જહાં ભૂલી હુઈ યાદ આકે દામન થામ લે દિલ કા, વહાં સે અજનબી બન કર ગુજર જાના હી અરછા હૈ

અરે, પણ તું તો સાવ લેવાઈ ગઈ! એક મામૂલી ડાઘ છે, એમાં શું થઈ ગયું? નીકળી જશે.’

‘ના, તેજ! મારો હસબન્ડ આ જોશે, ત્યારે બહુ દુ:ખી થઈ જશે. કેટલા પ્રેમથી એણે મારા માટે આ ડ્રેસ ખરીધો છે! લંડનના વિશ્વવિખ્યાત ‘હેરોડ્ઝ’માંથી એ ખાસ મારા જન્મદિવસ ઉપર ભેટ આપવા માટે આ કિંમતી ડ્રેસ લઈ આવ્યો છે. પૂરા બારસો પાઉન્ડ ચૂકવ્યા છે આના…’

તેજ અને તાજગી. પુરાણા પરિચિતો અને નવા પ્રેમીઓ. કોલેજમાં સાથે ભણતાં હતાં, ત્યારે પણ એકબીજાનાં પ્રેમમાં હતાં. પણ અઢી અક્ષરનો શબ્દ કહેવા માટે ત્રણ શબ્દોનું વાકય શોધી શકયાં નહીં, એટલે એમનો પ્રેમ અધૂરી ગઝલની જેમ રજૂઆત પહેલાં જ આથમી ગયો. તાજગી પરણી ગઈ તલ્લીન સાથે અને ભૌતિક અર્થમાં સુખી થઈ ગઈ. સુખના આ અવિરામ ધોધમાં ભીંજાતાં ભીંજાતાં જ એની જિંદગી પસાર થઈ જાત, જો અચાનક એક દિવસ કયારેક ઝબૂકી જતા ધૂમકેતુની જેમ તેજ એનાં નિજી આકાશમાં આવી ચડયો ન હોત!

મહોબ્બતની અધૂરી દાસ્તાન નવેસરથી લખાવી શરૂ થઈ ગઈ. તલ્લીન બિઝનેસ ટૂર માટે યુરોપના પ્રવાસે ગયો, એ દિવસોમાં તેજ અને તાજગી અત્યંત નજીક આવી ગયાં. આજે પહેલીવાર એ લોકો લક્ષ્મણરેખા ઓળંગવા માટે ભેગાં થયાં હતાં.

આજે સવારથી જ તાજગી ઉત્સાહથી થનગની રહી હતી. બ્રેકફાસ્ટ વખતે તલ્લીને પૂછ્યું પણ ખરું: ‘તાજગી, તારી તાજગીનું રહસ્ય જાણી શકું?’

‘કેમ નહીં? તમે ન પૂછ્યું હોત, તો પણ હું કહેવાની જ હતી.’ તાજગીએ ચાર-પાંચ કલાક માટે ઘરની બહાર રહેવાની યોજના જણાવી દીધી. ‘મારી જૂની બહેનપણી મળી ગઈ હતી. આજે એણે મને લંચ માટે બોલાવી છે. સાંજ પડતા સુધીમાં તો પાછી આવી જઇશ.’

‘કઈ સાડી પહેરવાની છે આજે?’ તલ્લીને સંતરાનો રસ ગળા નીચે ઉતારતા પૂછ્યું.

‘સાડી નહીં, પણ ડ્રેસ પહેરવાની છું.’

‘તો પછી હું જ સજેસ્ટ કરું.’ તલ્લીન ખાલી ગ્લાસ ટેબલ ઉપર મૂકીને ઊભો થયો, ‘હું તારા માટે લંડનથી લાવ્યો છું, એ પહેરજે.’

‘તમે ન કહ્યું હોત, તો પણ એ જ પહેરવાની હતી. ઇનફેકટ, છેલ્લા એક મહિનાથી હું એ ડ્રેસ પહેરવા માટેના મોકાની તલાશમાં જ હતી.’

‘સરસ. અને હા, તારા ચહેરા ઉપર મેશનું કાળું ટપકું કરવાનું ન ભૂલીશ. એ ડ્રેસમાં તું એવી તો ખૂબસૂરત લાગીશ કે કોઈની નજર લાગી જશે.’

‘ઓહ, તો વખાણ કપડાંનાં થઈ રહ્યાં છે, મારા નહીં. તો પછી મેશનું ટપકું પણ ડ્રેસ ઉપર જ કરું ને?’

‘જોજે, એવી ભૂલ કરતી!’ વોશ બેઝીનમાં હાથ ધોઈ રહેલો તલ્લીન પત્નીની વાત સાંભળીને સારચેસાચ ભડકી ગયો: ‘પૂરા એક લાખ રૂપિયાની કિંમતનો ડ્રેસ છે. સાપની ત્વચામાંથી તૈયાર થયેલો છે. સાચવીને પહેરજે. ડાઘ ન લાગે.’

‘અને મારું શું?’

‘તું તો કરોડો ખરચતાં પણ ન મળે એવી ખૂબસૂરત અપ્સરા છો. પણ તારી જાળવણી તો મારે કરવાની છે ને? પણ… મેં કહ્યું એ વાતનો ખ્યાલ રાખજે.’ તલ્લીન બંગલાનાં પગથિયાં ઊતરી રહ્યો હતો: ‘ડાઘ ન પડે એનું ઘ્યાન રાખજે.’

અને ઘ્યાન રાખવા છતાં પણ કમબખ્ત આ ડાઘ તો પડી જ ગયો. શેનો હતો એ ખબર જ ન પડી. રિક્ષામાં બેસવાને કારણે હશે કે પછી તૈયાર થતી વખતે ‘મેકઅપ’ના સાજ-સરંજામમાંથી ટપકું પડી ગયું હશે? એને પોતાને તો ખબર પણ ન પડી હોત, આ તો તેજની નજર ડાઘ પર પડી ગઈ.

‘કેવો લાગ્યો ડ્રેસ?’ તાજગીએ હોટલની કોરીડોરમાં પગ મૂકતાંની સાથે જ પૂછ્યું.

‘ખૂબ સુંદર. હજી આનાથી પણ વધારે સુંદર લાગ્યો હોત, જો આ ડાઘ ન પડયો હોત…’

અને તાજગીનો જાણે કે જીવ ઊડી ગયો. છાતીમાં ભયંકર મોટો ધ્રાસકો પડયો. બાપ રે! તલ્લીનને શો જવાબ દઇશ? પહેલા જ કોળીએ માખી? પાંચ- દસ વાર ડ્રેસ પહેરી લીધા પછી ડાઘ પડયો હોત તો કંઇકેય આશ્વાસન લઈ શકાત. પણ આ તો…!

પ્રેમિકાનું વિલાયેલું મોં જોઈને તેજ ઠીંગરાઈ ગયો. હવે પછીનો કાર્યક્રમ હોટલના કમરામાં પુરાવાનો હતો. એનું તો બાળમરણ જ થઈ ગયું ને? આવી રડતી પ્રેમિકાને રતિકર્મ માટે રાજી શી રીતે કરવી? ‘તાજગી, તું ભૂલી જા આ ડાઘને. આપણે કંઇક કરીશું એના માટે. પહેલા આપણે…’

‘ના, તેજ! એ બધું હવે ફરી કયારેક.’ તાજગી રડવા જેવી થઈ ગઈ, ‘આજે નહીં. આજે તો બસ… ગમે તેમ કરીને આ ડાઘને…’

‘એક કામ કર. સાવ સાદા પાણીથી એને સાફ કરી નાખ. મેં સાંભળ્યું છે કે ગમે તેવો ભયંકર ડાઘ પણ જો તાજો હોય તો પાણીથી જ નીકળી જાય છે.’ આટલું કહીને તેજ દોડયો. વેઇટર પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો. હાથરૂમાલ ભીનો કરીને ડ્રેસની બાંય ઉપર ભાર દઈને ઘસ્યો. ફરક અલબત્ત, પડયો! ડાઘ પ્રસરીને જરા મોટો થયો!

તાજગી વધારે હવાઈ ગઈ.

તેજનું દિમાગ હવે યંત્રની ઝડપે દોડી રહ્યું હતું. પ્રેમિકાને ત્યાં જ ઊભી રાખીને એ હોટલની બહાર દોડી આવ્યો. બાજુમાં જ પેટ્રોલપંપ હતો. ત્યાંથી એક વાટકીમાં થોડુંક પેટ્રોલ ભરી લાવ્યો. પાણી હજુ તો સુકાયું નહોતું, ત્યાં પેટ્રોલનો થર ચડયો. ડાઘ આપણા દેશની ગરીબીની જેમ જ વધતો જતો હતો.

‘એક કામ કરીએ. બાજુમાં જ એક ડ્રાય કલીનરની દુકાન છે… લોન્ડ્રીવાળાની! ત્યાં ટ્રાય કરીએ.’

ગાડીમાં બેસીને બંને ડ્રાય કલીનિંગવાળાની દુકાને પહોંરયાં.

‘ડ્રેસ મૂકી જાવ. અઠવાડિયું લાગશે. ડાઘ નીકળશે, તો નીકળશે. ગેરંટી નહીં…’ ભણેલા-ગણેલા આધુનિક ધોબીએ તુમાખીપૂર્વક કહી દીધું.

‘પણ ડાઘ ન કેમ જાય? પૈસા તમે જેટલા માગશો એટલા આપીશું.’

‘બહેન, આ કપડું નથી, સ્નેક લેધર છે. કેમિકલના ઉપયોગથી ચામડી બળી પણ જાય. વિદેશી માલ છે. કાણું પડી જાય તો પછી તમે જ ઝઘડવા આવશો.’

તાજગી રડી પડી. એક લાખ રૂપિયા પાણીમાં પડી ગયા, એના કરતાં પણ પતિને શું મોં બતાવવું એનો વિચાર એને સતાવી રહ્યો હતો.

‘તાજગી ડાર્લિંગ! આઈ ફીલ વેરી સોરી ફોર યુ.’ તેજ પણ ઢીલો પડી ગયો. ‘મને લાગે છે કે આજે આપણે… છુટા પડીએ… તું જરા આ આઘાતમાંથી બહાર આવી જા. પછી આપણે ફરીથી ‘પ્રોગ્રામ’ બનાવીશું. હું તને… તારા ઘર સુધી મૂકી જઉં?’

‘નો, થેન્કસ, તેજ! એમાં સલામતી નથી. હું રિક્ષામાં જ ચાલી જઇશ.’ તાજગીએ નાનકડા લેડીઝ રૂમાલ વડે ગાલ ઉપરનાં આંસુ લૂછ્યાં,

પણ ચહેરા ઉપરની ઉદાસીને કેવી રીતે લૂછી શકાય?

એ સાંજ એણે એમ જ વિતાવી દીધી. આઠ વાગ્યા. પરિચિત ગાડીનો જાણીતો અવાજ સંભળાયો. બે વારનું હોર્ન અને ત્રણ વાર ડોરબેલ. પતિ આવ્યાની નિશાની. એ ભાંગેલા પગે ઊભી થઈ. તૂટેલા હાથે બારણું ઘાડયું. સામે તલ્લીન ઊભો હતો. એ પણ સહેજ ઉદાસ હતો. કદાચ થાકને કારણે હશે!

હાથમાં રહેલી બ્રિફકેસ એણે સોફામાં ફેંકી. પગમાંથી બૂટ કાઢયા. પછી કોટ ઉતારીને પત્નીના હાથમાં સોંપ્યો.

‘કેવી રહી બહેનપણી સાથેની આજની મુલાકાત?’

એણે પૂછ્યું.

‘તલ્લીન, તું નારાજ તો થવાનો જ છે. મને ખબર છે… પણ તું ગુસ્સે નહીં થાયને?’ તાજગીએ પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ શરૂ કર્યો.

‘કઈ વાતથી? ડ્રેસ ઉપર પડેલા ડાઘની વાત સાંભળીને?’

તાજગીનાં મન ઉપર જાણે વીજળી પડી, ‘તને… તને…?’

‘હા, તાજગી! બપોરે અચાનક રૂપાણી એકસપોર્ટ્ર્સને મળવા માટે જવાનું થયું. ગાડીમાં જતો હતો, ત્યારે તને અને તારી કોલેજકાળની ‘બહેનપણી’ને હોટલની કોરીડોરમાં ઊભેલા જોયા. એ પછીની રજેરજ ઘટનાનો હું સાક્ષી છું. એક સલાહ આપું, તાજગી? તને ખૂબ ચાહું છું, એટલે કહું છું. આ તો ડ્રેસ ઉપરનો ડાઘ છે. એને કાઢતાં પણ આટલી તકલીફ પડી છે, તો ચારિત્ર્ય ઉપરના ડાઘ કેવી રીતે…?’

અને તાજગી આંસુનો રેલો બનીને પતિનાં ચરણો આગળ ઠલવાઈ ગઈ.

Advertisements

3 Responses

  1. shayad itni dariya dil , bahoot kam log dikha saktey hey, bahoot fine hai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: