મારી હયાતી રોજ તારી આસપાસ છે, તું શોધ તારા રકતમાં મારો જ શ્વાસ છે

‘જો આપણામાંથી કોઇ માસૂમીની સાડીનો છેડો ખેંચી બતાવે તો મારા તરફથી એને રૂપિયા એક હજારનું ઇનામ! છે કોઇનામાં હિંમત?’ કરણે પૂછ્યું એ સાથે જ ટોળે વળેલા કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો. બધાં એકબીજાના મોં જોવા લાગ્યા. આવી તે કંઇ શરત હોતી હશે?! કોઇ પણ દેશનાં સભ્ય સમાજમાં કોઇ સારા ઘરની સ્ત્રી, પછી ભલેને ગમે તે ઉંમરની હોય, એની ઇરછા વિરુદ્ધ ખાનગીમાં કે જાહેરમાં એના દેહ પરના કોઇ પણ વસ્ત્રને જાણીબૂઝીને સ્પર્શ કરવો એ ચેષ્ટાને કાયદાની દૃષ્ટિમાં એ સ્ત્રી ઉપરનું ‘અશિષ્ટ આક્રમણ’ એટલે કે ઇન્ડિસન્ટ એસોલ્ટ માનવામાં આવે છે અને એ માટે જેલ અને દંડની જોગવાઇ પણ કરવામાં આવેલ છે. ‘સત્યકામ એક્ષપોર્ટસ’ના પુરુષ કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો એનું ખરું કારણ આ સજાની જોગવાઇ હતું, નહીંતર બાવીસ વર્ષના પટાવાળા રાજુથી લઇને બાંસઠ વર્ષના મગનકાકા સુધીના બારેબાર ‘મરદો’ આ ખૂબસૂરત ગુનો કરવા માટે તૈયાર હતા. માસૂમી જયારથી આ ઓફિસમાં નોકરીએ લાગી હતી, ત્યારથી જ અહીં કામ કરતાં પુરુષોની કત્લેઆમ શરૂ થઇ ગઇ હતી. જેઓ કુંવારા હતા એ બધા પરણવાના સપનાં જોતાં થઇ ગયા હતા અને જેઓ પરણેલા હતા એ બધા સપનામાં કુંવારા બની રહ્યા હતા. મગનકાકાએ ઘરમાં ત્રણ-ત્રણ પુત્રવધૂઓ લાજના ઘૂમટા કાઢીને ફરતી હતી, તો પણ ઓફિસમાં માસૂમીને જોઇને મોંમાંથી લાળ પાડવામાં લાજ આવતી ન હતી. અને પટાવાળો રાજુ! એ એટલો કદરૂપો હતો કે એને પોતાની ન્યાતમાંથી પણ કોઇ કન્યા મળવાની રજમાત્ર શકયતા નહોતી, તો પણ માસૂમી જેવી અલૌકિક સુંદરીને ‘ઇમ્પ્રેસ’ કરવા એ ધોળે દિવસે ઓફિસની અંદર પણ ગોગલ્સ ચડાવીને ફરતો હતો.

બાબુ, વિનોદ, કરણ, પંચોલી, મોદી, વોરા, કોઠારી, પ્રશાંત અને મનોજ, આ બધાંની હાલત એક સરખી હતી. પાત્રો ભલે અલગ હતા, પણ ફિલ્મની પટકથા સરખી જ હતી. આ બધામાં કંઇક અંશે સંસ્કારી કહી શકાય એવો માત્ર એક જ પુરુષ હતો. એનું નામ મુગ્ધ મરડિયા. એ જુવાન હતો, પણ મર્યાદાશીલ હતો. એને પણ માસૂમી ગમતી હતી, પણ એનું ગમવું સજજનતાની સીમારેખા આગળ આવીને અટકી જતું હતું.

અને આ ‘ડર્ટી ડઝન’માં સૌથી વધારે ગંદો જો કોઇ હોય તો એ કરણ હતો. એ પોતે એકવાર માસૂમીના હાથે અપમાનિત થઇ ચૂકયો હતો. અઠવાડિયા પહેલાની જ ઘટના. એ દિવસે ઓફિસમાં સૌથી પહેલાં આવનાર માસૂમી હતી. પછી કરણ અને પછી આવ્યો પટાવાળો રાજુ.

‘હાય! ગુડ મોર્નિંગ!’ કરણે માસૂમીને લપેટવાની શરૂઆત કરી, ‘મિસ માસૂમી, આ રાજુ ગોગલ્સ ચડાવીને ફરે છે, એનું કારણ શું હશે?’

માસૂમીના જવાબમાં માસૂમિયત હતી, ‘કદાચ એને કન્જકિટવાઇટિસનો રોગ થયો હશે. આંખોને ઠંડક મળે એટલા માટે એણે ગોગલ્સ પહેર્યા હશે.’

કરણ પોતાનું ટેબલ છોડીને માસૂમીના ટેબલ પાસે ગયો. બંને હાથ ટેબલ ઉપર ટેકવીને ઝૂકયો અને પછી આંખોમાં શરારત ભેળવીને ઇશ્કી અંદાઝમાં એ બોલી ગયો, ‘તમારો જવાબ ગલત છે, માસૂમી. પુરુષોના હૃદયને તમે જાણતાં નથી. રાજુ આંખો પર કાળા ચશ્મા ચડાવીને એટલા માટે ફરે છે કેમ કે એનામાં અક્કલ નથી. એના દિમાગ ઉપર પણ કાળી પટ્ટી બંધાયેલી છે. મારી સામે જુઓ! હું જાણું છું કે આવા બાલિશ ગતકડાં કરવાથી કોઇ પણ પુરુષ કોઇ સ્ત્રીને આકર્ષવામાં કયારેય સફળ થતો નથી.

‘તો?’

‘સ્ત્રીને જીતી શકાય છે એના રૂપની સાચી પ્રશંસા કરવાથી.’

‘મતલબ?’

‘મતલબ એટલો જ કે… માસૂમી, … આંખોને ઠંડક પહોંચાડવા માટે તમારું દર્શન જ પૂરતું છે. હાય..! આ જુવાની..! આ ખૂબસૂરતી..! અને આ પહેલી ધારના દેશી શરાબ જેવો નશીલો દેહ..! વાહ…’

એ સાથે જ ‘સટ્ટાક’ જેવો અવાજ સંભળાયો. કરણને લાગ્યું કે એના ડાબા ગાલ ઉપર કોઇએ તેજાબમાં ઝબોળેલું ‘બ્રશ’ ફટકારી દીધું છે! ગાલ ઉપર જે ચચર્યો એ તમાચો હતો, તો કાનની અંદર ચચર્યા એ શબ્દો હતા.

‘મિ.કરણ, હું અહીં નોકરી કરવા માટે આવું છું, તમારા જેવા વાસના ભૂખ્યા પુરુષોની આંખને ઠંડક પહોંચાડવા માટે નથી આવતી. અને જો સ્ત્રીઓને જીતવાનો આટલો શોખ હોય, તો ઘરે જઇને તમારી જુવાન બહેનનાં રૂપનાં વખાણ કરજો. શકય છે કે એ રાજી થઇને તમને વશ થઇ જાય…’ ગુસ્સાથી અને અપમાનથી લાલચોળ થઇ ગયો કરણ. એટલું વળી સારું હતું કે આ તમાચો પડયો એ વખતે રાજુ બોસની ઓફિસ સાફ કરવા ગયો હતો, જો એ સાક્ષી હોત તો કરણ માટે જીવવું મુશ્કેલ બની ગયું હોત. કરણ ઝાઝી હો-હા કર્યા વગર ચુપચાપ પોતાની ખુરશીમાં બેસી ગયો. જાણે કંઇ બન્યું જ નથી! પણ એ દિવસથી એણે મનોમન પ્રતિજ્ઞા લીધી – ‘આવનારા દિવસોમાં કંઇક એવું કરવું છે જેનાથી બીજો કોઇ પુરુષ પણ પોતાની જેમ અપમાનિત થાય અને સાથે સાથે માસૂમીની પણ બદનામી થાય.’

પૂરેપૂરો વિચાર અને કુટિલતાભર્યા આયોજન પછી એણે એક દિવસ બપોરની રિસેસમાં માત્ર પુરુષ કર્મચારીઓની હાજરીમાં માસૂમીની વાત છેડી. બહુ સ્વાભાવિક રીતે જ વાત ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ માંથી ‘ઇસ્ટમેન કલર’ બનવા માંડી. દરેક પુરુષના મનમાં માસૂમીની અક્કડતા કાંટો બનીને ચૂભતી હતી. કરણે લાગ જોઇને દાવ ફેંકયો, ‘માસૂમીની સાડીનો છેડો ખેંચી બતાવે એને મારા તરફથી એક હજારનું ઇનામ.’

કરણના નિશાન ઉપર મુગ્ધ મરડિયા હતો. એના ઘણા બધા કારણો હતા. એક તો મુગ્ધ દેખાવડો હતો, સજજન અને સંસ્કારી હતો. માસૂમી જો એનું અપમાન કરે તો મઝા પડી જાય. પોતે એને મુગ્ધ બંને માસૂમીનો તમાચો ખાઇને એક જ સ્તર ઉપર આવી જાય. બીજું કારણ એ કે મુગ્ધ અને માસૂમી વરચે સારા સંબંધો હતા. માસૂમી ઓફિસમાં એક માત્ર મુગ્ધની સાથે જ નિખાલસતાપૂર્વક વાતચીત કરતી હતી, હવે જો મુગ્ધ એની છેડતી કરે તો માસૂમીનો એક માત્ર શુભચિંતક પણ નષ્ટ થઇ જાય.

કરણની કપટજાળ વિસ્તરતી ગઇ. અડધા કલાકમાં તો મુગ્ધ એની માયાજાળમાં સપડાઇ પણ ગયો. બીજા સહકર્મચારીઓએ એને ઉશ્કેરવામાં પૂરતો ફાળો નોંધાવ્યો. મઘ્યકાલીન ક્ષત્રિયની જેમ એણે બીડું ઝડપી લીધું, ‘આવતી કાલે જ હું આ કામ પાર પાડીશ. એક હજાર રૂપિયા તૈયાર રાખજે, કરણ!’

બીજો દિવસ પલક ઝપકાવતામાં આવી ગયો. શરતની વાત આખી ઓફિસમાં પ્રસરી ગઇ હતી. બધાંના મનમાં ઉત્તેજના વ્યાપ્ત હતી. પણ મુગ્ધ આજે સજજ થઇને આવ્યો હતો. બરાબર બાર વાગ્યે એ ઊભો થયો. તદ્દન સહજતા સાથે એ માસૂમીની દિશામાં આગળ વઘ્યો. માસૂમી આજે પણ સુંદર સાડી ધારણ કરીને આવી હતી. મુગ્ધ એની સાવ નજીક પહોંચીને ઝૂકયો, એની સાડીનો છેડો પકડયો, પછી પૂરેપૂરા સ્વસ્થ અંદાઝમાં પૂછવા લાગ્યો, ‘બહુ સુંદર સાડી છે. કયાંથી લીધી? મારે પણ મારી ભાભી માટે લેવી પડશે. કેટલામાં આવી?’ માસૂમી હસી પડી, ‘બહુ મોંઘી નથી. ફકત સાડા ત્રણસોની છે. તમને ખરેખર ગમી? મને કહેજો, હું લાવી આપીશ. જોકે વીસ રૂપિયા વધારે લઇશ… રિક્ષા ભાડાના! આપશો ને? અને હા, થેન્કસ ફોર ધી એપ્રીશિયેશન. મને આનંદ એ વાતનો થયો કે તમને મારા શરીર કરતાં મારી સાડીમાં વધારે રસ પડયો! બાકી મોટા ભાગના પુરુષો તો… હંહ…’

કરણ સળગી ગયો. જો જોનારની પાસે દિવ્ય દૃષ્ટિ હોત તો એના બળતા મનમાંથી ઝરતી રાખ પણ જોઇ શકાઇ હોત. હજાર રૂપિયા હારી જવાનું દુ:ખ અને માસૂમીના મર્મભેદી ટોણાંનો આઘાત, કરણના ધૂંધવાટનો પાર ન રહ્યો. ‘મારો બેટ્ટો મુગ્ધ ચાલાકી રમી ગયો. સાડીનો છેડો કઇ રીતે ખેંચવો એ બાબતમાં ખેલ પાડી ગયો. પણ હું હજી હાર્યો નથી, મુગ્ધ. મારા મોબાઇલ ફોનના કેમેરામાં તું માસૂમીની સાડી ઝાલીને ઊભો હતો એ દૃશ્ય કેદ થઇ ગયું છે. હવે હું બોસની પાસે જઇને એ ફોટો દેખાડું એટલી જ વાર. તને નોકરીમાંથી પાણીચું ન પકડાવી દઉં તો મારું નામ કરણ નહીં.’

દસ મિનિટ પછી કરણ બોસ સત્યકામ શેઠની ઓફિસમાં ઊભો હતો, ‘સર, તમે આ મુગ્ધને સજજન માનતા હતા ને? લો, જુઓ! મેં તો મારવા ખાતર શરત મારી હતી. હું કસોટી કરવા માગતો હતો કે આખી ઓફિસમાં સાચો દુ:શાસન કોણ છે! અને આ માણસ ઝડપાઇ ગયો…’ સત્યકામ શેઠ હસી પડયા, ‘કરણ, આવી શરત મારતાં પહેલાં તારે મને પૂછવું તો હતું! મુગ્ધ દુ:શાસન નથી, પણ અર્જુન છે. છેલ્લા એક મહિનાથી આ અર્જુન એની દ્રૌપદીનું દિલ જીતી ચૂકયો છે. બંને જણા સંયમી અને સંસ્કારી છે. એટલે એમના પ્રેમસંબંધની જાણ ઓફિસમાં બીજા કોઇને થવા નથી દીધી. પણ આ શરત માર્યા પછી થોડી જ વારમાં મુગ્ધ મને મળીને બધી માહિતી આપી ગયો હતો. આવતા મહિને તો એ બંનેના લગ્ન થવાના છે. તેં પાડેલી આ તસવીર એમની મધુરજની વખતે હકીકત બની જવાની છે. તું કયાં-કયાં, કઇ ઘટનાના, કેટલા ફોટોગ્રાફસ પાડતો રહીશ, ભ’ઇલા? જા, જઇને તારી માસૂમી ભાભીની માફી માગી લે! નહીંતર હું તને નોકરીમાંથી હાંકી કાઢીશ.’

(શીર્ષક પંકિત : શૈલેષ પંડયા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: