જયારથી તું મને જચી ગઇ છે,સનસનાટી બધે મચી ગઇ છે.

અરિહંત ત્રિવેદીએ બેડરૂમની સાઇઝના વિશાળ બાથરૂમમાં સ્નાન કર્યા પછી ટર્કીશ ટોવેલથી શરીર લૂછીને કોરું કર્યું. પછી એ જ ટોવેલ કમર ફરતે વિંટાવીને સામે દેખાતા દીવાલ-કદના આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું.પછી પોતે પણ ન સાંભળી શકે એવા અવાજમાં બબડી ગયા, ‘શું જૉઇ ગઇ હશે એ છોકરી મારામાં? મને તો એ ખરેખર પાગલ લાગે છે!’પછી ઘડી-બે ઘડી એ પોતાના જ પ્રતિબિંબને ઝીણવટભરી નજરે જૉઇ રહ્યા, જાણે કોઇ પરાઇ વ્યકિતને જૉતા હોય એમ!

અને પછી પરાઇ વ્યકિત વિશે આપતાં હોય એમ પોતાનો અભિપ્રાય આપી રહ્યા, ‘ના, સાવ નાખી દીધા જેવો પુરુષ તો નથી જ. હું જાણું છું કે એ પચાસનો છે, પણ દેખાય છે ચાલીસના જેવો. હેન્ડસમ છે. ગોરો છે. સુરેખ, શાર્પ ચહેરો છે. હસતી આંખો છે અને ‘સેકસી’ હોઠ છે. કોઇ પણ સ્ત્રીને ગમી જાય એવો પુરુષ છે એટલે જ મુસ્કાનને પણ ગમી ગયો લાગે છે…’

હા, મુસ્કાનને અરિહંત ગમી ગયો હતો. અઢાર વર્ષની મુસ્કાનને પચાસ વર્ષનો અરિહંત સારચે જ ગમી ગયો હતો. હજુ ગયા અઠવાડિયાની તો વાત છે. રાતના દસ વાગ્યે અરિહંત ડિનર પતાવીને ઘરના ડ્રોઇંગ રૂમમાં સોફા પર પડયો હતો, ત્યાં એના ફોનની ઘંટડી રણકી ઊઠી.

‘મુસ્કાન બોલું છું.’ સામેના છેડેથી મીઠો, રણકેદાર, પાગલ કરી મૂકે એવો અવાજ કાનમાં રેડાયો.

‘નામ જણાવવાની જરૂર નથી, અવાજનો મધપૂડો સ્વયં પોતાની ઓળખ છતી કરી આપે છે. બોલો, કેમ ફોન કરવો પડયો?’ બે-પાંચ ક્ષણોનું મૌન. થોડોક ખચકાટ. થોડીક શરમ. પછી મંદિરમાં વાગતી ઝાલર જેવા મંજુલ સ્વરમાં પૂછાયેલો પ્રશ્ન, ‘સર, હું બહુ મોટી મૂંઝવણમાં છું. મદદ કરશો?’

‘મૂંઝવણ જણાવો.’

‘આપણે છેલ્લા છ એક મહિનાથી પરિચયમાં છીએ. અઠવાડિયે કે પંદર દિવસે એકાદ વાર ફોન કરીએ છીએ.’

‘બસ? આટલી જ મૂંઝવણ છે ને? તો આજથી ફોન બંધ…’

‘ના, ના, ના! પ્લીઝ, તમે ફોન કાપી ન નાખશો. મારી મૂંઝવણ ફોન મુકાયા પછી શરૂ થાય છે.’

‘શું થાય છે!’

‘તમારી સાથે વાત કરું છું ત્યારે સારું લાગે છે પણ ફોન મૂકી દીધા પછી કયાંય ગમતું નથી. ખાવાનું ભાવતું નથી. ઊંઘ આવતી નથી. અને જૉ આવે છે, તો પછી સપનામાં તમે આવો છો. તમને ફરીવાર ફોન કરવા માટે અઠવાડિયું તો જાણે એક અવતાર જેટલું લાંબુ લાગે છે! ઇરછા થાય છે તમને રોજ ફોન કરતી રહું. મને સમજાતું નથી, સર! આને શું કહેવાય?’ મુસ્કાન એવી માસૂમિયતથી પૂછી રહી હતી, જાણે એ ગણિતના ટીચરને કોઇ અઘરો દાખલો પૂછતી હોય!

અરિહંત પાકટ પુરુષ હતો. ભલે એ હજુ સુધી પરણ્યો ન હતો, પણ એની પાસે દુનિયાદારીની સમજ હતી. દરદીની શારીરિક ફરિયાદો સાંભળીને કોઇ કુશળ તબીબ જેટલી ત્વરાથી એની બીમારીનું નિદાન કરી આપે એટલી જ ઝડપથી અરિહંતે મુસ્કાનની દિલની બીમારીનું ‘ડાયગ્નોસિસ’ કરી દીધું, ‘આ પ્રેમ છે, મુસ્કાન! મારા જવાબથી તું આઘાત ન પામતી, પણ આ હકીકત છે. તને મારાથી પ્રેમ થઇ ગયો છે.’

બસ, આટલો જ સંવાદ. બે અલગ-અલગ ઉંમરની, અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતી બે વિજાતીય વ્યકિતઓ વરચે ઝરેલા આ પહેલા- પહેલા તણખા. પચાસ વર્ષની ઉંમરે પણ કોઇની સાથે ન ગોઠવાયેલો પુરુષ અને અઢાર વર્ષની ઊંમરે પોતાના સંસારમાં ગોઠવાવાની મથામણ કરી રહેલી યુવતી. ચકમકના બે પથ્થરો એકમેકની સાથે ઘસાય અને જેમ તણખા ઝરે એમ જ ટેલિફોન ઉપર ઝરેલા શબ્દો.

પછી તરત સામે છેડેથી ફંગોળાયેલો પ્રશ્ન, ‘જૉ તમારું નિદાન સાચું હોય, એટલે કે મને ખરેખર તમારા માટે પ્રેમ થઇ ગયો હોય… તો… હું પૂછી શકું કે તમને પણ મારા પ્રત્યે પ્રેમ છે કે નહીં?’ અરિહંત હસ્યો, ‘સ્ત્રી મેદાન જેવી હોય છે અને પુરુષ પહાડ જેવો. મેદાન પરથી જયારે સાદ પાડવામાં આવે છે, ત્યારે પહાડ પરથી એનો પડઘો પડે છે. મુસ્કાન, તારા જેવી ખૂબસૂરત યુવતી જૉ મને પ્રેમ કરતી હોય, તો હું પણ તને પ્રેમ કરીશ.

બાકી સાચું કહું? જૉ હું પરણેલો હોત, તો કદાચ મારે તારા જેવડી દીકરી હોત એટલે તારી આજની કબૂલાત પહેલાં મેં તને કયારેય પ્રેમભરી નજરે જૉઇ નથી.’ અને પછી શરૂ થયો અરિહંત અને મુસ્કાન વરચેનો પ્રેમસંબંધ.

બહુ અજીબોગરીબ લાગે એવો કિસ્સો છે. પણ સાચો છે. અઢાર વર્ષની મુસ્કાનનાં લગ્નને હજુ માંડ છ મહિના થયા છે પણ પતિ નામના પ્રાણી પરથી એનું મન ઊતરી ગયું છે. અતિશય સુખી પરિવારમાં પરણીને આવેલી મુસ્કાનને લગ્નની બીજી સવારે જ સમજાઇ ચૂકયું કે આ વિશાળ બંગલામાં એનું સ્થાન એક ફર્નિચરથી વધારે નથી.

એણે આ ઘરમાં પગ મૂકયો ત્યારે એની છાતીમાં સેંકડો અરમાનો ઘૂઘવતાં હતાં અને એને મળ્યું શું? સાસુને મન એ ફુવડ હતી, નણંદને મન ભાભી એની હરીફ હતી અને પતિને મન એ ડિસ્પોઝેબલ આઇટમ જેવી હતી. એક રાત માટે ભોગવીને ભૂલી જવા જેવી ચીજ. પછી રહી-રહીને મુસ્કાનને સમજાયું કે એના પતિને પારકી સ્ત્રીઓ જ રૂપાળી લાગતી હતી. વાસ્તવમાં મુસ્કાન અત્યંત સ્વરૂપવાન હતી, સ્માર્ટ હતી, આવડતવાળી હતી અને સંસ્કારી હતી.

એનો પિયરપક્ષ પણ સમૃદ્ધ હતો છતાં એની આ દશા હતી.આવામાં એની ઓળખાણ અરિહંત સાથે થઇ. પરિચય મુસ્કાનના પતિએ જ કરાવી આપ્યો, ‘આ મિ. અરિહંત ત્રિવેદી છે. મારા પપ્પાના દિલોજાન મિત્ર. મળવા જેવા માણસ છે. હી ઇઝ એ જિનિયસ!’ અને બહુ થોડા સમયની અંદર મુસ્કાને પણ અનુભવ્યું કે ‘હી ઇઝ રિયલી એ જિનિયસ!’ રૂપનો મિનારો કયાંક તો ઢળવાનો હતો, આખરે એ અરિહંત ઉપર ઢળી ગયો!

શહેરથી દૂર આવેલું મિલ્ટપ્લેકસ થિયેટર. બપોરનો ત્રણથી છનો શો. બાલ્કનીના અંધારામાં બેઠેલા જૂજ પ્રેક્ષકો. પડદા ઉપર પાંસઠ વર્ષનો અમિતાભ અઢાર વર્ષની જિયા ખાનને નિ:શબ્દપણે પ્રેમ કરી રહ્યો હતો અને ‘એ-’ હરોળની કોર્નર પાસેની ખુરશીઓમાં બેઠેલાં અરિહંત અને મુસ્કાન પોતાની અંગત પ્રેમકહાણીમાં ડૂબી ગયાં હતાં.

‘કેટલા સમય પછી આજે મોકો મળ્યો!’ મુસ્કાનની કૂણી કાકડી જેવી આંગળીઓ અરિહંતની મર્દાના છાતીના વાળ સાથે શòગારભીની સંતાકૂકડી રમી રહી હતી, ‘આજે મારો વર બહારગામ ગયો છે અને સાસુ ને નણંદ હોસ્પિટલમાં કોઇની ખબર કાઢવા ઉપડયાં છે એટલે હું પણ નીકળી પડી.’

‘મુસ્કાન, તું મને ગમે છે, પણ હું તારી સાથે છેતરપિંડી નહીં કરું. તને ખબર છે? મારી ઉંમર પચાસ વર્ષની છે. તું જયાં આંગળીઓ ફેરવી રહી છે એ છાતીના વાળ હવે સફેદ થવા માંડયા છે.’

‘મને વાસ્તવિકતા હંમેશા ગમે છે, પછી એ વાળની હોય કે વ્યકિતની. હું તો એ વાતનો પણ વિરોધ કરું છું કે તમે માથાના વાળને રંગો છો શા માટે? પ્રેમી શ્વેતકેશી હશે તોય મને ગમશે. બસ, એનું દિલ ગુલાબી હોવું જૉઇએ.’ ખુરશીઓ તો એમની જગ્યાએ જ હતી, પણ એમાં બેઠેલાં પ્રેમીજનો એના સીમાડા ઉલ્લંઘી રહ્યા હતા. મુસ્કાનનું માથું (અને અડધું ધડ પણ) ‘લાઇન ઓફ કન્ટ્રોલ’ વટાવીને પડોશી ‘દેશ’ની સરહદમાં ઘૂસી ગયું હતું.

અરિહંત પણ પ્રેમિકાના રૂપાળા ચહેરા ઉપર પ્રેમનો અભિષેક વરસાવી રહ્યો હતો. ‘પગલી! જૉ તારા વરને આપણા પ્રેમસંબંધની ગંધ આવી જશે તો એ તને ઘડીના છઠ્ઠા ભાગમાં ઘરની બહાર કાઢી મૂકશે.’ અરિહંત મુસ્કાનને હોઠ ઉપર આંગળીઓ ફેરવીને પ્રેમ પણ વરસાવી રહ્યો હતો અને સાથે-સાથે ચેતવણીનો તેજાબ પણ છાંટી રહ્યો હતો.

પણ મુસ્કાન હવે એના પ્રેમી પાછળ ખરે જ પાગલ થઇ ગઇ હતી, ‘તો પણ શો ફરક પડે છે? એ જૉ મને કાઢી મૂકશે તો હું તારા બારણે આવીને ઊભી રહી જઇશ. રાખશો ને મને?’ ‘અડધી રાતે પણ આવી જજે ને! પાછી વાળું તો મને કહેજે!’ અરિહંત મુસ્કાનને વધુ ને વધુ એના શરીર સાથે ભીંસી રહ્યો.

ત્યાં જ થિયેટર બત્તીઓના ઉજાસથી ઝળાહળા થઇ ઊઠયું. ‘નિ:શબ્દ’ ફિલ્મનો શો પૂરો થયો હતો. સિનેમાગૃહમાંથી બહાર નીકળી રહેલા પ્રેક્ષકોમાંથી એક મહિલાએ મોં મચકોડીને પોતાનો અભિપ્રાય ઉરચાર્યો, ‘સાવ વાહિયાત ફિલ્મ છે!

અભિનય ઉત્તમ, પણ સ્ટોરી બકવાસ! આધેડ પુરુષ અને યુવા પ્રેમિકા! આવું તો કયાંય બને જ નહીં! પિશ્ચમની વાત જુદી છે, પણ આપણા ભારતમાં તો ન જ બને!’ એના પતિએ એનો ખભો દબાવ્યો, ‘મૂગી મર! બહુ દૂર જવાની જરૂર નથી.આપણી પાછલી હરોળમાં એક નજર ફેંકી લે. મેં તો પૂરા ત્રણ કલાક એમનું જ ‘નિ:શબ્દ’ જૉયા કર્યું છે… અને સાંભળ્યાં પણ કર્યું છે!’ (સત્યકથા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: