એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’, સ્પર્શી શકાય પુષ્પને ઝાંકળ થયા પછી

વીસ વર્ષની કાવ્યાને જયારે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી, ત્યારે એ જીવતી કરતાં મરેલી વધારે હતી. માત્ર સ્રી-જાતિની હોવાના એક જ કારણથી એને ગાયનેક વિભાગમાં લઇ જવામાં આવી, જયાં મેં એને તપાસી પણ એને ગાયનેક વિષયને લગતી કશી જ તકલીફ ન હોવાથી મેં એના કેસ-પેપરમાં શેરો મારી દીધો: નિલ ગાયનેક. રિફર્ડ વિથ કોમ્િપ્લમેન્ટ્સ ટુ સર્જિકલ ડિપાર્ટમેન્ટ ફોર ફરધર મેનેજમેન્ટ.અને આમ કાવ્યા નામની લગભગ મરણોન્મુખ યુવતીનો હવાલો મેં તખુભાને સોંપી દીધો. તખુભા એટલે ડો. તખ્તસિંહજી વીરભદ્રસિંહજી ઝાલા. પચીસમા વરસે એમ.એસ. ઇન જનરલ સર્જરી થઇને આ જનરલ હોસ્પિટલમાં ફુલટાઇમ સર્જન તરીકે જોડાયેલા અસલી રાજપૂત યુવાન. જૉ સોહામણું તન, મજબૂત મન, ટકોરાબંધ ચારિત્ર્ય અને રાજપૂતી મિજાજ આ ચાર વસ્તુનો સરવાળો કરવામાં આવે તો અંતે જે જવાબ મળે એનું નામ ડો. તખ્તસિંહ ઝાલા પાડી શકાય. સૌરાષ્ટ્રના દરબાર યુવાનો જયારે મોટા ભાગે પોલીસ ખાતામાં કે એસ.ટી. વિભાગમાં નોકરીએ જોડાવાનું પસંદ કરતા હતા, ત્યારે તખ્તસિંહે ડોકટર થવાનું સ્વીકાર્યું હતું. તખુભા તરીકે તો ફકત એમના અંતરંગ માણસો જ એમને સંબોધી શકતા હતા. ફરજ ઉપર તો અમારે પણ એમને ડો. ઝાલા કહીને બોલાવવા પડતા. ખાનગીમાં અલબત્ત, એ અમારા માટે ઝાલાબાપુ બની જતા હતા.

રાત્રે દોઢ વાગ્યો હશે. ઝાલાબાપુ, પધાર્યા. આંખો લાલ હતી. શાના કારણે એનું નિદાન કરવું અઘરું હતું. સૂરાપાન વિશે માહિતી ન હતી. ગુસ્સાનું કોઇ કારણ ન હતું. કાચી ઘમાંથી જાગવું પડયું એ એક માત્ર સંભવિત કારણ માની શકાય. કેઝ્યુઅલ્ટીમાં આવીને કાવ્યાને તપાસી. હજુ તો પલ્સ ઉપર આંગળીઓ મૂકી ત્યાં જ એમણે બરાડો પાડયો, ‘શી ઇઝ ડાઇંગ! પલ્સ તો લગભગ પકડાતી નથી. સિસ્ટર, બ્લડ પ્રેશર માપ્યું?’

‘નોટ રેકોર્ડબલ, સર!’ નર્સની આંખોમાં પણ ચિંતા ઝલકતી હતી.

ડો. ઝાલા હવે દર્દીનાં સગાં તરફ ફર્યા, ‘આપણી પાસે સમય ઓછો છે. આને શું થયું છે એની વિગત જણાવો. ફટાફટ!’

કાવ્યાના પપ્પાએ ‘આજ તક’ની તેજ ન્યૂઝ ચેનલની જેમ ‘ખબરેં ફટાફટ’ રજૂ કરી, ‘ગઇ કાલ સવારથી પેટમાં દુ:ખાવો હતો. ઉલટી થતી હતી. પછી તાવ શરૂ થયો. ઘરમાં પેઇનકિલર ટિકડી પડી હતી એ ખવડાવી. ફરક ન પડયો, એટલે બાજુમાં જનરલ પ્રેકિટશનર છે એને ત્યાં લઇ ગયા. એમણે દુખાવાનું ઇન્જેકશન મૂકયું. આજે સાંજ પછી કેસ બગડવાની શરૂઆત…’

‘તમને શરૂઆત લાગતી હશે, પણ મારા મતે આ અંત છે.’ ડો. ઝાલાએ નિદાન રજૂ કર્યું, ‘તમારી દીકરીને એકયુટ એપેન્ડિસાઇટિસ હતું. સારવારમાં વિલંબ થવાને કારણે પેટમાં એપેન્ડિકસ ફાટી ગયું છે. શી ઇઝ ઇન સેપ્ટિસિમિક શોક! ભાગ્યે જ બચે.’

આવી સ્થિતિમાં સગાં બિચારા શું કરે? જયાં સહી કરવાની હતી ત્યાં કરી આપી. સારવાર માટે જે કંઇ કરવું પડે તે બધું જ કરવાની સંમતિ આપી દીધી. ડો. ઝાલાએ તાબડતોબ કાવ્યાને ઓપરેશન થિયેટરમાં લીધી. સૌથી પહેલું કામ એની પલ્સ અને બ્લડ પ્રેશર સુધારવાનું કર્યું. તબીબી વિગતોમાં ઉંડા ઉતરવાનો કોઇ અર્થ નથી, પણ માત્ર ગ્લુકોઝ સેલાઇનના બાટલાથી કામ સરે એમ જ હતું. જીવનરક્ષક ઇન્જેકશનો ઉપરાંત લોહીના બાટલાની પણ જરૂર હતી.

ડો. ઝાલા જાણે કોઇ મઘ્યકાલીન ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ક્ષત્રિય યુદ્ધમેદાનમાં ઝઝૂમતો હોય એવા રાજપૂતી ઝનૂનથી કામે વળગ્યા. એમના હાથ હાથનું કામ કરતા હતા અને હોઠ હોઠનું, ‘સિસ્ટર, ગીવ હર ઇન્જે મેકેન્ટિન. ગીવ એડિ્રનાલીન ઇન ડ્રીપ. ડેકઝોના તૈયાર છે? એનું બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યું? થિયેટર તૈયાર કરાવો!’ જનરલ હોસ્પિટલનો પચાસેક માણસોનો સ્ટાફ કામે લાગી ગયો. ફરજ પર ન હતા એવા સાત-આઠ ડોકટરો પણ દોડી આવ્યા. કાવ્યાનું બ્લડપ્રેશર સિત્તેરના આંકડાને સ્પર્શી રહ્યું. હવે વાટ હતી લોહીના બાટલાની ત્યાં નર્સે મોંકાણના સમાચાર આપ્યા, ‘સર, પેશન્ટનું બ્લડ ગ્રુપ એ-નેગેટિવ છે. આખા શહેરમાં આ ગ્રુપની એક પણ બોટલ નથી. મળવાની શકયતા પણ નથી.’ ‘ટેકિનશિયન કયાં છે? એને કહો કે મારું બ્લડ લઇને ક્રોસ મેચ કરી જુએ. જો બરાબર હોય તો બે બોટલ્સ…’ ડો. ઝાલાના મુખ ઉપર કચવાટ પોતાનું બ્લડ આપવા બાબતનો ન હતો, પણ ઓપરેશનમાં એટલો વિલંબ થવા વિશેનો હતો. બ્લડ કાવ્યાનાં બ્લડને ભાણે ખપતું નીકળ્યું. ત્રણસોને બદલે પાંચસો મિ.લી. અને એ પણ ઝાલાબાપુનું ચૌદ ગ્રામ પ્રતિશત જેટલું હિમોગ્લોબિન ધરાવતું! કાવ્યાની હાલતમાં શેરબજારની તેજી જેવો ઉછાળ નોંધાયો. એ પછી તરત જ ડો. ઝાલાએ ઓપરેશન ચાલુ કર્યું.

પૂરા અઢી કલાક સુધી ‘લેપ્રોટોમી’ ચાલી. એ દરમિયાન ત્રણ વાર કાવ્યાનું હૃદય બંધ પડી ગયું. આખરે સવારનો સૂરજ કાવ્યા માટે નવી જિંદગી લઇને ઊગ્યો.

અડતાલીસ કલાક પછી કાવ્યાએ પથારીની બહાર પગ મૂકયો. આ દરમિયાન ડો. તખ્તસિંહ ઝાલા એને પંદર-વીસ વાર તપાસી ગયા હશે. કાવ્યા ખરેખર કેટલી ખૂબસૂરત હતી એની ખબર હોસ્પિટલના કર્મચારીઓને હવે જ થઇ. મૃત્યુના ઓછાયાએ એનું રૂપ હણી લીધું હતું. જિંદગીની રોશનીએ એનો અસલી ચળકાટ પાછો લાવી દીધો. આઠમે દિવસે ડો. ઝાલાએ એને ટેબલ ઉપર લીધી, ‘ચાલો, તમારા ટાંકા કાઢવાના છે.’ ‘ડોકટર, આટલું કર્યું છે તો મારા માટે એક કામ વધારે ન કરો?’

‘બોલો, શું કરવાનું છે?’ ઝાલાસાહેબ કાતર હાથમાં રમાડતાં પૂછ્યું.

‘એ કાતર મારી છાતીમાં ભોંકીને મને મારી નાખો!’ ‘એવાં ઓપરેશન હું નથી કરતો. મારું કામ દર્દીને જીવાડવાનું છે.’

‘જો મને જીવાડવી જ હોય, તો…’ કાવ્યા શરમાઇ ગઇ. ‘હું સમજયો નહીં.’ ‘તમને સર્જન કોણે બનાવ્યા? સ્રીના પેટની બીમારી સમજી શકો છો, પણ એના મનની વાત નહીં. છેલ્લા આઠ-આઠ દિવસથી હું સાંભળતી આવી છું કે હું તો મરી ચૂકેલી હતી, તમે મારો જીવ બચાવ્યો. હવે આ જિંદગી ઉપર બીજા કોઇ પુરુષનો અધિકાર હું સ્વીકારી નહીં શકું.’

ડો.ઝાલા આ અનુપમ લાવણ્ય ધરાવતી કન્યા સામે જોઇ રહ્યાં, ‘પણ અમે રાજપૂત અને તું બ્રાહ્મણ…!’ ‘તો શું થયું? આપણું ખૂન તો મળતું આવે છે ને!’ કાવ્યાના હોઠ ઉપર ઝાલાબાપુના રકતની લાલીમા છવાયેલી હતી.

ડો. ઝાલા મૂંઝાઇ ગયા, ‘કાવ્યા, મને વિચાર કરવા દે! અત્યારે તો તારા ટાંકા કાઢી આપું છું, પણ તનના ટાંકા કાઢવા કરતાં મનના કાંટા કાઢવા વધારે જરૂરી છે અને મુશ્કેલ પણ.

એ દિવસે સાંજે કોફી-કલબમાં જયારે અમે મળ્યા, ત્યારે ડો.ઝાલાએ અમારું માર્ગદર્શન માગ્યું, ‘દર્દી અને ડોકટર વરચેનો સંબંધ અતિશય પવિત્ર ગણાય છે. એક ડોકટર એની સ્રી-દર્દી સાથે લગ્ન કરે તો એ નૈતિક દૃષ્ટિએ વાજબી ગણાય ખરું?’ બધાએ ના પાડી, પણ મેં હા પાડી,‘ઝાલાબાપુ, આજ-કાલ તો ગુરુ અને શિષ્યા પણ પ્રેમલગ્ન કરે છે! અને ડોકટર-દર્દી વરચે કયાં પિતા-પુત્રીનો સંબંધ મનાયો છે? અને કાવ્યા હવે કયાં તમારી દર્દી રહી છે? હા, જયારે એ ઓપરેશન ટેબલ ઉપર સૂતી હતી, ત્યારે તમે એના દેહ તરફ સારવારને બદલે વાસનાભરી નજરે જોયું હોત તો ચોક્કસ એ પાપ ગણાયું હોત!’ ‘તો હું કરું કંકુના?’

‘હોવ્વે! કાવ્યાના શરીરમાં તમે લોહી તો પૂર્યું છે, હવે સેંથામાં સિંદૂર પણ ભરો! આખરે તો બધું લાલ જ છે ને!’ ‘આજે ઝાલાબાપુ અને એમની કવિતારાણીનાં લગ્નનું વીસમું વર્ષ ચાલી રહ્યું છે. એક પણ ઝઘડા વગરનું રોમાન્સથી ભરાતું લગ્નજીવન! અને કેમ ન હોય? ઝાલાબાપુએ લોહી આપીને લાવણ્ય ખરીદ્યું છે, જીવ બચાવીને જીવનસાથી મેળવી છે.

(સત્યઘટના) (શીર્ષક પંકિત: રઇશ મનીયાર)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: