દુનિયામાં એને શોધ ઈતિહાસમાં ન જો, ફરતાં રહે છે કંઈક પયગંબર કહ્યા વિના

મુંબઈ, કેન્યા, તાંઝાનિયા, યુગાન્ડા, સુદાન, ઇજિપ્ત, સાયપ્રસ (ગ્રીસ), ઇટાલી સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાંસ, બેલ્જિયમ, નેધરલેન્ડ, લકઝમબર્ગ, ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે, સ્વિડન, ઓસ્લો, બ્રાઝીલ, વેનેઝુએલા, કોલંબિયા, પનામા, કોસ્ટારીકા, નિકારાગુઆ, હોન્ડુરાસ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, મેકિસકો, ટેકસાસ અને પછી આખું અમેરિકા!

આટલું લખતાંમાં જ થાકી ગયો. કલમ બાજુ ઉપર મૂકીને જરા પાણી-બાણી પીધું, પંખો તેજ કર્યો, જમણો હાથ સીધો કર્યો- વાંકો વાળ્યો, આંગળીઓને જરા કસરત આપી. આટલું કર્યું, ત્યારે માંડ થાક ઉતર્યો. ઇન્ડિયાથી નીકળીને લગભગ પોણા ભાગની દુનિયા ખૂંદી નાખી, એટલે થાક તો લાગે જ! સમગ્ર યુરોપ, પૂરું અમેરિકા, અંધારિયો ખંડ આફ્રિકા અને ભારત તો ખરું જ. મેરા ભારત મહાન! મારી સામે પૃથ્વીનો નકશો પાથરેલો પડયો હતો અને સામે તંદુરસ્ત અને હેન્ડસમ કહેવાય એવો એક યુવાન બેઠો હતો. પીયૂષ શેલત એનું નામ.

એ વિષ્ણુસહસ્ત્ર નામાવલિની જેમ એક પછી એક દેશનાં મહત્ત્વનાં શહેરોના નામ બોલી રહ્યા હતા અને મારી નજર વર્લ્ડ એટલસમાં વસ્તીની ભીડમાંથી મારગ કાઢીને આગળ વધી રહી હતી. ત્રીસ શહેરોનાં નામ પૂરાં કરતાં સુધીમાં તો મારાથી હાંફી જવાયું. મેં નકશો ગડી વાળીને બાજુ ઉપર મૂકી દીધો.

‘રહેવા દો, પીયૂષભાઈ! આજ પૂરતો આટલો ડોઝ બસ છે. મારા જેવો આરામપ્રિય માણસ આનાથી વધુ પ્રવાસ તો નકશામાં પણ નહીં કરી શકે. તમે સહેદે કેવી રીતે કરી શકયા?’

‘માત્ર સહેદે જ નહીં, પણ સાઇકલ ઉપર કર્યો છે. બે પૈડાં ઉપર જગત ખૂંદવા નીકળ્યો હતો. એક સાહસ હતું, એક ઇરછા હતી, એક ઉંમર હતી અને સમાન વિચારો ધરાવતા મિત્રો હતા.’

‘એટલે કે પાગલ માત્ર તમે એક જ ન હતા! ગાંડાઓની કુલ સંખ્યા કેટલી હતી એ જણાવશો?’

‘બીજા પાંચ. મને ઉમેરો એટલે અડધો ડઝન. મનુ ચૌહાણ, રાકેશ પટેલ, યોગેશ પંચાલ, ભાવેશ પંડયા અને મોહન રબારી. બધા જ ખડતલ – તનના અને મનના. એક ઝનૂન સાથે નીકળી પડેલા. પૂરાં અઢી વરસ લગી રખડયા. રોજના સો કિલોમીટર કાપવાના. નદી-નાળાં, જંગલ-ખેતરો, ગામડાં-શહેરો, સિમાડા બદલાય, સંસ્કૃતિઓ બદલાય, ખાન-પાન, રીત-રિવાજ અને પ્રજા બદલાય પણ અમારી સાયકલ ન બદલાય. જયાં દરિયો નડે, ભૂમિમાર્ગ હોય જ નહીં, ત્યાં ન છૂટકે વિમાનમાં બેસવું પડે. બાકી તો સાઇકલ મારી સરરર… જાય!

બાર વર્ષ પહેલાંની વાત છે. અત્યારે એને લખવા માટેનું ઉપયુકત કારણ છે. એ વખતે માર્ચ બાણુંમાં આરંભાયેલી આ સાઇકલયાત્રા પૂરા અઢી વરસ સુધી ચાલુ રહી. પંચાણુના ઓકટોબરમાં મઘ્યાંતર પાડવો પડયો. હજુ રશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ બાકી હતા. પાકિસ્તાન, બાંગ્લાદે્શ જેવા ટચુકડા દેશો પણ રહી ગયા હતા. પણ આટલું બાદ કરતાં બાકીનું પોણા ભાગનું વિશ્વ જોોોોવાઈ ગયું હતું. (પછી તો પીયૂષ શેલતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ પણ સર કરી લીધા.) વિશ્વ-વિજેતા એલેકઝાંડર ધી ગ્રેટ કરતાં પણ આપણા આ ગુજરાતી સિકંદરે સર કરેલા દેશોની સંખ્યા વધી જાય છે.

મને સૌથી વધારે ગમી ગઈ હોય તો એક જ વાત. આમ વિશ્વના પ્રવાસે નીકળી પડવાનો એમનો ઉદ્દેશ માત્ર જગત જોવાનો ન હતો. કોરું સાહસ પણ કારણભૂત નહીં. પણ વિશ્વની મહાન વિભૂતિ અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડવાનો એક ઉમદા હેતુ આ લબરમૂછિયા સાહસિકો મનમાં છવાયેલો હતો અને આ કામ માટે પીયૂષ શેલત પૂરેપૂરા અધિકૃત વ્યકિત હતા. આજથી સો વર્ષ પહેલાંની એક તસવીર એમણે મારા હાથમાં મૂકી.

શ્વેત-શ્યામ છબીમાં કોટપેન્ટ પહેરેલા કેટલાક યુવાનોને હું ધારી-ધારીને જોઈ રહ્યો. લંગોટીધારી મહાનુભાવના દેહ ઉપર સૂટબૂટ ચડાવીને જોવાનો પ્રયાસ કર્યો. બોખા મોંના હાસ્યવાળા મોં ઉપરથી ચાલીસેક વરસની ધૂળ ખંખેરી, ત્યારે એ ભીડમાંથી એક માણસને હું ઓળખી શકયો : ‘અરે, આ તો ગાંધીજી છે!’

‘ના, એ મોહનદાસ કરમચંદ ગાંધી છે. એમાંથી મહાત્મા, બાપુ કે ગાંધીજી બનવાને હજી ઘણીવાર છે…. આ ફોટો પાડવામાં આવ્યો ત્યારે તો એમનું મહાત્માપણું હજી ભવિષ્યની કૂખમાં અન્યાય અને અત્યાચારોના જળ પી-પીને ગર્ભસ્થ શિશુના પીંડની જેમ આકાર પામી રહ્યું હતું. આ સાઉથ આફ્રિકામાં લેવાયેલી તસવીર છે.’

‘અને મિસ્ટર ગાંધીની બાજુમાં આ કોણ છે?’

‘એ ઉમિયાશંકર મંછારામ શેલત છે… મારા પિતાજીના દાદાજી. એ પણ બેરિસ્ટર હતા, દક્ષિણ આફ્રિકામાં. ગાંધીજીની સાથે.’ પીયૂષની આંખોમાં સત્યાગ્રહની અને ખાદીની ચમક હતી.

મેં તસવીરમાં રહેલા એક હઠીલા મરજીવાને નજરથી ચૂમી લીધો. બાકીના એમના સાથીદારોને પણ ઇર્ષાભરી નજરથી જોઈ નાખ્યા. કેવા સદભાગી હતા આ જીવો! એક સામાન્ય કાચના ટુકડામાંથી કોહીનૂર બનવાની ચમત્કારી ઘટનાના આ બધા સાક્ષીઓ હતા. અને એમાંથી એક ઉમિયાશંકર બેરિસ્ટરની ચોથી પેઢી અત્યારે મારી સામે બેઠી હતી. મેં આ જુવાનિયાઓનું લાઇસન્સ માન્ય રાખ્યું. ગાંધીજીનો સંદેશો લઈને વિશ્વના પ્રવાસે નીકળી પડવાનો એને પૂરો હક્ક હતો.

અઢી વર્ષની સફરમાં અનેક યાદગાર અનુભવો થયા. કયાંક કેળા ખાવા મળ્યાં, તો કયાંક કેળાની છાલથી ચલાવી લેવું પડયું. કયાંક લોકોએ ફેંકી દીધેલાં સડેલાં ફળોમાંથી કાપ-કૂપ કરીને આહાર શોધવો પડયો. ઇજિપ્તના એલેકઝાંડિ્રયા શહેરમાં તો વળી કલ્પના બહારની ઘટના બની ગઈ. કોઈએ સો ડોલર્સની બનાવટી કરન્સી નોટ પધરાવી દીધી. એ લઈને બેન્કમાં વિનિમય માટે ગયા, તો મોટી બબાલ મચી ગઈ. ટેલિફોન, પોલીસ, હાથકડી, જેલ, પૂછપરછ…! વિશ્વપ્રવાસનો અંત જેલપ્રવાસમાં આવી ગયો. સારું હતું કે પાંચ મિત્રો મુકત હતા. એમણે જઈને ભારતીય દૂતાવાસમાં વાત કરી. ત્યાંથી એફ.બી.આઈ.ની ઓફિસે ફોન ગયો. એફ.બી.આઈ.નો ડિરેકટર ભો થઈ ગયો, ‘ઓહ નો! ધીસ યંગ મેન કેન નોટ બી એ ક્રૂક! હી ઇઝ ફ્રોમ ગાંધીઝ નેશન!’ એ જાતે જેલમાં દોડી ગયો. પીયૂષને આઝાદ કરાવ્યો. પોતાની ગાડીમાં બેસાડીને પોતાના બંગલે, પોતાની સાથે એક ટેબલ ઉપર પ્રેમપૂર્વક જમાડયો. પચાસ વર્ષ પહેલાં મરી ચૂકેલા એક અર્ધનગ્ન ફકીરના નામનો (માત્ર નામનો) આ ચમત્કાર!

‘એ બધું છોડો. એક વાત કરો. તમે દક્ષિણ આફ્રિકા ગયા કે નહીં?’

‘સૌથી વધુ મજા ત્યાં જ આવી. ફિનિકસ આશ્રમ જોયો, ટોલ્સસ્ટોય ફાર્મ જોયું, ત્યાંના ગાંધીવાદી વૃદ્ધોને મળ્યો, ત્યાંના ફોરેન મિનિસ્ટર મેવારામ ગોબિન અમને ખાસ ત્યાંની પાર્લામેન્ટમાં લઈ ગયા. કોઈ જાતના પૂર્વ આયોજન કે આગોતરી જાણ વગર અમને ખીચોખીચ ભરાયેલા સંસદભવનમાં ખડા કરી દીધા. પછી અમારો પરિચય આપ્યો. છ જણનાં છ નામો ઉરચારાયા ત્યાં સુધી જાણે કબ્રસ્તાન જેવી શાંતિ. પછી જેવું સાતમાનું નામ ઉરચારાયું : ઓલ ધીઝ ગેસ્ટ્સ આર ફ્રોમ ઇન્ડિયા, મિસ્ટર ગાંધીઝ…!’

વાકય પૂરું કરવાની જરૂર ન રહી. હજારો માઈલ દૂરના એ પારકા દેશની સંસદના તમામ સેનેટરો તત્ક્ષણ ઊભા થઈ ગયા. કોઈ અપવાદ નહીં, કોઈ વિવાદ નહીં, શાસક પક્ષ કે વિરોધ પક્ષનો વિખવાદ પણ નહીં. માત્ર તાળીઓનો ગડગડાટ અને એ પણ પાર્લામેન્ટની દીવાલોમાં તિરાડ પડી જાય એટલો જબ્બરદસ્ત!

પછી સ્પીકરે પીયૂષને માઇક આપ્યું : ‘અમને કંઇક સંભળાવો, બે શબ્દો.’

પીયૂષ નાનો હતો ત્યારે પડવા-આખડવાથી કદાચ નહીં રડયો હોય, પણ એ ક્ષણે રડી પડયો. બે શબ્દોને બદલે બસો-પાંચસો આંસુઓ બોલતાં હતાં અને પરદેશી સાંસદો સાંભળી રહ્યા હતા.

જહોનિસબર્ગમાં નેવું વર્ષના ગાંધીવાદી છોટુભાઈને પણ મળ્યા. ઘણી બધી વાતો કરી. છૂટા પડતી વખતે એક સહજ ચેષ્ટારૂપે એમનો ચરણસ્પર્શ કર્યો, તો એ વૃદ્ધ છલકાઈ ઊઠયા, ‘ઊભા રહો. જશો નહીં. જિંદગીમાં કોઈએ પ્રેમથી મને વંદન નથી કર્યા.’ વડીલ અંદરના ઓરડામાં જઈને પાછા આવ્યા. પીયૂષભાઈના હાથમાં બે સુવર્ણચંદ્રકો ધરી દીધા. અત્યારના ભાવે પચાસ-સાંઇઠ હજારની કિંમતના, ચોવીસ કેરેટ સોનાના (એ પણ દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી નીકળેલું સોનું)!

હું મેડલને હાથમાં રમાડતાં બોલ્યો, ‘મારે પણ દક્ષિણ આફ્રિકા જવું છે. બીજા કોઈને ન મળાય તો વાંધો નહીં, પણ આ છોટુભાઈને તો મળવું જ છે. અને જયાં સુધી આવા ‘મૂલ્યવાન’ આશીર્વાદ ન આપે, ત્યાં સુધી એમના પગ છોડવા નથી.’

પીયૂષભાઈ બોલી ઊઠે છે, ‘એ તો ઠીક છે, પણ જોવા જેવું સ્થળ તો એક જ છે.

પિટરમોરિત્સબર્ગનું રેલવે સ્ટેશન. જયાં ૧૮૯૩ની સાતમી જૂનની મધરાતે આપણા મહાત્માને એક ગોરા ટિકિટચેકરે ફસ્ર્ટકલાસના ડબ્બામાંથી ધક્કો મારીને ફેંકી દીધેલા. હું ત્યાં જઈ આવ્યો. જે જગ્યાએ ગાંધીજીએ ટાઢથી ઠૂંઠવાતા રાત પસાર કરેલી એ જગ્યા ઉપર પણ હું બેસી આવ્યો. તમે વિજ્ઞાનના માણસ. આવી વાતોમાં માનો કે નહીં એ નથી ખબર પણ જાત અનુભવ કહું છું – એ સ્થળે, એ ક્ષણે મારા સમગ્ર દેહમાં એક વર્ણવી ન શકાય એવી ઝણઝણાટી થઈ આવી હતી. હું ધન્ય થઈ ગયો.’

બે કલાકની વાતચીતમાં આ બીજી વાર મને આ જુવાનની ઇર્ષા આવી. આ લેખ લખી રહ્યો છું, ત્યારે ભાઈ પીયૂષ સાઇકલ ઉપર બેસીને અન્ય ત્રણ મિત્રોની સાથે પાકિસ્તાનના દસ હજાર કિલોમીટરના પ્રવાસ ઉપર નીકળી ચૂકયા હશે. છૂટા પડતા પહેલાં એમણે મારી સાથે ફોટો પડાવ્યો. પછી શુભેરછા માગી. મેં હસીને કહ્યું, ‘જો તમે આર્મીમાં હોત તો મેં અવશ્ય કહ્યું હોત. ‘કિલ ધેમ ઓલ એન્ડ કમ બેક અલોન’ પણ તમે ગાંધીનું નામ અને કામ લઈને જઈ રહ્યા છો એટલે એક જ શુભેરછા આપું છું. ‘વિન ધેમ ઓલ એન્ડ કમ બેક સૂન!’

શીર્ષક પંકિત : ‘મરિઝ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: