એ જ તો મોટી કરુણતા છે જીવન નાટકની, છે ફકત પાત્રો બધાં, કોઇ કલાકાર નથી!

કોણ, શરદ બોલે છે?’ એક દિવસ બપોરના એક વાગે ફોન આવ્યો. હું સવાલ સાંભળીને ચમકી ગયો. અજાણ્યો અવાજ અને ઉપરથી તુંકારો? આવી તોછડાઇથી તો મારી સાથે દુશ્મનો પણ વાત નથી કરતા.‘હા, તમે કોણ?’ મેં માંડ-માંડ મારો ધૂંધવાટ દબાવીને પૂછ્યું: ‘હું કે.કે.! નવસારીથી બોલું છું.’ સામેથી જવાબ આવ્યો અને મારો ધૂંધવાટ ધુમાડો બનીને ઉડી ગયો. કે.કે. મારા માટે બે અક્ષરો નહીં, પણ એક અસ્તિત્વ હતું. કિરીટ કોટેચા વરસો પહેલાં અને વરસો સુધી મારી સાથે એક જ મેડિકલ કોલેજમાં, એક જ કલાસમાં ભણતો હતો. અમે રૂમપાર્ટનર્સ ન હતા, અત્યંત ગાઢ મિત્રો પણ ન હતા, પણ સહાઘ્યાયીઓ હતા એટલું કંઇ કમ ન હતું. સારો છોકરો હતો.

એમ.બી.બી.એસ. થયા પછી અમે છૂટા પડી ગયા. હું અમદાવાદમાં સ્થિર થયો અને કે.કે. કયાં ઓગળી ગયો? આજે ખબર પડી કે એણે નવસારીમાં થાણું જમાવ્યું છે. ‘બોલ, કે.કે. શું ચાલે છે? મઝામાં તો છે ને તું?’ મારી પૂછપરછમાં પ્રેમ છલકાતો હતો, ઔપચારિકતા નહીં.

‘મઝામાં હોત તો તને ફોન ન કર્યોહોત!’ એના અવાજમાં નિખાલસ કબૂલાતી હતી. આટલાં વરસ વીતી ગયાં, એણે કયારે ફોન કર્યો હતો? મન ગંધ આવી ગઇ કે મિત્ર મુશ્કેલીમાં લાગે છે. ‘સમજી ગયો, તારી મુશ્કેલીનું નામ જણાવ!’ મારા અવાજમાં કોરી પૂછપરછ નહીં, પણ ભીની-ભીની નિસ્બત હતી. કે.કે.એ ટૂંકાણમાં, મુદ્દાસર વાત જણાવી દીધી. એમ.બી.બી.એસ. પાસ કર્યા પછી એણે આગળ ભણવાને બદલે નવસારીની બાજુમાં આવેલા એક નાનકડા શહેરમાં જનરલ પ્રેકિટસ શરૂ કરી હતી. વીસ વરસની એકધારી મહેનત પછી એણે વીસેક લાખ રૂપિયા બચાવ્યા હતા. (એક હોશિયાર ડોકટર માટે આ રકમ કંઇ વધારે ન કહેવા. આજ-કાલ બિલ્ડરો, શેરબજારિયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ આટલા રૂપિયા એક વર્ષમાં કમાઇ લે છે!)

‘સરસ! આ વીસ લાખમાંથી અડધા રૂપિયા મને આપી દેવા માગે છે કે શું?’ મેં મજાક કરી. પણ એ મજાક ઝીલવાના મૂડમાં નહોતો, ‘મારી પાસે હોત તો જરૂર આપી દેત. અત્યારે તો મારાં બારેય વહાણ બૂડી ગયાં છે.’ કે.કે.નું મોં પડી ગયું હશે એ વાત હું એનો અવાજ સાંભળીને કલ્પી શકયો, પછી એણે જે વિગત જણાવી એ ખરેખર દુ:ખદાયક હતી. એના નવા-સવા પરિચયમાં આવેલો એક ‘સજજન’ મહિને સાત ટકા વ્યાજ આપવાની લાલચ આપીને કે.કે.ની જીવનભરની બચત ઝૂંટવી ગયો હતો. એકેે મોટા એકસપોર્ટરને ઉછીના રૂપિયાની જરૂર છે અને એ સાત ટકા વ્યાજ આપવા તૈયાર છે એવી વાત એ ગિઠયાએ કે.કે.ના ગળા નીચે સફળતાપૂર્વક ઉતારી દીધી. પછી જયારે એક વર્ષનો વાયદો ત્રણ વર્ષ પછી પણ સાચો ન પડયો ત્યારે કે.કે. ગભરાયો. એણે ઉઘરાણી શરૂ કરી, પણ મિ.નટવરલાલે ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા. પૈસા તો ગયેલા જ હતા, ધીમે-ધીમે નટવરલાલ સાથેનો સંપર્ક પણ ગયો અને હવે તો દર્શન પણ ગયા.

મને દયા આવી ગઇ, ‘બહુ ખરાબ થયું, દોસ્ત!’ હું એને આશ્વાસન આપવા ગયો, પણ કે.કે.એ મારી વાતને અધવરચેથી જ કાપી નાખી. ‘તો હવે તું એને સુધારી આપ!’ ‘એટલે?’ ‘એટલે એમ કે તું છાપાંમાં લખે છે, તારે ઘણી બધી મોટી-મોટી ઓળખાણો હોય, તું કોઇ મોટા માણસને કહીને મારાં નાણાં કઢાવી આપ!’

‘જો કે.કે.! એક વાત સમજી લે. આ પૈસાનો મામલો છે. એ પણ વીસ લાખનો. આમાં મોટા માણસની નહીં પણ ખોટા માણસની જરૂર છે. અને મારે એવી કોઇ ઓળખાણ નથી.’ મારા જવાબમાં ઇન્કાર અને અવાજમાં ચીડ હતી. હું રહ્યો સોફટવેરનો માણસ અને કે.કે. મને હાર્ડવેરનું કામ સોંપી રહ્યો હતો! કે.કે. કરગરી પડયો, ‘તું ગમે તે કર, દોસ્ત! પણ મારા પૈસા પાછા અપાવી દે! કાળા પસીનાની કમાણી છે, ભાઇ! હું કાં પાગલ થઇ જઇશ, કાં આપઘાત કરી બેસીશ!’ હું ધ્રૂજી ઠયો. મારાથી એને મદદ તો થઇ શકે તેમ ન જ હતી, પણ એને ગોળગોળ જવાબ આપીને થોડીક ધીરજ તો હું બંધાવી શકું ને? ‘જૉઉં છું, વિચારું છું’ કરતાં-કરતાં છ-બાર મહિના પસાર કરી નાખું તો શકય છે કે.કે. જાતે જ આ આઘાતમાંથી બહાર આવી જાય. દુ:ખનું ઓસડ દહાડા. ‘ઠીક છે, મારે એક-બે ગુંડાઓ જૉડે આછીપાતળી ઓળખાણ છે. હું વાત કરી જોઉં.’ મેં કે.કે.ના મોઢામાં દિલાસાની ચોકલેટ મૂકી દીધી, ભલે ચગળાવ્યા કરતો! એક અઠવાડિયા પછી એનો ફોન આવ્યો, ‘શું થયું? વાત આગળ વધી.’ ‘એક અન્ડરવલ્ર્ડના માણસને મેસેજ મોકલ્યો છે. રૂબરૂ મળે એટલે વાત મૂÊકું. તું આવતા અઠવાડિયે ફોન કર. આવતું અઠવાડિયું કયાં દૂર હતું. આવી ગયું. અને કે.કે.નો ફોન પણ આવ્યો, ‘શું થયું?’ અંડરવલ્ર્ડનો માણસ મળવા તો આવ્યો હતો, પણ કામ કરવાની સુપારી પેટે બે લાખ રૂપિયા માગતો હતો, એટલે મેં તો ના પાડી દીધી.’ હું જુઠ્ઠું બોલ્યો.

‘હા પાડી દે! એને પાછો બોલાવ! બેને બદલે પાંચ લાખ રૂપિયા આપવા તૈયાર છું. બાકીના પંદર લાખ તો પાછા આવશે ને?’ એના અવાજમાં જરા-તરા ઉત્સાહ વર્તાયો.

‘સારું! તું આવતા અઠવાડિયે મને ફોન કર!’ મેં આશ્વાસનનું પડીકું એને પકડાવ્યું. સતત છ અઠવાડિયા લગી કે.કે.ના ફોન-કોલ્સ આવતા રહ્યા. હંુ કોર્ટના જજની જેમ મુદ્દત ઉપર મુદ્દત પાડતો રહ્યો. એક વાત તો મેં લપ ટાળવાના આશયથી એવું પણ કહી દીધું, ‘કે.કે. તું એક કામ કર! તારો ફોન નંબર જણાવ. હવેથી તું ફોન ન કરીશ. વાત પાક્કી થશે એટલે હું જ સામેથી તને…’ પણ એ ન માન્યો, ‘એમાં શું થઇ ગયું? મારું કામ છે એટલે ફોન તો મારે જ કરવાનો હોય ને!’ મને લાગ્યું કે આ મિત્ર લીધેલી વાત પડતી નહીં મૂકે. મારે ઇરછાએ કે અનિરછાએ એનું કામ કરી આપવું જ પડશે, પણ કે.કે.ના ડૂબેલા વીસ લાખ રૂપિયા પાછા લાવી આપે એવો ગુંડો મારે શોધવો કયાંથી? ‘નામ?’ મેં પૂછ્યું. મારા હાથમાં ખુલ્લો ચોપડો હતો, હાથમાં ખુલ્લી પેન.

‘રામદુલારી.’ ઉત્તરપ્રદેશની ભૈયણે જવાબ આપ્યો. ‘કિતને મહિને પૂરે હુએ?’ ‘આઠ! નૌંવા લગ ગયા હૈ. સુવાવડ ઇધર હી જ કરાનેકી હૈ.’ ‘આપકે મરદકા નામ?’ મેં પૂછતાં-પૂછતાં અને ધણીની દિશામાં જૉઇ લીધું. ધણી રામદુલારીની બાજુમાં જ બેઠો હતો. કાળો પહાડ. અંગારા જેવી રાતીચોળ આંખો. માથા ઉપર ટૂંકા ઘાસ જેવા વાળ. ન્યાતના જમણવારના તપેલા જેવડું માથું. બાવડાના સ્નાયુઓ એટલા મોટા કે એમાંથી એક ડઝન સલમાન ખાન બનાવી શકાય.

‘લિખો…, કલ્લુ પહેલવાન….’ વિશાળ ગુફામાંથી પ્રચંડ અવાજ નીકળ્યો. મેં જોયું તો કલ્લુ દાદો જ બોલી રહ્યો હતો. ‘આપ કામ કયાં કરતે હો?’ કેસપેપરમાં નોંધવા માટે આ બધી વિગત જરૂરી હતી, એટલે મેં પૂછ્યું. ગુફામાંથી પુન: ગર્જના સંભળાણી, ‘હમ કયા કરતે હૈં વો તો પુલીસકો ભી નહીં માલૂમ. બસ, સુપારીકા ધંધા હૈ. સમઝ ગયે ના, સા’બ! હમારી ઔરત જબ ભી આયેં, ઉસકી ડિલવરી કરા દેના. હમ ચાહે અંદર હો કિ બહાર, આપકે પૈસે મિલ જાયેંગે.’ ‘એક મિનિટ!

કલ્લુભાઇ, મારું એક કામ કરી આપો ને! તમે સુપારીની વાત કરી ને હમણાં? તો મારો એક દોસ્ત છે, નવસારીમાં.’ મેં ઉત્સાહભેર વાત કરી દીધી. કલ્લુ પહેલવાન હસ્યો. ‘બસ, ખાલી બીસ લાખકા કામ હૈ? તો યું ચૂટકીમેં હો જાયેગા. આપ અપને દોસ્તસે બાત કરકે સામનેવાલી પાર્ટીકા નામ, એડ્રેસ, ફોન નંબર સબ લે લો. હમારા નેટવર્ક નવસારીમેં ભી હૈ. એક ફોન કરુંગા ઔર કામ હો જાયેગા.’ પણ કામ ન થયું. કયાંથી થાય? કે.કે.ની ધીરજે જવાબ આપી દીધો હતો. છેલ્લે વાત થઇ એ પછી કયારેય એનો ફોન ન આવ્યો. કોઇ ત્રીજા મિત્ર પાસેથી જાણવા મળ્યું કે કે.કે. વીસ લાખ ગુમાવ્યાના આઘાતમાં પાગલ થઇ ગયો છે!

(સત્ય ઘટના, શીર્ષક પંકિત: ‘બેફામ’)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: