દૂરથી જો આપને નીરખ્યા ઉપરછલ્લા સજનવા, નાસિકા પર રાતરાણીના થયા હલ્લા સજનવા

વીસ વર્ષનો પ્રાંશુ અઢાર વર્ષની પૂર્વજાના પ્રેમમાં પડી ગયો. ન કોઇ વાત, ન કશી પૂછતાછ. બસ, પ્રાંશુની આંખોએ પહેલી મુલાકાતમાં જ એક મોરપીરછ જેવો રંગીન, મુલાયમ અને સુંવાળો સવાલ પૂછી નાખ્યો અને પૂર્વજાની પાંપણોએ જરાક અદબ સાથે ઝૂકીને નજાકતભર્યોઉત્તર પાઠવી દીધો.અમદાવાદનો પ્રાંશુ વેકેશનની રજાઓમાં મામાના ઘરે વડોદરા ગયો હતો, ત્યાં પડોશીની છોકરી સાથે ‘લવ ગેમ’ રમી બેઠો. સવારના પહોરમાં એ નાહી-ધોઇને ભીનો ટુવાલ દોરી ઉપર નાખવા માટે બાલ્કનીમાં ગયો, ત્યાં જ એની નજર સામેના ઘરની બાલ્કની ઉપર પડી. પૂર્વજા પણ સ્નાન પતાવીને એના ખુલ્લા-ભીના કેશ સૂકવવા માટે સૂરજના કુમળા તડકામાં ભી હતી. પ્રાંશુને તો એના શેમ્પૂ કરેલા વાળની સુગંધ પણ આવવા માંડી.

‘યાદ રાખીશ ને? કે પછી અમદાવાદ જઇને મને ભૂલી જઇશ?’ ચાર દિવસની ચાંદની પૂરી થયા પછી જયારે છૂટાં પડવાનો સમય આવ્યો, ત્યારે પૂર્વજાએ પૂછી લીધું.

‘તને ભૂલી જાય તે જગતને યાદ રાખીને શું કરે? હું આવીશ તને લેવા માટે. અને હું એકલો નહીં આવું જાન, જાનૈયા અને વરઘોડા સાથે આવીશ. તારા પપ્પા ના પાડશે તો ખભે ઉંચકીને લઇ જઇશ!’ પ્રાંશુ એની વાતમાં, એના બોલાયેલા એક-એક શબ્દમાં ગંભીર હતો.

અને પૂર્વજા ખિલખિલ કરતી હસી રહી હતી,‘ એ બધું તો ભવિષ્યમાં જોયું જશે, પણ અહીંથી ગયા પછી ફોન તો કરજે. સાવ રાજા દુષ્યંત જેવું ના કરીશ. સામે કયાંક ભટકાઇ જઉં તો ઓળખે પણ નહીં!’

તરત જ પ્રાંશુએ ગળામાં ધારણ કરેલો કાળો હીરો કાઢીને પૂર્વજાને આપી દીધો, ‘લે, આ પહેરી લે!’

‘આ શું છે?’ પૂર્વજાએ પહેલાં પ્રાંશુની આજ્ઞા માની, પછી પ્રશ્ન કર્યો.

‘સાંઇબાબાના ફોટાવાળું તાવીજ છે. મારા પપ્પા ખૂબ મોટા સાંઇભકત છે. અમારા કુટુંબમાં દરેક સભ્ય કાયમ આવું તાવીજ ધારણ કરીને જ ફરે છે.’

‘તો પછી આ તારું તાવીજ તેં મને શા માટે..?’

‘દુષ્યંત રાજાએ શકુંતલાને વીંટી આપેલી ને! મેં મારી શકુંતલાને આ તાવીજ આપ્યું. કયારેક ભૂલી જાઉં, તો યાદ આવી જાય એ માટે!’ અને બીજે દિવસે તો પ્રાંશુ અમદાવાદ ચાલ્યો ગયો.

પ્રાંશુના પપ્પા જશવંતલાલ ધાર્મિક વૃત્તિના પરંતુ પૂર્ણપણે પરંપરાના માણસ હતા. એમના મનના મકાનની ચારેય દીવાલો જરીપુરાણા વિચારોની બનેલી હતી. એમાં નવા, આધુનિક વિચારોની એક પણ બારી જશુભાઇએ બેસાડી ન હતી.

બે દિવસમાં જ એમણે દીકરાના વર્તનમાંથી પ્રેમની સુગંધ પારખી લીધી. ત્રીજા દિવસની સવારે તો પત્નીને એમણે સૂચના પણ આપી દીધી ‘હું જરા બહાર જઉં છું. આપણા પાટવીકુંવર પર નજર રાખજો! મને એના લક્ષણ સારા નથી લાગી રહ્યાં!’

કંચનબહેન છેડાઇ બેઠાં, ‘તમને શું ખોટ વરતાઇ ગઇ મારા દીકરામાં? હજુ હમણાં તો આવ્યો છે મારા ભાઇના ઘરેથી.’

‘હા, પણ આખેઆખો ‘વન પીસ’ પાછો નથી આવ્યો!’ જશુભાઇ તાડૂકયા, ‘હૃદય કયાંક મૂકીને આવ્યો છે. એ ભલે કશું ન બોલે, પણ એના ચકળ-વકળ ડોળા, દેવદાસ જેવું ડાચું અને ચોળાયેલાં કપડાં ચાડી ફૂંકી દે છે કે એના દિમાગની અંદર શું ચાલી રહ્યું છે. એના માથાના વાળ જોયા? અડતાલીસ કલાકથી એમાં કાંસકો નથી ફર્યો. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પેલા સાયમંડ્ઝ જેવા તો વાળ થઇ ગયા છે! સાવ વાંદરો લાગે છે વાંદરો!’

‘ખબરદાર! જો મારા દીકરાને વાંદરો કહ્યો છે તો!’

‘તો તું શું કરી લઇશ? આઇ.સી.સી. પાસે ફરિયાદ કરવા પહોંચી જઇશ?’

‘સારું, એમાં આટલા બધા ગુસ્સે શેના થાવ છો! હું પ્રાંશુ પર નજર રાખીશ, બસ?’

કંચનબહેન કોન્સ્ટેબલ બનીને પ્રાંશુની પ્રત્યેક હિલચાલનો પીછો કરવા માંડયાં. પ્રાંશુની હાલત બગડી ગઇ. પૂર્વજાને ફોન કરવા માટે જેટલીવાર એણે રિસીવર ઉઠાવ્યું, એટલી વાર કંચનબહેન એની બાજુમાં આવીને સોફામાં બેસી ગયાં. પ્રાંશુ પેરેલલ લાઇન પરથી ફોન કરવા માટે બેડરૂમમાં ગયો, તો કંચનબહેન પણ એની પાછળ પાછળ! ત્યાં જઇને ધોયેલાં, સૂકાયેલાં કપડાંને વાળવા બેસી ગયાં.

સાંજે જશુભાઇ પાછા આવ્યા, એટલે કંચનબહેને આખા દિવસનો અહેવાલ એવી ઝીણવટ સાથે કહી સંભળાવ્યો જે રીતે કોઇ જાસૂસ સી.બી.આઇ.ના વડાને પોતાનો રિપોર્ટ સોંપી રહ્યો હોય!

બીજે દિવસે તો પ્રાંશુ મરણિયો બનીને પપ્પા ઘરમાં હાજર હતા, તો પણ પૂર્વજાને ટેલિફોન કરવા માટે ધસી ગયો. પણ ડબલા પાસે જઇને જોયું તો ફોન પર લોક લગાવેલું હતું!

‘પપ્પા, આ શું છે?’

‘બેટા, આજકાલ ટેલિફોનના બિલો વધી રહ્યાં છે, એટલે મેં આઉટ ગોઇંગ કોલ્સ ઉપર કાપ મૂકયો છે. તારે કોઇ અગત્યની વાત કરવી હોય તો કહી નાખ, નંબર હું જૉડી આપું!’ જશવંતલાલ દાઢમાં બોલી ગયા.

‘તો મને મોબાઇલ ફોન લઇ આપો!’ પ્રાંશુ જીવ ઉપર આવી ગયો.

‘પહેલાં તમે મોબાઇલ થાવ, કુંવર, પછી મોબાઇલ ફોન લેવાની વાત કરજૉ! હજુ તો કોલેજ હમણાં પૂરી કરી છે, કમાણી શરૂ થઇ નથી, ત્યાં ખર્ચા શરૂ કરી દેવા છે!’

‘પૂર્વજા..! પૂર્વજા..! પૂર્વજા..!’ પ્રાંશુ બબડી રહ્યો, મેં તને વચન આપ્યું છે કે હું તને ભૂલી નહીં જઉં. રોજ તને યાદ કરીશ. તારી સાથે રોજ વાત કરીશ. પણ શું કરું? મારા પપ્પા જશુભાઇને બદલે જાલીમ બની ગયા છે. મને લાગે છે કે મારાથી તને ટેલિફોન નહીં થઇ શકે. મારે તને પ્રેમપત્ર જ લખવો પડશે. હા, પ્રેમપત્ર. આજે રાત્રે વાત…’

દિવસભર પૂર્વજાની યાદ આષાઢની આંધી બનીને વાતી રહી. પ્રાંશુ રાત પડવાની પ્રતીક્ષા કરતો રહ્યો. રાતે બાર વાગ્યે પપ્પા-મમ્મી ઘી ગયા છે એની ખાતરી કર્યા પછી એ પોતાના રીડિંગરૂમમાં પૂર્વજાને પત્ર લખવા બેઠો. સંબોધનમાં માત્ર ‘મારી પ્રિયા’ એટલું જ લખ્યું. પૂર્વજાનું નામ ન લખ્યું. રખેને પત્ર કોઇ બીજાના હાથમાં જઇ ચડે તો? અલંકારિક ભાષા અને ભીના-ભીના શબ્દોને મધમીઠી ચાસણીમાં ઝબોળીને એણે કાગળ ઉપર ઉતાર્યા. પ્રેમપત્ર પૂરો કરીને ડાયરીમાં છુપાવીને પ્રાંશુ પથારીમાં પડયો. તરત જ ઘ આવી ગઇ. સપનામાં પૂર્વજા પણ આવી ગઇ.

સવારે જાગીને એણે બ્રશ કર્યું, ચા-નાસ્તો પતાવ્યો. પછી કપડાં બદલીને બહાર જવા માટે નીકળ્યો. પૂર્વજાને લખેલો લવલેટર પોસ્ટ કરવાનો હતો ને! પણ જયાં ડાયરી ઉઘાડી, તો પ્રેમપત્ર ગાયબ હતો! એને બદલે એક કાગળમાં લખાણ વાંચવા મળ્યું, ‘કુંવર, મને શંકા હતી જ કે મેં તમને ફોન કરવા નથી દીધો એટલે તમે આવું કશુંક ગાંડપણ કરશો જ. તમારી પ્રેમિકા કોણ છે અને કયાં છે એની તો મને જાણ નથી, પણ એટલી જાણ છે કે તમે લખેલો લવલેટર કયાં છે? બેટમજી, પત્રને શોધવાના ફાંફાં ન મારશો. લી. તારો બાપ.’

પ્રાંશુએ ધમાલ કરી મૂકી. પગ પછાડયા, ઘાંટાઓ પાડયા પણ એના પપ્પા પાસે કશુંયે ન ચાલ્યું. જસુભાઇએ ચોખ્ખું સંભળાવી દીધું, ‘આ બધી લફરાંબાજી મારા ઘરમાં નહીં ચાલે. હું તારા માટે છોકરી શોધી કાઢું છું. પંદર દા’ડામાં લગ્ન! મારે આ પ્રેમ-બેમની માથાકૂટ ન જોઇએ.

પ્રાંશુએ ઘણી બધી દલીલો કરી, ઘર છોડીને નાસી જવાની ધમકી આપી, કંચનબહેને ખાવાનું બંધ કર્યું, પણ જશવંતલાલ નમતું જૉખવાના મૂડમાં ન હતા.

છેવટે કંચનબહેને પ્રાંશુની આગળ પાલવ પાથર્યો, ‘દીકરા, માની જા! તારા પપ્પા જીદ્દી છે. એ જે છોકરી શોધી લાવે એની સાથે…’

‘ભલે, હું એ છોકરીની સાથે પરણી તો જઇશ, મમ્મી! પણ બીજે જ દિવસે હું બાવો બનીને ઘર છોડી દઇશ. આ મારી પ્રતિજ્ઞા છે.’ દીકરાએ ધમકી ઉરચારી.

જશુભાઇ ગાડી અને ડ્રાઇવર લઇને નીકળી પડયા. ચૌદ દિવસની અંદર અઠ્ઠાવીસ ગામ ફરી વળ્યા. જયાં-જયાં એમની ન્યાતનાં બે-પાંચ ઘરો પણ હતાં, એ તમામ જગ્યાએ જઇ આવ્યા. આખરે છોકરી પસંદ કરી લાવ્યા. પંદરમા દિવસે તો કન્યાપક્ષવાળાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપી આવ્યા.

‘કન્યા વડોદરાની છે.’ જશુભાઇ દીકરો સાંભળે તેમ પત્નીને કહી રહ્યાં, ‘તારા ભાઇના ઘરની સામે જ રહે છે. છોકરી રૂપાળી છે. આંધળાને પણ ગમી જાય તેવી! પાછી ધાર્મિક પણ ખરી! મેં તો એની ડોકમાં સાંઇબાબાના ફોટાવાળું તાવીજ જોયું એની સાથે જ એને પસંદ કરી લીધી. આપણો કુંવર માને કે ભલે ન માને, પણ આ ઘરની કૂળવધુ તો એ જ બનશે.’

‘પણ કન્યાનું નામ શું છે?’ કંચનબહેને સાસુસહજ સવાલ પૂછ્યો.

‘નામ ને? નામ..! નામ તો હું ભૂલી ગયો! બહુ સુંદર નામ છે… કન્યાના જેવું જ, પણ યાદ નથી આવતું. ‘પ’ ઉપરથી જ છે, પણ…’

પ્રાંશુની જીભ તડપી રહી હતી અને હોઠ ફફડતા હતા. સ્વરપેટીમાંથી વિશ્વનું સૌથી અધિક પ્રિય નામ ફૂટી રહ્યું હતું: પૂર્વજા… પૂર્વજા… પૂર્વજા..! પણ શું કરે? જાલીમ જશુભાઇ કયાં એનું સાંભળે એવા હતા!

One Response

Leave a comment