ઘડીભરમાં નથી થાતી મહોબત જિંદગીભરની, હૃદય લેતાં હૃદયને આપતાં બહુ વાર લાગે છે

કિરાતના જમણા હાથની આંગળીઓના ટેરવે જન્મેલી ઝણઝણાટી હજુ પણ ઓસરી ન હતી. ચોવીસ કલાક થઈ ગયા, તો પણ.

બાકી તો છેક ગઈ કાલ સાંજની વાત હતી. કન્સ્ટ્રકશનની નવી સાઇટ ઉપરનું નિરીક્ષણ પૂરું કરીને એ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં કેદારનું ઘર આવ્યું. આમ તો કેદાર એનો જૂનો મિત્ર. ગાઢ મિત્ર ન ગણાય. કોલેજમાં સાથે ભણતા હતા, એટલે દોસ્તી જેવો પરિચય થઈ ગયેલો. પાંચેક વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા. લગ્ન વખતે કેદારે કંકોતરી મોકલી હતી, પણ પોતે જઈ શકયો ન હતો. પાછળથી મિત્રોના મોંઢે વાત સાંભળી, ત્યારે લગ્નમાં હાજરી ન આપવા બદલ અફસોસ પણ થયો હતો. લગભગ તમામની જીભ ઉપર એક જ વાકય હતું : ‘તું રહી ગયો, દોસ્ત! આવી તક ફરી-ફરી ન મળે.’

‘કેમ? જમવાનું એટલું બધું સ્વાદિષ્ટ હતું?’

‘જમવાને માર ગોળી, યાર! જોવાનું બહુ સ્વાદિષ્ટ હતું!’

એ પછીનાં વાકયોમાં માત્ર પુરુષો વરચે જ બોલી શકાય અને સાંભળી શકાય એવો શૃંગારરસ હતો. બધાની જીભ ઉપરથી લાળની સાથે સાથે એક જ વાત ટપકતી હતી : ‘મારો બેટો કેદારિયો! કાગડો દહીંથરું નહીં, પણ કોહિનૂર ઉપાડી લાવ્યો છે. એને જોઈને જ આપણી તો નેત્રતૃપ્તિ થઈ ગઈ. ’

જેની રૂપાળી વહુ, એના ભાઈબંધ સહુ. આ કોઈ નાટકનું નામ જ ફકત નથી, પણ પૃથ્વીના આરંભથી જ શરૂ થયેલાં સ્ત્રી-પુરુષોના પ્રબળ આકર્ષણનો ટૂંકો દસ્તાવેજ છે. સ્ત્રી કુંવારી હોય કે પરણેલી, એનાં રૂપના લોહચુંબકથી કોઈ બચી શકયું નથી. કેદારના ઘરે પણ મિત્રોની અવર-જવર વધી પડી.

ગઈ કાલે કિરાત પણ આ જ શૃંખલાના આખરી મણકા રૂપે કેદારના ઘરે ટપકી પડયો અને કેદારે એને પ્રેમપૂર્વક આવકાર્યો પણ ખરો: ‘આવ, કિરાત. તું તો ભ’ઈ બહુ મોટો બિલ્ડર બની ગયો છે ને! સાંભળ્યું છે કે કરોડો રૂપિયા બનાવી લીધા છે…!’

‘ઠીક છે, મારા ભૈ! કડિયાકામ કરી ખાઈએ છીએ. ચાલીસ-પચાસ કરોડ કમાયા એ કંઈ રૂપિયા બનાવી લીધા એવું કહેવાય? ચાર-પાંચ મોટી સ્કીમો ચાલે છે. એક-બે આપણી માલિકીના બંગલાઓ છે અને ત્રણ-ચાર ખખડી ગયેલાં બળદગાડાં છે. તારા જેવું નથી, યાર! તું તો અબજો દેતાંયે ન મળે એવું ‘ધન’ કમાઈને બેઠો છે…’

કેદારની નજર ખુલ્લી બારીમાંથી દેખાતી કિરાતની મર્સિડિઝ ઉપર પડી. તો આ હતું બળદગાડું!

‘ક્ષિતિ, બે ગ્લાસ પાણી લાવજે. જો કોણ આવ્યું છે? ઓળખાણ કરાવું.’ અને પ્રતિસાદરૂપે જે પદમણી પ્રગટ થઈ એને નિહાળીને કિરાતને થયું કે આ ક્ષણે જ મૃત્યુ આવી જાય તો પણ અફસોસ જેવું નથી. આ જગતમાં જે જોવા જેવું છે, એ જોવાઈ ગયું છે. મારો વાલીડો કેદારિયો! ભીખારીને લોટરી લાગી! એણે ટ્રેમાંથી ગ્લાસ ઉઠાવ્યો. મનમાં લાગેલી આગને શમાવતો હોય એમ આખોયે ગ્લાસ એ ગટગટાવી ગયો. પણ પછી જે ઘટના બની એ એના માટે કલ્પનાતીત હતી.

જેવો એ ખાલી ગ્લાસ ટ્રેમાં પાછો મૂકવા જાય છે, ત્યાં ક્ષિતિએ હાથ લંબાવીને એના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને એમ કરતી વખતે એના રૂપાળા, ગોરા હાથની સુંવાળી આંગળીઓ કિરાતની આંગળીઓ ઉપર ચંપાઈ, દબાઈ અને એના દેહમાં સંચરતો વિધુતપ્રવાહ કિરાતના જમણા હાથના પંજામાં ઠાલવી ગઈ. આજે ચોવીસ કલાક થઈ ગયા એ ઘટનાને, પણ એ ટેરવાંઓ ઉપરની ઝણઝણાટી હજુયે ઓસરી ન હતી.

શું આ સંકેત હતો? અતૃપ્ત લગ્નજીવન વિષયનો ઇશારો હતો? મિત્રોનું કહેવું તો એવું હતું કે કેદારિયાની બૈરી ઘોલર મરચાં જેવી છે. કોઈનીયે સાડીબાર રાખતી નથી. મજાક-મસ્તીની જરા સરખી છૂટ લેવા જઈએ, એ ભેગાં જ મૂળિયાસોતાં વાઢી નાખે છે. તો પછી એ ત્રિભુવનસુંદરી એની ઉપર આમ ઓવારી કેમ ગઈ?

પૂરા ચોવીસ કલાકના મનોમંથન અને બુદ્ધિપૂર્વકના વિશ્લેષણ પછી કિરાત આ પરિણામ ઉપર આવ્યો : બીજા મિત્રોની વાત જવા દો. એ બધાનાં ડાચાં જૉયાં? સગ્ગી પત્ની પણ ધક્કો મારી દે. જયારે પોતે તો કામદેવનો અવતાર છે. બીજાનાં કપડાં કેવાં અને પોતાનાં મોંઘાં વસ્ત્રો કેવાં છે? બાકીના મિત્રો ઠાિઠયા જેવા સ્કૂટર ઉપર ફરે છે, જયારે પોતે લકઝુરિયસ ગાડીમાં આળોટે છે. અને આ બધી વાતો કેદારે એની પત્નીને જણાવી જ હશે. એ બાપડો મિત્રના ઐશ્વર્ય બાબત ડંફાસો મારતો હશે અને પેલી ‘ઐશ્વર્યા’ એ વર્ણનથી અંજાઈને મનોમન પોતાના ઉપર ઓળઘોળ થઈ રહી હશે. કોને ખબર?

પણ એક વાત નિશ્ચિત છે એને મળવું તો પડશે જ. એણે બીજા દિવસે બપોરે કેદારના ઘરે ફોન લગાડયો. કાનમાં મધ ઘોળાયું. સામે છેડે મધપૂડો જ હતો : ‘મને ખબર જ હતી કે તમે ફોન કરશો.’

‘નહીં, ભાભી…. મેં બસ, અમસ્તાં જ… મને એમ કે લાવો, કેદાર જોડે વાતો કરીએ…’

‘ના, તમને બરાબર ખબર છે કે તમારા મિત્ર અત્યારે જોબ ઉપર હોય છે. એમ કેમ નથી કહેતા કે ફોન મારી સાથે વાત કરવા માટે કર્યો હતો?’

હવે દોણી છુપાવવાનો કશો અર્થ ન હતો. કિરાતે સીધી છાશની વાત કાઢી, ‘ક્ષિતિભાભી, ગઈ કાલે તમારા હાથનો સ્પર્શ…. હું એને અકસ્માત સમજું કે આમંત્રણ?’

જવાબમાં એક અપ્સરા જાણે શરમાઈને મૌનનો રેલો બની ગઈ. માંડ-માંડ એ મૌનને વાચા ફૂટી, ‘કિરાત, હવે પછી મને કયારેય ક્ષિતિભાભી કહીને ન સંબોધશો. હું પહેલી નજરે જ તમારી ઉપર પાગલ થઈ ગઈ છું. કદાચ હું તમારા માટે જ બની હોઇશ. આ કેદાર નામનું ખરચર કયાંથી મારા કિસ્મતમાં ટપકી પડયું? મારે તો હણહણતા અશ્વ જેવો પુરુષ જોઇએ…. તમારા જેવો…’

કિરાત બેચેન બની ગયો. એ બેચેની બુઝાવવા માટેનો એક જ ઉપાય હતો. એ અને ક્ષિતિ મળતાં ગયાં, મળતાં રહ્યાં, વારંવાર. પણ પૂરેપૂરા નહીં. ઇન્કારની એક મક્કમ રેખા ક્ષિતિએ દોરી રાખી : ‘ના, કિરાત. લગ્ન વગર દેહસંબંધ શકય નથી. મને પામવાનો એક જ માર્ગ છે, વાજતે-ગાજતે મને લઈ જવાનો.’

‘તો પછી તું કેદાર પાસે છૂટાછેડા માગી લે.’

‘મારા જેવી રૂપાળી પત્નીને છૂટાછેડા આપવા કયો પતિ તૈયાર થાય?’

‘તો પછી…? તો પછી…? તો પછી…?’

પૂરા છ મહિનાની ચર્ચા અને વિચારણાઓ પછી બંને પ્રેમીજનો એ નિર્ણય ઉપર આવ્યાં કે પગમાં વાગતા કાંટાને હટાવવો હશે તો એને ફકત કાઢવાથી કામ નહીં સરે, એને તોડી નાખવો પણ જરૂરી છે. કેદારને પણ ખતમ કરવો રહ્યો.

યોજનાનાં અનેક સ્વરૂપો હોય છે. અકસ્માત, આપઘાત, અજાણ્યા દ્વારા ખૂન…! ધનવાનો માટે આ દરેક સ્વરૂપ સહેલાં હોય છે.

એક દિવસ અખબારી પાનાં ઉપર એક હેડલાઇન ચમકી ગઈ : શહેરના મઘ્યમવર્ગીય વિસ્તારમાં રહેતા એક કારકૂનની કોઈ અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા. લૂંટફાટના ઇરાદે ઘરમાં ઘૂસેલા ઇસમોએ….

પણ પછી અચાનક ઘટનાક્રમે અણધાર્યો વળાંક લીધો. રોજેરોજ અખબારી રિપોર્ટિંગના રંગો બદલાતા ગયા. ત્રીજા દિવસે : પોલીસને કાવતરાની પડેલી શંકા. પાંચમા દિવસે : મૃતક કેદારની રૂપાળી પત્ની ક્ષિતિએ કરેલો ધડાકો : પોતાના મોહમાં અંધ બનેલા એક કૌટુંબિક મિત્રનો હત્યામાં હાથ હોવાનો ઘટસ્ફોટ. પોલીસને આપેલા મહત્ત્વના પુરાવાઓ.

પંદર દિવસની અંદર કેદારનો હત્યારો કિરાત જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. પતિના કાતિલને મળવા માટે પોલીસની પરવાનગી લઈને પધારેલી ક્ષિતિએ એકાંત મળતાં જ પૂછી લીધું, ‘કિરાત, ચિંતા ન કરીશ. તારી પાસે ખૂબ પૈસા છે. સારો વકીલ રાખીને તું નિર્દોષ છૂટી શકીશ.’

‘પણ…. ક્ષિતિ! તેં આવું શા માટે કરાવ્યું? તું તો મને ચાહતી હતી.’

‘એ તારી ભૂલ હતી, કિરાત! હું ચાહતી હતી કુમારને. આવતા મહિને હું એની સાથે લગ્ન કરી લઉં છું. તું બહાર આવીશ, ત્યારે અમે અમેરિકા નામની વિશાળ દુનિયામાં ખોવાઈ ગયાં હોઇશું. બે વાત યાદ રાખજે. એક તો મને કયારેય મળતો નહીં. અને બીજી? કદાચ મળી જવાય તો મને ‘ક્ષિતિભાભી’ કહીને સંબોધજે. આખરે હું તારા મૃત મિત્રની માજી પત્ની છું.’

શીર્ષક પંકિત : ‘રાજ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: