હો રાત ચાંદનીની, નિર્જન કોઇ જગા હો,….. ખટકે છે ત્યારે સંયમ, સંગમ મને ગમે છે

મિસાલ, તું બેમિસાલ છો.’ પ્રેમિકાના ખુલ્લા, સુગંધી કેશમાં આંગળીઓ ફેરવતાં મુકતકે એનાં સૌંદર્યની મુકતમને પ્રશંસા કરી.

‘થેન્ક યુ.’ મિસાલે કંઇક એવી અદાથી જવાબ વાળ્યો કે મુકતક વિમાસણમાં પડી ગયો કે આટલી મારકણી અદા જોઇને એ હજુ સુધી જીવતો શી રીતે રહી શકયો!

‘તારા વગર જીવવું અશકય છે.’

‘તો મને ઉઠાવી જા ને!’ મિસાલે ગરદનને એક નમણો ઝટકો આપ્યો. એના માથા પરનો કાળો, ખુલ્લો, રેશમી, લહેરાતો પાક મુકતકના ચહેરા ઉપર છવાઇ ગયો.

‘ઉઠાવી તો જાઉં, પણ કેવી રીતે? તું જો કુંવારી હોત, તો ઢોલ અને શરણાઇની સાથે જાન જોડીને ઘોડે ચડીને તારા આંગણે આવી ગયો હોત! પણ તું તો પરણેલી છે. તને લઇ જવાની વાત તો બાજુ પર રહી, પણ આપણે આમ ચોરી છુપીથી એકબીજાને મળીએ છીએ એ પણ ગુનો છે, મિસાલ!’

‘ગુનો? કોની નજરે?’

‘કાનૂનની નજરે. સમાજની નજરે. તારા વરની નજરે.’

‘અને પરમેશ્વરની નજરમાં? આપણાં બંનેનાં હૃદયની નજરે?’

‘પરમેશ્વરના તો પ્રેમ પર ચાર-ચાર હાથ હોય છે અને આપણું હૃદય તો હર એક ધડકન ઉપર એક જ ફરમાન છોડે છે : ઊજવી લ્યો! આ પ્રેમ એ તો ઊજવવા જેવો તહેવાર છે!’

મુકતકની વાત ઉપર મિસાલ હસી પડી. બપોરનો સમય હતો. શહેરના એક સુમસામ બગીચામાં બંને પ્રેમીજનો ચોરેલો સમય માણી રહ્યાં હતાં. બંને પરણેલાં હતાં, પણ સમદુખિયાં હતાં, ઘરનાં દાઝેલાં હતાં. મુકતક કોલેજમાં લેકચરર હતો, જયારે એની પત્ની ચાર ચોપડી ‘ભણેલી’ હતી. અર્ધશિક્ષિત હોવા ઉપરાંત અસંસ્કારી, જડ અને ગમાર હતી. મા-બાપે નક્કી કરી નાખેલા લગ્નથી રચાયેલું કજોડું હતું. મુકતક હૃદયમાં જાગતાં કોમળ ભાવોનો માલિક હતો અને એની પત્ની શરીરનાં ધમપછાડાનું શરણું શોધતું પ્રાણી હતી. લાકડાને લોઢાનો મેળ બેસે એમ જ ન હતો.

મન જો સહરાની તપતી રેતી જેવું બની જાય તો એની તરસ આખરે જળનું સરનામું શોધી જ કાઢે છે. મિસાલ મુકતકને કયાં, કયારે અને કેવી રીતે મળી એ સવાલો અપ્રસ્તુત છે. પતિ-પત્ની બનવા માટે ઔપચારિક ઇન્યરવ્યુની ગરજ પડે છે, પ્રેમીઓ તો ગમે ત્યાં એકબીજાને શોધી લે છે. સિટી બસમાં, શાકમાર્કેટમાં, કોલેજમાં, સિનેમાની ટિકિટની લાઇનમાં કે પછી અગાસી પરની ઉત્તરાયણમાં.

મિસાલની નાની બહેન કોલેજમાં ભણતી હતી. એને ટાયફોઇડ થયો. અઠવાડિયા સુધી એ કલાસમાં આવી ન શકી. આખરે એની માંદગીનું તબીબી સર્ટિફિકેટ આપવા માટે મિસાલે ધક્કો ખાવો પડયો.

મુકતક એને કોલેજની લોબીમાં જ મળી ગયો. સર્ટિફિકેટ વાંચીને એ બબડી ગયો, ‘હાઉ નાઇસ?!’

‘શું?!’ મિસાલ છેડાઇ પડી, ‘મારી નાની બહેન બિમાર છે અને તમને એ વાત જાણીને ખુશી થાય છે?’

‘એવું મેં કયારે કહ્યું? તન્હાને ટાયફોઇડ થયો છે એ તો મટી જશે. પણ એ બહાને તમારાં દર્શન તો થયાં!’ ‘એમાં દર્શન શાનાં? જિંદગીમાં કોઇ સ્ત્રી નથી જોઇ કે શું?’

‘સ્ત્રીઓ તો બહુ જોઇ છે, પણ તમારા જેવી સુંદર એક પણ નથી જૉઇ અને સાચું કહું? આટલી રૂપાળી સ્ત્રીને આવી નમણી કાર આટલા આત્મવિશ્વાસપૂર્વક ચલાવતાં તો કયારેય નથી જોઇ…’ મુકતકની નજર મેદાનમાં ઊભેલી ડાર્ક ગ્રીન રંગની મર્સિડીઝ તરફ હતી. એ બબડયો, ‘માની ન શકાય એવી સુંદર છે.’

મિસાલે ધીમેકથી પૂછ્યું, ‘ગાડી કે પછી…?’

‘ગાડીમાં બેઠેલી લાડી!’ મુકતકથી બોલી જવાયું. પછી તરત એને લાગ્યું કે એણે શિષ્ટાચારની સરહદ ઓળંગી દીધી હતી. કદાચ મિસાલને માઠું લાગી જશે. પણ એણે જોયું કે મિસાલને પોતાનાં સૌંદર્યની પ્રશંસા ગમી હતી.

આ જગતનું પરમ સત્ય છે. કોઇ પણ સ્ત્રીને એનાં રૂપની સાચી પ્રશંસા સાંભળવી ગમતી હોય છે, શરત માત્ર એટલી જ કે એ વખાણ સાચાં હોવાં જોઇએ, સંસ્કારી પુરુષે કરેલાં હોવાં જોઇએ અને શાલીનતાપૂર્વક સભ્ય ભાષામાં થયેલાં હોવાં જોઇએ. મુકતક અને મિસાલે એ રીતે એકમેકને શોધી લીધાં, જે રીતે મકાનની છત ઉપરનો ભેજ પોતાની સપાટી શોધી કાઢે છે. નાની બહેન તન્હાનો ગુરુ મોટી બહેન મિસાલનો પ્રિયતમ બની ગયો.

‘કયાં સુધી આમ સંતાઇને મળતા રહીશું? આ બગીચાની કે ખંડેરોની છાની-છાની ને નાની-નાની મુલાકાતોથી મન નથી ભરાતું.’ એક બપોરે મિસાલે મુકતકની છાતીના વાળમાં માથું છુપાવીને એનાં મનની વાત કરી.

‘તો શું કરીશું?’

‘કયાંક જઇએ, બે-ચાર કલાક માટે કોઇ હોટલમાં કે પછી…’

‘ના, બાબા, ના! હોટલમાં તો કો’કને કો’ક મારું પરિચિત ભટકાઇ જાય. અડધું શહેર મારા હાથ નીચે ભણી ચૂકયું છે.

‘તો પછી તું મારા બંગલે આવ. તારી કોલેજ સવારની હોય છે.’

‘અને તારો પતિ?’

‘આવતી કાલે સવારે મુંબઇ જવાનો છે, બે દિવસ માટે. ઘરમાં હું એકલી જ હોઇશ.’ મિસાલે માહિતી આપી. કાર્યક્રમ ગોઠવાઇ ગયો. બીજે દિવસે બપોરે મુકતક કોલેજમાંથી છૂટીને સીધો મિસાલે આપેલા સરનામે પહોંચી ગયો.

શહેરના સમૃદ્ધ વિસ્તારમાં સરસ મજાનો બંગલો હતો. આખી સોસાયટીમાં આઠ જ બંગલાઓ હતા. એકબીજાથી દૂર અને સાવ જ અલાયદા. તો પણ સાવચેતી ખાતર મુકતકે પોતાની કાર બસો અઢીસો મીટર જેટલી છેટે પાર્ક કરી. ચાલતો જ બંગલા સુધી પહોંચી ગયો. મિસાલે ઘરનું પ્રવેશદ્વાર અર્ધખુલ્લું જ છોડયું હતું. બીજી જ મિનિટે મુકતક અને મિસાલ એકમેકના બાહુપાશમાં હતાં.

મિસાલ એનાં પ્રેમીને પૂજાઘરમાં દોરી ગઇ. ત્યાં જઇને એણે દીપક પ્રગટાવ્યો. પછી કંકાવટી લઇને મુકતકની સામે ધરી.

‘આ બધું શું છે, મિસાલ?’

‘આ આપણી ઔપચારિકતા છે, સાચી લગ્નવિધિ છે. હું તારી સાથે વ્યભિચાર માણવા નથી ઇરછતી, મુકતક! આપણાં બંનેનાં લગ્નજીવન માત્ર સામાજિક વ્યવસ્થા જેવાં છે. સાચું લગ્ન આપણે આજે કરીશું. એકબીજાની સાથે.’ આટલું કહીને મિસાલે ટચુકડા ટેપરેકોર્ડની ચાંપ દબાવી. વાતાવરણ વેદમંત્રોથી ગૂંજી ઠયું. દીપક તો જલતો જ હતો. અગ્નિની સાક્ષીએ બંને પ્રેમીઓએ ચાર ફેરા ફરી લીધા. એકબીજાના ગળામાં ફૂલમાળા પહેરાવી હસ્તમેળાપ રરયો. મુકતકે કંકાવટીમાં કંકુ લઇને મિસાલનો સેંથો પૂર્યો અને પછી એક પેંડાના બે ટુકડા એકસાથે, હોઠોના સ્પર્શ સાથે માણીને મોં મીઠાં કર્યા.

‘હવે હું આજીવન તમારી રહીશ.’ કહીને મિસાલ મુકતકને વળગી પડી. મુકતકે એને પોતાની મર્દાના ભૂજાઓમાં ફૂલના દડાની પેઠે ઊંચકી લીધી અને પૂછી નાખ્યું, ‘મહારાણી, તમારા આ મહેલ જેવડા બંગલામાં આજે હું પહેલી વાર આવ્યો છું. તમારા શયનખંડનું સરનામું તો જણાવો!’

લાલ પાનેતરમાં ત્રિભુવન મોહિની જેવી સુંદર અને ઉત્તેજક લાગતી મિસાલ ખિલખિલાટ હસતી અને દિશાસૂચન કરતી રહી અને અનંગના આવેગને અંગ-અંગમાં સમાવીને તૃષાતુર બનેલો મુકતક બાહુઓમાં ચકેલા રૂપરાશિને લઇને રતિ-રાગના સામ્રાજયમાં સરકી ગયો.

પૂરા ચાર કલાક સુધી બંને શયનખંડમાં જ પૂરાયેલાં રહ્યાં. આ એમનો ખાનગી, સમાંતર સંસાર હતો, જે કદાચ જીવનભર ચાલવાનો હતો. શરીરની ભૂખ સંપૂર્ણપણે સંતોષાઇ ગયા બાદ મિસાલ અને મુકતક ભોજન માટે બેઠાં. મિસાલે બત્રીસ જાતની વાનગીઓ રાંધી રાખી હતી. જમતાં-જમતાં એણે પૂછી નાખ્યું, ‘મુકતક, આપણે કશુંક ખોટું તો નથી કર્યું ને? કશુંક અનૈતિક કે પાપ?’

‘ખબર નથી, મિસાલ! પાપ-પુણ્યનો ઇન્સાફ કરવાવાળો તો ઉપર આસમાનમાં બેઠો છે. આપણે માત્ર સમાજની વ્યવસ્થા તોડી છે, બાકી કશું જ પાપ નથી આચર્યું. પાપ તો એ લોકો આચરી રહ્યાં છે જેઓ લગ્ન નામના રૂપાળા બહાનાના બોજ હેઠળ દબાઇને, ભીંસાઇને મરતાં મરતાં, ટુકડે-ટુકડે જીવતાં રહે છે’ મુકતક મિસાલનાં હોઠો ચૂમીને બહાર નીકળ્યો.

બે દિવસ બાદ મુંબઇની બિઝનેસ-ટ્રીપ પતાવીને પાછા ફરેલા મિસાલના પતિએ બંગલામાં પગ મૂકતાની સાથે જ ધૂળ જેવી વાતમાં પત્નીની સાથે ઝઘડો શરૂ કર્યો, એને ગંદી ગાળો ભાંડી અને બે લાફા ચોડી દીધા. આ રોજનો ક્રમ હતો, મિસાલનો કાયદેસરનો સંસાર હતો અને સમાજની દૃષ્ટિએ પુણ્ય હતું.

(સત્ય ઘટના) (શીર્ષક પંકિત : નાઝિર દેખૈયા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: