ના તો મારી હતી, ના તમારી હતી, આ ખુવારી તો કેવળ ખુવારી હતી.

પ્રેમ અને વાદળમાં એક બાબતે સમાનતા હોય છે: બંને કયાં, કયારે અને કેટલાં પ્રમાણમાં વરસી પડશે એની આગાહી કોઇ જ કરી શકતું નથી. પ્રશાંત અને અનિતા યાદવ પણ કયારે અને કેવી રીતે પ્રેમમાં પડી ગયાં એ અનુમાન કરતાં વધારે તો આશ્ચર્યનો વિષય હતો.

પ્રશાંત ગુજરાતનો અને અનિતા યાદવ બિહારની. પ્રેમને બાદ કરતાં એ બંનેમાં એક પણ ચીજનું સામ્ય નહીં. પ્રશાંત એક સાયબર કાફેમાં નોકરી કરતો હતો, એક દિવસ ઢળતી સાંજે અનિતા કોઇક કામસર ત્યાં જઇ ચડી. બંનેની આંખો અથડાઇ અને પ્રેમ નામની વીજળી ઝબૂકી ઊઠી.

‘આપ બડે દિલચશ્પ હૈ.’ અનિતા મુસ્કુરાઇને બોલી ગઇ.

‘ઔર આપ બડી ખૂબસૂરત.’ પ્રશાંત કયારનોય સામે ઊભેલાં રૂપની પ્રશંસા કરવા માટે થનગની રહ્યો હતો, તે છેવટે કરીને જ જંપ્યો. એ દિવસે તો બંને છૂટા પડયાં, પણ બીજે દિવસે ફરીથી મળ્યાં. પછી ફરીવાર ફરીથી અને પછી તો બાર-બાર, લગાતાર! કોઇએ કોઇને કહેવું પણ ન પડયું કે ‘તું મને ગમે છે’ કે ‘હું તને પ્રેમ કરું છું.’ એમને પોતાને આ વાતની જાણ થઇ એ પહેલાં તો આખા જગતને જાણ થઇ ગઇ. અને છેક છેલ્લે ખબર પડી અનિતાનાં મમ્મી-પપ્પાને અને પ્રશાંતના મા-બાપને. અને પછી સર્જાયો ધરતીકંપ. અત્યાર સુધી જયાં મહોબ્બતનો મંદ-મંદ મલયાનિલ વહેતો હતો, ત્યાં વિરોધનું વાવાઝોડું ફૂંકાવું શરૂ થઇ ગયું.

મુખ્ય વિરોધ કન્યાનાં બાપ તરફથી પ્રગટયો. અનિતાનાં પિતા બબલુ પ્રસાદ યાને બી.પી.યાદવ એક વરિષ્ઠ આઇ.એ.એસ. અધિકારી હતા. બિહારથી નિકાસ થઇને ગુજરાતમાં આયાત થયેલા હતા. પૂરેપૂરી બિહારી સંસ્કૃતિના લાયક (કે નાલાયક) વારસદાર હતા. જયારે પ્રશાંત સાવ ગરીબ ઘરનો ગરીબ પુત્ર હતો.

‘બેટી, યે શાદી હરગિઝ નહીં હો સકતી.’ બી.પી.યાદવે હિંદી ફિલ્મોમાં સૌથી વધારે વાર બોલાયેલો સંવાદ ફટકારી દીધો. ‘લેકિન કયું નહીં હો સકતી… પાપા… કયું?’ કહેતાં તો અનિતા મુશળધાર રડી પડી.

‘બેટી, તૂ તો જાનતી હૈ, મૈં હર મહિને એક કરોડ રૂપિયે કમા શકતા હૂં, ઔર વો ભિખારી હૈ.’

‘તો કયા હુઆ? મોહબ્બત કભી દૌલત કી મોહતાઝ નહીં હો સકતી, પાપા…’ ચાલ્યું! બરાબર ચાલ્યું! અને પછી એક દિવસ અનિતા ઘર છોડીને ચાલી ગઇ. છેક રાત્રે જયારે એ ઘરે પાછી ન આવી, ત્યારે એનાં બિહારી બાપને ખબર પડી કે આજ સુધી ‘વો રહનેવાલી મહલોં કી’ હવે કોઇ ગરીબની ઝૂંપડીમાં રોશની ફેલાવવા ચાલી ગઇ છે. બીજા દિવસે બપોર પછી દીકરીનો ફોન આવ્યો, ત્યારે યાદવ સાહેબને ખબર પડી કે એમની ધારણા હવે ખાતરીમાં ફેરવાઇ ગઇ છે.

‘પાપા, હમ દોનોંને શાદી કર લી હૈ. આપ હમેં આશીર્વાદ નહીં દેંગે?’ ફોન ઉપર અનિતાએ આજીજીપૂર્વક માગણી રજૂ કરી.

જવાબમાં બી.પી.યાદવે એમની સંસ્કૃતિને શોભે એવા વાકયો સંભળાવ્યાં, ‘મેરી બદદુવા હૈ કી તુમ દોંનો કો જિંદગી કી એક ભી ખુશી નસીબ ના હો!’ ફોન કપાઇ ગયો અને સંબંધ પણ.

ુુુ

વડીલોના આશીર્વાદમાં કે બદદુવામાં સાચા પડવાની શકિત રહેલી હશે? લગ્નના ચોથા મહિને અનિતા ગર્ભવતી બની અને બે મહિના પછી એને માથાનો દુખાવો શરૂ થયો.

‘સાંભળો છો?’ અનિતા હવે ખપ પૂરતું ગુજરાતી શીખી ગઇ હતી. એક રાત્રે એણે આઠ બાય દસની શયન-કોટડીમાં પૂરાયા પછી પ્રશાંતને જાણ કરી, ‘મારું માથું સખત દુ:ખે છે. આમ તો બે-ત્રણ દિવસથી દુખ્યા કરે છે, પણ આજે તો એવું લાગે છે જાણે ખોપરીના દસ-બાર ટુકડા થઇ જશે.’

પ્રશાંત ગરીબ પતિ હતો. સારવારની શરૂઆત એણે દવાની દુકાનમાંથી વગર પ્રિસ્ક્રિપ્શને ખરીદેલી દર્દશામક ગોળીઓથી કરી. અઠવાડિયા પછી ના છૂટકે એણે અનિતાને લઇને ફેમિલી ડોકટર પાસે જવું જ પડયું.

ફેમિલી ડોકટર એમ.બી.બી.એસ. હતા અને હોશિયાર હોવાની સાથે-સાથે અનુભવી પણ હતા. અનિતાની ફરિયાદ સાંભળીને તેમજ શારીરિક ચેક-અપ કરીને તરત જ એ ગંભીર બની ગયા, ‘જુઓ પ્રશાંત, હું ચિઠ્ઠી લખી આપું છું. તમારા પત્નીને જરા પણ સમય બગાડયા વગર ન્યુરોલોજિસ્ટ પાસે લઇ જાવ.’

‘પણ શેના માટે એ તો કહો! તમને શું લાગે છે?’ ‘મને જે લાગે છે એ તમારે સાંભળવા જેવું નહીં હોય. એ વાત હું કરું એનાં કરતાં સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ કરે એ બહેતર રહેશે.’

બે દિવસ પછી પ્રશાંત અને અનિતા એક ન્યુરોસજર્યનની સામે બેઠાં હતાં. સજર્યનના હાથમાં અનિતાનો સિટીસ્કેન રિપોર્ટ હતો, ‘મને જણાવતાં દુ:ખ થાય છે… પણ મિ.પ્રશાંત… તમારી પત્નીને મગજમાં મોટી ગાંઠ છે. આમ તો એ ગાંઠ નિર્દોષ છે કે મેલિગ્નન્ટ એ જાણવા માટે એની ‘બાયોપ્સી’ તપાસ કરવી પડશે, પણ જે રીતે દર્દીની તકલીફો તેજ ગતિએ વધતી જાય છે એનાં પરથી મને લાગે છે કે મોટા ભાગે તો એ ગાંઠ કેન્સરની જ હોવી જોઇએ.’

પ્રશાંત હક્કો-બક્કો રહી ગયો. હજુ તો પિતા બનવાના સમાચારની આગાહી તાજી જ હતી, ત્યાં પત્ની ગુમાવવાની સંભાવના સામે આવી ઊભી. આવી ગંભીર બીમારીની જાણ અનિતાનાં માતા-પિતાને તો કરવી જ પડે. અનિતાનાં પપ્પા પણ આખરે પિતા સાબિત થયા. તરત જ દોડી આવ્યા. અને બહુ સારું થયું કે એ દોડી આવ્યા, કારણ કે પ્રશાંતના ખિસ્સામાં તો પૈસા જ કયાં હતા?!

શહેરની એક શ્રેષ્ઠ કક્ષાની કોર્પોરેટ ફાઇવ સ્ટાર હોસ્પિટલમાં અનિતાનો ઇલાજ શરૂ કરવામાં આવ્યો. ડોકટરોએ નિર્ણય કર્યો, ‘અનિતાનું ઓપરેશન કરવું પડશે. ગાંઠ કાઢી નાખવી પડશે. પછી કીમોથેરાપી…’ અહીં બી.પી.યાદવની જડતા આડે આવી, ‘ઔર અનિતા કે પેટ મેં જો બરચા હૈ, ઉસકા કયા?’ ‘અરે, એ બરચાને ભૂલી જાવ, સાહેબ! બે માસના ગર્ભની સામે જોવાનું હોય કે આ બાવીસ વર્ષની અનિતા સામે?’

‘નહીં! મુઝે અનિતા નહીં ચાહિયે, અનિતા કી ઔલાદ ચાહિયે.’ યાદવનો ફેંસલો સાંભળીને ડોકટરની ટુકડી સ્તબ્ધ રહી ગઇ. આ કેવો માણસ કહેવાય! આ ખરેખર આઇ.એ.એસ. થયો હશે? ડોકટરોએ સમજાવવામાં કશું જ બાકી ન રાખ્યું, પણ યાદવ ન માન્યો. દીકરીને લઇને ઘર ભેગો થઇ ગયો. જતાં-જતાં ધમકી આપતો ગયો, ‘મૈં તુમ્હેં દેખ લૂંગા. અગર મેરી બેટી કે બરચે કો કુછ ભી હુઆ, તો મૈં તુમ સબકો કોર્ટ મેં ઘસીટ કે લે જાઉંગા.’

ડોકટરોએ અનિતાનાં કેસ પેપરમાં નોંધ કરી: ‘ડિસ્ચાર્જ્ડ અગેઇન્સ્ટ મેડિકલ એડવાઇસ. બરાબર ત્રણ મહિના પછી બી.પી.યાદવ એમની દીકરીને લઇને ફરીથી એ જ હોસ્પિટલમાં આવી પહોંરયા. અનિતા બેહોશ હતી. એનાં મગજમાં રહેલી ગાંઠે હવે વિશાળ રૂપ ધારણ કરી લીધું હતું. એનું બોલવું, સાંભળવું, જોવું આ તમામ ક્રિયાઓ બંધ થઇ ગઇ હતી. શ્વાસ પણ ધીમો અને ઊંડો ચાલી રહ્યો હતો. અનિતાની જીવાદોરી લંબાવવા માટેનો હવે માત્ર એક જ ઉપાય બરયો હતો, જે ડોકટરોએ યાદવને જણાવી દીધો, ‘શી મસ્ટ અન્ડરગો અર્જન્ટ ઓપરેશન. તમે હા પાડો એટલે એક કલાકમાં શરૂ કરીએ.’

બી.પી.યાદવ હજુ પણ એમની જીદ ઉપર મક્કમ હતા, ‘અનિતા કા દિમાગ કા ઓપરેશન બાદ મેં કરના… પહેલે ઉસકા સિઝેરીઅન કર લો. મુઝે ઉસકા બરચા ચાહિયે.’

‘અરે, મારા સાહેબ! અનિતાનું બરચું હજુ પાંચ જ મહિનાનું છે. એ જીવી નહીં શકે. ઓછામાં ઓછાં બે મહિના પછી એ એટલી મેરયોરિટી એને વજન ધરાવતું થાય કે કદાચ એને બચાવી શકાય, ત્યાં સુધી અનિતા બચી શકે તેમ નથી. એની જિંદગીની ઘડીઓ ગણાય છે.’ ‘કોઇ ફિકર નહીં. મૈં દો મહિને કે બાદ આઉંગા.’ આટલું કહીને યાદવ અનિતાને ઉપાડી ગયા. જમાઇ બિચારો ગરીબ હતો એટલે લાચાર હતો. એ વિરોધ પણ ન કરી શકયો. ડોકટરોને બે દિવસ બાદ સમાચાર મળ્યા અનિતા મૃત્યુ પામી હતી. સાથે એનું ગર્ભસ્થ બરચું પણ. ડોકટરો વિચારી રહ્યા છે કે એક સુશિક્ષિત છતાં જડવાદી બાપ વિરુદ્ધ દીકરીની હત્યાનો મુકદ્દમો માંડી શકાય કે નહીં!

(સત્ય ઘટના) (શીર્ષક પંકિત : રઇશ મનીઆર)

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: