હા, અશ્રુ જોઉં તો હું કહું- સાચો પ્રેમ છે, આ તો અમસ્તા પ્રેમના ચાળા છે આંખમાં

સિમ્ફની શાહ. અઢાર વર્ષની અપ્સરા. ઘરની સ્થિતિ સાધારણ પણ શરીરની સ્થિતિ સમૃદ્ધ. સજી-ધજીને જયારે કોલેજના ઝાંપામાં પગ મૂકતી, ત્યારે ખબર નહોતી પડતી કે રસ્તા ઉપર ચાલે છે કે જુવાન કોલેજિયનોના હૈયાં પર!સવારના અગિયાર વાગીને ઉપર પાંચ મિનિટ થવા આવી હતી. આજે જરાક મોડું થઇ ગયું હતું, એટલે સિમ્ફની ઉતાવળા પગલે ચાલી રહી હતી. કોલેજનું મેદાન લગભગ ખાલીખમ બની ગયું હતું. જેમને ખરેખર ભણવું જ હતું એ તમામ વિધાર્થીઓ કલાસરૂમમાં ચાલ્યા ગયા હતા. જેમને ઇતર પ્રવૃત્તિમાં રસ હતો એવા તોફાની મજનૂઓ ઇધર-ઉધર મોકાની વાટ જોતાં બેઠા હતા.

ત્યાં જ સિમ્ફનીના પૃષ્ઠ ભાગે એક ચોક્કસ ઠેકાણે કોઇએ નિશાન લઇને તાકેલો પથ્થર અફળાયો. પથ્થર નાનો હતો પણ એની પાછળ રહેલી છેડતી મોટી હતી. સિમ્ફની બહુ તેજ દિમાગ છોકરી હતી. એણે ગરદન ઘુમાવીને પાછળ જૉયું તો પથ્થરનું સરનામું મળી ગયું. લીમડાના વૃક્ષ નીચે પાર્ક થયેલી બી.એમ.ડબલ્યુ કારમાં શહેરના સૌથી વધારે ધનવાન એવા બાપનો બગડેલો બેટો સલ્લુ બેઠો હતો.

‘કેમ? પારકી છોકરીની છેડછાડ કરતાં શરમ નથી આવતી?’ ગુસ્સાથી તમતમતો, લાલઘૂમ ચહેરો લઇને સિમ્ફની ગાડી પાસે ધસી ગઇ.

સલ્લુ નફફટ રીતે હસ્યો, ‘છેડતી શબ્દ બહુ જૂનો થઇ ગયો, બેબી! આને તો ‘પ્રપોઝલ’ કહેવાય! પ્રેમ થઇ ગયો છે એ વાતની અભિવ્યકિત!’

‘હું તારા પપ્પા પાસે તારી ફરિયાદ કરીશ! તને તારા બાપે આવા સંસ્કાર આપ્યા છે?’

‘ઓહ્, વન્ડરફૂલ આઇડિયા! તારે મારા ડેડી સાથે વાત કરવી છે ને? લે, મારા સેલફોન ઉપર હું જ એમની સાથે વાત કરાવી આપું.’ કહીને સલ્લુએ પાંસઠ હજાર રૂપિયાનો સેલફોન હાથમાં લીધો અને એક નંબર લગાડયો.

‘હલ્લો, પપ્પા! લો, સિમ્ફની સાથે વાત કરો. સિમ્ફની..! યુ સી! ધી બ્યૂટી કવીન ઓફ અવર કોલેજ. એ મારી વિરુદ્ધમાં તમારી આગળ ફરિયાદ કરવા માંગે છે. સમજાવો એને, પપ્પા! આઇ લાઇક હર, યુ નો?’

સિમ્ફની ડઘાઇ ગઇ. સલ્લુએ તો સાચે જ ઇન્સ્ટ્રુમેન્ટ એના હાથમાં પકડાવી દીધું. એણે જૉયું તો ઇન્સ્ટ્રુમેન્ટના સ્ક્રીન ઉપર શહેરના જાણીતા ઉધોગપતિ કાંતિલાલ કડકિયાનો ચહેરો દેખાઇ રહ્યો હતો. સિમ્ફનીએ મન મક્કમ કરીને વાત શરૂ કરી, ‘હલ્લો, અંકલ! સોરી ટુ બોધર યુ… પણ તમારા સલ્લુએ…’

‘બોલ, બેટી, બોલ! શું કર્યું મારા પ્રિન્સ ઓફ વેલ્સે?’

‘એણે મને… પાછળથી… મારા… પાછળના ભાગે… પથરો માર્યો!’

‘બસ? એટલું જ? નાદાન છે મારો સલ્લુડો! અને તું પણ નાદાન છે, છોકરી! હું જયારે કોલેજમાં ભણતો હતો ત્યારે મેં શું કરેલું એ તને ખબર છે? અમારી કોલેજની સૌથી દેખાવડી છોકરી સુલભા હતી. એક દિવસ એ જયારે કોલેજમાં દાખલ થતી હતી, ત્યારે મેં મોંઢામાંથી બોરનો ઠળિયો કાઢીને એની ઉપર ફેંકયો હતો. ઠળિયો પણ મારા જેવો જ નફફટ નીકળ્યો. સીધો ઉડીને પડયો સુલભાની છાતી ઉપર! તું તો નસીબદાર છે કે તને પાછળના ભાગે…’

સિમ્ફની શરમાઇ ગઇ, ‘પછી શું થયું હતું, અંકલ? સુલભાએ તમને સેન્ડલ મારેલું? કે પછી પ્રિન્સિપાલ પાસે જઇને…’

‘ના, તું ધારે છે એમાંનું કશું જ નહીં. સુલભા આજે મારી પત્ની છે અને સલ્લુની મા! તને પણ હું એ જ વાત કહીશ જે એ વખતે સુલભાને સમજાવી હતી. છોકરી, કોઇ જુવાન છોકરો જયારે રૂપાળી છોકરીને જૉઇને કાંકરીચાળો કરે છે, ત્યારે વાસ્તવમાં એ લાગણીચાળો હોય છે. મારા દીકરાએ તારી ઉપર ફેંકેલા પથ્થરને ભૂલી જા, એના હૃદયમાં છુપાયેલા પ્રેમને જો! હું તો એ વખતે ગરીબ હતો, મારો સલ્લુ અબજોપતિનો કુળદીપક છે. તારે પસ્તાવાનો વારો નહીં આવે!’

શેઠ કાંતિલાલ કડકિડયાએ આશીર્વચન જેવી સલાહ આપીને ફોન પૂરો કર્યો. સિમ્ફનીનો અડધો ગુસ્સો બાપે ઓગાળી નાખ્યો, બાકીનો અડધો એમનો સુપુત્ર જેમાં બેઠો એ ગાડીએ ઓગાળી નાખ્યો. સિમ્ફની એ બેહદ કીમતી કારને ઘ્યાનથી જોઇ રહી. એમાં બેઠેલો સલ્લુ, એના મોંઘાં વસ્ત્રો, જમણા હાથના કાંડા પરની ગોલ્ડન લકી, ડાબા હાથે પહેરેલી બ્રાન્ડેડ રિસ્ટ-વોચ.

‘વેલ! યોર ડેડ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ! એન્ડ સો યુ આર…’ એ મારકણું સ્મિત ફરકાવીને બોલી ગઇ. સલ્લુએ ડાબી તરફની ગાડીનું બારણું ઉઘાડયું. સિમ્ફની એને ચીપકીને બેસી ગઇ.

પછી તો જોડી જામી ગઇ. સલ્લુએ સિમ્ફની માટે એક રૂપકડો સેલફોન અપાવી દીધો. ચાલુ કલાસે પ્રેમભર્યા એસ.એમ.એસ. નો મારો ચાલુ કરી દીધો. મોટા ભાગે તો આવા સંદેશાઓમાં રોમાન્સ ઓછો અને વલ્ગારિટી વધારે જોવા મળતી. એક વાર સિમ્ફની નિર્લજજતાના ઓવરડોઝથી કંટાળી ગઇ. પૂછી બેઠી, ‘તને શરમ નથી આવતી? ભલે હું તારી ગર્લફ્રેન્ડ હોઉં, પણ આવા મેસેજીસ મોકલવાની તારી હિંમત કેવી રીતે ચાલે છે?’

‘આ તો કંઇ નથી. મારા ડેડી પણ મારી મમ્મીને… આઇ મીન, એમની ગર્લફ્રેન્ડને આવા જ..!’ પછી નફફટપણે હસીને સલ્લુએ ઉમેર્યું, ‘બસ, એક નાનકડો તફાવત હતો, મારા પપ્પા એમની ગર્લફ્રેન્ડને પત્રો લખતા હતા, જયારે હું તને એસ.એમ.એસ. કરું છું. જમાના પ્રમાણે આટલો ફરક તો પડે ને?’

સિમ્ફનીએ માથું હલાવીને જમાનાનો ફરક સ્વીકારી લીધો. એના મગજમાં સલ્લુએ આપેલી મોંઘીદાટ ભેટો અને સારી સારી રેસ્ટોરાંના ભોજનો રમતાં હતાં. આટલા બધા મોજશોખના બદલામાં આટલો અમથો શૃંગાર નિભાવી લેવો પડે, ભાઇ!

‘ચાલ, પિકચર જૉવા જઇએ. બપોરના ત્રણથી છના શોની બે ટિકિટો આવી ગઇ છે.’ એક વાર બપોરની રિસેસમાં સલ્લુએ દરખાસ્ત મૂકી. ના પાડવાનો તો સવાલ જ ન હતો. સિમ્ફની ગાડીમાં બેસી ગઇ.

સલ્લુ એને ‘જિસ્મ’ જૉવા લઇ ગયો. થોડા દિવસો પછી સલ્લુ એને ‘મર્ડર’માં ખેંચી ગયો. ઉત્તેજક ફિલ્મો, કામપ્રચૂર દૃશ્યો અને અશ્લીલ ગીતો જૉઇને સિમ્ફની શરમાતી રહી, સલ્લુ થિયેટરના અંધકારનો ગેરલાભ લઇને એની સાથે શારીરિક અડપલાં કરતો રહ્યો અને સિમ્ફનીનાં અંગો શેમ્પેનના ફીણની જેમ છલકાતાં રહ્યાં.

‘તું સાવ બેશરમ છે! તારા પપ્પા પણ તારી મમ્મીને આમ જ ફિલ્મો જોવા માટે લઇ જતા હતા?’ સિમ્ફનીએ એનું ખુશ્બુદાર માથું સલ્લુની છાતીમાં સંતાડતાં પૂછ્યું.

‘અલબત્ત, હા! મને મમ્મીએ જ કહ્યું હતું. જો કશો ફરક હોય તો માત્ર એટલો જ કે એ વખતે નૂતન અને મીનાકુમારી જેવી અભિનેત્રીઓ હતી અને સુજાતા, બંદિની કે મધુમતી જેવી સ્વરછ ફિલ્મો હતી, જયારે આજે આવી ફિલ્મો છે. જમાના પ્રમાણે આટલો ફેરફાર તો થાય જ ને?’

સિમ્ફનીને જલસા જ જલસા હતા. સલ્લુ એની પાછળ ધૂમ ખર્ચાઓ કરતો હતો. એક વાર તો ખુદ સિમ્ફની ચોંકી ગઇ, જયારે એના બર્થ-ડે ઉપર સલ્લુએ ચાલીસ હજાર રૂપિયાનો નેકલેસ એની રેશમી ડોકમાં પહેરાવી દીધો.

‘અરે, આ તો ખૂબ જ કીમતી છે!’

‘તારી સુરાહી જેવી ડોક જેટલો નહીં.’

‘આઇ સી! તારા પપ્પા પણ તારી મમ્મીને આવી જ મોંઘી ભેટો આપતાં હશે ને?’

‘ના, પપ્પા તો એ વખતે સાવ ગરીબ હતા. કાંતિલાલ કડકિયા તદ્દન કડકા! એ બંને તો રેસ્ટોરન્ટમાં જયારે ચા પીવા જતાં હતાં, ત્યારે પણ સોલ્જરી કરતાં હતાં! સોલ્જરી એટલે તો સમજે છે ને તું? જે ખર્ચ થાય એ સરખા ભાગે ભોગવી લેવાનો! પછી પપ્પા લખપતિ થયા, પછી કરોડપતિ અને અબજોપતિ તો છેક હમણાં બે-ચાર વર્ષ પહેલાં જ બન્યા. એટલે તો હું તારી પાછળ પાણીની જેમ પૈસા વાપરી શકું છું. પપ્પાનો જમાનો અને મારો જમાનો-એ બંનેની વરચે આટલો ફરક તો હોય ને?’

હોય! આટલો ફરક તો હોય જ! અને સિમ્ફનીને આવો ફરક સ્વીકારી લેવામાં વાંધો પણ ન હતો. પૂરાં બે વર્ષ એણે સલ્લુ ઉર્ફે શૈલ કડકિયાની સંપત્તિનો સો ટકા લાભ ઉઠાવ્યો, માણ્યો અને મજા કરી. પછી અચાનક એક દિવસ એણે સલ્લુને જડમૂળમાંથી હલાવી મૂકે એવો આંચકો આપ્યો. એક સુંદર સવારે એ સલ્લુના ઘરે જઇને પોતાનાં લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આપી આવી. ઘરમાં સલ્લુની સાથે એના પપ્પા કાંતિલાલ અને મમ્મી સુલભાબહેન પણ હાજર હતાં.

‘આ શું કહેવાય, સિમ્ફની? તું અને લગ્ન? અને એ પણ બીજાની સાથે?’ સલ્લુ જયાં બેઠો હતો, ત્યાંથી પડવા જેવો થઇ ગયો.

‘હા, સંવેદન અમેરિકાથી આવ્યો છે. રિચી-રિચ છે. હું ના ન પાડી શકી.’

‘પણ તું તો મારી સાથે? આઇ મીન, આપણે લગ્ન..?’

‘હા, અત્યાર સુધી તો હું પણ એમ જ ઇરછતી હતી, પણ યુ સી, તારી પાસે અબજો રૂપિયા છે, જયારે સંવેદન પાસે એટલાં ડોલર્સ છે. તારાં મમ્મીએ પ્રેમની વફાદારી નિભાવી જાણી, પણ એ તો ત્રીસ વર્ષ પહેલાંની લવસ્ટોરી હતી. આજે એકવીસમી સદી ચાલે છે. જમાના પ્રમાણે આટલો ફરક તો થાય જ ને?’ સિમ્ફનીએ કંઇક એવી અદાથી પૂછ્યું કે સામે બેઠેલાં ત્રણેય જણાંએ માથાં હલાવીને હા પાડવી પડી.

(શીર્ષક પંકિત- ‘બેફામ’)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: