આ તો બધી સ્ત્રીઓનાં કામની ચીજૉ છે!’

‘મેં કહ્યું ને? ઓલ ધીઝ થીંગ્ઝ આર નથિંગ બટ ઇન્વેસ્ટમેન્ટ. આજની સ્ત્રીઓને જોઈએ છે શું? એક હેન્ડસમ પુરુષ, વત્તા માલદાર પ્રેમી વત્તા મોંઘી ભેટો વત્તા ફિલ્મોની મઝા અને રેસ્ટોરન્ટનું ભોજન.’

‘આઈ સી…! તો ભાઈ સાહેબે ચેલેન્જ સ્વીકારી લીધી છે, એમ જ ને?’

‘બીજો રસ્તો જ કયાં હતો? સ્વમાનનો સવાલ હતો.’

‘સારું! તારી પ્રેમિકા મને બતાવજે ખરો. જોઉં તો ખરી કે કેવી છે!’

ત્યાં જ ફોનની ઘંટડી રણકી ઉઠી. સમડીની જેમ તરાપ મારીને ત્યાગે રિસીવર ઉઠાવી લીધું.

‘કોણ?’

જવાબમાં સામેથી કોનો અવાજ સંભળાયો એની માત્ર એને જ ખબર. પણ એ અવાજ સાંભળીને ત્યાગ માથાના વાળથી માંડીને પગના અંગૂઠા સુધી શબ્દશ: પુરુષ બની ગયો. પ્રસન્નતા જો પુરુષનો આકાર ધરીને આવે તો ત્યાગના સ્વરૂપે આવે. વાત કરતાં કરતાં એને અચાનક યાદ આવી ગયું કે પ્રેમિકાનો પરિચય પત્નીની સાથે પણ કરાવવાનો હતો. એણે તોરણ સામે જોઈને ઈશારો કર્યો: ‘અંદર બેડરૂમમાં જઈને પેરેલલ લાઇન ઉપર વાત સાંભળ. સળગી જઇશ…’

તોરણ મોં મચકોડીને ટટ્ટાર ડોક સાથે બેડરૂમ તરફ ચાલતી થઈ. તદ્દન હળવાશથી એણે રિસીવર ઉઠાવીને કાને ધર્યું ત્યાં સુધીમાં જગતના શ્રેષ્ઠ પ્રેમીઓ ભાવસમાધીમાં લીન બની ચૂકયાં હતાં.

‘ત્યાગ, ડિયર! આજે સાંજે મને કયાં લઈ જઈશ?’ પ્રેમિકાનાં ગળામાંથી જાણે મધપૂડો નીચોવાઈ રહ્યો હતો!

‘ગાંડી, સાંજ તો પડવા દે. છથી નવમાં તને એક હાસ્યના કાર્યક્રમમાં લઈ જઈશ. ત્યાંથી પછી આપણે હાઇ-વે પરની એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે જઇશું. પછી ‘હોટલ ઇરોટીકા’માં જઇશું. અઢી હજારના ભાડાનો રૂમ મેં ‘બુક’ કરાવી રાખ્યો છે. મોડી રાત સુધી ત્યાં આપણે… રિલેકસ થઈશું… તું ગાંડી થઈ જઈશ…’

‘ઓહ ડિયર! હું તો અત્યારથી જ પાગલ થઈ ગઈ છું. સાંજ કયારે પડશે? કમબખ્ત સમય પણ કેટલો બધો ધીમો છે?’

‘સમય ધીમો નથી, ડાર્લિંગ! આપણે ફાસ્ટ છીએ…!’ ત્યાગ હસ્યો: ‘ઓ.કે. ધેન. ફોન ઉપર લાંબી વાત નથી કરવી. કયાંક મારી પનોતી સાંભળી જશે, તો આવી બનશે. સાંજે સાડા પાંચ વાગે તૈયાર રહેજે. આઇ વિલ પિક યુ અપ.’

તોરણ ભડભડ કરતી સળગી ઉઠી. પછી આઘાતના પ્રચંડ મારને કારણે જડવત્ બની ગઈ. જેને પરમેશ્વર કરતાં પણ વધારે ભકિતભાવથી ચાહ્યો, એ પતિ સાવ આવો નીકળ્યો?! એક નાનકડી મજાકના બદલામાં આવું ભયાનક પરાક્રમ કરી બતાવ્યું? પશ્ચાત્તાપ અને પીડાના મિશ્ર પ્રત્યાઘાત સ્વરૂપે તોરણની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા.

‘બસ? આટલામાં જ હાર માની લીધી? મારી પ્રેમિકાનો માત્ર અવાજ સાંભળ્યો, એટલામાં જ રડવા બેઠી? હજુ તો એની સાથે રૂબરૂ મુલાકાત કરાવવાનો છું. ત્યારે શું કરીશ?’ આંસુનાં આવરણની આરપાર ભેલો ત્યાગ ટોણો મારી રહ્યો હતો.

તોરણ દોડીને એને વળગી પડી: ‘આપઘાત. તમારી એ ચૂડેલને જોઇશ, તો પછી…. કાં ખૂન, કાં આપઘાત. મને માફ કરો, ત્યાગ. મારી ભૂલ થઈ ગઈ.’

‘એમ છે ત્યારે. હવે પછી કયારેય મને પડકારતી નહીં. તારો આ પતિ ધારે તો પંચોતેરમા વર્ષે પણ પ્રેમિકા મેળવી શકે એવો છે. ખાતરી થઈ ગઈ છે ને?’ ત્યાગના સવાલનો જવાબ તોરણે એની છાતીમાં માથું છુપાવીને આપ્યો. ત્યાગે એને માફ કરી દીધી, ‘ચાલ હવે, છાની રહી જા. એની સાથે આજથી બોલવાનું બંધ. એને બદલે સાંજના તમામ કાર્યક્રમો તારી સાથે…’

એ સાંજે છ વાગ્યે પતિ-પત્ની શહેરના પ્રખ્યાત નાટયગૃહમાં બેસીને ‘લાઇનબંધ લફરા’ નામનું કોમેડી નાટક જોઈ રહ્યાં હતાં. નાટકના હીરો તનસુખના પ્રત્યેક સંવાદ ઉપર ઓડિયન્સ છળી રહ્યું હતું. તોરણ પણ તાળીઓ પાડી રહી હતી.

ઇન્ટરવલ પડયો. ત્યાગ તોરણનો હાથ ઝાલીને બેકસ્ટેજ તરફ દોરી ગયો, ‘આવ, તને તનસુખની ઓળખાણ કરાવું. મારો મિત્ર છે. એણે જ તો કોમ્પ્લીમેન્ટરી પાસ આપ્યા છે.’ તનસુખે બે હાથ જોડીને ‘નમસ્તે’ કર્યું. તોરણે પ્રશંસા કરી, ‘તમારી કોમેડી અદ્ભુત છે, તનસુખભાઈ!’

‘આ તો કંઈ નથી, ભાભી. હું એકટર કરતાં વધુ સારો તો મિમિક્રી આટિર્સ્ટ છું. જાત-જાતના અવાજો કાઢું છું. સિંહણનો અવાજ કાઢું, તો સિંહ પણ દોડતો આવે.’

‘એમ? હું ન માનું. પુરુષ થઈને નરનો અવાજ તો કાઢી શકો, પણ માદાનો….? આઈ કાન્ટ બિલિવ.’

‘એમાં શું છે? સાબિતી આપું.’ કહીને તનસુખે અવાજ બદલ્યો. તીણા, મધુરા સ્ત્રી-સ્વરમાં શરૂ કર્યું, ‘ત્યાગ ડિયર! મને સાંજે પિકઅપ કરવા કેમ ન આવ્યો? આજે રાતે હોટલમાં તો મને લઈ જઇશને…?’ ફોન ઉપર સાંભળેલો ‘જાણીતો’ અવાજ સાંભળીને તોરણ ચમકી ઉઠી. એની હાલત ઉપર તનસુખ અને ત્યાગ ખડખડાટ હસી રહ્યા હતા.

(સાવ સાચી ઘટના) (શીર્ષક પંકિત : કતીલ શિફાઈ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: