લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો

‘હેલ્લો! અમલા, હું અભિસાર બોલું છું.’

‘નામ જણાવવાની જરૂર નથી, હું તમારો અવાજ ઓળખી શકું છું. અવાજની વાત છોડો, હું તો તમારો ફોન આવે છે ત્યારે ટેલીફોનની રીંગ વાગે છે, ત્યાં જ ઓળખી જાઉં છું કે આ મારા અભિસારનો ફોન છે!’

‘તારા જેવી રૂપસુંદરીના મોંએથી આવાં વાકયો સાંભળવા કેટલાં સારાં લાગે છે! હવે કામની વાત પર આવીએ. સાંભળ, આજે સાંજે છ વાગે મળવાનું ફાવશે?’

‘ફાવશે, કયાં મળવાનું છે?’

‘બીજે કયાં? મારા ફલેટ ઉપર.’

‘તારી પત્ની?’

‘એ ચાર વાગ્યાની બસમાં અમરેલી જવાની છે, એના પિયરમાં. હું સાવ એકલો જ હોઇશ. તું આવીશ તો સ્વર્ગ રચાશે.’

‘તથાસ્તુ! સાંજના સ્વર્ગમાં આ અપ્સરા ઇન્દ્રરાજાના દરબારમાં હાજર હશે. બીજું કંઇ?’ અમલા એવા નશીલા અંદાજમાં બોલી ગઇ કે એ સાંભળીને અભિસારના દિમાગ ઉપર અત્યારથી જ ધેરો નશો છવાવા માંડયો.

અમલા પચીસ વર્ષની કુંવારી યુવતી હતી. અભિસારની ઓફિસમાં છએક મહિનાથી નોકરી કરતી હતી. જે દિવસે એ નોકરીમાં જોડાઇ એ જ દિવસે માર્કેટિંગ મેનેજર રાવલે એના કાનમાં ફૂંક મારી દીધેલી, ‘આપણા બોસ બહુ રંગીન મિજાજના માણસ છે. પરણેલા છે. એક દીકરીના બાપ છે. પણ ઘરમાં રંધાતી વાનગીથી એમનું પેટ ભરાતું નથી, એટલે બહારના ચટાકા શોધતા ફરે છે. તમે ચેતતા રહેજૉ, નહીંતર…’

‘નહીંતર શું?’

‘પહેલાં ખવાઇ જશો અને પછી ખોવાઇ જશો! અહીં તો દર વરસે એક નવી છોકરી આવે છે અને પછી એ જૂની થઇ જાય તે પહેલાં જ જર્જરિત બની જાય છે. હા, એક વાત સ્વીકારવી પડશે, આપણા બોસ એમ તો વહેવારુ માણસ છે, તમે જૉ જીવનભર એમનું ઉપવસ્ત્ર બની રહેવા માટે તૈયાર હો, તો તમારા માટે ફલેટ અને ખાધાખોરાકીની જૉગવાઇ બોસ કરી આપશે.’

‘શટ અપ! તમને શરમ નથી આવતી આવી ગંદી વાત કરતાં? મારા જેવી સુંદર, સુશીલ અને સંસ્કારી યુવતી આવા લંપટ પુરુષનું ઉપવસ્ત્ર તો શું, પણ મુખ્ય વસ્ત્ર બનવા માટે પણ તૈયાર ન થાય! હું અહીં નોકરી કરવા આવી છું, કોઇનું મનોરંજન કે તનોરંજન કરવા માટે નથી આવી.’ ગુસ્સાને કારણે અમલાનું ગોરું-ગોરું મુખડું લાલચોળ બની ગયું.

રાવલ પ્રગટપણે તો કશું બોલ્યો નહીં, પણ મનમાં બબડી ગયો, ‘વાહ! જે સ્ત્રી ગુસ્સામાં વધુ રૂપાળી લાગે તે જ ખરી રૂપસુંદરી કહેવાય! હવે આ રૂપસુંદરીને બોસની ઝપટમાંથી ભગવાન પણ બચાવી નહીં શકે.’

દસ મિનિટ પછી બોસનો પ્રવેશ થયો. એ બોસ એટલે અભિસાર શ્રોફ. અમલા માનસિક રીતે એની મેલી નજરથી બચવા માટે તૈયાર થઇને બેઠી હતી, પણ આશ્ચર્ય! અભિસારે એની તરફ જોયું પણ નહીં. ચૈતન્યપૂર્ણ ચાલે એ સડસડાટ અમલાની પાસેથી પસાર થઇ ગયો અને એની ચેમ્બરમાં અદૃશ્ય થઇ ગયો, પાછળ એના સોહામણા વ્યકિતત્વનું ચુંબકીય ખેંચાણ મૂકતો ગયો.

દસ-પંદર મિનિટ પછી પટાવાળો આવીને અમલાને કહી ગયો, ‘બોસ આપને બોલાવે છે. જરા સંભાળજો, શેઠ ગુસ્સામાં છે.’

અમલા ઉભી થઇ. માથાના વાળ ઠીક કર્યા. સલવાર-કમીઝ ઉપર હાથ ફેરવી લીધો. દુપટ્ટો યોગ્ય જગ્યાને યોગ્ય માત્રામાં ઢાંકે છે એ વાતની ચોકસાઇ કરી લીધી. પછી ફફડતા હૈયે અને ધ્રૂજતી ચાલે એણે અભિસારની ચેમ્બરનું બારણું ધકેલ્યું.’

‘બી સીટેડ, પ્લીઝ..!’ અભિસારે અગત્યની ફાઇલમાંથી માથું ઠાવ્યા વગર જ સામે પડેલી ખુરશી ચીંધી. પછી જાણે કશુંક સૂંઘતો હોય તેમ ઉંડો શ્વાસ ખેંરયો. પછી અચાનક માથું ઉઠાવીને અમલા સામે જોયું, ‘પરફયુમ છાંટીને તમે આવ્યાં છો?’

‘હેં..? નો, સર… યસ, સર! આઇ એમ સોરી, સર! મને ખબર નહીં ને કે ઓફિસમાં પરફયુમની છૂટ નથી… એટલે આવતી કાલથી હું એવી ભૂલ…’

‘તમને કોણે કહ્યું કે આ ઓફિસમાં પરફયુમ લગાવીને આવવાની મનાઇ છે?’ અભિસારના અવાજમાં કરડાકી હતી.

‘તમે જ તો… હમણાં કહ્યું ને… કે…’

‘મેં કંઇ કહ્યું જ નથી, મેં તો માત્ર તમને એટલું જ પૂછ્યું કે આ પરફયુમની સુગંધ તમારામાંથી આવે છે?’

‘હા, સર!’

‘તો હવે મારો સવાલ સાંભળો. મિસ અમલા ત્રિવેદી, શું ગુલાબના ફૂલોને પણ પરફયુમ છાંટવાની જરૂર પડે ખરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે અભિસારના અવાજમાંથી કરડાકીની બાદબાકી હતી અને પ્રશંસાનો ગુણાકાર હતો. એની આંખોમાં વાસંતી ઇજન હતું અને હોઠો પર ચુંબકીય સ્મિત હતું. કેટલાક પુરુષો એટલા બધા હેન્ડસમ નથી હોતા, પણ એમના સમગ્ર વ્યકિતત્વમાં કશુંક એવું તત્ત્વ હોય છે જે એમના દેખાવની ણપને સરભર કરી આપે છે. અભિસાર એવો પુરુષ હતો.

અમલાના રૂપની આવી પ્રશંસા આજ સુધી કોઇ પણ પુરુષે કરી ન હતી. અમલા જયારે ચેમ્બરની બહાર નીકળી, ત્યારે અભિસાર નામના દિગ્વિજયી પુરુષ દ્વારા જીતાયેલી સૌંદર્યમૂર્તિ બની ચૂકી હતી, એ જાણવા છતાં કે અભિસાર પરણેલો છે અને એક સંતાનનો પિતા છે.

અને એક દિવસ એવો પણ ઉગ્યો, જેની પ્રત્યેક કુંવારી પ્રેમિકાને પ્રતીક્ષા હોય છે. રવિવાર હતો, ઓફિસમાં રજા હતી, બપોરના ચાર વાગ્યા હતા. ત્યારે અભિસારનો ફોન આવ્યો, ‘અમલા, આજે સાંજે છ વાગ્યે મળવાનું ફાવશે? મારી પત્ની ચાર વાગ્યાની બસમાં અમરેલી જઇ રહી છે.’

અમલા રોમાંચથી ઝૂમી ઉઠી. એના દેહનો અણુએ અણુ એણે મનથી માનેલા જીવતાં જાગતાં ઈશ્વરને અર્પણ થઇ જવા માટે તડપી ઉઠયો. ફોન સમાપ્ત થયો એની સાથે જ એણે શણગાર સજવાની શરૂઆત કરી. બરાબર છ વાગે એ અભિસારના ઘરના બારણાંમાં ઉભી હતી. ‘આવ, અમલા, અંદર આવ!’ અભિસારે બે હાથ પહોળા કરીને પ્રિયતમાને આવકારી, અમલા સીધી એના આલિંગનમાં સમાઇ ગઇ.

થોડી ક્ષણો પૂરતી એ આંખો બંધ કરીને પુરુષના દેહનું સ્પર્શસુખ માણી રહી. પછી એણે આંખો ઉઘાડી. એની નજર સામેની દીવાલ પર લટકતી ફ્રેમ કરેલી તસવીર ઉપર પડી. કાચમાં કેદ થયેલું એક સુખી કુટુંબ એની સામે હસી રહ્યું હતું.

‘આ મારી પત્ની અશેષા છે… અને આ મારી દીકરી છે… ચેરી…’ અભિસારે એને આલિંગનમાંથી મુકત કરી, પછી પત્નીનો અને દીકરીનો પરિચય કરાવ્યો. અમલા જોઇ રહી, નાનકડી ચેરી તો સુંદર હતી જ, પણ અશેષા તો પોતાનાથીયે વધારે ખૂબસૂરત દેખાતી હતી.

અને ઘર? ઘર પણ વ્યવસ્થિત હતું. અભિસારે તો કહ્યું હતું કે એની પત્ની ફુવડ છે! પણ ડ્રોઇંગરૂમમાં તો એક-એક ચીજ ઉપર જાણે કે સુઘડતાનો સંસ્પર્શ ફરી વળેલો હતો! અભિસાર કહેતો હતો કે એની પત્ની એને પ્રેમ નથી આપી શકતી, માટે જ એ અમલા તરફ ઝૂકયો હતો. તો પછી તસવીરમાં અશેષા આટલી ભરી-ભરી, સ્નેહથી છલકાતી કેમ લાગી રહી છે?

પ્રશ્નો અગણિત ઠી રહ્યા હતા, પણ તમામ જવાબોના સરવાળા જેવું એક સમાધાન પણ અમલાના દિલમાં પ્રગટી રહ્યું હતું. જે હોય તે! મારે શું? મારે તો એટલી જ નિસ્બત કે અભિસાર મારો પ્રેમી છે અને હું એની પ્રેમિકા. એની િંજદગીમાં જે કમી હોય તે મારે પૂરી કરી દેવાની.

‘ચાલ, અંદર જઇશું? બેડરૂમમાં…’ કહીને અભિસારે બારણું બંધ કર્યું. અમલાનો હાથ ઝાલીને એ શયનખંડની દિશામાં સરકયો. અમલા પણ રાજીખુશીથી ખેંચાતી ગઇ. સરસ બેડરૂમ હતો. ડબલ બેડ ઉપર ગુલાબી રંગની ચાદર બિછાવેલી હતી. પોચા-પોચા ઓશિકાઓ હતાં. બેડશીટ અને પિલો-કવર્સ ઉપર એમ્બ્રોઇડરી વર્ક કરેલું હતું. વાતાવરણમાં તાજા જ છંટાયેલા એરફ્રેશનરની ખુશ્બૂ હતી.

અને એક ખૂણામાં પારણું પડેલું હતું. સુંદર, નાનકડું પારણું. સંખેડામાં બનેલું રંગીન, ડિઝાઇનવાળું પારણું. અમલા જોઇ રહી અને વિચારી રહી. આ પારણામાં ચેરી પોઢતી હશે. એની બંધ આંખોમાં માતાનું સુખ અને પિતાને ઝંખતી એ નાનકડી દીકરીને સ્વપ્નમાં પણ એ વાતનો ખ્યાલ નહીં હોય કે એની ગેરહાજરીમાં આ જ રૂમમાં કોઇ પારકી સ્ત્રી એના પપ્પા સાથે..!

પથારી છોડીને એક ઝટકા સાથે અમલા ઉભી થઇ ગઇ. ‘શું થયું? શું થયું?’ કરતો અભિસાર એની પાછળ દોડયો. બહાર નીકળતી અમલા માત્ર એટલું જ બોલી, ‘થેન્ક ગોડ! હજુ કશું જ નથી થયું!’

(સત્ય કથા) (શીર્ષક પંકિત : વિજય આશર)

Advertisements

One Response

  1. ALL R NOT AMLA BUT ALL R NOT BOSS LIKE THAT
    ANY NICE SOCIAL STORY TO AWARE A GIRL
    WHO R EAGER TO GO IN CORPORATE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: