કે’ છે કે ‘મુજથી વ્હાલી મને મારી જાત છે, શું સાંભળી રહ્યો છું, દિવસ છે કે રાત છે!’

આખા ગામમાં વગર ઢોલે દાંડી પીટાઇ ગઇ : ભીમજી પટેલનો દિનેશ આવે છે! દસ વરસ પહેલાં અમેરિકા ગયો હતો, એ દસ દિવસ માટે આવે છે ને સાથે એની અમેરિકન ઘરવાળીનેય લાવે છે! ખેડા જિલ્લાનું ખોબા જેવડું ગામ. એમાં ભીમજી પટેલનું મોટું નામ.

ભીમજી પટેલ તો બે વર્ષ પહેલાં મરી ગયા, પણ એમની પાછળ એક ડેલીબંધ મકાન, બે દીકરા, ત્રણ ખેતર અને ચારેય દિશાઓમાં છવાઇ જાય તેટલી ઇજજત છોડતા ગયા હતા. બે દીકરાઓમાંથી મોટો રમેશ એટલે ભગવાનનો માણસ. જેવા દશરથને મન રામચંદ્ર હતા એવો જ ભીમજી પટેલ માટે રમેશ.

આજથી પંદર વર્ષ પહેલાં ભીમજી પટેલે એક સાંજે ગામતરેથી પાછા ફરીને દીકરાને સમાચાર આપ્યા, ‘બેટા રમેશ, હું તારો સંબંધ નક્કી કરી આવ્યો છું.’

‘ભલે, બાપા!’

‘પૂછીશ પણ નહીં કે કોની સાથે?’

‘આખી નાત તમને પૂછે છે. આખું ગામ તમને માને છે. પછી મારે શું પૂછવાનું હોય?’

‘બાજુવાળા રામપુરાના કાનજીભાઇની રમા જોડે…’ બાપ બોલતો રહ્યો, દીકરો મૂંડી હલાવતો રહ્યો. રમેશના હોઠો પર સવાલો ન હતા, માત્ર અને માત્ર સંમતિ હતી. એક પણ વખત એણે ન તો રમાને જોવાની ઇરછા બતાવી, ન એની તસવીર જૉવાની માગણી કરી. બાપાએ કીધું ત્યારે હાથમાં શ્રીફળ પકડી લીધું, બાપાએ જૉડી આપી એ જાનમાં જૉડાઇ ગયો અને રંગેચંગે રમાને પરણીને લઇ આવ્યો. મેડી ઉપરના ઓરડાના એકાંતમાં મધરાતે જયારે રમાએ પોતાના રૂપાળા ચહેરા પરથી લાજનો ઘુમટો ઉઠાવ્યો ત્યારે રમેશ માત્ર આટલું જ બોલી ગયો, ‘મને હતું જ કે બાપા જે કરશે એ સારા માટે જ…’ અને આ સાંભળીને બાપાએ કરેલું ‘સારું કામ’ સરસ રીતે શરમાઇ ગયું!

આ તો થઇ મોટા દીકરાની નાનકડી વાત. પણ નાના દીકરાની વાત મોટી સાબિત થઇ. નાનો દિનેશ સ્વભાવની બાબતમાં રમેશ કરતાં સાવ જ ઉંધો. એણે તો ભીમજી પટેલને ચોકખું જ જણાવી દીધું, ‘બાપા, મારા માટે ગામડાનું ભોથું શોધવાની મહેનત ન કરશો.’

‘આવું કેમ બોલે છે, દીકરા? તારા માટે પરદેશથી પત્ની વહોરી લાવવાની છે?’

‘એવું થાય પણ ખરું! હું અમેરિકા જવાની કોશિશ કરી રહ્યો છું. લાગે છે બે-ચાર મહિનામાં બધું ગોઠવાઇ પણ જાય. પછી મારો વિચાર ત્યાં જ રહી પડવાનો છે.’

‘તો જા ને! અહીં કોણ તને રોકે છે! પણ જતાં પહેલાં લગ્ન તો…’

‘ના, બાપા! મોટાભાઇએ કરી એવી ભૂલ હું કયારેય નહીં કરું. આ રમાભાભી જેવા બૈરાં અહીં છાણ-વાસીદામાં ચાલે, ત્યાં અમેરિકામાં તો મારે એય ને..!’

દિનેશ એની ડ્રીમગર્લનું વર્ણન સંભળાવતો ગયો, ભીમજી પટેલ, રમેશ અને બારણાની આડશમાં ભેલી રમા સાંભળતાં રહ્યાં. રમાની કલ્પનામાં વિદેશની ધરતી ઉપર જન્મેલી અને છરેલી અતિ આધુનિક સૌંદર્યમૂર્તિ રમી રહી.

દિનેશ ખરેખર અમેરિકા ભેગો થઇ ગયો. ત્યાં પહોંચીને એણે પહેલું કામ પોતાનું નામ બદલવાનું કર્યું. આવું તો જો કે બધા કરતા હોય છે. શામજીમાંથી સેમ, ગિરીશમાંથી ગેરી, કાન્તિમાંથી કેન અને જેન્તીમાંથી જેન્ટી! પણ દિનેશને બહુ તકલીફ ન પડી. ત્રણેય મૂળાક્ષરો જેમના તેમ જ રહ્યા. દિનેશમાંથી ડેનિસ કરી નાખ્યું એટલે આખેઆખો લગભગ માણસ બદલાઇ ગયો.

દસ વર્ષ પસાર થઇ ગયા. ઘરબાર વસાવવામાં પાંચ વર્ષ નીકળી ગયા અને ઘરવાળી શોધવામાં બીજા બે વર્ષ.જયાં સુધી મજૂરી કરતો હતો, ત્યાં સુધી કોઇ સૂંઘતુંયે નહોતું, પણ માલદાર બન્યા પછી એન.આર.આઇ. તરફથી માગાં આવવા માંડયાં.

એમાંથી મૂળ ભારતીય મા-બાપની પણ અમેરિકામાં જન્મેલી અને છરેલી ડોલી નામની યુવતી જોડે દિનેશ પરણી ગયો. આજે આટલા વરસે દિનેશ એની ડોલીને લઇને પહેલીવાર પોતાના ગામડે આવી રહ્યો હતો. ગાડી આવીને ડેલીને બહાર ઉભી રહી, ત્યાં જ રમેશ અને રમા બહાર દોડી આવ્યાં. પહેલા દિનેશ ગાડીમાંથી બહાર નીકળ્યો, એની પાછળ ટૂંકું સ્કર્ટ પહેરેલી ડોલી નીકળી.

બંનેએ એકબીજાના હાથ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા. એ જૉઇને ગામલોકો હસી પડયા. સ્ત્રીઓ લજવાઇ ગઇ. રમા પણ મોં આડે સાડલાનો છેડો ધરીને ભી રહી ગઇ. પણ રમેશે ધીમેથી એના કાનમાં ફૂંક મારી, ‘અમેરિકામાં તો આવું જ હોય, ત્યાં આને ‘લવ’ કે’વાય!’

રમાએ ભારતીય પારંપરિક વિધિપૂર્વક દિયર-દેરાણીને ગ્રહપ્રવેશ કરાવ્યો. ફળિયામાં ખાટલા ઢાળેલા હતા. દિનેશ એક ખાટલા પર બેઠો. ડોલી પણ એની બાજુમાં, એને દબાઇને બેસી ગઇ.

રમાએ રસોડામાંથી પતિને ઇશારો કર્યો, ‘તમારી અમેરિકન વહુને કહો કે ધણીનું પડખું છોડીને અહીં મારી પાસે આવે! આપણા ગામડામાં આવું શોભે નહીં. લાજ-શરમ જાળવવી પડે.’

રમેશ કામને બહાને રસોડામાં ગયો અને પત્નીને ધમકાવી આવ્યો, ‘તું તો સાવ એવી ને એવી જ રહી!’

‘એવી એટલે કેવી?’

‘ગામડાના ભોથા જેવી! તું સમજતી કેમ નથી? ડોલી અમેરિકામાં જન્મેલી છે. ત્યાં છરેલી છે. તમાકુના છોડ ઉપર તુલસીના પાન કયાંથી ગવાના હતાં! દરેક દેશના ખાસ સંસ્કાર હોય છે, એની તો મજા છે. તને ભલે લાગે કે આ લોકો લાજ-મર્યાદાનો ભંગ કરી રહ્યા છે, પણ અમેરિકામાં તો આને…’

‘લવ કહેવાય!’ રમાએ પતિનું અધૂરું વાકય પૂરું કર્યું.

‘શાબાશ! હવે તને પણ અમેરિકાની રીતભાત સમજાવા માંડી!’

હકીકત એ હતી કે રમાને અમેરિકન રીતભાત માત્ર સમજાવા જ નહીં, ગમવા પણ લાગી હતી. પ્રેમ તો એ પણ રમેશને ખૂબ જ કરતી હતી, પણ એ દર્શાવવાનો મોકો કયારે મળતો હતો? અને કયાં મળતો હતો? શયનખંડની બંધ દીવાલો વરચે જ ને?

દિનેશ અને ડોલી માટે તો પ્રત્યેક સ્થળ શયનખંડ સમું હતું અને દરેક સમય એક અવસર હતો. એક સવારે રમાના સાત વર્ષના દીકરાએ દોડતા આવીને માનાં કાનમાં માહિતી ફૂંકી, ‘મા! મા! હું છે ને…તે… હમણાં કાકાના ઓરડામાં ગયો’ તો… ત્યાં છે ને તે… કાકા કાકીને પપ્પી કરતા’ તા! પપ્પી એટલે પાછી ગાલ ઉપર નહીં હો…’

‘ચુપ! શરમ નથી આવતી આવી વાતો કરતાં?’ રમાએ બનાવટી ગુસ્સો કર્યો.

‘મા, શરમ એમને આવવી જોઇએ કે મને?’ બોલીને છોકરો નાસી ગયો. એ પછી થોડી જ વારમાં દિનેશ અને ડોલી ‘બ્રેક ફાસ્ટ’ માટે પધાર્યા. હવે તો રમા પોતે શરમાઇ ગઇ, ડોલીએ સાવ ટૂંકી ચડ્ટી જ પહેરેલી હતી.

નાસ્તો કરીને બેય જણાં એ જ કપડાંમાં ઘૂમવા નીકળી પડયાં. થોડી જ વારમાં ગામમાં એમના પરાક્રમોના વાવટા ફરકવા માંડયા. ધુળિયા મારગ પરથી,કાંટાળી વાડ કનેથી, ખેતરના શેઢેથી અને કૂવાના કાઠેથી એક પછી એક બ્રેકગિં ન્યૂઝ આવવા મંડયા. ‘અરે રમાબુન, તમારો દિયોર તો તમારી દેરાણીને બે હાથમાં ચકીને ખળામાં ગીત ગાતો’ તો!’ વસ્તા લુહારની સવલી આવીને ખબર આપી ગઇ, તો ધૂળા સુથારનો ધીરુ આવીને રમેશને કહી ગયો, ‘હવે તમે કયારે રમાભાભીને વળગીને બચીઓ ભરવાના છો? ઘરમાં નહીં, હોં! પેલા મંદિરવાળા ખેતરમાં… દિનેશભા’ઇની પેઠે!’

દસ દિવસમાં દસેય દિશાઓમાં દેકારો મચાવીને દિનેશ અને ડોલી પાછાં ઉડી ગયાં. પાછળ દંતકથાઓ છોડતા ગયાં. એ રાત્રે રમેશે ગામના પચીસ-પચાસ માણસોને ભેગા કરીને ડાયરો જમાવ્યો, ‘આપણા માટે આ નવી નવાઇની વાત છે, કેમ કે આપણે આવું જૉયું નથી. પણ એમાં ખોટું શું છે એ મને કહો! આપણો દેશ દંભી છે.

આપણે પ્રેમ પણ જાહેરમાં કરી શકતા નથી. આપણે જાહેરમાં આપણી ઘરવાળીને ગાળો દઇ શકીએ છીએ, મારઝૂડ કરીએ છીએ, પણ જાહેરમાં એનો હાથ પકડી શકતા નથી. આ વિચિત્ર નથી તો બીજું શું છે? આપણે દિનેશ-ડોલીની કૂથલી કરીએ છીએ એ ખરેખર તો આપણા મનમાં જન્મેલી ઇર્ષા છે. જે કામ આપણે નથી કરી શકતા, એ કામ બીજા શેના કરી જાય! પણ ભાઇઓ, સત્ય એ છે કે અમેરિકાની પ્રજા પ્રેમ કરવામાં આપણાં કરતાં વધારે પ્રામાણિક છે.’ રમેશનું ભાષણ સાંભળી ને બધાએ કાન પકડયા.

પણ બે જ દિવસ પછી અમેરિકાથી જે સમાચાર આવ્યા, તે સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઇ ગયું. દિનેશે ફોનમાં જણાવ્યું, ‘મારા અને ડોલીના ડિવોર્સ થઇ ગયા છે. આમ તો છેલ્લા એકાદ વરસથી ચણભણ ચાલુ જ હતી, પણ હવે અમને બંનેને લાગ્યું કે સાથે રહેવું અશકય છે. બાકી બધું ઓ.કે. છે. નો પ્રોબ્લેમ!’

એ રાત્રે રમાએ રમેશના પડખામાં લપાઇને હૈયાની વાત કહી દીધી, ‘બળ્યો આ બનાવટી પ્રેમ! ભલે તમે જાહેરમાં મારો હાથ ન પકડતાં હો, પણ તોયે… જિંદગીભર હાથ પકડી તો રાખો છો ને!’

(શીર્ષક પંકિત : ઘાયલ)

Advertisements

One Response

  1. એ રાત્રે રમાએ રમેશના પડખામાં લપાઇને હૈયાની વાત કહી દીધી, ‘બળ્યો આ બનાવટી પ્રેમ! ભલે તમે જાહેરમાં મારો હાથ ન પકડતાં હો, પણ તોયે… જિંદગીભર હાથ પકડી તો રાખો છો ને!’
    અસલી નકલીનો ભેદ સમજાવતી કથા ગમી
    http://jayeshupadhyaya.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: