આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સહેલ નથી, હું આમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

ડો. સનત ઠક્કર એમની અંગત જિંદગીના અત્યંત કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા હતા. એમની ખુદની પત્નીનું સીઝેરિઅન થયું હતું અને દીકરો પૂરા મહિના કરતાં ખૂબ વહેલો જન્મ્યો હતો. આજે એ વાતને પંદર-પંદર દિવસ થયા હતા, પણ પ્રિમેરયોર દીકરો કાચની પેટીમાં જ કેદ હતો. ડોકટર બેસવા ખાતર પોતાના કન્સિંલ્ટગ રૂમમાં બેસતા હતા, પણ એમનું મન દર્દીઓમાં લાગતું ન હતું.

ડો. સનત ગાયનેકોલોજિસ્ટ હતા. એમણે છેલ્લા બે અઠવાડિયાથી નર્સને કહી દીધું હતું, ‘સિસ્ટર, હમણાં એક પણ નવા દર્દીનો કેસ લેવાનો નથી. જૂના દર્દીઓને જ આવવા દેજો. ‘પણ સર, જે દર્દીએ આપણે ત્યાં ડિલિવરી માટે નામ નોંધાવી દીધું હોય એ પ્રસૂતિ માટે આવી ચડે તો..?’ ‘શકય હોય તો એને પણ સમજાવીને બીજા નર્સિંગ હોમમાં મોકલી આપજો. હું અત્યારે માનસિક રીતે ખૂબ જ વ્યગ્ર છું, મારો દીકરો…’ ડોકટર આગળ બોલી ન શકયા, દીકરો ડૂમો બનીને સ્વરપેટીમાં અટકી ગયો.

આ પરિસ્થિતિ એમ આસાનીથી નહીં સમજાય, એના માટે એ હાલતમાં મૂકાવું પડે. પત્ની ઓપરેશનના ખાટલામાં પડેલી હોય, અધૂરા મહિને અને ઓછા વજન સાથે જન્મેલો પુત્ર બાળકોના ડોકટરને ત્યાં ઇન્કયુબેટરમાં પડેલો હોય, દિન-પ્રતિદિન એના વજનમાં ઘટાડો થતો જતો હોય, મોંઘામાં મોંઘી દવાઓ પણ એ માંસના લોચામાં ઉમ્મીદનું કિરણ હજુ આટલા દિવસો બાદ પણ પ્રગટાવી શકતી ન હોય, ત્યારે કયો બાપ પોતાની કમાણીમાં મન લગાવી શકે?

એ દિવસે ભગવાને ડોકટરની કસોટી કરી. સાંજે આઠ વાગે જયારે કન્સિંલ્ટગ પૂરું કરીને ડો. સનત પોતાના પુત્રને જોવા માટે નીકળી રહ્યા હતા, ત્યારે એક મુસ્લિમ પુરુષ એની બીબીને લઇને આવી પહોંરયો. ડો. સનત એને ઓળખી ગયા. એ અમિર ખાન હતો, એની ઝુબૈદાને પ્રસૂતિની પીડા સાથે લઇને આવ્યો હતો.

‘ડોકટર સા’બ, હમ સહી વકત પે આ ગયે.’ ડોકટરને પગથિયાં તરતાં જોઇને અમિર ખાન હસ્યો.

‘ભાઇ, એક કામ કર સકતે હો? તુમ્હારી ઝુબૈદા કો કિસી ઔર દવાખાને મેં લે જા શકતે હો? મૈં જરા મુસીબત મેં હૂં’ ‘નહીં, સા’બ! યે કૈસે હો શકતા હૈ? હમારે તીન બરચે આપકે હી હાથોં પૈદા હુએ. હમકો સિર્ફ આપકે ઉપર ભરોસા હૈ. ઇસલીયે તો હમને આપકે યહાં નામ ભી રજિસ્ટર કરવા લિયા થા. અબ આપ ઇસ તરહ..? નહીં, સા’બ હમ નહીં જાયેંગે! આપકો જાના હો તો જાઓ…’

દર્દીનો પ્રેમ, આગ્રહ, જીદ એક તરફ હતા, તો કાયદો, વ્યાવસાયિક નીતિમત્તા અને માનવતા બીજી તરફ હતા. ડોકટરના પગમાં બેડી પડી ગઇ. એ ચિડાયા, પણ રોકાઇ ગયા.

ઝુબૈદાને એમણે લેબર રૂમમાં લીધી. ચોથી સુવાવડ હતી, તેમ છતાં આ વખતે પ્રસૂતિમાં પારાવાર મુશ્કેલી પડી. બાળક અતિશય મોટું હતું. મોડી રાતે બાઇનો છુટકારો થયો. દીકરો જન્મ્યો હતો. આ પહેલાંની ત્રણેય સુવાવડોમાં ઝુબૈદાને દીકરીઓ જન્મી હતી. જયારે ડો.સનતે લેબરરૂમમાંથી બહાર નીકળીને પુત્રજન્મના સમાચાર આપ્યા, એ સાથે જ અમિર ખાના ચહેરા પર ખુશીના ગુલાબો ખીલી ઊઠયા. ‘સચ?!’ એ માંડ આટલું બોલી શકયો. ‘હાં, ઔર બરચેકા વજન ચાર કિલો સે ભી જયાદા હૈ. અભી સે ઐસા દિખતા હૈ જૈસે કિ દો મહિને કા હો!’ ડોકટરના મુખમાંથી આ શબ્દો નીકળતાં તો નીકળી ગયા, પણ તરત જ એમનો ચહેરો કરમાઇ ગયો. કાચની પેટીમાં પડેલો પોતાનો દીકરો એમને યાદ આવી ગયો. એક કિલોને ચારસો ગ્રામનો એ પિંડ કેટલા માસનો લાગતો હતો?!

‘સા’બ, આપ કોઇ તકલીફમેં લગ રહે હૈં, કયા મૈં કુછ કામ આ શકતા હૂં?’ અમિર ખાન ગરીબ હતો, તેમ છતાં હમદર્દી બતાવવામાં કાચો ન પડયો.

‘હેં?! નહીં, ભાઇ, મેરી તકલીફ ઐસી હૈ કિ તુમ તો કયા, લેકિન ટાટા-બિરલા ભી મેરી મદદ નહીં કર શકતે. અબ તુમ્હારા કામ તો હો ગયા, મેરા કામ અભી બાકી હૈ. મુઝે જાના પડેગા.’ આટલું કહીને, નર્સને બાકીના કામ માટેની સૂચના આપીને ડો. સનત નર્સિંગ હોમના પગથિયાં ઊતરી ગયા. આ જ શહેરમાં પંદર કિલોમીટર દૂર આવેલા એક જાણીતા ચિલ્ડ્રન્સ નર્સિંગ હોમમાંથી કોઇનો કુમળો સાદ એમને બોલાવી રહ્યો હતો. એમણે ગાડી મારી મૂકી.

ુુુ

‘કેમ આજે આટલું બધું મોડું થયું?’ રાતનાં અઢી વાગ્યે સ્પેશિયલ રૂમની પથારીમાં સૂતેલી પત્નીએ ડો.સનતને જયારે આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે એનાં ફિક્કા ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાયાં હતાં.

‘શું કરું? હું નીકળતો હતો, ત્યાં જ એક મુસ્લિમ પેશન્ટ આવી ગઇ. ફોર્થ ગ્રેવીડા હતી. મેં ખૂબ જ સમજાવી, પણ ન એ માની, ન એનો વર માન્યો. મારે ના છૂટકે રોકાવું જ પડયું. દાઝ તો એવી ચડી છે કે… કંઇ વાંધો નહીં, એને રજા આપતી વખતે હું પણ લેશમાત્ર દયા નહીં બતાવું, દોઢું બિલ લઇશ. એક રૂપિયો પણ ઓછો નહીં કરું. આ લોકોમાં માનવતા જેવી તો કોઇ ચીજ જ નથી હોતી!’ ભાંગતી રાતે ડોકટર એમનો ઉકળાટ ઠાલવતા રહ્યા અને પત્નીનાં માથાના ખુલ્લા કેશમાં હાથ ફેરવતા રહ્યા. પછી અચાનક પૂછી બેઠા, ‘કેમ છે આપણા રાજકુંવરને?’

પત્નીનું મોં પડી ગયું, ‘આજે વજન બારસો ગ્રામ થઇ ગયું છે. સાંજે ડો.શાહ આવીને કહી ગયા-‘હાલત ચિંતાજનક કહેવાય. બાળકને નસવાટે ગ્લુકોઝ વોટર તો ચડાવીએ છીએ, પણ એનાથી વજન નહીં વધે! નાકમાં રાઇલ્સ ટયૂબ નાખીને બહારનું દૂધ પણ આપી જોયું, ઝાડા થઇ ગયા. હવે એક જ ઉપાય છે : માતાનું ધાવણ જોઇશે. બીજું એક પણ દૂધ બાળક પચાવી નહીં શકે. હવે શું થશે?’

‘કેમ, તારું ધાવણ…?’ ‘નથી આવતું. બે અઠવાડિયા થઇ ગયાને! એટલે ઝરણ સૂકાઇ ગયું. ઉપરથી દીકરો જીવશે કે નહીં એની ચિંતા. પેટમાં કોળિયો નાખવાની પણ ઇરછા થતી નથી. આમાં ધાવણ કેવી રીતે આવે?’ આખી રાત પતિ-પત્નીએ ચિંતામાં પસાર કરી દીધી.

સવારે પિડીયાટિ્રશિયન આવ્યા. ડો.સનત ઠક્કરને જોઇને બોલી ગયા, ‘ડોકટર, ગમે તે કરો, પણ બપોર થતાં સુધીમાં માનું ધાવણ લાવવાની વ્યવસ્થા કરી આપો. અધરવાઇઝ, ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ…’ ‘નો, નો, નો! પ્લીઝ, એવું ન બોલશો. હું જોઉં છું. કંઇક તો કરવું જ પડશે. બે ચમચી ધાવણ માટે ત્રણ લોકમાં ઘૂમી વળીશ. હું આમ ગયો…ને… આમ આવ્યો…’ ડો.સનત ઠક્કર આટલું કહીને નીકળી તો પડયા, પણ બે કલાકની રઝળપાટ પછી થાકીને, નિરાશ હાલતમાં પોતાના નર્સિંગ હોમમાં જઇને ખુરશીમાં ફસડાઇ પડયા. નર્સ આવીને પાણી આપી ગઇ, વાતને તાગ મેળવીને બિચારીએ પણ ચિંતામાં પડી ગઇ.

થોડીવાર પછી અમિર ખાન આવ્યો, ‘સા’બ, આપ બડી ફિક્રમેં દિખતે હૈ, મેરે લાયક કોઇ કામ હો તો જરૂર બતલા દેના.’ ‘તૂ જાને, ભાઇ! એક બાર કહ દિયા ના કિ…’ ડોકટર ઉશ્કેરાઇ ગયા. નર્સે ઝભ્ભાની બાંય ઝાલીને અમિર ખાને બહાર ખેંચી લીધો. થોડીવાર સુધી નર્સ એ ગરીબ, અણધડ મુસલમાનને સાચી વાતની માહિતી આપીને ધમકાવતી રહી. છેલ્લે એણે આદેશ ફરમાવ્યો, ‘અબ આજકે દિનમેં ડોકટર સા’બ કો ડિસ્ટર્બ નહીં કરના!’

પણ પંદરેક મિનિટ પછી પાછો અમિર ખાન ઝબકયો. એના હાથમાં નાનકડી વાટકી હતી. બારણું હડસેલીને એ કન્સિંલ્ટગ રૂમમાં દાખલ થયો, ‘સા’બ, ખફા મત હોના. ઇસમેં દૂધ હૈ. બકરી કા યા ગાય કા નહીં, પાઉડર કા ભી નહીં, યે તો મેરી ઝુબૈદા કા ધાવણ હૈ, સા’બ, આપ કે બરચે કે લીયે. ઔર ભી જીતના ચાહિયે, મુઝે બોલ દેના, સા’બ!’

‘હેં?! ઔર તુમ્હારા બરચા?’

‘ઉસકી ફિક્ર મત કરો, સા’બ! વો તો પઠાન કા બરચા હૈ, તીન દિન ભૂખા રહેગા, ફિર ભી મરેગા નહીં. આપ કહો તો ઝુબૈદા કો આપકે બરચે કે પાસ ભેજ દૂં!’ અમિર ખાનની કંપતી લાંબી દાઢીમાં એક ગરીબ માણસની અમીરાત છલકતી હતી. અને ડોકટર વિચારતા હતા કે કયારે આનું બિલ બનાવવાનો સમય આવે ને કયારે હું આ લીલા રંગના સ્નેહનો કેસરિયો પ્રતિસાદ પાઠવું?

(સત્ય ઘટના, શીર્ષક પંકિત : ચંદ્રેશ શાહ)

Advertisements

2 Responses

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: