બાગમાં જયાં આગમન એનું થયું, હર કલી મૌસમ સજાવી જાય છે

રાષ્ટ્રનું નાનું પણ ઐતિહાસિક શહેર. એમાં નવો ટાઉન હોલ બાંધવા માટે નાગરિક સમિતિની બેઠક મળી હતી. નાગરિક સમિતિ એટલે શહેરના વગદાર, અગ્રણી, પૈસાદાર નાગરિકોની બનેલી સમિતિ. નગરના જાણીતા ઉધોગપતિ શેઠ કનુભાઇ ધાવાણીએ આજની મિટિંગનો એજન્ડા રજૂ કર્યો, ‘ભાઇઓ, એ આપણું કમનસીબ છે કે આપણી પાસે સારો, નવો અને આધુનિક કહી શકાય તેવો ટાઉનહોલ નથી. તમે જાણો છો કે નગરપાલિકાની આર્થિક હાલત ખાડે ગઇ છે. જે કંઇ કરવાનું છે તે મારે, તમારે ને આપણે જ….’

‘લખો… પંદર હજાર રૂપિયા મારા તરફથી.’ માવજીભાઇ મસાલાવાળાએ ટહેલ પૂરી થાય એ પહેલાં ફાળાની પહેલ કરી દીધી.

‘માવજીના પંદર તો મારા ત્રીસ લખો!’ બોલનારા કાનજીભાઇ કરિયાણાવાળા માવજીના મોટા ભાઇ હતા, દાન-ધર્માદો કરવાની દરેક વાતમાં એ નાનાભાઇ કરતાં બમણા જ થઇને ઊભા રહેતા. જાણીતા બિલ્ડર, ‘કોટક કન્સ્ટ્રકશન’વાળા રમેશ કોટકે જુદી રીતે પોતાનો ફાળો નોંધાવ્યો, ‘ટાઉન હોલના બાંધકામ માટે જેટલી થેલી સિમેન્ટ જોઇ તે હું અડધા ભાવે આપીશ.’‘અને હું બજારભાવ કરતાં અડધી કિંમતે ઇંટો પૂરી પાડીશ.’ ભગવાનદાસ ભઠ્ઠાવાળાએ સિમેન્ટનો જવાબ ઇંટથી આપ્યો.

ધાવાણી ખુશ થઇ ગયા, ‘હવે ઇંટનો જવાબ પથ્થરથી કોણ આપશે?’ ‘પથ્થરથી શા માટે? માર્બલથી શા માટે નહીં?’ મુરલી માર્બલ કંપનીના માલિક અરજણ આહીરે બે સવાલો પૂછીને પછી એક જવાબ જાહેર કર્યો, ‘આખો ટાઉનહોલ આરસથી મઢી દો, હું ફકત વીસ ટકાના જ પૈસા લઇશ.’ હોઠ ઊઘડતા ગયા, દાન ખરતું ગયું, કલ્પનાનો ટાઉનહોલ તો વીસ જ મિનિટમાં ઊભો થઇ ગયો.

લાભુભાઇ લાટીવાળાએ બારી-બારણાં લખાવ્યાં, તો ‘પ્રકાશ ઇલેકિટ્રકસ’વાળા પ્રકાશભાઇએ માલ અડધા ભાવે અને મજૂરી મફતના ભાવે પૂરી પાડવાનું વચન આપ્યું. હવે માત્ર દસ-પંદર હજારની રકમ ખૂટતી હતી. સૌના માથાં ખૂણામાં બેઠેલા સિનિયર સજર્યન ડો. સખાવતીની દિશામાં ફર્યા. ડો. પ્રભુદાસ સખાવતી છેલ્લાં પચીસ વર્ષથી આ શહેરમાં પ્રાઇવેટ સર્જિકલ પ્રેકિટસ કરતા હતા. સાવ નજીવી ફી લઇને કામ કરવા છતાં ધૂમ પ્રેકિટસને કારણે ખૂબ સારું કમાયા હતા. સમિતિનો એક પણ સભ્ય એક પણ શબ્દ ઉરચારે તે પહેલાં જ ડો. સખાવતી ઊભા થઇ ગયા, ‘બહુ મોડું થઇ ગયું. મારે જવું પડશે. દર્દીઓ મારી રાહ જોતાં હશે.’ અને પછી બૂટ પહેરીને ચાલતા થયા.

‘નાગરિક સમિતિ’ ઝીણી આંખો કરીને હસી પડી. જાત-જાતની ટકોર ઊઠી. જેટલા મોં એટલા કટાક્ષો: શેના દર્દીઓ અને કોની વાટ? વાતો સાંભળો ને, મારા સાહેબ! પૈસા આપવાનો વારો આવ્યો એટલે નૌ, દસ, ગ્યારાહ! મખ્ખીચૂસ છે મખ્ખીચૂસ. મને તો એ જ નથી સમજાતું કે એમની અટક ‘સખાવતી’ કોણે પાડી હશે! આ છેલ્લો કટાક્ષ સૌને ગમી ગયો. પછી તો એને સમર્થન આપે તેવી સાબિતીઓ પણ વારંવાર મળતી રહી. શહેરથી દૂર આવેલા પ્રાચીન શિવાલયનો જીર્ણોદ્ધાર કરવાનો હતો. ‘નાગરિક સમિતિ’ એ ટહેલ નાખી.

જેઓ ધનવાન હતા એમણે તિજોરી ઠાલવી દીધી, જેઓ નિર્ધન હતા એમણે પોતાની ઝોળી ખાલી કરી નાખી. પાંચ-દસ લાખથી આરંભાયેલું દાનકર્મ પાંચ-દસ રૂપિયા સુધી આવીને સમાપ્ત થયું. આખા શહેરમાં ફાળો ન નોંધાવનારો એક જ નરબંકો નીકળ્યો: ડો. પ્રભુદાસ સખાવતી. કોઇએ એમને પૂછ્યું પણ ખરું: ‘સાહેબ, આ તો પ્રભુનું કામ છે. આપનું તો નામ પણ પ્રભુદાસ છે. આપ મંદિરના નવનિર્માણ માટે કશું જ નહીં આપો?’‘ના, અત્યારે તો નથી આપતો, પણ જયારે મંદિર તૈયાર થઇ જશે અને હું મૂર્તિના દર્શન કરવા જઇશ ત્યારે દસ પૈસા પણ પેટીમાં નહીં નાખું! મને એ સમજાતું નથી કે ઇશ્વરે આપણને પૈસા આપવાના હોય કે આપણે ઇશ્વરને?’

પ્રશ્ન પૂછનારો દૂમ દબાવીને ભાગી ગયો. આવો જ અનુભવ ડોકટર સાહેબના જ્ઞાતિબંધુઓને પણ થયો. જ્ઞાતિની વાડી બાંધવા માટે નાણાંની જરૂર ઊભી થઇ. જ્ઞાતિજનોની મિટિંગ મળી. વહેતી ગંગામાં હાથ ધોવાની આ વાત ન હતી, આ તો ગંગાને વહેતી કરવા માટે લોટી-લોટી પાણી રેડવાનો સમય હતો. જ્ઞાતિબંધુઓ ઊમટી પડયા : ‘આપણા દસ હજાર… લખો વીસ હજાર આપણા… હું તો ન્યાતનો પ્રમુખ છું, મારે તો એકાવન હજાર આપવા જ પડે… ભ’ઇ સા’બ, હું તો ગરીબ છું, તોયે લખો એક હજાર મારા તરફથી…’

છેલ્લે સરવાળો મારવામાં આવ્યો. અગિયાર હજાર જેટલી રકમ હજુ ખૂટતી હતી. પ્રમુખે ડોકટર સખાવતી સામે આશાભરી મીટ માંડી. ડોકટરને એ જ વખતે યાદ આવી ગયું કે એમને આગલી રાતનો ઉજાગરો હતો, એટલે હવે સૂઇ જવું જોઇએ. એક મોટું બગાસુ ખાઇને ડૉકટર ભા થઇ ગયા, એક મોટી આળસ મરડીને રવાના થઇ ગયા. જ્ઞાતિમાં ‘થૂ-થૂ’ થઇ ગયું. માત્ર જ્ઞાતિમાં જ શા માટે, શહેરના તમામ અગ્રણી નાગરિકોમાં ડો. સખાવતીનું નામ બદનામ થઇ ગયું.

સૌની જીભ ઉપર એક જ વાત હતી : ‘આ માણસ કંજૂસ છે. ચમડી તૂટે, પણ દમડી ન છૂટે એવો ચિંગૂસ! જે શહેર પાસેથી એ લાખો રૂપિયા કમાયો છે એ શહેરના એક પણ જનહિતના કામ માટે એણે એક પણ પૈસો આજ સુધીમાં નોંધાવ્યો નથી. ધૂળ પડી એના જીવતરમાં!’ ડો. સખાવતીની બાબતમાં ટીકાકારોની એક વાત સાચી હતી. ડોકટર આ વિસ્તારમાંથી કમાયા તો ખૂબ હતા. એ જમાનામાં આમ પણ ડોકટરો ઓછા હતા, એમાં ડો. સખાવતી વિદેશ જઇને એફ.આર.સી.એસ. થઇને પાછા ભારતમાં આવ્યા હતા. કડક સ્વભાવ. કરડી પર્સનાલિટી. ધૂની વર્તણૂક. કઇ ઘડીએ શું કરશે એ એમની પત્ની પણ ન કહી શકે. સ્વદેશાગમન પછી બધાંને એમ કે ડોકટર અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરમાં નર્સિંગ હોમ ખોલશે, એને બદલે એમણે તો પંચોતેર હજારની વસ્તીવાળું આ નાનકડું શહેર પસંદ કર્યું.

કોઇ શુભચિંતકે પૂછ્યું પણ ખરું, ‘સાહેબ, આ શહેર તમારી ડિગ્રી માટે નાનું નહીં પડે?’ ‘તમારી વાત સાચી છે, આ શહેર ભલે નાનું છે, પણ મારો દર્દીઓનો કેચમેન્ટ એરિયા મોટો હશે. આજુબાજુના ચારસો-પાંચસો ગામડાંઓમાં એક પણ સજર્યન નથી. મારી ડિગ્રી કરતાં એ લોકોની સારવારની જરૂરિયાત કયાંય મોટી છે.’ દસ વર્ષમાં ડોકટર તરી ગયા. સમૃદ્ધિના આસન ઉપર એમનું શાસન સ્થપાઇ ગયું. પણ આટલા વર્ષોબાદ કંજૂસાઇના કારણે ડોકટરનું નામ ખરાબ થઇ ગયું. પચાસ વર્ષના થયા ત્યાં સુધી ડો. સખાવતીએ ‘પ્રેકિટસ’ ચાલુ રાખી. વનપ્રવેશ (એટલે કે એકાવનમાં પ્રવેશ્યા) પછી એમણે જાહેર જીવનમાં ઝૂકાવવાનું નક્કી કર્યું.

જોગાનુજોગ છ મહિના પછી ચૂંટણીઓ આવતી હતી. સૌરાષ્ટ્રનું અલગ એકમ હતું એ જમાનાની વાત છે. કોઇ રાજકીય પક્ષે ડોકટરને ટિકિટ આપી નહીં. ડો. સખાવતી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. પ્રચાર માટે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર ચૂંટણી લડયા. છેક પરિણામની તારીખ સુધી બધા રાજકીય પક્ષોના નેતાઓ મૂછમાં હસી રહ્યા હતા, પણ એમને સપનામાંય ખ્યાલ ન હતો કે રડવાનું ટાણું હાથવેંતમાં હતું.

જયારે પરિણામ જાહેર થયું ત્યારે સૌ ચોંકી ગયા. ડો. સખાવતી જંગી બહુમતીથી વિજયી બન્યા હતા. એમની વિજય-યાત્રા પછીના સમારંભમાં એમણે સ્વીકાર કરતાં કહ્યું, ‘એ વાત સાચી કે શહેરી મતવિસ્તારમાં મને જોઇએ તેટલા મતો નથી મળ્યા, પણ ગામડાના લોકોએ મને તારી દીધો. હું જીત્યો એની પાછળનું સાચું કારણ એક જ છે, ગામડાના ગરીબ દર્દીઓના ઓપરેશનો મેં ધારી ન શકાય એવા ઓછા દામ લઇને કરી આપ્યા છે. છેલ્લા પચીસ વર્ષોમાં મેં જે કંઇ દાન-ધર્માદો કર્યો છે તે આ છે.

મેં આજ સુધીમાં ટાઉનહોલ, જ્ઞાતિની વાડી કે મંદિરના નિર્માણ માટે ભલે એક રાતી પાઇ પણ ન આપી હોય, પણ હું કંજૂસ નથી. ડો. સખાવતીની સાચી સખાવત એના દર્દીઓની ચામડી ઉપરના ટાંકાઓમાં સમાયેલી છે.ઇશ્વરે મને જે કાર્ય માટે ઘડેલો છે, એના સિવાય બીજા કાર્યમાં દાન-ધર્માદો કરવાનું મેં કયારેય કબૂલ્યું નથી. શહેરોને સ્થાપત્યોની જરૂર હશે, પણ ગામડાંઓને સારવારની જરૂર છે.

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: