સચ કે સિવા કુછ નહીં

પ્રેમ પારેખે શેકસપિયરનું પુસ્તક ટેબલ ઉપર મૂકયું. બે હાથ પહોળા કર્યા. પછી પાડો ગાંગરતો હોય એવો અવાજ કાઢીને એક મોટી સાઇઝનું બગાસું ખાધું. આ ત્રણેય ક્રિયાઓનો સામટો હેતુ એક જ હતો : ‘હવે કંટાળો આવે છે. ચા બનાવો!’ પણ એની સાથે એક ટેબલ ફરતે ગોઠવાઇને પરીક્ષાની તૈયારી કરતી બે છોકરીઓમાંથી કોઈ ઊઠે તો ને? જૉકે ભગવદ્ગીતાની ચોપડી ઉપર હાથ મૂકીને સત્ય જ બોલવાનું હોય (અને ‘સચ કે સિવા કુછ નહીં’) તો કહેવું જ રહ્યું કે પ્રેમનો ખરો ઇરાદો કંઇક જુદો જ હતો, કંટાળાને બહાને ચા નહીં, પણ ચાના બહાને મોટી મંજરીને સ્ટડીરૂમમાંથી ફૂટાડવાનો!પરીક્ષાઓ માથા પર ગાજતી હતી અને પાડોશમાં રહેતા મહેશ અંકલે ખાસ આગ્રહપૂર્વક પ્રેમની મમ્મીને કહ્યું હતું, ‘નીરૂબેન, તમારા પ્રેમને રાત આખી વાંચવાની ટેવ છે ને! તો એને અમારા બંગલે વાંચવા માટે મોકલજૉ. અમારી મંજરી અને નમિતા ઉજાગરો ખેંચી શકતાં નથી, પણ પ્રેમની સાથે-સાથે કદાચ એ બેયને પણ જાગવાની આદત પડે!’ નીરૂબહેનને શો વાંધો હોય? એ તો દીકરાની મા હતાં, અને પ્રેમને તો વાંધો હોય જ શેનો? નમણી નમિતાની એક આછી એવી ઝલક પામવા માટે તો એ આખો દિવસ તરફડિયા મારતો હતો! એને બદલે આખી રાત આ નમણાશના નેજા હેઠળ ગુજારવા મળે એને નસીબ નહીં તો બીજું શું કહેવાય?

પ્રેમ જુવાન હતો, પુરુષ હતો ને ઉપરથી પાછો કવિ હતો. ભલે એની કવિતા કાચી-પાકી હતી પણ એનો રોમેન્ટિક મિજાજ પાકો-પાકો જ હતો. આમ તો નામ હતું પ્રેમ પારેખ પણ મૂળ પાલનપુરનો વતની હોવાથી કવિતા લખે ત્યારે નામ કરી નાખેલું : પ્રેમ પાલનપુરી.

બીજા જ દિવસથી પ્રેમ પાલનપુરીની રાત્રિ ચર્યાઓ શરૂ થઈ ગઈ. નાહી-ધોઈને નાઇટ ડ્રેસ ધારણ કરીને ઉપર અત્તરનો મઘમઘાટ છાંટીને કવિરાજ એમની કલ્પનામૂર્તિના સરનામે પહોંચી ગયા. રાતના દસ વાગ્યે વાંચવા માટે ગોઠવાઈ ગયા પણ ખુરશીમાં ખડકાયા ત્યારે ખબર પડી કે અહીં તો ગુલાબની સાથે વાગે એવો કાંટો પણ મૌજૂદ છે! એક ચોરસ ટેબલ. એની ફરતે ત્રણ બાજુ પર ત્રણ ખુરશીઓ. ટેબલ અલબત્ત નાનું હતું. સરખી રીતે અને શિસ્તબદ્ધ ન બેસીએ તો એકબીજાના પગ અથડાય એટલું નાનું પણ પ્રેમ પારેખ માટે આ બાબત સગવડભરેલી હતી, અગવડભરી નહીં.

‘નમિતા, તું તો સાયન્સમાં ભણે છે ને? વાંચવાનું ખૂબ રહેતું હશે, નહીં?’ પ્રેમ પારેખે વાત ગુલાબની સાથે આરંભી પણ ઝીલી લીધી કાંટાએ. નમિતા કંઈ જવાબ આપે એ પહેલાં જ એની મોટી બહેન મંજરી બોલી ઊઠી, ‘હોય જ ને! એને કંઈ આપણી જેવું થોડું છે? હું કોમર્સમાં અને તું આટ્ર્સમાં. તારું તો વળી ભણવાનું ગણાય જ નહીં. આટ્ર્સવાળાઓ તો એક અઠવાડિયું મહેનત કરે તો ય ‘પાસ કલાસ’ લઈ આવે!’

પ્રેમને ખીજ તો એવી ચડી ગઈ આ સાંભળીને! આ દાંતળી શું સમજતી હશે એના મનમાં? અને શું જૉઇને એ બે જણાની વાતમાં વરચે કૂદી પડતી હશે? પોતાનું મોં જૉઈ લેતી હોય તો અરીસામાં! મોં તો નમિતાનું કહેવાય! અ…હા…હા…હા..! એકસામટા લાખ-લાખ ગુલાબો ચૂંટીને, એને ઝાકળમાં ધોઇને, પછી એમને નમણાશના ટાંકા મારી-મારીને નારીનો આકાર આપી દીધો હોય એવી નમિતા! અને આ તાડના ત્રીજા ભાગ જેવી, અશ્વમુખી બોલે ત્યારે બોલે છે કે હણહણે છે એની ખબર ન પડે એવી, ઉપલા ચાર દાંત આગળ નીકળી ગયેલા મોં વાળી, કદરૂપી મંજરી! કોણ કહી શકે કે આ બેય સગી બહેનો હોઈ શકે?

ચાર-પાંચ દિવસ તો પ્રેમ પારેખે વાતચીતમાં અને પરિચયનો પાયો ઊભો કરવામાં ગાળી નાખ્યા. પણ એની પાસે સમય પરચૂરણ જેટલો ઓછો હતો. માંડ એકાદ અઠવાડિયું. પછી તો પરીક્ષા. એય પાછી છેલ્લા વર્ષની વાર્ષિક પરીક્ષા. પછી તો નમિતાનું દિવસ-દર્શન પણ દુર્લભ થઈ જવાનું, રાત્રિદર્શનની તો વાત જ કયાં રહી! જે કંઈ કરવું ઘટે એ અબઘડી જ કરવું પડે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. પ્રેમ પારેખ કાલને બદલે આજ ઉપર આવી ગયા અને આજ ઉપરથી અબ ઉપર! ટેબલ નીચેથી એક ટાંટિયો લાંબો કર્યો. આંખો ખોડી રાખી શેકસપિયરના ‘ઓથેલો’માં. પગ વહેતો મેલ્યો પરીની દિશામાં. સરનામું જડી ગયું. ટેબલ નાનું હતું ને ખુરશીઓ નજીક-નજીક હતી એ બાબત અત્યારે કામ લાગી. સુંવાળી-સુંવાળી ચામડી ને પોચો-પોચો પગ. પ્રેમ પારેખે ક્ષણનાયે હિચકિચાટ વગર રૂપસુંદરીનો પગ દબાવી દીધો. છાશ લેવા જવું ને દોણી શું સંતાડવી! આકસ્મિકપણે પગ અડી ગયો એવા કશા જ ઢોંગ વગર બાકાયદા, નગારાની ચોટ પર નમિતાના પગ ઉપર એણે પોતાના પગનો પંજૉ દબાવી દીધો. જાણે ચામડીએ ચામડીને કહી દીધું, ‘આઈ લવ યુ! બોલ, તારો શો વિચાર છે?’

પછી તીરછી આંખે પ્રેમ પારેખે નમિતાના ચહેરા તરફ જૉઈ લીધું. એ બાપડી શું કરી શકે? પગ તો એવો દબાયેલો હતો કે સામે પગ દ્વારા એ કશો ઉત્તર દઈ ન શકે, અને બોલીને જવાબ દેવા જાય તો… તો સામે જ મોટી બહેન મંજરી બેઠી હતી. ‘ઊફફ! આ મંજરીને અહીંથી ફુટાડવી પડશે!’ એવું મનોમન બબડીને પ્રેમ પારેખે પેંતરાબાજી શરૂ કરી. પહેલા તો હાથમાં હતી એ ચોપડી ટેબલ પર ઊંધી વાળી, પછી બે હાથ પહોળા કરીને ભેંસ ભાંભરતી હોય એવું બગાસું ખાધું અને પછી…! ના, આટલાથી કામ ન પત્યું. એણે છેવટે બોલવું જ પડયું, ‘નમિતા, બાર વાગ્યા. મને તો આ સમયે ચા પીવાની આદત છે. પછી બે વાગ્યે પણ અને પછી છેક ચાર વાગ્યે. ત્રણ વાર ચા પીવા મળે તો જ આખી રાત જાગી શકાય.’ ભારે થઈ! પ્રેમના મનમાં એમ કે એની ફરમાઇશ સાંભળીને પેલી કોમર્સવાળી કદરૂપી મંજરી ઊભી થઇને કિચનમાં દોડી જશે. આમેય તે એને વચમાં કૂદી પડવાની ટેવ તો છે જ! પણ આ વખતે ઊંધું થયું.

મંજરીને બદલે નમિતા ઊભી થઈ ગઈ, ‘લાવો, હું ચા બનાવી લાવું. કેવી ચા ફાવશે તમને? કમ શક્કર? કે પછી..?’ હાય રે હાય! મરી જાઉં તારી આ સવાલ પૂછવાની અદા પર! અરે, તારી આંગળીઓનો સ્પર્શ પામેલી ચામાં ખાંડ સાવ જ ન હોય તો પણ કયાં એ મોળી લાગવાની છે? મારી મીઠડી, તું ઊઠીને મીઠાશનું માપ પૂછી રહી છે?

પરીક્ષા પૂરી પણ થઈ ગઈ અને પરિણામો પણ આવી ગયાં. પ્રેમ, નમિતા અને મંજરી ત્રણેય જણા પાસ થઈ ગયાં. પ્રેમ પારેખે તો બેય મોરચે ભારે પરસેવો પાડી બતાવ્યો. વગર બોલ્યે, હોઠનું કામ પગ દ્વારા કરી બતાવ્યું. ભલે નમિતા કશું બોલી શકી નહીં. મંજરીની આડખીલી નડી ગઈ એટલે. બાકી બેય જણાની વરચે બધી ચોખવટ થઈ ગઈ એમ જ કહેવાય. હવે તો કયારે નમિતા એના પપ્પાને વાત કરે અને કયારે મહેશ અંકલ પોતાની મમ્મીને બોલાવે એની જ વાટ જૉવાતી હતી.

અને એક સવારે મહેશ અંકલે ખરેખર નીરૂબહેનને બોલાવીને વાત મૂકી જ દીધી. નીરૂબહેને પણ ત્યાં ને ત્યાં જ માગું વધાવી લીધું, ‘મારા તરફથી તો હા જ સમજૉ! બસ, એક વાર મારા પ્રેમને પૂછી લઉં.’ કહીને એ ઘરે આવ્યાં. દીકરાને સમજાવવા બેઠાં. નવલકથાની જેમ લાંબા પને માંડણી કરી, ‘જૉ બેટા! તારા પપ્પા હયાત નથી. આપણું ઘર પૈસે-ટકે નબળું ગણાય. મહેશભાઈ બહુ પૈસાદાર. આટલાં વર્ષ ટાણે-કટાણે આપણને મદદ કરી છે. આ તો તું એમના ઘરે વાંચવા માટે ગયો ને એમની લાડલી સાથે દિલ ટકરાઈ ગયું એટલે સામે ચાલીને આવ્યા છે. બાકી એમની દીકરી માટે તો રાજકુંવરો લાઇનમાં ઊભા છે!’

‘મમ્મી, હું સમજું છું. તું હા પાડી આવી ને? બસ, તારો જવાબ એ મારો જવાબ!’ પછી મનમાં ફૂટતી ધાણીને મનમાં જ સંતાડીને એણે મમ્મીને જણાવી દીધું, ‘તું કહે છે એટલે હું પરણવા તૈયાર છું, બાકી મારા માટેય રાજકુંવરીઓ લાઇન લગાવીને ઊભી છે!’ માએ દીકરાના ગાલે ટપલી મારી. દીકરો મમ્મીને વળગી પડયો. જેનો અંત સારો એનું બધું જ સારું! સગાઈ શ્રીફળને બદલે શબ્દની આપ-લેમાં પતી ગઈ.

પણ ના, હજી અંત બાકી હતો, એ બીજા દિવસની સાંજે આવ્યો. પ્રેમ પારેખ બની-ઠનીને એની નવી-નવેલી વાગ્દત્તા સાથે ફરવા માટે ઊપડયો. જયાં એ મહેશભાઈના બંગલે પહોંરયો, ત્યાં પથ્થર બની ગયો. બંગલાના ઝાંપા પાસે નમણી નમિતાને બદલે કદરૂપી મંજરી સાડી પહેરીને ઊભી હતી. પ્રેમ લગભગ એને જૉઇને બેહોશ થઈ ગયો. ઝાંપાનો ટેકો લઇને આટલું તો એ માંડ બોલી શકયો, ‘હું તમને નહીં પણ નમિતાને…! લાગે છે કે તમારા પપ્પાની કંઇક ગેરસમજ થઈ લાગે છે!’

મંજરી ઘોડીની જેમ હણહણી, ‘ગેરસમજ પપ્પાની નહીં, પણ તમારી થઈ હોય એવું લાગે છે. તમે જૉ નમિતાને ચાહતા હતા તો પછી પગ મારા પગ સાથે શેના અથડાવતા હતા? હવે તો પડયું પાનું નિભાવી લીધે જ છૂટકો છે!’ શીર્ષક પંકિત : બાલુ પટેલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: