તર કરી ગઇ એમની ખુશબો મને, ફૂલ મેં જકડયાં’તાં બાહુપાશમાં

યકીન ઉતાવળમાં હતો એટલે ભૂલ કરી બેઠો. સોસાયટીના ઝાંપા આગળ જ વળાંક હતો ત્યાં ગાડી ધીમી પડવાને બદલે એણે ફુલ સ્પીડમાં કારને ટર્ન આપી દીધો. જમણી તરફથી એકિટવા આવતું હતું. ઠોકાઇ ગયું. પહેલાં ધમાકો, પછી ચીસ અને પછી ટોળું.એકિટવા ઉપર એક જુવાન છોકરી બેઠી હતી. એનું નામ નિસ્પૃહા મહેતા. નિસ્પૃહા એ કોઇ સામાન્ય છોકરી ન હતી, પણ શહેર આખાનું સૌંદર્ય એકમાત્ર નારીદેહમાં ભેગું કરીને પુરુષમાત્રની કતલ કરવા મેદાને પડેલી કાતીલ છરી હતી. જેવું રૂપ એવો જ કાતીલ મિજાજ.

‘આંધળો છે? દેખાતું નથી?’ નિસ્પૃહાએ કપડાં પરથી ધૂળ ખંખેરતાં જીભ ઉપરથી અગ્ન્યાસ્ત્ર છોડયું. જોકે એને ખાસ વાગ્યું ન હતું, પણ એનાં મોંઘા સલવાર-કમીઝ ઉપર ધૂળના ધબ્બા પડયા હતા અને રસ્તા પરનાં ખાબોચિયામાંથી થોડુંક ગંદુ પાણી છંટાયું હતું.

અકસ્માત વખતે થોડી ગરમા-ગરમી થાય એ માનવસહજ છે. પણ ‘આંધળો છે?’ એ સવાલ સાંભળીને યકીન પણ ઉશ્કેરાયો, ‘તું બહેરી છે? સંભળાતું નથી? મેં હોર્ન તો માર્યું હતું!’

નિસ્પૃહા જેવી રૂપસુંદરીને કોઇ બહેરી કહી જાય એ કેમ ચાલે? એણે પ્રેશર કુકરમાંથી વરાળ છોડતી હોય એવો સૂસવાટો માર્યો, ‘ગાડી તો હોન્ડા સિટી લઇને નીકળ્યો છે, અંદર ખાલી હોર્ન જ છે? બ્રેક નથી? કે પછી ગાડી ચલાવતાં નથી આવડતી?

‘એ… ઇ… ઇ..! ચાંપલી..! માઇન્ડ યોર લેન્ગ્વેજ..!’

‘ચાંપલી તારી મા! એક તો વળાંક પાસે ગાડી ધીમી નથી પાડતો! કોઇ બેકસૂરની સાથે અકસ્માત કરી બેસે છે અને ઉપરથી ગાળો બોલે છે?’

‘ગાળ?! ચાંપલી એ ગાળ કહેવાય?’

‘ના, ત્યારે વખાણ કહેવાય?’

જીભાજોડી વધી ગઇ. માણસોની ભીડ બંનેને ઝઘડતાં બંધ કરવાની કોશિશ કરતી હતી, પણ ભીડ એટલે તો ભાત-ભાત કે લોગ! કેટલાક લોકોની તો કોશિશ પણ એવી હોય કે લડાઇ શમવાને બદલે વધુ જામે!

એક જણે યકીનને શાંત પાડવાનો પ્રયાસ આદર્યો, ‘જુઓ, મિસ્ટર! વાંક તમારો છે, સોરી કહી દો એટલે વાર્તા પૂરી થાય.’

‘એની હું કયાં ના પાડું છું. બલકે હું તો સોરી બોલવા જ જતો હતો, પણ ત્યાં તો મે’મસાહેબે મને આંધળો કહી દીધો! હવે હું માફી નહીં માગું.’

એક આધેડ સ્ત્રીએ નિસ્પૃહાને ઠંડી પાડવાનો પ્રયત્ન કર્યો, ‘તુંયે શું, છોડી! આપણે રહ્યાં અસ્તરી જાત. જીભ ઉપર જરા કાબૂ રાખીએ. આપણે એક ગાળ બોલીશું, તો આ મરદજાત સો ગાળ દઇને ઉભા રહેશે અને તને કયાં કશેય વાગ્યું છે? છોડને છાલ…

‘માસી, મને ભલે વાગ્યું નથી, પણ હું મારી બેસ્ટ ફ્રેન્ડની સગાઇમાં જવા નીકળી હતી. કેટલી સરસ તૈયાર થઇ હતી! ખાસ આ પ્રસંગે પહેરવા માટે નવો ડ્રેસ સિવડાવ્યો હતો. આ બદમાશની બેદરકારીને કારણે મારા કપડાં ગંદા થઇ ગયા.’ નિસ્પૃહાનો અવાજ રડમસ થઇ ગયો.

બદમાશનું વિશેષણ સાંભળીને ઠંડી પડેલી યકીન નામની આગ ફરી પાછી ભડકો બની ગઇ, ‘બદમાશ તારો બાપ ને બદમાશ તારી મા!’ આટલું બોલીને એ ગાડીમાંથી નીચે ઉતરી પડયો, ‘તારાં કપડાં ઉપર બે-ચાર ડાઘા પડયા એમાં રોવા શું બેઠી છે? આ મારી બાર લાખની ગાડીમાં ગોબો પડી ગયો એનું શું?’

જૉ આટલું બોલીને એ અટકી ગયો હોત, તો વાંધો ન હતો. સમાધાન માટેનાં બારણાં ખુલ્લાં રહેત. પણ ક્રોધને કારણે અંધ બની ગયો હોવાથી એણે બકી માર્યું, ‘નુકસાનનો જ સવાલ છે ને? તો આપણે એક કામ કરીએ, મારી ગાડી તમે સરખી કરાવી આપો! અત્યારે ને અત્યારે! લો, આ ગાડીની ચાવી અને હું તમારો ડ્રેસ લોન્ડ્રીમાં ધોવડાવી આપું, કાઢી નાખો તમારાં કપડાં!’

હાહાકાર મચી ગયો. નેવું ટકા જેટલી ભીડ એકી ઝાટકે નિસ્પૃહા તરફ થઇ ગઇ. બે-ચાર જણાં તો યકીનને મેથીપાક જમાડવા તૈયાર થઇ ગયા, પણ બાકીના દસ ટકા જરા બુદ્ધિશાળી હતા. એમણે કાયદાનો માર્ગ ચીંઘ્યો, ‘બંને વાહનો જેમના તેમ પડી રહેવા દો. પોલીસને જાણ કરો. એકબીજાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દો.’

ફરિયાદ દાખલ થઇ ગઇ. વાહનોના વીમા હતા. વીમા કંપનીને જાણ કરી દેવામાં આવી. અકસ્માતના ફોટોગ્રાફસ પાડીને બંને ફરિયાદીઓને છૂટા કરવામાં આવ્યા, પણ ત્યાં સુધીમાં સાડા બાર વાગી ચૂકયા હતા.

‘બાપ રે! કેટલું મોડું થઇ ગયું! અશ્મિનાં ઘરે બધાં રાહ જોતાં બેઠાં હશે.’ એવું બબડતી નિસ્પૃહાએ એકિટવાને મારી મૂકયું. પાછાં ઘરે જઇને કપડાં બદલવા જેટલો સમય ન હતો. એની ગાઢ બહેનપણી અશ્મિની આજે એક વાગે સગાઇવિધિ થવાની હતી.

અશ્મિએ સવારથી જ નિસ્પૃહાને કહી દીધું હતું, ‘અગિયાર વાગ્યે તું આવી જજે. મોડા પડવાની તને બીમારી છે, પણ આજે મોડું ન કરીશ. તું હાજર નહીં હોય, તો સગાઇની વિધિ નહીં થઇ શકે.

ખરેખર વિધિ હજુ બાકી હતી. જોગાનુજોગ છોકરાના પક્ષવાળા પણ મોડા પડયા હતા.

અશ્મિનો મેકઅપ ઉતરી રહ્યો હતો. એની અકળામણનો પાર ન હતો, પણ નિસ્પૃહાને આવી પહોંચેલી જોઇને હાશ થઇ. પણ એની હાલત જોઇને અશ્મિને ફાળ પડી, ‘શું થયું તને? તારાં કપડાં કેમ ખરડાયેલાં છે?’

‘અકસ્માત થઇ ગયો.’

‘કોની સાથે?’

‘જવા દે ને! એક બદમાશે ગાડી અથડાવી દીધી.’ નિસ્પૃહાએ નફરત વ્યકત કરીને અકસ્માતની વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું.

અશ્મિએ સમાપન કર્યું, ‘આ બધા પૈસાદાર બાપના બગડેલા નબીરાઓ એવા જ હોય છે, વંઠેલા, બદમાશ અને બદમિજાજ. એમનાં મા-બાપો સંતાનોને સમૃદ્ધિ તો આપી દે છે, પણ સંસ્કાર નથી આપતાં.

વાતો કરતાં કરતાં નિસ્પૃહાએ પણ ચહેરા પર મેકઅપનો એક હાથ મારી લીધો અને અશ્મિને પણ નવેસરથી સજાવી દીધી.

આટલું પત્યું ત્યાં અશ્મિનાં મમ્મીએ દોડતાં આવીને સમાચાર આપ્યા, ‘લકુલેશકુમાર આવી ગયા.’ લકુલેશ એટલે મુરતિયો. અશ્મિનો ભાવિ પતિ. બંને પક્ષવાળાઓ ધનવાન હતા, એટલે પ્રસંગનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું. ઘરે ચાંલ્લાની વિધિ પતી જાય અને રૂપિયો અપાઇ જાય એ પછી બાજુના પાર્ટી પ્લોટમાં જમણવાર રાખવામાં આવ્યો હતો.

‘જલદી કરો! અશ્મિ, તું તૈયાર છે ને? નિસ્પૃહા, તારે બારણાંમાં ભાં રે’વાનું છે. મહેમાનોના સ્વાગત માટે…’ અશ્મિનાં મમ્મી રઘવાયાં બનીને સૂચના ઉપર સૂચના આપી રહ્યાં હતાં,’ કંકાવટી કયાં છે? ગુલાબના ફૂલોની છાબ કયાં ખોવાઇ ગઇ?’

શુભ પ્રસંગે કશુંયે ખોવાતું નથી હોતું, તો પણ કશુંય જડતું નથી હોતું. આખરે બધું જ મળી ગયું. એક પછી એક પંદર ગાડીઓમાં બેસીને પચાસેક મહેમાનો આવી પહોંરયા. કન્યાપક્ષે તો દોઢસો-બસો જેટલાં હતાં. કન્યાનાં મમ્મી જશુબહેને કામની વહેંચણી કરી દીધી, ‘લીના, તારે અશ્મિની જૉડે રહેવાનું છે, અહીં ઓરડામાં જ. વનિતા, તારે દરેકના કપાળે ચાંલ્લો કરવાનો છે. કેતકી બધાનું સ્વાગત ગુલાબના ફૂલથી કરશે અને નિસ્પૃહા, તારે આ મોટી ચાંદીની બોટલ વડે ગુલાબજળનો ફુવારો છાંટવાનો છે. ફાવશે ને?’

ફાવે જ ને? કેમ ન ફાવે? આજ કાલની કોમલાંગીઓને આવાં જ કામો ફાવે છે, ઘરનાં કપડાં-વાસણ કરવાનાં આવે ત્યારે જ તકલીફ પડે છે! તીન દેવીયાં બંગલાના પ્રવેશદ્વાર આગળ ભી રહી ગઇ. સૌથી પહેલા લકુલેશના પપ્પા આવ્યા. એમના સ્વાગત પછી લકુલેશનો વારો આવ્યો. વનિતાએ એના કપાળમાં ચાંલ્લો કર્યો, ચોખા ચોડયા, કેતકીએ એના હાથમાં ગુલાબનું ફૂલ પકડાવ્યું અને નિસ્પૃહાએ ગુલાબજળનું સ્પ્રે છાંટયું. વાતાવરણ મઘમઘી ઉઠયું.

એ જ ક્ષણે લકુલેશે એની પાછળ ઉભેલા એક યુવાનનો હાથ પકડીને મોખરે ખેંરયો, ‘મારી વહાલી સાળીજીઓ! આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. યકીન પટેલ. એ એટલો પૈસાદાર છે કે ધારે તો આખું શહેર ખરીદી લે! પણ એટલો સંસ્કારી છે કે પોતાના માટે માન-આદર પણ ખરીદતો નથી. એને જૉઇને કોઇ કહી ન શકે કે આ માણસ અબજૉપતિનો નબીરો હશે. મારી વિનંતી છે કે તમે જેવું સ્વાગત મારું કર્યું તેવું જ યકીનનું પણ કરશો.’

વનિતા અને કેતકીએ તો એમની ફરજ પૂરી કરી, પણ નિસ્પૃહાની દશા જોવા જેવી હતી. યકીનના શરીર ઉપર ગુલાબજળનો ફુવારો છાંટતાં એણે ધીમેથી બબડી દીધું, ‘વાહ રે કિસ્મત! જેણે આપણને ગાળો આપી હોય એને ગુલાબજળ છાંટવાનું? સજાને બદલે સ્વાગત કરવાનું?’

માત્ર નિસ્પૃહા જ સાંભળી શકે એટલા ધીમા અવાજે યકીને જવાબ આપ્યો, ‘આઇ એમ સોરી! એ વખતે સંજોગોના દબાણમાં મારાથી ખરાબ વર્તન થઇ ગયું. બાકી હું ખરેખર સંસ્કારી પુરુષ છું. અહીંથી છૂટયા પછી પહેલું કામ હું મારી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કરવાનો છું. તમે જે સજા કરશો તે મને મંજૂર હશે.’ નિસ્પૃહાએ આવેગમાં આવીને ગુલાબજળનું આખું પાત્ર યકીનના શરીર પર ખાલી કરી નાખ્યું. એક સગાઇ હજુ તો પતી નહોતી, ત્યાં બીજી પાક્કી થઇ ગઇ.

(શીર્ષક પંકિત: બાલુ પટેલ)

Advertisements

One Response

  1. mast story chhe.
    khub Gami.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: