પવનની લ્હેરખી જેવું છે આગમન તારું, ખૂશ્બોની પાલખી જેવું છે આગમન તારું

૧૯૬૩નો વૈશાખ આભમાંથી આગ વરસાવી રહ્યો હતો. મિલિટરી હોસ્પિટલમાં દરદીઓનો ‘રાઉન્ડ’ લેવા માટે નીકળેલા ડો. (કેપ્ટન) વીરેન્દ્ર મોદીએ પથારીમાં પાટાપિંડી સાથે સૂતેલા મેજર એમ.કે.મોઇડુને પૂછ્યું, ‘ગુડ મોર્નિંગ, મેજર! હાઉ આર યુ?’

‘ગુડ મોર્નિંગ, ડોકટર!’ મેજરે ઔપચારિકતાનો પડઘો પાડયો. પછી ફિક્કું સ્મિત ફરકાવ્યું, ‘આઇ એમ ઓ.કે.! નોટ ટૂ બેડ…’

ડોકટર વિચારમાં પડી ગયા. મેજર મોઇડુ ચીન સામેના જંગમાં લડતાં લડતાં બૂરી રીતે ઘવાયા હતા. દુશ્મનની ગોળી એમના પેટમાં ઘૂસીને પીઠની નીચેથી નીકળી ગઇ હતી. કરોડરજજુ સહેજ માટે બચી ગઇ હતી, નહીંતર નેફાની બોર્ડર ઉપર મેજરે દમ તોડી દીધો હોત. ફાટી ગયેલા આંતરડાનું ઓપરેશન કરીને મેજરનો જીવ તો બચાવી લેવાયો, પણ સાજા થયેલા મેજર ફરી કયારેય ખુશમિજાજ જોવા ન મળ્યા.

આજે પણ એમણે આપેલો જવાબ નિરાશાવાદી હતો. ડોકટરે પૂછ્યું, ‘આજે તમને કેવું લાગે છે?’ અને મેજરે આપેલો જવાબ, ‘એટલું બધું ખરાબ તો નહીં.’ આનો જવાબ એટલો જ કે થોડું ઘણું ખરાબ તો ખરું જ!

‘મેજર, કેમ આમ ઢીલું-ઢીલું બોલો છો? ભગવાનનો પાડ માનો કે તમે બચી ગયા છો, સાજા-સમા, આખે-આખા, વન પીસ! બાકી તમારી આસપાસ નજર કરો, યુદ્ધના મોરચેથી કોઇ અખંડિત શરીર સાથે પાછું નથી ફર્યું. ઓલ્વેય્ઝ લૂક એટ ધી બ્રાઇટર સાઇડ ઓફ ધી થિંગ, મેજર! તમને તો એકાદ અઠવાડિયામાં રજા આપવામાં આવશે. ચીયર અપ, યુ બ્રેવ મેન!’ કહીને ડો.મોદી બાજુના ખાટલા તરફ સરકી ગયા.

મેજરે પથારીમાં બેઠા થઇને ચારે બાજુ નજર ઘુમાવી. વોર્ડમાં જયાં જુઓ ત્યાં ‘ઊજળી’ બાજુઓ જોવા મળતી હતી. દૂર ખૂણામાં આવેલા ખાટલામાં પેરાપ્લેજિયાનો ભોગ બનેલા કર્નલ દિલબાગસિંહ સૂતા હતા. છેલ્લા ચાર મહિનાથી એમના બંને પગ ચેતન ગુમાવીને નિર્જીવ લાકડું બની ચૂકયા હતા. એમની ખૂબસૂરત પત્ની અમૃતકૌર દિવસ-રાત એમની ચાકરી કર્યે જતી હતી.

આઠ નંબરના ખાટલામાં બ્રિગેડિઅર અમર પ્રકાશ પોઢેલા હતા. દુશ્મનની મશીનગનમાંથી છૂટેલી નવ બુલેટ્સ એમની છાતી વીંધીને નીકળી ગઇ હતી. હૃદય એકલું જ અકબંધ રહી ગયું હતું. જમણું ફેફસું ઓપરેશન દ્વારા કાઢી નાખવું પડયું હતું, અને ડાબા ફેફસામાં ન્યૂમોનિયાને કારણે… આજે સાડા ત્રણ મહિનાથી બ્રિગેડિઅર ઓકિસજન અને એન્ટિબાયોટિકસ ઉપર જીવી રહ્યા હતા.

ચાર નંબરના ખાટલામાં એક આંખ ગુમાવી બેઠેલા લેફટનન્ટ શેખાવત હતા. ત્રણ નંબરવાળો લાન્સનાયક ખોપરીમાં ગોળી ખાધા પછી એમની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો અને નવ નંબરની પથારીમાં ગ્રેનેડિઅર યાદવ…! આ બધા કયારે સાજા થઇને એમના ઘરે પાછા જશે એની કશી જ આગાહી થઇ શકે તેમ નહોતી.

જો ‘બ્રાઇટ સાઇડ ઓફ ધી થિંગ’ જેવું કશું ગણવું જ હોય તો માત્ર એક જ સત્ય હતું કે આ બધા બચી ગયા હતા. બાકી ચીનાઓની સમુદ્ર જેવડી સેના સામે અપ્રતીમ બહાદુરીથી લડતાં આપણા અસંખ્ય જવાનો બરફની કબરમાં સદાને માટે પોઢી ગયા હતા. કૈંક જવાનો યુદ્ધકેદી તરીકે દુશ્મનોના હાથમાં જઇ પડયા હતા. બીજા અનેક સૈનિકો પીછેહઠ કરતાં, નાસતાં, ભાગતાં રસ્તો ભૂલીને નેપાળ, ભૂટાન કે સિક્કીમ તરફ પહોંચી ગયા, જેઓનો હવે રહી-રહીને પત્તો લાગી રહ્યો હતો.

પણ મેજરની હતાશાનું મુખ્ય કારણ જુદું જ હતું. આ બધા જૂના સાથીઓની દુર્દશા જૉઇ-જૉઇને તો એ ટેવાઇ ગયા હતા, પણ ગઇ કાલે એક નવો દરદી આવ્યો એની હાલત જૉયા પછી મેજર મોઇડુ ડઘાઇ ગયા હતા. એ સૂબેદાર શિવપાલસિંહ હતો. એ હતભાગી જવાન ચીનાઓની સામે ચટ્ટાન બનીને ભો રહી ગયો હતો. એ ત્યાં સુધી લડતો રહ્યો, જયાં સુધી દુશ્મનોએ ફેંકેલો ગ્રેનેડ એના જમણાં પડખામાં અથડાઇને એને લોહીલુહાણ ન કરી ગયો. પણ એ હોશ ગુમાવીને ઢળી પડયો. દુશ્મનોએ જયારે એનો કબજો લીધો, ત્યારે તાજુબ બની ગયા. સૂબેદારનું શરીર જમીન ઉપર આડું પડેલું હતું, પણ મસ્તક એની મશીનગનના હાથ ઉપર ટેકવાયેલું હતું. કવિ પ્રદીપજી શબ્દશ: સાચા હતા: સંગીન પે ધરકર માથા… સો ગયે અમર બલિદાની…!

પણ સૂબેદાર શિવપાલસિંહ મરી જવા જેટલો સદ્ભાગી સાબિત ન થયો. એ બેહોશીની હાલતમાં કેદ પકડાયો. યુદ્ધકેદી તરીકે એને દુશ્મનની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. એનો એક હાથ અને એક પગ કાપી નાખવા પડયા.

યુદ્ધવિરામ બાદ જયારે ચીનાઓએ એને ઇન્ડિયન આર્મીના હાથમાં પાછો સોંપ્યો, ત્યારે શિવપાલસિંહને સીધો મિલિટરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. એની ફિઝિયોથેરપી આવશ્યક હતી. હવે એ મેજર મોઇડુની બાજુની પથારીમાં હતો.

‘શું વાંચે છે, સૂબેદાર?’ એક દિવસ મેજરે પૂછ્યું. છેલ્લા ચોવીસ કલાકથી સૂબેદાર એક વાર્તા વાંરયા કરતો હતો. વાંચીને રડયા કરતો હતો.

‘કંઇ નહીં, મેજર! બસ, એક વાર્તા છે, જે દિલને હચમચાવી રહી છે.’

‘લાવ, મને પણ આપ! જોઉં તો ખરો કે દુશ્મનોની ગોળીઓથી ન ડરેલો સૂબેદાર એક વાર્તા વાંચીને…?’ મેજરે શિવપાલસિંહના હાથમાંથી કાગળ છીનવી લીધો. અંગ્રેજી વાર્તા હતી. બીજા વિશ્વયુદ્ધ વખતની સાચી બનેલી ઘટના. એક અંગ્રેજ સૈનિક યુદ્ધમાં ઝખ્મી થાય છે. એક હાથ અને એક પગ ગુમાવી બેસે છે. એના મનમાં સવાલ ઠે છે કે જયારે એ ઘરે પાછો ફરશે, ત્યારે એનું સ્વાગત કેવું થશે? એનાં મા-બાપની પ્રતિક્રિયા શી હશે?

અંગ્રેજ સૈનિક માતા-પિતાને કાગળ લખે છે. ‘મોમ, ડેડ! જીસસનો પાડ માનો કે હું બાલ-બાલ બચી ગયો છું. અઠવાડિયામાં જ હું ઘરે આવું છું, પણ સાથે મારો એક દોસ્ત પણ હશે, જેનું આ દુનિયામાં કોઇ સગું-વહાલું નથી. એ આખી જિંદગી આપણા ઘરે જ રહેશે. તમે એને મારી સાથે રાખશો ને, પ્લીઝ? એક વાત જણાવું, યુદ્ધમાં એણે એક હાથ અને એક પગ કાયમને માટે ગુમાવી દીધેલ છે. આઇ હોપ યુ ડોન્ટ માઇન્ડ, ઇફ હી…’

થોડા દિવસ પછી એને જવાબ મળે છે. મા-બાપ લખે છે, ‘દીકરા, તું ચોક્કસ આવ! પણ તારા એ અપંગ દોસ્તને આવકારવા માટે અમે તૈયાર નથી. એકાદ-બે દિવસ માટે આવતો હોય તો અમને વાંધો નથી, પણ આખી જિંદગી એ અપંગની સેવા કરવા માટે અમે જરા પણ રાજી નથી.’ અને એ અંગ્રેજ સૈનિકે આપઘાત કરી લીધો!

………

મેજર મોઇડુ સમજી ગયા કે સૂબેદાર શિવપાલસિંહ શા માટે રડતો હતો! એક અપાહિજ જવાનની દયનીય હાલત જૉઇને એ પણ હતાશ બની ગયા. હાલત તો આ હોસ્પિટલમાં સૂતેલા બધા જ સૈનિકોની દયનીય હતી. મરી ન ગયા એ આશ્વાસન હતું અને જીવતા રહ્યા એ અભિશાપ હતો. હતાશા ચેપી રોગ છે.

સૂબેદારનો ચેપ હવે મેજરને લાગ્યો હતો, અને ડો. વીરેન્દ્ર મોદી સલાહ આપતા હતા: ‘લૂક એટ ધી બ્રાઇટર સાઇડ ઓફ ધી થિંગ!’ આવતી કાલે એમને સંભળાવી દેવું પડશે કે જિંદગીના ત્રણ ખૂણા ભલે પ્રકાશમય હોય, પણ એક ખૂણો અંધકારમય પણ હોય છે. કયારેક એ અંધારા ખૂણ તરફ પણ નજર ફેંકવી પડે છે, ડોકટર! નોટ ઓલ્વેઝ, બટ સમ ટાઇમ્સ, યુ શૂડ લૂક એટ ધી ડાર્ક સાઇડ ઓલ્સો.’

બીજા દિવસે તો નહીં, પણ પાંચમા દિવસે મેજર મોઇડુએ ડોકટરને ઝપાટામાં લઇ લીધા. ડો. (કેપ્ટન) મોદીએ જયારે પૂછ્યું, ‘હેલ્લે, મેજર! હાઉ ડુ યુ ફીલ ટુ ડે?’ ત્યારે મેજરે કહ્યું, ‘નોટ ટૂ બેડ, કેપ્ટન!’

‘ઓહ નો! નોટ અગેઇન, મેજર મોઇડુ! તમે ‘બેડ’ અને ‘ટૂ બેડ’ની વ્યાખ્યા મને કહી સંભળાવશો?’

‘એમાં કયાં દૂર જવાની જરૂર છે? આ હું તમને દેખાઉં છું એ ‘બેડ’ કહેવાય, અને આ મારી બાજુના ખાટલામાં સૂબેદાર સૂતેલો છે એને ‘ટૂ બેડ’ કહેવાય! એ જયારે એક હાથ અને એક ટાંગ સાથે એના ઘરે જશે ત્યારે ખબર પડશે કે…’

‘વન મિનિટ, મેજર, રિકવેસ્ટ યુ ટુ સ્ટોપ ધેર! મને ખબર છે કે તમે બંને પેલા અંગ્રેજ સૈનિકની વાર્તા વાંચીને ડિપ્રેશનમાં સરી પડયા છો, પણ મારી પાસે તમને આપવા માટે એક સારા સમાચાર છે.’ કહીને ડોકટરે એમના એપ્રોનના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને સૂબેદાર શિવપાલસિંહના હાથમાં મૂકયો.

‘આ શું છે?’ સુબેદાર અચંબામાં પડી ગયો.

‘તારા નાના ભાઇનો પત્ર. આજે જ આવેલો છે. ઇન ફેકટ, આર્મી હેડ કવાર્ટરે તારો કબજો સોંપાયા પછી તારા ઘરે પત્ર લખીને જાણ કરી હતી. એમાં સ્પષ્ટ લખ્યું હતું કે યુદ્ધમાં તમારા દીકરાએ એક હાથ અને એક પગ…! અને આ છે એમનો જવાબ. જરા મોટેથી વાંચ એટલે ફકત મેજરને જ નહીં, પણ આ વોર્ડમાં સૂતેલા તમામ સોલ્જર્સને ખબર પડે કે અંગ્રેજૉના અને આપણા કલ્ચરમાં કેટલો ફરક છે.!’

સૂબેદારે પત્ર વાંચવાનું શરૂ કર્યું. નાનો ભાઇ લખતો હતો, ‘નમસ્કરા, બડે ભૈયા! ભગવાન કા લાખ-લાખ શુક્કર હૈ કિ આપ જિન્દા હૈ. માં ઔર બાબુજી તો ખુશી કે મારે પાગલ હો ગયે હૈ. સારા ગાંવ આપ કી પ્રતીક્ષા કર રહા હૈ. આપકે અફસરને બતાયા કિ આપકા એક હાથ ઔર એક પાંવ કટ ગયા હૈ. ભૈયા, ઇસસે કયા ફર્ક પડતા હૈ? મૈં ઔર હમારા છોટા ભાઇ બૈઠે હૈ ના! હમ આપકે હાથ-પાંવ બનેંગે. આપકો ઝમીં પર પૈર રખને નહીં દેંગે. આપ કબ આ રહે હૈ? માં આપકે લિયે સત્તુ કે લડ્ડુ બનાને કી તૈયારી મેં જુટી હુઇ હૈં… ઔર છોટી બહન ઘર કે દ્વાર પર બાંધનેકે તોરન બના રહી હૈં! સારા ગાંવ એક હી સવાલ પૂછ રહા હૈ કિ ઘર કબ આઓગે…? કિ ઘર કબ આઓગે…?’

પત્ર વાંચીને આખો વોર્ડ રડી રહ્યો હતો, સિવાય ડો.મોદી. એ પ્રસન્નમુખે સ્મિત રેલાવતા ભા હતા. એમને હિન્દુસ્તાનની પ્રજાની ‘બ્રાઇટ સાઇડે’ દેખાઇ રહી હતી.

(સત્ય ઘટના, શીર્ષક પંકિત: ઇસ્માઇલ શેખ)

Advertisements

2 Responses

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: