બદલાતાં રોજ કેટલાં સરનામાં હોય છે, મળવાનું આમ પૂછો તો રસ્તામાં હોય છે

‘પણ દાગતરને હમજ નહીં પડી જાય કે મું ખોટું બોલું છઉં?’ ખખડધજ બસની બારી પાસેની સીટ ઉપર બેઠેલી એક આદિવાસી સ્રીએ પ્રશ્ન કર્યો. એના સવાલનું સરનામું બસની બહાર નીચે ઉભેલો એક માથાભારે પુરુષ હતો. બંનેની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિઓ વરચે બહુ મોટું અંતર હતું એ દેખાઇ આવતું હતું.‘એમ શેની ખબર પડે? ડોકટર કંઇ ભગવાન છે તે એને સાચી વાતની ખબર પડી જાય?’ પુરુષે જવાબ આપ્યો. પછી કશુંક વિચારીને એ સૂચના આપવા માંડયો, ‘બધું શિખવાડયું છે તે બરાબર યાદ છે ને? જૉ, આ તારી પડખે બેઠો છે એ રૂપલો તારો ઘરવાળો છે, સમજી? ડોકટર તારું નામ પૂછે તો ‘કાળી’ છે એમ નહીં બોલી દેવાનું. કેસમાં નામ લખાવવાનું: કેસર રૂપસિંહ ઠાકોર. ધંધો ખેતીનો. પાંચમો મહિનો ચાલે છે, પણ ચાર છોકરાં છે એટલે આ હમેલ નથી રાખવો. પડાવી નાખવા આવી છું કહેવાનું. એટલે ડોકટર પાડી આપશે.’

‘દાગતર બીજું કૈં નંઇ પૂસે?’

‘ના, સરકારે કાયદો કર્યોછે: ગર્ભપાત કાયદેસર છે, ખાનગી છે અને સલામત છે.’ પુરુષ ભારાડી નીકળ્યો. કાયદાનો જાણકાર હતો.

‘પણ મું તો વિધવા છઉં!’ કહીને કાળીએ માથે ઓઢેલા સાડલાનો છેડો કપાળ ઉપર ખેંરયો. અડધું કપાળ ઢંકાઇ ગયું, પણ બાકીનું અડધું ખુલ્લું હતું, જે એના વિધવા હોવાની ચાડી ફૂંકી મારતું હતું. ‘તું વિધવા છો એ ખબર ન પડે એટલે તો મેં તને કીધેલું કે કપાળમાં ચાંલ્લો કરીને નીકળજે. આમ પેલો પશવો બ્રાહ્મણ મરી ગયો એના ખેતર જેવું કપાળ લઇને શું કામ નીકળી પડી છો? એના કરતાં તો ડોકમાં પાટિયું લટકાવવું’તું ને કે ‘હું વિધવા છું અને મારો પગ ભારે થઇ ગયો છે!’

બાઇ ડરી ગઇ. ચૂપ થઇ ગઇ, પણ બાજુમાં બેઠેલો રૂપસિંહ એની મદદે આવ્યો, ‘શેઠ, તમે ચિંતા ન કરો. ઘરેથી ચાંલ્લો કરીને નીકળે ને ગામવાળું કોઇ જૉઇ જાય તો વહેમ પડે. પણ દવાખાને પહોંચતા સુધીમાં કાળીનાં કપાળમાં ચાંલ્લો આવી જશે. હું સાથે લઇને નીકળ્યો છું.’ આટલી વાત થઇ ત્યાં કન્ડકટરે ઘંટડી મારી. બસ ઉપડવાનો સમય થઇ ગયો. ગામડાગામનાં પાટિયે બસ કેટલી વાર માટે ભી રહે? આ તો ઠીક છે કે લોકલ બસ હતી એટલે, બાકી એકસપ્રેસ બસને તો એવી પરવા પણ ન હોય.

બસ ગતિ પકડે એટલી વારમાં નીચે ઉભેલા આદમીએ કાળીને સંભળાય એટલા મોટા અવાજે સૂચના ફેંકી, ‘કેસમાં આવકના ખાનામાં બસો રૂપિયા લખાવજે…નહીંતર ડોકટર બે હજારનું બિલ બનાવશે! અને જૉ, આમાં કયાંય ભૂલથી પણ મારું નામ ન આવવું જૉઇએ, સમજી? આખા પંથકમાં આ અભેસિંહની આબરૂના કાંકરા થઇ જશે.’

અને અભેસિંહના આ શબ્દો ઉપર ધૂળની ડમરી અને ધુમાડાના ગોટા ઉડાડતી બસ દોડી ગઇ. કાળી હવે રૂપસિંહ તરફ ફરી, ‘એલા રૂપલા! મને તો બીક લાગે હે. દાગતરને ખબર તો નૈં પડી જાય ને કે…?’

‘તુંયે શું નાખી દેવા જેવી વાત કરે છે? જાણે દાગતર અત્યારે આ બસમાં આપણી હારે નોં બેઠો હોય ને આપણી વાતું નો હાંભળતો હોય!’

અને હું બરાબર એમની સામે જ બેઠેલો હતો! સવારના પાંચ વાગ્યે અમદાવાદથી ઉપડેલી બસમાં એમનાથી માંડ એકાદ ફૂટ છેટે એમને જૉઇ સાંભળી શકું એટલા અંતરે હું, એક ડોકટર, એ પણ પાછો ગાયનેકોલોજિસ્ટ એમની સામે બેઠો પણ હતો અને એમનો બોલાયેલો શબ્દે-શબ્દ સાંભળતો પણ હતો.

૧૯૮૩ની શિયાળુ સવાર હતી. હું મારી એક દિવસની અઠવાડિક રજા ભોગવીને પાછો નોકરીના સ્થળે જવા માટે નીકળ્યો હતો. ત્યારે મારી પાસે કયાં ગાડી હતી? એસ.ટી. બસ ઝિંદાબાદ! જયાં પહોંચવાનું હતું એ સ્થળ પણ મોટી સાઇઝનું ગામડું ગણી શકાય. આઠ વાગે તો મારે ઓ.પી.ડી. શરૂ કરી દેવાની હતી એટલે પાંચ વાગે જ હાથમાં આવી તે બસમાં હું ચડી બેઠો. પણ થોડી વારમાં જ મને સમજાઇ ગયું કે એ ‘લોકલ બસ’ હતી.

સરકારી બસ અને એ પણ પચીસ વર્ષ પહેલાંની. ગામડાંનો રસ્તો અને એ પણ પચીસ વર્ષ પહેલાંનો. બસ એવી તો છળે કે આંતરડા બહાર નીકળી જાય! એમાં પાછા બારીને કાચ નહીં અને પડદા પણ નહીં. ઉપરથી વળી શિયાળુ પવન ફૂંકાય. હું માથે-મોંઢે મફલર વીંટીને ઠંડીથી રક્ષણ કરતો બેઠો હતો. પેસેન્જરોની સંખ્યા નહીંવત્ હતી. છેક મારી મંઝિલથી માંડ ત્રીસેક કિલોમીટર છેટે પહોંરયા હોઇશું, ત્યારે એક નાનકડંુ ગામડું આવ્યું. ત્યાંથી બે મુસાફરો એ જ આ કાળી અને રૂપલો.

અભેસિંહ દેખાતો બંધ થયો એટલે એ બંનેમાં હિંમત આવી. શરૂઆત રૂપલાએ કરી, ‘તું અભેસિંહમાં કયાંથી ફસાણી? એના દેખાવ ઉપર મોહી પડી?’

‘ના, પંડયના સોકરાવની ભૂખ નોં જોવાણી. એના ખેતરમાં મજૂરી માગવા ગઇ’તી. અભેસંગે મને મશીનની ઓરડીમાં ખેંચી લીધી.’

‘આ મહિના રહી ગયા… તે બદલામાં અભેસિંહે કંઇ પૈસા આપવાની હા પાડી કે નહીં?’ ‘હેના પૈહા?’ રામ-રામ કરો! ખાલી પાંચ કિલો મકાઇ આપવાની હા પાડી હે!’ કાળીની ફિક્કી આંખોમાંથી ફરિયાદ સરી પડી. રૂપલો લાચાર બનીને સાંભળી રહ્યો. કદાચ એ પણ અભેસિંહના ઉપકાર હેઠળ દબાયેલો હશે. મેં મફલર ખેંચીને તંગ કર્યું. કાળીની દર્દભરી દાસ્તાન સાંભળીને હું મનોમન વલોવાઇ રહ્યો હતો. ગામડે-ગામડે આ જ નાટક ભજવાતું હશે ને? લાચાર, ગરીબ, અનાથ સ્રીનું પૈસાદાર, સુખી અને સમર્થ પુરુષ દ્વારા શારીરિક શોષણ. આ મજબૂર આદિવાસી સ્રી કારણ વગર લંપટના હાથે ચૂંથાઇ ગઇ. હવે એ સમાજથી પેલાનું પાપ અને પોતાની શરમ છુપાવવા માટે ગર્ભપાતનું આવડું મોટું જોખમ ઉઠાવવા જઇ રહી હતી. બદલામાં એને શું મળતું હતું? પાંચ કિલો મકાઇ અને કદાચ બે દિવસનો આરામ. પેલો જાલીમ ફરીથી એને મજૂરી ઉપર બોલાવી લેવાનો હતો અને ફરીથી એને…! આવું તો જિંદગીભર ચાલતું રહેવાનું હતું.

સાત વાગે મારી મંઝિલ આવી ગઇ. હું ઝડપથી ઉતરી ગયો. બસ સ્ટેન્ડની બહાર મને લેવા માટે હોસ્પિટલની જીપ ઉભી હતી. કવાર્ટર પર પહોંચીને હું અડધા કલાકમાં તૈયાર થઇ ગયો. આઠ વાગતાં સુધીમાં તો હું ઓ.પી.ડી.માં બેઠો હતો. પણ મારા માટે એક ધર્મસંકટ હતું. હું જયાં ગાયનેકોલોજિસ્ટ હતો, એ હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટીઓ બધા ધાર્મિક તેમજ અહિંસક વિચારધારાના માણસો હતા. સરકારી આર્થિક સહાય લીધા વિના જ હોસ્પિટલનું સંચાલન કરતા હતા. એમની કડક સૂચના હતી કે ગર્ભપાત કરી આપવો નહીં. ભારત સરકારનો કાયદો અહીં લાગુ પડતો ન હતો. જો હું આ કામ કરી આપું, તો મારે કદાચ નોકરીથી હાથ પણ ધોવા પડે! હું મૂંઝવણમાં તો હતો, પણ ત્યાં જ લાજનો ઘૂમટો તાણીને કાળી પ્રવેશી સાથે રૂપલો હતો. મેં કેસપેપરમાં વિગત ભરવી શરૂ કરી, ‘નામ?’

કાળી એકાદ-બે ક્ષણ પૂરતી ખંચકાણી, પછી બોલી ગઇ, ‘કેસર રૂપસિંહ ઠાકોર.’ મેં એની સામે જોઇને ગંભીર અવાજે કહ્યું, ‘બે’ન, આટલું પાપ ઓછું છે તે આ જુઠ્ઠું બોલવાનું એક વધુ પાપ એમાં મેરી રહી છે? હું જાણું છું કે તારું નામ કાળી છે. એ પણ જાણું છું કે તારો અસલી વર કોણ હતો, આ રૂપલો કોણ છે અને તારા પેટમાં રહેલા બાળકનો પાપી પિતા અભેસિંહ કોણ છે! ચાલ, વધુ કશું બોલીશ નહીં. હોસ્પિટલમાં દાખલ થઇ જા! તારું કામ કરી આપું છું અને પંદર દા’ડા પછી મને મળી જજે… જૉ અહીં આયા તરીકેની નોકરી કરવા તું રાજી હોય તો!’

(શીર્ષક પંકિત: કૈલાશ પંડિત)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: