રે મન, ચાલ મહોબ્બત કરીએ…

બપોરનો એક વાગ્યાનો સમય. ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં ડેપ્યુટેશન ઉપર મુકાયેલા સરકારી ડોકટર નામે અરવિંદ મારડિયા બપોરનું ભોજન કરવા બેઠા હતા, ત્યાં એક કોળી જ્ઞાતિનો ચાલીસેક વર્ષનો આદમી બે હાથ જોડીને એમની સામે ઉભો રહી ગયો, ‘સાહેબ, મારી દીકરી બે દિવસથી રિબાય છે. સુવાવડ થતી નથી. મરી જશે બિચારી. તમે જો એનો છેડાછૂટકો કરાવી આપો, તો માનું કે આ દુનિયામાં ભગવાન છે. બાકી હું તો ઘરેથી નીકળ્યો ત્યારનો દીકરીના નામનું નાહી નાખીને જ…’

‘બસ, બસ, ભાઇ! દીકરીનું નામ હેત કરવા માટે છે, હિંમત હારવા માટે નથી. ચાલ, હું આવું છું.’ કહીને ડોકટરે હાથ ધોઇ નાખ્યા.

પંચાશીની સાલની ઘટના. ચોમાસુ એની સોળે કળાએ ખીલ્યું હતું. આભમાંથી ધાર નહીં, ધધૂડો પડી રહ્યો હતો. બે દિવસના અનરાધાર વરસાદે બધું જળબંબાકાર કરી નાખ્યું હતું. કોળી બાપના શરીર ઉપર કપડાંના નામે બે ચીંથરાં હતાં, એ પણ પાણીથી તરબોળ હતાં.

‘અલ્યા, તારું નામ ને ગામ તો કે’તો જા, પછી તું ચાલતો થા, હું મોટરસાઇકલ ઉપર આવું છું.’ ડોકટરે પૂછ્યું.

‘મારું નામ હીરાભાઇ. દીકરીનું નામ લખમી. ગામ અલંગ.’ હીરાએ થ્રી-ઇન-વન જવાબ આપ્યો, જે સાંભળીને ડોકટરને આંચકો લાગ્યો. અલંગ! અત્યારનું સુવિકસિત અલંગ એ વખતે સાવ નાનું, સુવિધા વગરનું ગામડું હતું. ત્રાપજથી અલંગ જતાં વરચે મણાર નામનું ગામ આવે, મણારથી અલંગની વરચે પહોળા પટની નદી વહે. નદીનું નામ મણારી.

એ વખતે ડો.મારડિયાની બાજુમાં ત્રાપજના એક શિક્ષક નામ ભવાનીસિંહ ગોહિલ પણ બેઠા હતા. રાજપૂત યુવાન. સ્થાનિક ભૂગોળના જાણકાર. ડો.મારડિયાએ એમને સાથે લીધા. ફટફટિયા ઉપર બેસીને મણાર ગામે પહોંરયા. જૉયું તો હીરો કોળી બે કાંઠે ધસમસતી નદીમાં તરતો ને તણાતો સામે કાંઠે જઇ રહ્યો હતો.

ભવાનીસિંહે ડોકટરને ચેતવ્યા, ‘સાહેબ, મને તરતાં નથી આવડતું, અને આવડતું હોય તો પણ પૂરવાળી નદીમાં પડવાનું આપણું કામ નહીં.’ ‘મને તરતાં આવડે છે, પણ હું સ્વિમિંગ પૂલમાં તરી શકું છું.’

ડો.મારડિયાના કપાળ ઉપર આડી કરચલીઓ પડી ગઇ, ‘શું કરીશું, ભવાનીસિંહ?’

‘જીવવું હોય તો પાછા જઇએ.’

‘અને કોઇને જિવાડવું હોય તો?’

‘તો બીજું શું? રાજપૂત છું. જેમ તમે કહેશો તેમ કરવા તૈયાર છું. તમને તરતાં અને મને મરતાં આવડે છે. જય માતાજી!’ કહીને ભવાનીસિંહે પગમાંથી જૂતાં કાઢયાં. બંને મિત્રોએ પેન્ટ-શર્ટ કાઢી નાખ્યાં. પોટલી બાંધીને ભવાનીસિંહે કમર સાથે ગાંઠી લીધી. બેય જણાએ ચડ્ડીભેર ઝંપલાવ્યું.

નદીમાં ધુબાકો માર્યા પછી ખબર પડી કે તરતાં આવડવું અને તરી જાણવું એ બે વરચે કેટલો ફરક છે! આજે તો મણારી નદીને પાર કરવા માટે પુલ પણ બંધાઇ ગયો છે, પણ એ વખતે સામાન્ય દિવસોમાં પણ પાણી વીંધીને જ સામે પાર જઇ શકાતું. મણારી નદી ખોખરાના ડુંગરમાંથી નીકળે છે. ડુંગર માથે બબ્બે દિવસ અને બબ્બે રાતથી બારે મેઘ ખાંગા થયા હતા, એટલે દરિયો ભરાય એટલું પાણી મણારીને ગાંડી કરતું ધસમસી રહ્યું હતું.

ડોકટર તરી રહ્યા હતા અને નદીના પ્રવાહમાં હેઠવાસ તરફ ખેંચાતા પણ હતા, ઉપરથી ભવાનીસિંહનું વજન પણ એમના ઉપર હતું. નદીનો પટ દોઢસો ફીટ જેટલો, ધારણા બહારનો નીકળ્યો. અડધા પટે ડોકટર હાંફી ગયા. નદીમાં તણાવા લાગ્યા. ભવાનીસિંહે કહ્યું પણ ખરું, ‘સાહેબ, હવે ગયા સમજો.’

‘ના, ભાઇ! બીજા કોઇ કામે નીકળ્યા હોય તો કદાચ તણાઇ પણ જાત, આપણે તો સારા કામે નીકળ્યા છીએ. એમ શેના મરી જઇએ? ઇશ્વર છે ને આપણી સાથે.’

ડોકટરે આમ કહ્યું કે સાથે જ એમના હૈયામાં નવી હામ અને હાથ-પગમાં નવી શકિતનો સંચાર થયો. પૂરી તાકાતથી એમણે પાણી કાપવા માંડયું. જયારે કિનારે પહોંરયા, ત્યારે ખબર પડી કે જે બિંદુ પર પહોંચવાનું હતું એનાથી ત્રણેક કિલોમીટર છેટે હેઠવાસમાં પહોંરયા હતા. વેગવાન પાણીની તાકાતનો આ પરચો હતો.

ત્રણ કિ.મી. ચાલીને તેઓ નિશ્ચિત જગ્યાએ આવ્યા, ત્યારે હીરો બેચેન આંખે એમની વાટ જૉતો ઉભો હતો. એની સાથે અલંગ પહોંરયા. ગામમાં પણ કાદવ-કીચડ અને પાણી જ પાણી હતું. ઘરો બંધ હતાં. માત્ર એક જ ઝૂંપડી ઉઘાડી હતી, જેની અંદરથી એક સુવાવડીની મરણચીસો બહાર આવી રહી હતી.

‘સાહેબ, મારી લખમી અંદર ખાટલામાં છે.’ કહીને હીરો ઝૂંપડીની બહાર ફસડાઇ પડયો.

ભવાનીસિંહ પણ માટીની ઓટલી ઉપર બેસી ગયા. ડો.મારડિયા એમની વિઝિટ-બેગ સાથે અંદર પ્રવેશ્યા. ઝૂંપડીની અંદરનું દૃશ્ય ચિંતાજનક હતું. બપોરના બે-અઢી વાગ્યા હતા, પણ ધેરાયેલાં વાદળોને કારણે સૂરજના પ્રકાશનું નામોનિશાન નહોતું. કાથીના ખાટલામાં મરણોન્મુખ લખમી સૂતેલી હતી. પરસેવાને કારણે એના વિખરાયેલા વાળની લટો એના ત્રસ્ત ચહેરા ઉપર ચોંટી ગઇ હતી.

બબ્બે દિવસની પ્રસૂતિની પીડાએ એને તોડી નાખી હતી. શરીર તાકાત ગુમાવી બેઠું હતું અને મગજ સ્વસ્થતા. લખમી લવારીએ ચડી ગઇ હતી. તબીબી દૃષ્ટિએ બકવાસ કે લવારી એ મૃત્યુની પહેલાંની સ્થિતિ ગણવામાં આવે છે. ત્યાં ઝૂંપડીમાં ગ્લુકોઝનો બાટલો કે એ ચડાવવા માટેની નળી તો કયાંથી હોય? છતાં પણ જે શકય હતું એ બધું આપવાનું ડોકટરે શરૂ કરી દીધું.

લક્ષ્મી ડોકટરની સારવારને સ્વીકારવાની સ્થિતિમાં પણ ન હતી. લગભગ બેહોશીની હાલતમાં એણે ડોકટરને ગાળો દેવા માંડી, પણ ડો. મારડિયાએ ગણકાર્યું નહીં. એમણે કહી દીધું, ‘તારે મને જે કહેવું હોય એ કહી દે, પણ હંુ મારું કામ પૂરું કર્યા વગર અહીંથી પાછો જવાનો નથી.’

‘તમારાથી કશું વળવાનું નથી, મને મરવા દો…!’ લક્ષ્મી બરાડા પાડતી રહી, રડતી રહી, ગાળો ભાંડતી રહી અને ડોકટર એને સારવાર આપતા રહ્યા. બે કલાકના અંતે લક્ષ્મીની ચીસો સમી ગઇ અને એક નવજાત બાળકના રુદને ઝૂંપડીને રાજમહેલ બનાવી દીધો.

એ પછી પણ ડોકટરનું કામ તો બાકી જ હતું. એ કાથીના ગંદા ખાટલામાં, અપૂરતા પ્રકાશમાં બાળકની નાળ કાપવી, એને જનેતાથી અલગ કરવું, પ્રસૂતાની ઓળ પાડવી, રકતસ્ત્રાવ કાબૂમાં રાખવો અને ચિરાયેલા ભાગ ઉપર ટાંકા લેવા.

અમદાવાદની મોટી-મોટી, અતિ આધુનિક હોસ્પિટલમાં એરકન્ડિશન્ડ લેબરરૂમોમાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટોની પૂરી ટીમ દ્વારા સુવાવડ થતી જૉવી એ એક તબીબી ઘટના માત્ર છે, જયારે હિન્દુસ્તાનનાં હજારો-લાખો ગામડાંઓમાં કોઇ પણ પ્રકારની સુવિધા વગર એકલા હાથે સુવાવડ પાર પાડવી એ મારે મન એક પવિત્ર અવસર છે. ઊજવવા જેવો આ અવસર પૂરો કરીને જેવા ડો.મારડિયા ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા, એવો જ હીરો કોળી એમના પગમાં પડી ગયો. ભવાનીસિંહની આંખોમાં પણ ધિંગાણું જીત્યા જેટલો આનંદ ધૂધવતો હતો. ‘સાહેબ, તમારી ફી?’ હીરાએ પૂછ્યું તો ખરું, પણ એનું હૈયું ફફડતું હતું.

ડોકટર જે પણ રકમ કહે, એ હીરાના ગજા બહારની હતી. ‘ભાઇ, હું સરકારી નોકરીમાં છું.’ કહીને ડો.મારડિયા હસ્યા. ‘જાણું છંુ, સાહેબ! પણ આ કામ સરકારી નિયમમાં નથી આવતું. વરસતા વરસાદમાં દર્દીના ઘરે જવા માટે પૂરમાં ખાબકવું અને ગરીબની ઝૂંપડીમાં જઇને એની લખમીને જિવાડવી… એના બદલામાં મારે થોડી ઘણી લખમી તો તમને ચૂકવવી પડે ને, સાહેબ!’ હીરો જીદે ચડયો હતો.

‘ચાલ, હવે બંધ કર! બહુ થયું.’ કહીને ડોકટરે ઝૂંપડી તરફ નજર ઘુમાવી, પછી પૂછ્યું, ‘હીરા, મારે તો એક પૈસોય લેવાનો નથી, પણ સાચું બોલજે, તારી પાસે આપવા જેવો એક પૈસોય છે ખરો?’

‘ના, મારા ભગવાન, ના! નથી…’ કહીને હીરો છુટ્ટા મોઢે રડી પડયો. જમીન ઉપર લેટી ગયો. ડોકટરના પગ પકડીને ખારો વરસાદ ખેરવી નાખ્યો. ડોકટરે પગ છોડાવ્યા, પછી ઉપાડયા, ‘ચાલો, ભવાનીસિંહ! અંધારું થવા માંડયું છે, અને આપણે હજી તરીને પાછા જવાનું છે.’

(શીર્ષક પંકિત: હરીન્દ્ર દવે)

Advertisements

3 Responses

  1. Do you have permission of the author to copy his stories on your blog? Are’nt you devaluating the creation of our favorite author by publishing it for free on the net?

  2. No dear friend..!! he is increasing number of fans of his favourite author…and mine as well…,,:)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: