આ સૌંદર્ય તો એક ધારદાર શસ્ત્ર છે મારું, ઘાયલ કરી શકું છું ગમે તેને ગમે ત્યારે

ઓખાથી મુંબઇ જતી ‘સૌરાષ્ટ્ર એકસપ્રેસ’ જયારે જામનગર પાસેના અલીયા બાડા સ્ટેશને ઊભી રહી, ત્યારે ઘડિયાળના કાંટા ચારનો સમય બતાવતા હતા. એસ સેવન નંબરના ડબ્બામાં એક સિવાયની તમામ બેઠકો રોકાયેલી હતી. અલીયાબાડાથી અઠ્ઠાવન વર્ષનાં કૃષ્ણાબહેન ડબ્બામાં દાખલ થયાં, એટલે એ જગ્યા પણ ભરાઇ ગઇ.

કòષ્ણાબહેને એમનો સામાન સીટ નીચે ગોઠવ્યો, બેઠાં, સાડી સરખી કરી, ચશ્માંના કાચ લૂછ્યા અને પછી સહયાત્રીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. જિંદગીના બત્રીસ વર્ષ એમણે કોલેજમાં અઘ્યાપનકાર્યમાં વિતાવી દીધાં હતાં. લેડિઝ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકેની પણ જવાબદારી નિભાવેલી હતી. એટલે એમનાં અનુભવોનું એકાઉન્ટ અંબાણી બંધુઓના બેન્ક એકાઉન્ટ કરતાંયે વધારે સમૃદ્ધ હતું. લોકો ચશ્માં વડે પુસ્તકો વાંચતા હોય છે, કૃષ્ણાબહેન ચશ્માંનો ઉપયોગ ચહેરાઓ વાંચવા માટે કરતાં હતાં.

ટ્રેન ચાલુ થઇ એટલે કૃષ્ણાબહેને સહયાત્રીઓના ચહેરા વાંચવા શરૂ કર્યા.

‘હં.., સામેની બારી પાસેની બેઠક ઉપર જાડી આધેડ વયની સ્ત્રી બેઠી છે એ કમસે કમ સો કિલોનો દાગીનો હોવો જોઇએ. એ બેઠી છે કે પડી છે એ કહેવું મુશ્કેલ છે. હાથમાં, ડોકમાં અને કાન-નાકમાં સોના અને હીરાના આભૂષણો ચડાવ્યાં છે. સામાન્ય રીતે ગાડીની મુસાફરીમાં આટલા ઘરેણાં પહેરીને નીકળવું એ કાં અસંસ્કારિતા કહેવાય, કાં મૂર્ખતા. નક્કી એનાં ધણીને મફતની કમાણી હશે, મહેનતની નહીં.

એની બાજુમાં કોણ છે?.. હં… છોકરી બેઠી છે. જુવાન તો છે જ… અને રૂપાળી પણ. જો કે આટલી બધી ગોરી છે, તેમ છતાં એ સુંદર કેમ નથી લાગતી? કશુંક ખૂટે છે એનામાં. શું ખૂટે છે એ શોધવું પડશે. શી ઉતાવળ છે? આખી રાત પડી છે…’

કૃષ્ણાબહેને એ વાત તરત જ નોંધી કે પેલી બારી પાસેની તોતિંગ શિલા એ આ ગૌરાંગીની ફોઇ હતી. છોકરી વારે-વારે પૂછી રહી હતી, ‘ફોઇ, તમને ફાવે છે ને? જગ્યા ઓછી નથી પડતી ને?’

કૃષ્ણાબહેનના હોઠ ઉપર સાચો જવાબ આવી ગયો, જે બોલી શકાય તેવો ન હતો, ‘એનાં માટે તો સ્પેશિયલ ડબ્બો રિઝર્વ કરાવ્યો હોય તોયે ટૂંકો પડે!’

જુવાન ભત્રીજી જેનું નામ કામ્યા હતું એની બાજુમાં એક જુવાન પુરુષ બેઠેલો હતો. કામ્યા એને વિરાટ કહીને બોલાવતી હતી. વિરાટ અને કામ્યા દુનિયાની શરમ છોડીને એકબીજાને એવાં તો ચિપકીને બેઠાં હતાં કે કòષ્ણાબહેનને પ્રશ્ન થયો કે આ બંનેએ બેને બદલે એક જ ટિકિટ લીધી હોત તો ન ચાલત?!

કૃષ્ણાબહેનની બાજુમાં એક પંચોતેર વર્ષના કાકા શરમના માર્યા ‘રામ… રામ… રામ…’ ગણગણતા આંખો બંધ કરીને બેસી ગયા હતા અને ડાબી તરફ એક કિશોર ‘કૃષ્ણ… કૃષ્ણ… કૃષ્ણ…’નું રટણ કરતો સામે બેઠેલાં યુવાન પ્રેમીયુગલની રાસલીલા માણી રહ્યો હતો. કòષ્ણાબહેને આંખોની સાથે-સાથે હવે કાનને પણ કામે લગાડયાં.

યુવાન કહી રહ્યો હતો, ‘કામ્યા ડાર્લિંગ, આવતા ડિસેમ્બરમાં તો આપણું મેરેજ થશે. બસ, હવે માત્ર બે જ મહિના કાઢવાના છે.’

યુવતીએ પ્રેમભર્યોછણકો કર્યો, ‘તને બે મહિના એટલે ‘માત્ર’ લાગે છે? હું તો બે દિવસ નથી કાઢી શકતી. મને વહેલો-વહેલો આવીને લઇ જા ને!’ ‘એવું જ હોય તો લેવા માટે બીજી વાર આવવાની શી જરૂર છે? તું અત્યારે મારા ઘરે આવી જ રહી છે ને? રહી પડજે, પાછી ના જઇશ.’

વિરાટની ઉદાર ઓફર સાંભળીને કામ્યા વારી ગઇ. એણે વિરાટનો હાથ પકડીને ચૂમી લીધો. વિરાટને લાગ્યું કે કામ્યા જો નારી થઇને આટલી હિંમત કરી શકતી હોય, તો પોતે તો પુરુષ છે! એણે તો વધારે બેશરમ બનવું જ પડે. આમ વિચારીને એ કામ્યાનાં ચહેરા ઉપર ઝૂકયો. શરમ ખરેખર તો એ બંનેને આવવી જોઇએ. પણ આવી કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા અન્ય પ્રવાસીઓને.

કૃષ્ણાબહેને ગૃહમાતા તરીકે યુવાન છોકરીઓની આવી મસ્તીભરી હરકતો બહુ જોયેલી, એટલે તેઓ શાંતિથી જાણે પડદા ઉપર કોઇ હિંદી ફિલ્મનું પ્રેમદૃશ્ય જોતાં હોય એમ જોઇ રહ્યાં. ધીમે-ધીમે કામ્યા અને વિરાટ લજજા અને સંયમની તમામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગી ગયા. કૃષ્ણાબહેનને લાગ્યું કે હવે ફિચર ફિલ્મનું બ્લૂ ફિલ્મમાં રૂપાંતરણ થઇ રહ્યું છે. આ લોકોને ટપારવાં પડશે.

ત્યાં જ વિરાટ ઊભો થયો, કદાચ એને ટોઇલેટ તરફ જવું હશે. એ દરમિયાન કૃષ્ણાબહેને પણ ‘ઇન્ટરવલ’ સમજીને બે મિનિટ માટે આંખો બંધ કરી દીધી. અચાનક એક તીણી ચીસ સાંભળીને એ જાગી ગયાં. જોયું તો સામે બેઠેલી કામ્યા ઊભી થઇને ચીસો ઉપર ચીસો પાડી રહી હતી. ટ્રેનની એકધારી ગતિથી ઝોકે ચડેલા તમામ પેસેન્જરો જાગી ગયા અને કામ્યાની સામે જોઇ રહ્યા. ફ્રેશ થઇને પાછો આવેલો વિરાટ પણ અચંબામાં પડી ગયો.

‘શું થયું, કામ્યા? કેમ આમ… ચીસો..?’

‘વિરુ, ડિયર! આ માણસે મારા ફોટા પાડી લીધા!’ કામ્યાની આંખોમાં ભય છવાયેલો હતો અને ચહેરા પર ત્રાસ વર્તાયેલો હતો.

‘કોણે? આણે?’ કહીને વિરાટે ક્રોધ ભરેલી નજરે કામ્યાએ ચીંધેલી દિશામાં જોયું. બંને લાંબી બેઠકોને કાટખૂણે આવેલી સિંગલ સીટ ઉપર એક દક્ષિણ ભારતીય પુરુષ બેઠેલો હતો. લગભગ સત્તાવીસ-અઠ્ઠાવીસની આસપાસ એની ઉંમર હશે. શ્યામ રંગનો ચહેરો, માથા પરના ટૂંકા વાંકડિયા કાળા ભમ્મર વાળ, પાતળી સુરેખ મૂછ અને સફેદ ચમકતા દાંત. એના ચહેરા ઉપર સંપૂર્ણ ભોળપણ અને કંઇક અંશે બાઘાપણું દેખાતું હતું. એ ગુજરાતી ભાષાથી તદ્દન અજાણ હોવાને કારણે શું બની રહ્યું છે એ સહેજ પણ સમજી શકતો ન હતો.

એ મદ્રાસીના લાભાર્થે વિરાટ હિંદીમાં ઉતરી પડયો, કામ્યાને પૂછવા લાગ્યો, ‘ઇસને તુમ્હારા ફોટો ખિંચા? ઇસને?’

મદ્રાસી હવે ચોંકયો, ‘નો, બ્રધર, નો! આઇ હેવન્ટ ટેકન એની ફોટોગ્રાફસ. આઇ ડોન્ટ હેવ એ કેમેરા ઇવન…’

‘કેમેરાથી નહીં, એણે મોબાઇલ ફોનથી મારા ‘સ્નેપ્સ’ ખેંરયા છે.’ કામ્યાએ સ્પષ્ટતા કરી, ‘હું જૂઠું નથી બોલતી, પૂછો આ બધાંને.’

સાક્ષી કોણ પૂરાવે? એક પણ પ્રવાસીનું ઘ્યાન એ સમયે મદ્રાસી તરફ ન હતું. અને સામે પક્ષે કામ્યા જેવી ઉત્તેજક છોકરી હતી. નવ્વાણુ ટકા પ્રવાસીઓ કામ્યાનાં પક્ષે થઇ ગયા. મદ્રાસીને ખખડાવવા માંડયા. વિરાટે તો એને મારવા જ લીધો.

મદ્રાસી કરગરી પડયો, ‘હમ તુમકો સોરી બોલતા. હમને કુછ નહીં કિયા, ફિર ભી સોરી બોલતા. તુમકો અભી ભી ડાઉટ હૈ, તો યે સેલફોન દેખ લો. ઇસમેં કોઇ ફોટો-બોટો નહીં હૈ…’ વિરાટે ઇન્સ્ટ્રુમેન્ટ ઝૂંટવી લીધું. ફટાફટ બટન દબાવીને તપાસ કરી લીધી. કયાંય એક પણ ફોટોગ્રાફ હતો જ નહીં. છોભીલી પડેલી કામ્યાએ દલીલ રજૂ કરી, ‘ફોટા ખેંરયા હતા એમાં કોઇ ડાઉટ છે જ નહીં, મે ચીસો પાડી એટલે આણે લાગ જોઇને ડિલિટ કરી નાખ્યા હશે.’

‘અરે, હમકો ફોટો ખિંચના આતા હી નહીં હૈ. હમે તો બસ ફોન કરના ઔર રિસીવ કરના, યે દો કામ હી આતા હૈ.’ મદ્રાસી બોલતો રહ્યો અને સાથે-સાથે વિના કારણ માફી પણ માગતો રહ્યો. ટોળું કોનો પક્ષ ખેંચવો એની અવઢવમાં પડીને વિખરાઇ ગયું.

કૃષ્ણાબહેન યુદ્ધભૂમિની તદ્દન નજીકમાં બેઠાં હોય એવાં એક માત્ર જાગતાં સાક્ષી હતાં, એ પણ સત્ય શું હતું એ સમજી શકતાં ન હતાં. છેવટે એમણે અનુભવના પટારામાંથી કાઢેલી અમૂલ્ય સલાહ આપી, ‘બહેન, હવે ફરિયાદ કરવાનું બંધ કરી દે. મામલો વધારે ગરમી પકડશે, તો પોલીસ સુધી વાત પહોંચશે. બંને પક્ષોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર તરી જવું પડશે. તારી પાસે કશા સાક્ષી પુરાવા જેવું તો છે નહીં. કોર્ટની મુદ્દતોના ચક્કરમાં અમદાવાદના ધક્કા ખાઇ-ખાઇને તું કંટાળી જઇશ. તારી બદનામી થશે એ નફામાં. એના કરતાં આ મદ્રાસીની માફી બે હાથે વધાવી લે ને!’ કામ્યા અને વિરાટને કૃષ્ણાબહેનની સલાહ ગમી ગઇ. યુદ્ધવિરામ ઘોષિત કરી દેવામાં આવ્યો.

ગાડી દોડતી રહી. થોડી જ વારમાં બધાં પાછા નિદ્રાધીન બની ગયા. વિરાટ પણ ઊંઘી ગયો અને મદ્રાસી પણ. કૃષ્ણાબહેનને ઊંઘ તો નહોતી આવતી, પણ આંખો બંધ કરીને એ પણ બેસી રહ્યાં. ત્યાં એમનાં કાને કોઇનો અવાજ સંભળાયો. કામ્યા ઊભી થઇ ને વિરાટ ન સાંભળે તેમ કૃષ્ણાબહેનની બેઠકની સહેજ દૂર ઊભી રહીને સેલફોન પર કોઇની સાથે વાત કરી રહી હતી, ‘હાય, વિકી! યાર, આજે તો ધમાલ કરી છે! યુ વોન્ટ બિલીવ… ડિયર… પણ વિરાટને આડે પાટે ચડાવવા માટે મેં એક મદ્રાસીને બલિનો બોકડો બનાવી દીધો! હવે આપણે જિંદગી આખી જલસા જ જલસા છે. લગ્ન પછી વિરાટના હાથમાં મારા ગમે તેવા ફોટોગ્રાફસ આવી જાય તોયે આપણે ચિંતા કરવાની જરૂર નથી. વિકી, આઇ મિસ યુ વેરી મચ, ડિયર! હું વિરાટ સાથે પરણી જાઉં, એ પછી પણ તું મારી સાથે સંબંધ રાખીશ ને..?’ વાતો ચાલતી રહી. કૃષ્ણાબહેન ઢળી પડયાં, એમને ખુદને ખબર ન પડી કે અનુભવાયું તે ઊંઘ હતી કે બેહોશી?!

(સત્ય ઘટના. કથાબીજ -કૃષ્ણાબહેન) (શીર્ષક પંકિત : ડો.દક્ષેશ ઠાકર)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: