ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું

રશ્મિકાનું શારીરિક ‘ચેકઅપ’ પૂરું કરીને દવાનું પ્રિસ્ક્રિપ્શન એના હાથમાં મૂકયું. બદલામાં એણે સવાલ પૂછ્યો, ‘કેટલા રૂપિયા આપવાના? તમારી ફીના?’ મેં ફી જણાવી, એટલે એણે એના પતિ રવિ સામે જોયું. રવિ તરત ભો થઇને મારા કન્સિલ્ટંગ રૂમની બહાર નીકળ્યો, એના પપ્પાને બોલાવીને પાછો આવ્યો, એના આધેડ વયના પિતાએ ઝભ્ભામાંથી પાકીટ કાઢયું, ‘પાકીટમાંથી રૂપિયા કાઢયા અને મોંઢામાંથી શબ્દો કાઢયા, ‘લો, સાહેબ, આ તમારી ફી! મારું નામ મધુભાઇ. આઇ એમ એ સેલ્ફ-મેડ મેન. હું મારી મહેનતથી, આપકમાઇથી આગળ આવેલો માણસ છું, એટલે પૈસાની કિંમત જાણું છું. માટે જ નાણાંનો વહેવાર મારા હાથમાં રાખું છું.’મને રસ પડયો. મધુભાઇ ચીલાચાલુ કરતાં જુદા પડતા માણસ લાગ્યા. જે ખુમારીથી તેઓ કહી રહ્યા હતા કે ‘આઇ એમ એ સેલ્ફ-મેડ મેન’ એવી ખુમારી તો કદાચ ધીરુભાઇમાં પણ નહીં હોય અને હશે તો એમણે બતાવી નહીં હોય! મધુભાઇ એ બાબતમાં મુરખ લાગ્યા.

આ એમની સાથેની મારી પ્રથમ મુલાકાત. પછી તો વારંવાર મારે એમને મળવાનું થતું રહ્યું. રવિ એમનો દીકરો. એકવીસ વર્ષે પરણાવી દીધેલો. હજુ કમાતો પણ થયો નહોતો એટલે અઢાર વર્ષની પુત્રવધૂ જયારે ‘પ્રેગ્નન્ટ’ થઇ ત્યારે દીકરો-વહુ આવે એમની સાથે મધુભાઇ પણ અચૂક આવે જ.ધીમે ધીમે મને સમજાતું ગયું. મધુભાઇ દર વખતે ‘હું જાતમહેનતથી આગળ આવેલો માણસ છું’ એમ બોલ્યા કરતા હતા. એમાં પચાસ ટકા જેટલી ખુમારી હતી, તો બાકીના પચાસ ટકાનું દર્દ હતું. મુલાકાતો વધતી ગઇ, પરિચય પણ વધતો રહ્યો. દર વખતે રશ્મિકા માટે હંુ પંદર મિનિટ ફાળવું અને મધુભાઇ માટે વીસ. ‘મારા ફાધરે એમની તમામ સ્થાવર-જંગમ સંપત્તિ નાનાને આપી દીધી.’ નાનો એટલે મધુભાઇનો નાનો ભાઇ. જગદીશ એનું નામ, જગો ફાધરને વધારે વહાલો. એ ખાસ ભણ્યો પણ નહીં અને કમાયો પણ નહીં. ફાધરને ખબર કે આ મધુડો ભોંય ફાડીને પાણી કાઢે એવો છે, એટલે એમણે બધું જ જગાના નામે કરી દીધું. મારે પહેરેલે કપડે ઘરમાંથી નીકળી જવું પડયું. ’ ‘એમ? તો પછી તમે?’ ‘બહુ હેરાન થયો. ખૂબ સંઘર્ષ કરવો પડયો. કેમિકલ એન્જિનિયરિંગનું ભણતાં-ભણતાં મારે પાટર્ટાઇમ નોકરીઓ કરવી પડી. ખાનગી ટયૂશનો કયાô. મારાં લગ્નનો ખર્ચોપણ મેં જ કાઢેલો. ડિગ્રી મળ્યા પછી પણ શું હતું? બારસો રૂપરડીમાં ફેકટરીની નોકરી કરી. સવારના આઠથી રાતના દસ વાગ્યા સુધીની મજૂરી. આખી ફેકટરી હું જ ચલાવું. શેિઠયો તો ફર્યા કરે.’ આ બધી વાતો એક જ મુલાકાતાની નથી, ટુકડે-ટુકડે ઢીલી ચકલીવાળા નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંઓની જેમ ક્રમશ: કે હપતે-હપતે સાંભળેલી વાતો આ બધી. ‘પીવાનું પાણી મળશે, સાહેબ! જરા તરસ લાગી છે.’ મધુભાઇનું ગળું સુકાય એટલે તેઓ પાણી માગે. હું ઘંટડી મારીને આયાને બોલાવું, પાણીનો ગ્લાસ મગાવી આપું.

‘ફાધર સાથે કોઇ નાતો જ ન રહ્યો. જાણે હું એમનો દીકરો નહીં અને એ મારા બાપ નહીં! છેક હમણાં સુધી એ હયાત હતા, પણ હું કયારેય એમને મળવા સરખોય નથી ગયો. આ બધું સામ્રાજય મેં એકલા હાથે ભું કર્યું છે. આઇ એમ સેલ્ફ-મેડ મેન. ડોકટરસાહેબ, એક ગ્લાસ પાણી મળી શકશે? તરસ લાગી છે.’

મેં ફરીથી ઘંટડી વગાડી. લીલાબહેન દોડી આવ્યાં. મેં સૂચના આપી, જવાબમાં એ પાણી આપી ગયાં. ‘ફાધર હવે આ દુનિયામાં નથી?’ મેં પૂછ્યું. ‘ના, છ મહિના પહેલાં જ મરી ગયા.’

મધુભાઇએ ધાર્યું હોત તો ‘મૃત્યુ પામ્યા’ કે ‘દેવલોક સિધાવ્યા’ કે ઇવન ‘ચાલ્યા ગયા’ જેવા શબ્દો બોલી શકયા હોત. પિતાના અવસાન માટે એમણે ‘મરી ગયા’ એમ કહ્યું એ મારા કાનને ખૂંરયું, પણ તરત મેં સમાધાન મેળવી લીધું- જે પિતાએ એક દીકરાને આટલો બધો અન્યાય કર્યોહોય એ દીકરાના શબ્દ કોશમાં પિતા પ્રત્યે કેટલો સદ્ભાવ બરયો હોય! ‘તમે માનશો, સાહેબ! મને એમણે એક નાની ખીલી પણ આપી હોત ને, તો હું એને સોનાની લગડી સમજીને સ્વીકારી લેત. બાપાએ આટલું તો આપ્યું! પણ કંઇ કહેતાં કંઇ જ ના આપ્યું! તમે માનશો, સાહેબ? ફાધર મરી ગયા, ત્યારે હું તો ખરખરે પણ નહોતો ગયો. એમના શબને કાંધ પણ મેં ન આપી. સાહેબ, જરા પાણી મળી શકશે? પીવા માટે!’

‘મધુભાઇ, આ તમે સારું ન કર્યું! તમારે નનામીને કાંધ તો આપવી જોઇતી હતી. તમારા ફાધર આખરે તમારા બાપ હતા!’ ‘અરે, શાના બાપ? મારું ચાલે તો મારા નામની પાછળ પણ એમનું નામ ન લખાવું. વારસામાં દીકરાને રાતી પાઇ પણ ન આપે એના નામને બચકાં ભરવાનાં? સાહેબ, પાણી મળી શકશે, એક ગ્લાસ?’

આ પાણીની ફરમાઇસ એ પણ ટુકડે-ટુકડે થયા કરે, દર પંદર-વીસ મિનિટના અંતરે. મને લાગ્યું કે મધુભાઇ પાસે એક નહીં, પણ બબ્બે તકિયાકલામો છે, ‘હું જાત-મહેનતે આગળ આવેલો માણસ છું, મારા બાપે મને કશુંય આપ્યું નથી’ એવું વારંવાર જાહેર કરવાનો અને બીજો, વારંવાર પાણી માગવાનો. એક વાર મેં એમને ટોકયા, ‘મધુભાઇ, તમે સામાન્ય માણસ કરતાં પાણી વધારે વાર પીઓ છો, કેમ?’ ‘હા, સાહેબ, ખાસ કરીને જયારે મારાથી વધારે પડતું ખવાઇ ગયું હોય, ત્યારે તો પાણી પણ વારંવાર પીવું પડે છે. હું વિચારમાં પડી ગયો, ‘મધુભાઇ, મને વહેમ પડે છે. તમે મારી સલાહ માનશો?’ ‘કયારેય ફાધરની સલાહ નથી માની, પણ તમારી માનીશ.’‘તમારું બ્લડ-સુગર ચેક કરાવી લો. ‘મેં એક સારી લેબોરેટરી ઉપર ભલામણચિઠ્ઠી લખી આપી. મધુભાઇ ગયા, અલબત્ત, એક ગ્લાસ પાણી ગટગટાવીને પછી જ. બીજા દિવસે રિપોર્ટ લઇને પાછા આવ્યા. રિપોર્ટ વાંચીને મારી આંખમાં ચમક આવી ગઇ, ‘મારી શંકા સાચી પડી, મધુભાઇ! તમને ડાયાબિટીસ છે.’ ‘હેં?’ ડાયાબિટીસ? મને? મને આ રોગ થાય જ કેમ? હું તો આખો દિવસ આટલી દોડધામ કરું છંુ. પગ વાળીને બેસતો નથી. ’

‘તમે ભૂલો છો, મધુભાઇ. ડાયાબિટીસ માત્ર બેઠાડું માણસોનેે જ થાય છે એવું કોણે કહ્યું? આ રોગ થવાનાં ઘણાં બધાં પરિબળો છે. વધારે પડતો તણાવ પણ ડાયાબિટીસને નોતરી શકે છે.’ ‘એ તદ્દન સાચું, સાહેબ! ફાધરને કારણે મેં તો આખી જિંદગી સંઘર્ષ અને તણાવમાં જ વિતાવી છે.’ મધુભાઇ વિચારમાં પડી ગયા. ‘એક નાનો સવાલ પૂછી લઉં? તમારા પિતાને ડાયાબિટીસ હતો ખરો?’ ‘હતો ને! એમને તો બ્લડ સુગર બહુ ચું રહેતું હતું, પણ એની સાથે મારે શી લેવાદેવા?’ ‘લેવાદેવા છે, મધુભાઇ! ડાયાબિટીસ થવાનું એક કારણ આ પણ છે. એ વારસામાં મળી શકે છે. હવે તમે કયારેય એવું ન બોલશો કે યુ આર એ સેલ્ફ-મેડ મેન. તમારા અસ્તિત્વમાં તમારાં માત-પિતાનો હિસ્સો રહેલો જ છે.’ ‘પણ ફાધરે તો મને રાતી પાઇ પણ વારસામાં આપી નથી.’

‘હવે કયારેય આવું ન બોલશો, મધુભાઇ! તમારા પિતાજીએ વારસામાં તમને ડાયાબિટીસ જેવો વફાદાર રોગ તો આપ્યો છે ને? જગતમાં કોઇ બાપ પોતાના દીકરાને કશું જ આપ્યા વગર કયારેય મરતો નથી.’ મારા મુખેથી સહજપણે સરી પડેલું આ સનાતન સત્ય સાંભળીને મધુભાઇ પણ હસી પડયા. (સત્ય ઘટના, શીર્ષક પંકિત: ખલીલ ધનતેજવી)

Advertisements

3 Responses

 1. શરદ ઠાકરની વાતોમાં જીવનમાંથી મળેલું સત્ય હોય છે.
  આ વાતમાં સંદેશ ગર્ભીત છે જ. હમ્મેશ ફરીયાદો જ કરતા માણસો તરફ સરસ અંગુલીનીર્દેશ છે.
  ખલીલ ધનતેજવી અને શરદ ઠાકરનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ.
  આવતા અઠવાડીયે સારસ્વત પરીચય પર ‘ શેખાદમ આબુવાલા’ વીશે વાંચી શકશો.

 2. એક સુચન આપું? તમારી પોસ્ટનો યુ.આર.એલ બહુ અવાચ્ય હોય છે.
  જ્યારે પોસ્ટ બનાવો ત્યારે પોસ્ટ સ્લગમાં નામ અંગ્રેજીમાં આપશો તો સારું રહેશે . દા.ત. મારી ગઈ કાલની ટપાલનું યુ.આર.એલ તમારી આ પોસ્ટની સાથે સરખાવી જોજો.
  http://gadyasoor.wordpress.com/2008/03/05/winter/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: