ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, કયાંક બહુ વરસાદ જેવું લાગે છે.

આસ્વાદ આચાર્યે રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળીને ટેક્ષી શોધી. મળીગઇ. આસ્વાદે એના ભારે ભરખમ પૌરુષી અવાજમાં પૂછી લીધું, ‘હોટલ અલકનંદા જવું છે.’

ટેક્ષીવાળો સરદારજી હતો, એણે પાછલું બારણું ઉઘાડી નાખ્યું, ‘બેઠ જાઇએ, બાદશાહો! તીન મિનટમેં પહૂંચા દેતા હૂં.

‘નહીં,સરદારજી! તીન નહીં, મુઝે તો તીસ મિનિટ્સમેં જાના હૈ. પૂરા શહેર દેખના હૈ… કઇ સાલોં કે બાદ કદમ રખતા હૂં મેં ઇસ શહરમેં. મુઝે કોઇ જલદી નહીં હૈં. સરદારજી હસ્યા, ‘કિરાયા દુગના લૂંગા.’

‘મેં તીન ગુના દુંગા.’ કહીને આસ્વાદ ટેક્ષીમાં બેસીગયો. સરદારજીએ ફસ્ર્ટ ગીઅરમાં ગાડી સ્ટાર્ટ કરી અને પછી સેકન્ડ ગીઅરમાં જ સફર શરૂ કરી. ટેક્ષી સડક ઉપર સરકતી રહી અને આસ્વાદ અતીતની વાટે અને સ્મૃતિઓના પ્રવાસમાં લટાર મારવા પહોંચી ગયો. મુખ્ય માર્ગ ઉપર સહેજ આગળ વઘ્યા પછી એની નજર ડાબા હાથે આવેલી એક ભવ્ય રેસ્ટોરાં ઉપર પડી. ભવ્ય, જાજરમાન પ્રવેશદ્વાર પર નીઓન લાઇટ્સવાળુ ચમકતું બોર્ડ વંચાતું હતું.

‘યે કયા હૈ, સરદારજી?’ આસ્વાદ પૂછી બેઠો.

‘યે પેલેશીઅલ બાઇટ્સ હૈ, શહરકા સબસે અરછા ખાના ઇધર મિલતા હૈ… ઔર સબસે મહેંગા ભી. રૂકના હૈ, બાદશાહો?’

‘નહીં, નહીં! બહોત બાર ખા ચૂકા હૂં ઇધર. આસ્વાદે ટેક્ષી ચાલુ રાખવાની સૂચના આપી. પણ એનુ મન તો એ રેસ્ટોરન્ટમાં દાખલ થઇ ચૂકયું હતું. ત્રીસ વર્ષ થઇ ગયા, ત્યારે આ જગ્યાનું નામ ‘પરિણય ફૂડ કોર્નર’ હતું. દર શનિવારે આધાની સાથે અહીં ડિનર માટે આવતો હતો. એ વખતે નાનનો જમાનો ન હતો, ‘પરિણય’ના પરોઠા અને આલુ મટર વખણાતાં હતાં. સાડા ત્રણ રૂપિયામાં અનલિમિટેડ સબજી અને માગો એટલા પરાઠા મળતા હતા અને સાડા ત્રણ રૂપિયા ખાસ્સો મોંઘો ભાવ ગણાતો હતો.

આધા પાતળી પરમાર હતી. કાચની પૂતળી. અડધું પરાઠું ખાય એટલામાં જ એનું પેટ ભરાઇ જતું. પછીનો અડધો કલાક એ પ્રિયતમનો ઠપકો જમતી રહેતી. ઝાંખા કેન્ડલ લાઇટના ઉજાસમાં દબાયેલા સ્વરમાં આસ્વાદ એને ખખડાવતો રહેતો, ‘તારું તો પેટ છે કે કંકાવટી? એક પરોઠું પણ સમાતું નથી. મારા તો પૈસા પડી ગયા. જો તું આટલું જ ખાવાની હો, તો આપણે લગ્ન નથી કરવાં!’

આધાની આંખોમાં આંસુ ધસી આવતાં. એને ખબર હતી કે આસ્વાદ એને કેટલો બધો પ્રેમ કરે છે, પણ પ્રેમીની આ એક વાત એને ગમતી ન હતી. આસ્વાદ ધૂની હતો અને કયારેક તામસી હતો. આવતી ક્ષણે એ શું કરશે કે શું બોલી જશે એ આ ક્ષણે કોઇ કહી ન શકે. એની લગ્ન ન કરવાની ધમકી સાંભળીને આધા પરોઠાનો ટુકડો તોડીને મોંમાં મૂકતી, માંડ-માંડ ચાવીને ડૂચાને ગળા નીચે ઉતારી દેતી. ધૂંધવાયેલો આસ્વાદ પ્રેમિકાના પ્રયત્નો જૉઇને પીગળી જતો, ‘બસ, બસ! રે’વા દે હવે, પરાણે ખાઇશ તો માંદી પડીશ.’ ‘પણ જો હું ડીશ ખતમ નહીં કરું તો તું મારી સાથે લગ્ન નહીં કરે ને?’

‘અરે, કરીશ મારી મહારાણી! લગ્ન તો તારી સાથે જ કરીશ, અને પછી તને પરોઠા ખવડાવી-ખવડાવીને પંજાબણ જેવી બનાવી દઇશ. હવે રડવાનું બંધ કર.’ પછી આસ્વાદ ટેબલ પરથી ટીસ્યુ પેપર લઇને પ્રેમિકાની આંખોમાંથી ટપકતાં આંસુઓ લૂછી નાખતો. રેસ્ટોરન્ટની હવામાં હિંદી ફિલ્મનું રોમેન્ટિક ગીત ધીમું ધીમું રેલાઇ રહેતું અને રડતી આધા હસી પડતી. ‘એક મિનિટ, સરદારજી, ગાડી જરા ખડી કરના, યહાં પર સામને?’ એક આલીશાન ઇમારત જોઇને આસ્વાદ પૂછી બેઠો.

‘યે શોપિંગ મોલ હૈ, સર, કુછ ખરીદના હૈ ભાભીજી કે લીયે? ટેક્ષી પાર્કિંગમેં લે લૂં?’

‘નહીં, નહીં, ખરીદના તો કુછ ભી નહીં હૈ… લેકીન યહાં પર એક થિયેટર હુઆ કરતા થા.’

‘વો તો કબકા ટૂટ ચૂકા, સાહબ, રાજરાની નામ થા થિયેટર કા. આપને દેખા થા?’

આસ્વાદે જવાબ ન આપ્યો. ચશ્માના કાચમાંથી ત્રણ દાયકા પહેલાનું એ જાજરમાન સિનેમાગૃહ જોઇ રહ્યો. ‘રાજરાણી’ થિયેટરમાં એની રાણીની સાથે કેટલી બધી ફિલ્મો જોઇ હતી એણે! એ-હરોળની કોર્નર પાસેની બે ખુરશીઓમાં બેસીને પૂરાત્રણ કલાકનું અંધારિયું સાન્નિઘ્ય માણ્યું હતું અને આ જ સિનેમાગૃહના ઝાંપા પાસે એકવાર આધાની સાથે જૉરદાર ઝઘડો પણ કર્યો હતો.

‘કેટલા વાગ્યા તારી ઘડિયાળમાં?’

‘સોરી, જરાક મોડું થઇ ગયું. રિક્ષા મળતાં વાર લાગી.’

‘ત્રણ વાગ્યાનો શો છે. હું ટિકિટ લઇને અઢી વાગ્યાથી તારી રાહ જોતો ઉભો છું. મહારાણી સાડા ત્રણ વાગે પધારે છે. આ એક કલાક તારે મન જરાક મોડું લાગે છે?’ આસ્વાદનો ગુસ્સો એની ચરમસીમાએ હતો. આધા માફી માંગતી રહી. આસ્વાદે પિકચરની ટિકિટો ફાડીને ફેંકી દીધી.

અડધા કલાક પછી બંને જણાં ‘હેવમોર’માં બેસીને આઇસક્રીમ ખાઇ રહ્યાં હતાં અને આસ્વાદ પ્રેમિકાની આંખોમાંથી વહેતો દરિયો ટીસ્યુ પેપર વડે લૂછી રહ્યો હતો. ‘બાદશાહો, એક વાત પૂછું?’ સરદારજીનો અવાજ સાંભળીને બાવીસ વર્ષનો આસ્વાદ ફરી પાછો બાવનનો થઇ ગયો.

‘પૂછો.’

‘લગતા હૈ ઇસ શહર કે સાથ આપકા પૂરાના રિશ્તા હૈ, દિલ પે ચોટ ખાયે હુએ લગતે હો. કિસી ખૂબસૂરત કુડી કે સાથ…?’ સરદારજીએ પૂછ્યું

ખૂબસૂરત તો હતી આધા. આખા શહેરની સ્ત્રીઓ એક તરફ અને એકલી આધા બીજી તરફ. એ ચંગી કુડી નહોતી, પણ આસ્વાદની જિંદગીની જંગી મૂડી હતી. બંને એકમેકને ચાહતાં હતાં અને લગ્ન માટે વચનબદ્ધ હતાં. પણ આસ્વાદનો ધૂની અને તામસી સ્વભાવ વચમાં નડી જતો હતો. સમય પાલનની બાબતમાં તો એ એટલો ચૂસ્ત હતો કે એક ક્ષણનો વિલંબ પણ એ ચલાવી નહોતો લેતો, મિનિટનું મોડું તો બહુ મોટી વાત કહેવાય.

છેલ્લે આધા અને આસ્વાદ ઝગડીને છૂટાં પડયાં એ પણ આવી ક્ષણિક અને ક્ષુલ્લક વાતમાં. શહેરથી દૂર પ્રાચીન કાળનું ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું હતું. દર ગુરુવારે બંને પ્રેમીઓ ત્યાં દર્શન માટે ભેગાં થતાં હતાં. સાંજના છ વાગ્યાનો સમય નિિશ્ચત હતો. એક ગુરુવારે આધા વીસ મિનિટ મોડી આવી. આસ્વાદની કમાન છટકી, ‘ગુડ બાય, આધા! હવે માફી ન માંગીશ. આપણો મેળ નહીં જામે. જે માણસ સમયને સાચવી શકતો નથી, સમય એને સાચવતો નથી.’ આધા રડી ઉઠી, પણ આ વખતે આસ્વાદ એનાં આસું લૂછવા પણ રોકાયો નહીં.

‘સરદારજી, યહાં પર કહીં આસપાસ મેં એક મંદિર થા.’ આસ્વાદની આંખોમાં ત્રીસ વર્ષ પહેલાની સ્મૃતિ સળવળી ઉઠી.

‘હાં જી, સર, મંદિર થોડા ટૂટનેવાલા હોતા હૈં? વો તો અભી ભી હૈ. આપ દત્ત ભગવાન કી બાત કર રહે હૈ ના?’

‘હાં… હાં… એ જ..! મારે દર્શન કરવા છે. ટેક્ષી…’ આસ્વાદે ઇરછા દર્શાવી. સરદારજીએ ટેક્ષી ઘૂમાવી દીધી. આસ્વાદે જોયું કે એક સમયે જે મંદિર શહેરની બહાર હતું એ અત્યારે વરચે આવી ગયું હતું. નવી સોસાયટીઓ, નવા રસ્તાઓ, નવા માનવીઓ. આખરે ટેક્ષી એક લીમડાના વૃક્ષ નીચે ઉભી રહી ગઇ. સાંજના સાડા છ પોણા સાત વાગ્યા હશે. શિયાળાનો અંધકાર શહેર ઉપર પછેડીની જેમ ઉતરી રહ્યો હતો.

અચાનક આસ્વાદ ચોંકી ગયો. એક સ્ત્રી ગુલાબી રંગની સાડીમાં જઇ રહી હતી. જો કે એ રસ્તાની સામેની બાજુએ જતી હતી એટલે એનો ચહેરો બરાબર જોઇ ન શકયો, પણ એ આધા જ હતી એવું એને કેમ લાગ્યું હશે? ભ્રમ તો નહીં હોય? મસ્તક ઝટકાવીને આસ્વાદ મંદિરનાં પગથિયાં ચડી ગયો. પણ એનું ઘ્યાન હવે ભગવાનના દર્શનમાં ન હતું. એ કોઇને કશુંક પૂછવા માગતો હતો, પણ અત્યારે લોકોની ભીડ પણ નજીવી હતી.

‘ભાઇ, કોને શોધો છો?’ આસ્વાદને ડાફોળિયા મારતો જોઇને મંદિરના વૃદ્ધ પૂજારીએ પૂછી નાખ્યું

‘મહારાજ, પેલી બાઇ હમણાં અહીંથી ગઇ… ગુલાબી સાડીમાં… માફ કરજો, પણ મને લાગ્યું કે મેં એને કયાંક જોયેલી છે.

‘એ ને?’ પૂજારીએ નિ:સાસો નાખ્યો,’ એની વાત જ ન પૂછો, ભાઇ! બહુ દુખિયારી છે બિચારી. રોજ સાંજે છ વાગે આવીને મંદિરના ઓટલે બેસી જાય છે. જાણે કોઇની વાટ ન જૉતી હોય! અને સાડા છ વાગે ચાલી જાય છે. છેલ્લા ત્રીસ વર્ષથી હું જોતો આવ્યો છું. બિચારી પરણી પણ નથી.

‘હેં?! શું કહો છો? તો તો એ જ…’ બોલતામાં આસ્વાદ ભો થઇ ગયો. પગથિયાં તરીને લીમડાના ઝાડ પાસે દોડી ગયો. સરદારજીને નવાઇ લાગી, ‘બાદશાહો, ઇતનેમેં દર્શન કર લિયે?’

‘સવાલ મત પૂછો, સરદારજી, જલદીસે ટેક્ષી ભગાઓ, અભી-અભી એક ઔરત યહાં સે ગઇ હૈ, સકે પીછે…’ આસ્વાદના બોલવામાં પાછલા ત્રીસ વર્ષની તરસ હતી.

સરદારજી મામલો સમજી ગયા, ‘આપકો તો શહર દેખના હૈ ના, બાદશાહો! ગાડી સેકન્ડ ગીઅરમેં ચલાઉં કે ફસ્ટ ગીઅર મેં?’

‘તુમ્હારી ટેક્ષીમેં સૌવાં ગીઅર હૈં? તો સીમેં ડાઓ, ટેક્ષી! તીન મિનિટ કી નહીં, તીન દશકકી દૂરી તય કરની હૈ, મેરે ભાઇ!’

સરદારજીએ ટેક્ષી ચાલુ કરી, એકસીલેટર ઉપર પગ મૂકયો અને જીભ ઉપર ગબ્બરસિંગનો સંવાદ : ‘બહોત યારાના લગતા હૈ!’

(શીર્ષક પંકિત : મનોજ ખંડેરિયા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: