કાંટાના ડંખ હોય તો વેઠી શકાય પણ, દિલમાં જે વેદના છે એ ફૂલોનું ઝેર છે

image002.jpg

રાત્રિના અગિયાર વાગી ચૂકયા હતા. એ રૂટ ઉપરની છેલ્લી સિટી બસ એની આખરી ખેપ માટે ઉપડી, ત્યારે લગભગ ત્રીસેક જણા એમાં બેઠા હતા. તમામ પુરુષો હતા. પંદર વર્ષથી માંડીને પંચાવન વર્ષ સુધીના પુરુષો. વિધાર્થીઓથી લઇને વ્યાપારીઓ સુધીના પુરુષો. એમાં એક સુંદર યુવતી બસમાં ચડી. માંડ બીજું કે ત્રીજું બસ-સ્ટોપ હશે, જયાં બસ બે-ત્રણ ક્ષણો પૂરતી ઉભી રહી અને આ રૂપ-મઢેલી જુવાનીને ઉંચકીને પાછી દોડવા માંડી. છોકરી જુવાન હતી, હાથમાં અભ્યાસનાં પુસ્તકો હતાં, એવું લાગતું હતું કે કોઇ લાઇબ્રેરીમાંથી વાંચવાનું પૂરું કરીને એ પોતાના ઘરભણી જઇ રહી હતી. આછા ગુલાબી રંગના ટોપ અને બ્લેક કલરના શોર્ટ સ્કર્ટમાં એ આકર્ષક પણ લાગી રહી હતી અને સેકસી પણ.

‘કયાં બેસવું?’ એવું વિચારતી એ થોડીવાર માટે ઉભી રહી. બસ તો અડધી જ ભરેલી હતી, લગભગ અડધી જગ્યાઓ ખાલી હતી, પણ તકલીફ એ હતી કે દરેક સીટ ઉપર એક-એક પુરુષ બેઠેલો હતો. દરેકની બાજુમાં એક-એક બેઠક ખાલી હતી. એણે સલામત પુરુષ ચૂંટી કાઢયો. એક સોહામણા અને સ્માર્ટ યુવાનની બાજુની બેઠક ઉપર જઇને એ બેસી ગઇ. એ સાથે જ આખી બસમાં બેઠેલા બાકીના પુરુષો રખડી પડયા. જેના ભાગ્યમાં દસ કરોડની લોટરી લાગી એ મુકદર કા સિકંદરનું નામ હતું ખુમાર ખિમાણી.

‘થેન્ક યુ વેરી મચ.’ ખુમારે જરાક ખસીને રાજરાણીને આવકારી.

‘આભાર? મારો? શાના માટે?’ યુવતીને આશ્ચર્ય થયું. એક સાવ અજાણ્યો જુવાન આ રીતે એની સાથે વાતચીતની શરૂઆત કરી રહ્યો હતો!

આભાર તો માનવો જ પડે ને! ભલે જિંદગીનો નહીં, તો બસનો, પણ પ્રવાસ તો તમે સુધારી આપ્યો! જોતાં નથી, બાકીના પેસેન્જર્સના ચહેરાઓ કેવા તરેલી કઢી જેવા થઇ ગયા છે તે!’ ખુમાર કંઇક એવી અદાથી બોલતો હતો કે સાંભળનારને નશો ચડી જાય. યુવતીને પણ ચડી ગયો. રૂપાળી યુવતી માટે એનાં રૂપની પ્રશંસા પહેલી ધારના દેશી દારૂ જેવી નશીલી હોય છે.

યુવતીએ એની રૂપાળી ડોકને નમણો વળાંક આપીને ખુમાર સામે જોયું. પછી આંખોમાંથી તોફાન છલકાયું, ‘ધારો કે હું તમારી બાજુમાં બેસવાને બદલે બીજા કોઇ પુરુષની બાજુમાં બેસી ગઇ હોત તો તમને પણ એ પુરુષની ઇર્ષા થઇ હોત?’

‘ઇર્ષા?! અરે, બાબા, આગ લાગી ગઇ હોત મારા દિલમાં, દિમાગમાં અને દેહમાં’ બધું બળીને ખાખ થઇ ગયું હોત. આ સીટ ઉપર રાખની નાનકડી ઢગલી પડી રહી હોત, હું તો ધુમાડો બનીને કયારનોયે બારીની બહાર ઉડી ગયો હોત!’ ખુમારની બિંદાસ શૈલી જોઇને યુવતી ખિલખિલાટ કરતી હસી પડી. એ સાંભળીને બસની બાકીની બેઠકો ઉપરથી ધુમાડો જ ધુમાડો ઉઠવા માંડયો.

‘તમે બહુ દિલચશ્પ માણસ છો, વેરી ઇન્ટરેસ્ટિંગ, યુ નો?’

‘યસ, આઇ નો. તમારી પહેલાં પણ ઘણી બધી યુવતીઓ મને કહી ચૂકી છે.’ ખુમારે શીશ ઝુકાવીને પોતાની પ્રશંસાનો સ્વીકાર કર્યો.

‘એટલે? તમે શું એમ કહેવા માગો છો કે તમારા પરિચયમાં જે છોકરી આવે છે એ તમારા વ્યકિતત્વથી અંજાઇ જાય છે?’ યુવતીએ બનાવટી રોષથી પૂછ્યું.

‘હું નથી કહેતો. એ છોકરીઓ એવું કહે છે. આ તમે પણ હમણાં કહ્યું જ ને? અને એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? ભગવાને મને સારો ચહેરો આપ્યો છે, મા-બાપે સારો બાંધો આપ્યો છે અને મેં મારી જાતને સારું વાક્ચાતુર્ય આપ્યું છે, પછી હું કોઇને ગમી જતો હોઉં તો એની સામે તમને શો વાંધો છે?’

‘મને? મને શેનો વાંધો હોય! વાંધો તો એને હોય, જેને તમારી સાથે પરણવું હોય. મારે કયાં તમારી પત્ની…??’ યુવતીનું મોં ફૂલી ગયું.

‘અરે, તમે તો ફૂલનદેવી બની ગયાં! સ્ત્રીનું બીજું નામ ઇર્ષા! પણ સાચું કહું? મારી ઉપર ભલેને ગમે તેટલી સ્ત્રીઓ મરતી હોય, મને એમાંથી એક પણ સ્ત્રી ગમી નથી.’

‘સાચું કહો છો?’ યુવતીએ આંખો પટપટાવીને પૂછ્યું.

‘હા, સાવ સાચું કહું છું. તમારા સમ ખાઇને કહું છું. એકાદ છોકરી મને પણ કયારેક ગમી હશે, પણ એટલી તો નહીં જ કે એની સાથે મેરેજ કરવાનું મન થાય.’

‘તો તમને કેવી છોકરી ગમે?’

‘તમારા જેવી.’ ખુમારે ધડાકો કર્યો. એટલી મોટી વાત એવી સહજતાથી કહી દીધી કે યુવતી સન્ન થઇ ગઇ. ખુમારનું બોલવાનું તો હજુયે ચાલુ જ હતું, ‘આ ચાંદની જેવું રૂપ, આ તીખો નાક-નકશો. આ તીરકામઠા જેવી આંખો અને આ મંદિરમાં વાગતી ઝાલર જેવો અવાજ કોઇ પણ પુરુષને પાગલ કરી મૂકે એવું રૂપ છે તમારું! સાચું કહેજો, મારી પહેલાં પણ તમારા સૌંદર્યની પ્રશંસા કરનારા અસંખ્ય પુરુષો તમારા જીવનમાં આવી ચૂકયા હશે. મારી ધારણા સાચી છે ને?’

યુવતી જવાબ આપે તે પહેલાં કન્ડકટર આવી ઉભો રહ્યો. હાથમાં પકડેલું ‘પંચ’ કટકટાવતો પૂછી રહ્યો, ‘ટિકિટ? બોલો, કયાં જવું છે?’

યુવતીએ પૈસા કાઢયા. ટિકિટ લીધી. કન્ડકટર ચાલ્યો ગયો. યુવતીએ તૂટેલી વાતનું અનુસંધાન ફરી પાછું જવાબ આપીને જોડી લીધું, ‘હું ગમી ગઇ તો ઘણા બધાને હોઇશ, પણ એમાંથી કોઇએ મારી સમક્ષ રૂબરૂમાં આવીને પ્રશંસા કરવાની હિંમત નથી બતાવી. પુરુષો ડરપોક હોય છે. તમે પહેલી વાર અપવાદ સાબિત થયા.’

બસ દોડતી રહી અને વાતો ચાલતી રહી. સિટીબસના રૂટમાં નાના-નાના પડાવો આવતા રહ્યા, બસ થોભતી-પડતી રહી, પ્રવાસીઓની ચડ-ઉતર ચાલતી રહી. બંને જણા વાતના પ્રવાહમાં એ રીતે વહેતાં રહ્યાં, જે રીતે ધસમસતી નદીનાં પૂરમાં વૃક્ષના પાંદડાં તણાતાં જાય!

‘તમે કહેતા હતા ને કે મારી પહેલાં પણ તમને એકાદ છોકરી ગમી ગઇ હતી! એ કોણ હતી?’

‘હતી કો’ક ધેલી, મૂર્ખ, પાગલ! વાસ્તવમાં એ પણ તમારા ટાઇપની જ હતી, પણ તમારા જેવી સંપૂર્ણ નહીં. ચહેરાનો આકાર તમારા પ્રકારનો પણ આકર્ષકતા તમારા જેટલી ન મળે. ચામડીનો રંગ પણ તમારા જેટલો સાફ નહીં. સહેજ ભીને વાન કહી શકાય. મારા માટે બે-ચાર કદમના સથવારા માટે ચાલે, પણ એની સાથે લગ્ન કરવા માટે હું કયારેય રાજી ન થાઉં.’

‘એ તો તમારા ઉપર મરતી હશે ને?’

‘અરે, ખરેખર એ તો મરવા તૈયાર થઇ ગઇ હતી. અમે થોડોક સમય સાથે ગુજાર્યો પછી જયારે મેં લગ્નની ના પાડી દીધી, ત્યારે એ બેવકૂફ છોકરી આપઘાત કરવા તૈયાર થઇ ગઇ. એક સાંજે એણે ઝેરની શીશી ગટગટાવી લીધી.’

‘પછી? એ મરી ગઇ?’

‘ના, બચી ગઇ. પણ જિદ્દી તો એવી નીકળી કે જયારે એને દવાખાનામાં દાખલ કરી અને ડોકટરે એને પીવા માટે દવા આપી, ત્યારે પણ એ તો એક જ રઢ લઇને બેસી ગઇ: ‘કે. કે. ને બોલાવો! એ આવીને મને દવા પીવડાવે, તો જ હું પીશ.’ છેવટે મારે જવું પડયું અને બધાની હાજરીમાં એને દવા પિવડાવવી પડી. બસ, પછી તો હું કયારેય એને મળ્યો નથી. અત્યારે તો એ પણ કોઇની સાથે પરણી ગઇ હશે. એના સંસારમાં ગોઠવાઇ ચૂકી હશે. આ દુનિયા વિશાળ છે.’

‘તમે મારી સાથે એવું નહીં કરો ને?’

‘ના, તારી સાથે તો હું લગ્ન કરવા પણ તૈયાર છું. તું કહેતી હોય, તો આખી બસને અત્યારે જ તારા ઘર તરફ વળાવી દઉં.’ ખુમાર ખરા પ્રેમીની તત્પરતા દર્શાવી રહ્યો. પછી એક બસસ્ટોપ આવ્યું, યુવતી તરી ગઇ. એ પછીનાં બસ-સ્ટોપ ઉપર ખુમાર તરી ગયો.

ઁઁઁ

અડધા કલાક પછી દોસ્તોની મહેફિલમાં દારૂ ઢીંચતા-ઢીંચતા ખુમાર બડાશ હાંકી રહ્યો હતો, ‘આજે વધુ એક સસલીને જાળમાં ફસાવી લીધી. પંદર મિનિટમાં જ પાડી દીધી. આવતી કાલે શિકાર પૂરો! એ સાથે આપણો સ્કોર ચારસોનો થઇ જશે. આ દુનિયા બહુ મોટી છે અને મૂર્ખ છોકરીઓની સંખ્યા અગણિત છે.’

બરાબર એ જ વખતે ઘર પહોંચેલી યુવતી એની મોટી બહેનને પોતાના સોહામણા પ્રેમી વિશે માહિતી આપી રહી હતી અને જવાબમાં એની દીદી એને પૂછી રહી હતી, ‘તે એનું નામ પૂછ્યું? એ નક્કી ખુમાર ખિમાણી જ હોવો જોઇએ. તું એની બાજુમાં બેઠી ત્યારે એણે તને ‘થેન્ક યુ’ કહીને વાતની શરૂઆત કરેલી? એ દેખાવડો હતો? સ્માર્ટ હતો? એણે તને કહેલું કે એની ઉપર ઘણી બધી છોકરીઓ મરતી હતી? બસ, એ જ પેલો દુષ્ટ છે જે મને છેતરી ગયો! પણ તું બચી ગઇ. એ લંપટને ખબર નથી કે આ દુનિયા કેટલી નાની છે!’

(શીર્ષક પંકિત: અમર પાલનપુરી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: